ગુજરાત: ડાયાલિસીસ સેન્ટરોની હડતાળથી દર્દીઓને હાલાકી, PMJAY યોજના મુદ્દે શું છે વિવાદ?

ગુજરાત સરકારે PMJAY અંતર્ગત ડાયાલિસીસના દરમાં 17 ટકાનો ઘટાડી કરતા ડૉક્ટરો નાખુશ છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાત સરકારે PMJAY અંતર્ગત ડાયાલિસીસના દરોમાં 17 ટકાનો ઘટાડો કરતા ડૉક્ટરો નાખુશ છે
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત

"હું સોલા સિવિલ હૉસ્પિટલમાં ડાયાલિસીસ માટે પહોંચ્યો હતો પણ બહુ ભીડ હતી. જેથી મારે ખાનગી હૉસ્પિટલમાં ડાયાલિસીસ કરાવવું પડ્યું. મને એવું જાણવા મળ્યું હતુ કે, ખાનગી હૉસ્પિટલમાં ડાયાલિસીસ સેન્ટરો ઉપર ત્રણ દિવસની હડતાળ છે જેથી સરકારી હૉસ્પિટલમાં ડાયાલિસીસ માટે ભીડ વધી ગઈ છે."

આ શબ્દો સોલા સિવિલ હૉસ્પિટલમાં ડાયાલિસીસ કરવા માટે પહોંચેલા દર્દી જયભાઈના છે.

કીડનીની તકલીફથી પીડાતા જયભાઈને અઠવાડિયામાં ફરજિયાત બે વખત ડાયાલિસીસ કરાવવું પડે છે.

રાજ્ય સરકારે ડાયાલિસીસની સુવિધા પૂરી પાડતી ખાનગી હૉસ્પિટલોમાં PMJAY અંતર્ગત પ્રતિ ડાયાલિસીસ બે હજાર રૂપિયાનો દર 17 ટકા ઘટાડીને લગભગ 1650 રૂપિયા જેટલો દેતાં હૉસ્પિટલો અને ડૉક્ટરો નાખુશ છે અને ત્રણ દિવસ માટે હડતાળ પર ઊતરી ગયા છે.

ડૉક્ટરો અને હૉસ્પિટલોની માગ છે કે ગુજરાત સરકાર અન્ય રાજ્યોની જેમ જ ડાયાલિસીસનો ચાર્જ ચૂકવે.

બીજી બાજુ રાજ્ય સરકારનો દાવો છે કે ડાયાલિસીસ માટે અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં વધુ ચાર્જ ચૂકવાય છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે દરદીઓને સારવાર આપવા માટે ડૉક્ટરો અને હૉસ્પિટલોને વિનંતી કરી છે.

ગ્રે લાઇન

સમગ્ર મામલો શું છે?

ગુજરાત સરકાર ડાયાલિસિસ કરવા માટે રૂ. 1650 રૂપિયા ચૂકવવામાં આવે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાત સરકાર ડાયાલિસિસ કરવા માટે રૂ. 1650 રૂપિયા ચૂકવે છે

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતનાં મોટાં શહેરોમાં આવેલી ખાનગી હૉસ્પિટલોનાં ડાયાલિસીસ સેન્ટરો ઉપર ડાયાલિસીસ કરવા માટે આવતાં મધ્યમવર્ગ અને ગરીબ દર્દીઓને PMJAY અંતર્ગત ડાયાલિસીસ કરવાની સુવિધા આપવામાં આવે છે.

અત્યાર સુધી રાજ્ય સરકારે આ યોજના હેઠળ પ્રતિ ડાયાલિસીસ માટે રૂપિયા 2,000 ચૂકવતી હતી પરંતુ હવે તે રકમ ઘટાડીને રૂ.1650 કરી દીધી છે. આ નિર્ણયનો ગુજરાત નેફ્રોલૉજી ઍસોસિયેશન વિરોધ કરી રહ્યું છે અને ત્રણ દિવસની હડતાળની જાહેરાત કરી છે.

જોકે, આ ત્રણ દિવસમાં દર્દીઓને સામાન્ય હાલાકી ભોગવવી પડી છે. જોકે, એક તરફ ગુજરાત નેફ્રોલૉજી ઍસોસિયેશન આ મુદ્દે નમતું જોખવા તૈયાર નથી તો બીજી તરફ રાજ્ય સરકાર પણ રાજ્યમાં પૂરતી વ્યવસ્થા હોવાથી દર્દીઓને કોઈ તકલીફ નહીં પડે તેવો દાવો કરી રહી છે, પણ આ સમગ્ર વિવાદ આગામી દિવસોમાં શાંત પડે તેવા સંજોગો દેખાતા નથી.

કિડનીના દર્દી પીયૂષ પરદેશીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "મને વર્ષ 2017થી કિડની બીમારી છે, હું છેલ્લાં છ વર્ષથી અઠવાડિયામાં બે દિવસ ડાયાલિસીસ કરાવું છું. જે દર્દીઓને ડાયાલિસીસ કરાવવું પડતું હોય તે દર્દીઓની ખરાબ હોય છે. ત્યારે આવા સમયે ડૉક્ટરોએ આ પ્રકારની હડતાલ કરી દર્દીઓને પરેશાન કરવા જોઈએ નહીં."

"ડૉક્ટરોએ પોતાની માગ માટે જીદ ન કરવી જોઈએ. જે દર્દીઓ PMJAY અંતર્ગત ડાયાલિસીસ કરાવતા હોય તેઓની આર્થિક સ્થતિ સારી હોતી નથી. આવા સમયે તેમણે બહાર ડાયાલિસીસ કરાવવું પડે તો તેમની માટે મુશ્કેલી સર્જાય છે. તેમજ પરિવારે પણ આ અંગે હાલાકી ભોગવવી પડે છે."

ગ્રે લાઇન

ગુજરાતમાં 1.28 લાખ દર્દીઓને ડાયાલિસીસ કરાવવું પડે છે

ગુજરાતમાં 1.28 લાખ દર્દીઓને અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વાર ડાયાલિસિસ કરાવવાની જરૂરિયાત પડે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં 1.28 લાખ દર્દીઓને અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વાર ડાયાલિસીસ કરાવવાની જરૂરિયાત પડે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાત નેફ્રોલૉજી ઍસોસિયેશન અનુસાર ગુજરાતમાં 1.28 લાખ કિડનીના દર્દીઓ છે. જેઓને અઠવાડિયામાં બે કે ત્રણ વાર ડાયાલિસીસ કરાવવું પડે છે.

નેફ્રોલૉજી ઍસોસિયેશનના મીડિયા કન્વીનર ડૉ. ઉમેશ ગોધાનીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "ગુજરાત રાજ્યમાં વાર્ષિક 1.3 કરોડ ડાયાલિસીસ થાય છે. જે પૈકીનાં 1.2 કરોડ (78%) ડાયાલિસીસ PMJAY અંતર્ગત ખાનગી હૉસ્પિટલો દ્વારા કરવામાં આવે છે.''

''ગુજરાત સરકાર દ્વારા ગત તા. 11 જુલાઈથી PMJAY અંતર્ગત ડાયાલિસિસ ચાર્જીસમાં ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લાં 8 વર્ષથી ગુજરાત સરકાર દ્વારા ડાયાલિસિસ દીઠ બે હજાર રૂપિયા ચૂકવવામાં આવતા હતા. હવે આ ચાર્જમાં 17% ઘટાડો કરી રૂ.1650 કરી દેવાયો છે.''

તેઓ વધુમાં જણાવે છે કે આ અંગે ગુજરાત નેફ્રોલૉજી ઍસોસિયેશનના પ્રતિનિધિઓ દ્વારા રાજ્ય સરકારના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ તેમજ PMJAYના અધિકારીઓને રજૂઆત કરી હતી. ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન દ્વારા પણ અંગે અમને સમર્થન જાહેર કર્યું છે.

''આ અંગે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત કર્યાના એક મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં આ અંગે કોઈ ઉકેલ લવાયો નથી. જેથી અમે તા. 14 ઑગસ્ટથી તા. 16 ઑગસ્ટ સુધી હડતાલ પાડવાનો નિર્ણય લીધો હતો."

તેઓ વધુમાં જણાવે છે કે, "અમારી હડતાળના કારણે દર્દીઓએ હાલાકી ન ભોગવી પડે તે માટે અમે રવિવારે પણ મોટા ભાગનાં ડાયાલિસીસ કર્યાં હતાં. સોમવારે હડતાલ હોવા છતાં અમે પ્રાઇવેટમાં 100થી વધું ડાયાલિસીસ કર્યાં છે, પરંતુ તે PMJAY અંતર્ગત નહીં, પરંતુ અમારા ખર્ચે કર્યાં છે. દર્દીઓ પાસે પૈસા લીધા નથી. મંગળવારે પણ અમે 1500 જેટલાં ડાયાલિસીસ કર્યાં છે. આ ડાયાલિસીસ પણ અમે અમારા ખર્ચે કર્યાં છે."

ગુજરાત નેફ્રોલૉજી ઍસોસિયેશન અનુસાર ગુજરાતમાં 1.28 લાખ દર્દીઓને અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વાર ડાયાલિસીસ કરાવવાની જરૂરિયાત પડે છે. જેમાંથી માત્ર 28 હજાર દર્દીઓનું જ સરકારી ડાયાલિસીસ સેન્ટરમાં ડાયાલિસીસ થાય છે. 1 લાખ જેટલા દર્દીઓનું પ્રાઇવેટમાં ડાયાલિસીસ કરવામાં આવે છે.

ડૉ. ઉમેશ ગોધાનીએ વધુમાં જણાવ્યું હતું કે "રાજસ્થાન, છત્તીસગઢ અને અન્ય રાજ્યોમાં PMJAY હેઠળ પ્રત્યેક ડાયાલિસીસનો દર રૂ. 2100 છે. ગુજરાત સરકાર દ્વારા નેશનલ હેલ્થ ઑથૉરિટીની ગાઇડલાઇનની વાત કરવામાં આવે છે તો નેશનલ હેલ્થ ઑથૉરિટી દ્વારા પણ પ્રતિ ડાયાલિસીસ રૂપિયા 2,200 ( 1500 + 700 EPO ઇન્જેક્શન) આપવામાં આવે છે, જેમાં ટ્રાન્સપૉર્ટેશન આપવામાં આવતું નથી.''

"ગુજરાત નેફ્રોલૉજી ઍસોસિયેશનની માગણી છે કે NHA (નેશનલ હેલ્થ ઑથૉરિટી)ની ગાઇડલાઇન મુજબ તેમજ અન્ય રાજ્યોની જેમ રૂ. 2,500નું (1500+ 700 EPO ઇન્જેક્શન+300 દર્દીના ટ્રાન્સપૉર્ટેશન ખર્ચ) ડાયાલિસીસ પૅકેજ આપવામાં આવે. તેમની બીજી માગણી છે કે NHA અને મિનિસ્ટ્રી ઑફ હેલ્થ એન્ડ ફૅમિલી વેલ્ફેરની ગાઇડલાઇન મુજબ ફિલ્ટર રીયૂઝ કરવાની છૂટ આપવામાં આવે."

ગ્રે લાઇન

સરકારનો શો તર્ક છે?

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

ઇમેજ સ્રોત, Facebook/Rushikesh Patel

ઇમેજ કૅપ્શન, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

રાજ્ય સરકારના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "એનએચએ દ્વારા દેશમાં ડાયાલિસીસના ભાવ નક્કી કરાયા છે. દેશમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર વગેરે રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં વધારે ભાવ ચૂકવવામાં આવે છે. એનએચએ દ્વારા 1500 રૂપિયા નક્કી કરાયા હોવા છતાં ગુજરાત સરકાર દ્વારા પ્રતિ ડાયાલિસીસ રૂ. 1650 રૂપિયા ચૂકવવામાં આવે છે. સરકારી હૉસ્પિટલો પણ રૂ. 1650 રૂપિયામાં જ ડાયાલિસીસ કરે છે. તેઓ પણ સિંગલ ડાયાલાઇઝર યૂઝ કરે છે."

તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યનાં ગામડાં અને શહેરોમાં 280 જેટલાં ડાયાલિસીસ સેન્ટરોનું માળખું ઊભું કરવામાં આવ્યું છે.

ગાંધીનગર ખાતે પત્રકારપરિષદ સંબોધતા રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, "PMJAY અંતર્ગત ઍમ્પેનલ્ડ હૉસ્પિટલ માટે રાજ્ય સરકારે રૂ.1650 પ્રતિ ડાયાલિસીસ તેમજ રૂ. 300 દર્દીને ડાયાલિસીસ માટે આવવા-જવાનું ભાડું આમ કુલ રૂ. 1950 નક્કી કર્યા છે. નેશનલ હેલ્થ ઑથૉરિટી પ્રમાણે દેશનાં અન્ય રાજ્યોમાં PMJAY અંતર્ગત ઍમ્પેનલ્ડ હૉસ્પિટલમાં ડાયાલિસીસ માટે અપાતી રકમ સરેરાશ રૂ.1500 છે.''

''ડાયાલિસીસ કરાવતા રાજ્યના એક પણ દર્દીને હાલાકી ભોગવવી પડે નહીં તેવું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. એ-વન ડાયાલિસીસ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારે તાલુકા સ્તર સુધી કુલ 272 જેટલાં નિ:શુલ્ક ડાયાલિસીસ કેન્દ્રો કાર્યરત કર્યાં છે. રાજ્યની સિવિલ હૉસ્પિટલ્સમાં પણ નિ:શુલ્ક ડાયલિસીસની સેવા આપવામાં આવી રહી છે.''

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "રાજ્યમાં સરેરાશ પ્રતિમાસ એક લાખ જેટલાં ડાયાલિસીસ આ કેન્દ્રો પર કરવામાં આવે છે. PMJAY ઍમ્પેનલ્ડ હૉસ્પિટલમાં ડાયાલિસીસના પ્રવર્તમાન દર દેશનાં અન્ય રાજ્યોમાં આપવામાં આવતા સરેરાશ દર કરતાં પણ વધારે છે. રાજ્યમાં કોઈ પણ દર્દીને આયુષ્માન યોજના અતંર્ગત ડાયાલિસીસ કરાવવામાં અગવડ પડે તો તેની ફરિયાદ અને જરૂરી માહિતી માટે રાજ્ય સરકારે 1800 233 1022 /9059191905 હેલ્પલાઇન સેવા શરૂ કરી છે."

ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝિસ ઍન્ડ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર અને હેડ ઑફ ધ ડિપાર્ટમૅન્ટ ડૉ. વિનીત મિશ્રાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "આઈકેડીઆરસી અને રાજ્ય સરકારના સહયોગથી રાજ્યમાં 272 જગ્યા ઉપર ડાયાલિસીસ સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં છે. જેમાંથી 40 સેન્ટર છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ જેવા અંતરિયાળ વિસ્તારોમાં ઊભાં કરવામાં આવ્યાં છે. અગરિયાઓ માટે કોસ્ટલ એરિયામાં 33 સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં છે. નેફ્રોલૉજિસ્ટ ડૉક્ટરો દ્વારા સરકારને બાનમાં લેવા માટે આ હડતાલ કરવામાં આવી છે.''

રેડ લાઇન
રેડ લાઇન