ઇઝરાયલ-હમાસ વચ્ચે ડીલ, 50 ઇઝરાયલી બંધકોને મુક્ત કરાશે, ચાર દિવસ યુદ્ધ અટક્યું

ઇઝરાયલ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

પ્રકાશિત

હમાસ અને ઇઝરાયલ વચ્ચે બંધકોના છુટકારા અને યુદ્ધવિરામ અંગે સમજૂતીની જાહેરાત કરી દેવાઈ છે.

ઇઝરાયલની કૅબિનેટે 50 બંધકોની મુક્તિ માટે હમાસ સાથેની આ સમજૂતીને મંજૂરી આપી દીધી છે.

આ સમજૂતી અંતર્ગત વધારાના દસ બંધકોની મુક્તિ પર યુદ્ધવિરામ વધુ એક દિવસ સુધી વધારી દેવાશે.

ઇઝરાયલની કૅબિનેટે મંગળવારે સાંજે થયેલી એક લાંબી બેઠક બાદ આ સમજૂતીને મંજૂરી આપી છે. કૅબિનેટની આ બેઠક બુધવાર સવાર સુધી ચાલી હતી.

હમાસે 7 ઑક્ટોબરના રોજ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 1,200 કરતાં વધુ ઇઝરાયલી નાગરિકોનાં મૃત્યુ થયાં હતાં અને 200 કરતાં વધુને બંધક બનાવી લેવાયા હતા.

આ હુમલા બાદ ઇઝરાયલે ગાઝામાંથી હમાસનો સફાયો કરવાના ઉદ્દેશ સાથે ગાઝા પર હુમલા શરૂ કરી દીધા હતા.

ગાઝા પર 46 દિવસથી ઇઝરાયલના હુમલા ચાલુ છે અને ઇઝરાયલી સૈન્ય ગાઝામાં મોટું જમીન પરનું સૈન્ય અભિયાન ચલાવી રહ્યું છે.

હમાસે શું જણાવ્યું?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે ઇઝરાયલના સૈન્ય અભિયાનમાં અત્યાર સુધી 14 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાં પાંચ હજાર કરતાં વધુ બાળકો સામેલ છે.

આ દરમિયાન હમાસે જણાવ્યું કે ઇઝરાયલી બંધકો બદલે ઇઝરાયલની જેલોમાંથી 150 પેલેસ્ટાઇનિયનોને મુક્ત કરાશે.

પેલેસ્ટાઇન સૂચના કેન્દ્ર તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં જણાવાયું છે કે 150 પેલેસ્ટાઇનિયનો બદલે 50 ઇઝરાયલી બંધકોને મુક્ત કરાશે.

આ સમજૂતી અંતર્ગત રાહતસામગ્રી અને દવા લઈને આવનારી ટ્રકોને ગાઝામાં પ્રવેશવાની પરવાનગી અપાશે. હમાસ પ્રમાણે ઈંધણનેય ગાઝામાં આવવા દેવાશે.

હમાસની તરફથી અપાયેલા નિવેદનમાં કહેવાયું છે કે સંઘર્ષવિરામ દરમિયાન ઇઝરાયલ ગાઝામાં ન તો હુમલા કરશે અને ના કોઈની ધરપકડ કરશે.

હમાસ પ્રમાણે સંઘર્ષવિરામ દરમિયાન દક્ષિણ ગાઝા પર ઍર ટ્રાફિક સંપૂર્ણપણે રોકાઈ જશે જ્યારે ઉત્તર ગાઝામાં સવારે દસ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી ઍર ટ્રાફિક બંધ રહેશે.

હજુ વધુ બંધકોની મુક્તિનો રસ્તો ખૂલશે

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જેરુસલેમમાં રહેલા બીબીસી મધ્યપૂર્વ સંવાદદાતા યોલાંડે નેલ પ્રમાણે આ સમજૂતી એવી રીતે તૈયાર કરાઈ છે કે જેથી આગળ પણ વધુ બંધકોની મુક્તિ માટેનો રસ્તો સાફ થઈ શકે.

સમજૂતી અંગે શરૂઆતમાં હમાસ 50 મહિલા અને બાળ બંધકોને અલગ-અલગ મુક્ત કરાશે.

ઇઝરાયલની સરકાર પ્રમાણે દરેક વધારાના દસ બંધકોની મુક્તિ પર યુદ્ધવિરામ એક દિવસ લંબાવી દેવાશે.

ઘણા બંધકોના પરિવાર આ શરતને મહત્ત્વપૂર્ણ માની રહ્યા છે. બીબીસી સંવાદદાતા સાથે વાત કરતા કેટલાક બંધકોના પરિવારજનોએ કહેલું કે તેઓ નથી ઇચ્છતા કે કોઈ આંશિક સમજૂતી થાય.

એવું પણ મનાઈ રહ્યું છે કે જે 50 બંધકોને મુક્ત કરાઈ રહ્યા છે, તેમાં ઇઝરાયલના નાગરિક અને બેવડી નાગરિકતાવાળા લોકો સામેલ હશે.

તેમજ અમેરિકાને આશા છે કે 50 કરતાં વધુ બંધકોને મુક્ત કરી શકાય છે.

અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે તેમને આશા છે કે 50 કરતાં વધુ બંધકોને મુક્ત કરાશે.

અમેરિકા પ્રમાણે એક ચાર વર્ષીય અમેરિકન બંધક મુક્ત થાય એવી આશા છે.

અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે તેમને આશા છે કે ઓછામાં ઓછા ત્રણ અમેરિકન બંધક આ સમજૂતી અંતર્ગત મુક્ત થશે જેમાં એક ચાર વર્ષીય બાળક પણ છે.

મીડિયા સાથેની વાતચીતમાં અમેરિકન અધિકારીઓએ કહ્યું કે, “અબીગેલ, જે શુક્રવારે ચાર વર્ષની થશે, એ હવે મુક્ત થવા જઈ રહી છે, અબિગેલનાં માતાપિતા હમાસના હુમલામાં મૃત્યુ પામ્યાં હતાં.”

અમેરિકન અધિકારીઓ પ્રમાણે બંધકોને ચાર-પાંચ દિવસની અંદર છોડી મુકાશે.

અમેરિકાએ ભજવી મહત્ત્વપૂર્ણ ભૂમિકા

ગાઝા

ઇમેજ સ્રોત, GETTY IMAGES

એવું મનાઈ રહ્યું છે કે આ સમજૂતી કરાવવામાં અમેરિકાએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

અમેરિકાના વિદેશવિભાગ પર નજર રાખતાં બીબીસીનાં પત્રકાર બારબરા પ્લેટ અશર પ્રમાણે આ સમજૂતી કરાવવામાં અમેરિકાની મોટી ભૂમિકા રહી છે.

અમેરિકન વિદેશમંત્રી એન્ટની બ્લિંકન, સીઆઇએના પ્રમુખ અને ખુદ રાષ્ટ્રપતિ જો બાઇડન આ સમજૂતી કરાવવામાં સામેલ રહ્યા છે.

અમેરિકન નેતાઓએ કતાર અને ઇઝરાયલ સાથે સતત વાતચીત કરી જેથી સમજૂતીને અંતિમ સ્વરૂપ આપી શકાય.

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ બાઇડનને ધન્યવાદ કરતાં કહ્યું છે કે તેમણે શરતોમાં સુધારો કર્યો જેથી ‘ઓછી કીમતે વધુ બંધકો’ને છોડાવી શકાય.

અમેરિકાનાં ખુદનાં હિત પણ આ સમજૂતી સાથે જોડાયેલાં છે, દસ અમેરિકાનો ગુમ છે અને એવું મનાઈ રહ્યું છે કે તેમને બંધક બનાવીને રખાયા છે.

અમેરિકા ગાઝા પહોંચતી રાહતસામગ્રી વધારવા પર પણ ભાર મૂકતું રહ્યું છે, જેમાં ઈંધણનો પણ સમાવેશ થાય છે.

અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે તેમને આશા છે કે યુદ્ધ રોકાવાથી ગાઝા પહોંચતી માનવીય મદદમાં વધારો થશે.

ઇઝરાયલની સરકારે શું કહ્યું?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, @NETANYAHU

ઇઝરાયલની સરકાર તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવાયું છે કે ઇઝરાયલની સરકાર તમામ બંધકોને પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે.

નિવેદનમાં કહેવાયું, “ઇઝરાયલ સરકાર, આઇડીએફ (સૈન્ય) અને સંરક્ષણ સેવાઓ યુદ્ધ ચાલુ રાખશે જેથી તમામ બંધકોને પરત લાવવા અને હમાસને સંપૂર્ણપણે ખતમ કરવાનું સુનિશ્ચિત કરી શકાય, તેમજ ગાઝાથી ઇઝરાયલને ભવિષ્યમાં કોઈ ખતરો ન રહે.”

ઇઝરાયલ અને હમાસ વચ્ચે બંધકોની મુક્તિ માટે થયેલી સમજૂતી સાથે સંબંધિત જાણકારીઓ ઘણા દિવસોથી મીડિયામાં આવી રહી હતી.

હવે ઇઝરાયલની સરકારે આ સમજૂતી પર મહોર મારી દીધી છે અને 46 દિવસ બાદ ગાઝામાં હિંસા રોકાવાનો રસ્તો સાફ થયો છે.

આ દરમિયાન મંગળવારે બ્રિક્સ દેશોના એક અસાધારણ વર્ચુઅલ સંમેલનમાં ગાઝામાં તરત સંઘર્ષવિરામ લાગુ કરવાની અપીલ કરાઈ હતી.

આ યુદ્ધમાં થઈ રહેલા ભીષણ વિનાશ અને ભારે સંખ્યામાં સામાન્ય લોકોનાં મૃત્યુના કારણે ઇઝરાયલ પર યુદ્ધ રોકવા માટે આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું હતું.

આ દરમિયાન મંગળવારે એમએસએફ (ડૉક્ટર્સ વિધાઉટ બૉર્ડર્સ)એ કહ્યું છે કે ઉત્તર ગાઝાની અલ-ઔદા હૉસ્પિટલ પરના હુમલામાં તેમની સાથે કામ કરનારા ત્રણ ડૉક્ટરોનાં મૃત્યુ થયાં હતાં.

તેમજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું કે એક અન્ય હુમલામાં તેમનાં એક યુવાન કર્મચારીનું પરિવાર સહિત મૃત્યુ નીપજ્યું હતું.

લેબનનની ટીવી ચેનલ અલ-માયાદીનનું કહેવું છે કે લેબનન-ઇઝરાયલ બૉર્ડર પર થયેલા એક હવાઈ હુમલામાં તેના બે પત્રકારોનાં મૃત્યુ થયાં છે. ઇઝરાયલ-હમાસ યુદ્ધ શરૂ થયા બાદથી અત્યાર સુધી 50 કરતાં વધુ પત્રકારોનાં મૃત્યુ થયાં છે.

તેમજ ઇઝરાયલના સૈન્યે ગાઝામાં પોતાના સૈન્ય અભિયાનની આગળ વધવાની જાહેરાત કરતા કહ્યું છે કે તેના સૈન્યે જબીલિયા કૅમ્પ વિસ્તારને ઘેરી લીધો છે અને ત્યાં સૈન્ય અભિયાન શરૂ કરાશે.

રેડ લાઇન
રેડ લાઇન