ગુજરાત પાસે નવી સિસ્ટમ બની, હવે કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામી ગયું છે. થોડા સમયના વિરામ બાદ ગુજરાતના વિવિધ જિલ્લામાં ફરી વરસાદ શરૂ થયો છે.
લગભગ છેલ્લા બે સપ્તાહથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટી ગયા પછી ચોમાસું ફરીથી સક્રિય થયું છે અને સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના બુલેટિન અનુસાર પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં કેટલીક જગ્યાએ હવે ભારે વરસાદ પડવાની શક્યતા છે.
છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં અમુક સ્થળો પર ભારે વરસાદ પડ્યો છે.
આ અહેવાલમાં જાણીએ હવામાન વિભાગની આગાહી શું છે અને કયા જિલ્લામાં વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે નવી સિસ્ટમ બાદ શું આગાહી કરી?
ગુજરાતની આસપાસ એક નવી રચાયેલી સિસ્ટમથી રાજ્યમાં વરસાદની શક્યતા જોવાઈ રહી છે.
હવામાન વિભાગ મુજબ પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાનની નજીકના વિસ્તારમાં વેલ માર્ક્ડ લૉ પ્રેશરની રચના થઈ છે. તે હજુ પશ્ચિમ દિશામાં આગળ વધે અને આગામી 12 કલાકમાં આ સિસ્ટમ નબળી પડીને લૉ પ્રેશર એરિયામાં ફેરવાઈ જાય તેવી શક્યતા છે.
ગુજરાત સરકારના રાહત પોર્ટલ અનુસાર અત્યાર સુધીમાં ગુજરાતમાં 471.85 મિમી વરસાદ નોંધાયો છે, જે ગયા વર્ષે 21 જુલાઈ સુધીમાં 358.70 મિમી નોંધાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 52.51 ટકા વરસાદ પડી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 19 જિલ્લામાં વરસાદ પડ્યો છે, જેમાં વડોદરા સૌથી આગળ છે. ગયા વર્ષે 21 જુલાઈ સુધીમાં સિઝનનો 40.62 ટકા વરસાદ પડ્યો હતો તેની તુલનામાં આ વખતે 12 ટકા વધારે વરસાદ નોંધાયો છે.
રાહત પોર્ટલ મુજબ ગુજરાતના 46 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં નાના મોટા 207 ડૅમ છે જેમાંથી અત્યાર સુધીમાં 28 ડૅમ છલકાઈ ગયા છે. તેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધારે 16 ડૅમ છલકાયા છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં બે, દક્ષિણ ગુજરાતમાં પાંચ, કચ્છના પાંચ ડૅમ છલકાયા છે. ગુજરાતમાં સૌથી મોટો સરદાર સરોવર ડૅમ હજુ 49 ટકા ભરાયો છે.
ગુજરાતના કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે?

ઇમેજ સ્રોત, IMD
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 21 જુલાઈ, સોમવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આ દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિકલાક રહેવાની શક્યતા છે.
22 અને 23 જુલાઈએ પણ આ તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
24 જુલાઈએ રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં વરસાદની આગાહી છે.
તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિકલાક રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં ક્યાં કયાં વરસાદ પડ્યો?
આજે અને ગઈ કાલથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે જેમાં અમદાવાદમાં વહેલી સવારે વરસાદનું એક જોરદાર ઝાપટું આવી ગયું હતું.
જૂનાગઢમાં ગિરનાર પર્વતના વિસ્તારમાં રવિવારે ધોધમાર વરસાદ પડ્યો હતો અને માત્ર બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો જેના કારણે દામોદર કુંડ પર મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા.
સુરેન્દ્રનગરમાં પણ લાંબા વિરામ પછી રવિવારે વરસાદનું આગમન થયું હતું અને સાંજના સમયે વરસાદ પડતા લોકોએ ઠંડક અનુભવી હતી.
રાજકોટના ધોરાજી પંથકમાં રવિવારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ હતી. આ વરસાદના કારણે મગફળી, સોયાબીન અને કપાસના પાકને ફાયદો થવાની શક્યતા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























