વિજય માલ્યા અને લલિત મોદીના વાઇરલ વીડિયો પર ભારતે કહ્યું - 'ભાગેડુઓને પાછા લાવવા...' – ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

દારૂના ઉદ્યોગપતિ વિજય માલ્યા અને ભૂતપૂર્વ આઇપીએલ કમિશનર લલિત મોદીના તાજેતરના વાઇરલ વીડિયો અંગે ભારત સરકારે કહ્યું છે કે તે તેમને દેશમાં પાછા લાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "ભારત સરકાર દેશમાંથી ભાગી ગયેલા અને કાયદાથી બચી ગયેલા તમામ ભાગેડુઓને પાછા લાવવા માટે પ્રતિબદ્ધ છે."

તેમણે કહ્યું, "આ સંદર્ભે ઘણા દેશો સાથે ચર્ચા ચાલી રહી છે અને હું તમને ખાતરી આપવા માગું છું કે અમે તેમને ભારત પાછા લાવવા માટે સંપૂર્ણપણે દૃઢ અને પ્રતિબદ્ધ છીએ."

લલિત મોદી અને વિજય માલ્યાના તાજેતરના વાઇરલ વીડિયો અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે આ નિવેદન આપ્યું હતું.

શું છે આખો મામલો?

લલિત મોદીએ લંડનમાં વિજય માલ્યાના 70મા જન્મદિવસની પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કર્યો હતો.

વીડિયોમાં લલિત મોદીએ પોતાને અને વિજય માલ્યાને ભારતના "બે સૌથી મોટા ભાગેડુ" ગણાવ્યા હતા.

સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, વીડિયોમાં લલિત મોદી કહેતા સંભળાય છે કે, "આપણે બે ભાગેડુ છીએ, ભારતના સૌથી મોટા ભાગેડુ."

33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', ગુજરાતના વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું?

ગુજરાતના રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં વાઘની હાજરી નોંધાયા બાદ નૅશનલ ટાઇગર કન્ઝર્વેશન ઑથોરિટી (NTCA)એ રાજ્યમાં અભ્યાસ કરીને પોતાના પ્રારંભિક રિપોર્ટમાં ગુજરાતમાં વાઘની હાજરીની પુષ્ટિ કરી છે.

આ વિશે રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે "એનટીસીએનો ગુજરાતના વન વિભાગને કોઈ પત્ર મળ્યો નથી પરંતુ તેણે ગુજરાતમાં જે અભ્યાસ કરીને રિપોર્ટ તૈયાર કર્યો છે તેમાં રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરીની પુષ્ટિ કરી છે. દેશમાં વાઘની ગણતરી કરવામાં ગુજરાતનો સમાવેશ થયો છે. જે દરેક ગુજરાતી માટે ગર્વની વાત છે."

તેમણે કહ્યું કે રાજ્યમાં વાઘનો વસવાટ થાય તે માટેનું જૈવ-પરિસર તૈયાર કરવા માટે રાજ્યનો વન વિભાગ પહેલાથી જ પ્રયત્ન કરી રહ્યો છે.

તેમણે વધુમાં કહ્યું, "ભવિષ્યમાં રતનમહાલ ટાઇગર રિઝર્વ જાહેર કરવામાં આવે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે. વાઘની વસ્તીમાં વધારો થાય તે માટે માદા વાઘ લાવવાના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે."

તેમણે દાવો કર્યો કે ગુજરાત દેશનું પહેલું રાજ્ય બન્યું છે જ્યાં બિલાડીના કૂળની મુખ્ય ત્રણ પ્રજાતિ- સિંહ, વાઘ અને દીપડાની હાજરી છે.

વિજય હજારે ટ્રૉફી : રોહિત શર્માએ કેટલા રન બનાવ્યા?

જયપુરમાં વિજય હજારે ટ્રૉફીની એક મૅચમાં બૅટ્સમૅન રોહિત શર્મા મુંબઈ ટીમ તરફથી ઓપનિંગ કરવા માટે ઉતર્યા હતા. આ મૅચ ઉત્તરાખંડ સામે રમાઈ રહી છે.

જોકે, રોહિત આ મૅચમાં કોઈ કમાલ ન દેખાડી શક્યા. તેઓ પહેલી જ બૉલમાં ખાતું ખોલ્યા વગર આઉટ થઈ ગયા.

આ મૅચમાં શાર્દુલ ઠાકુર મુંબઈ ટીમના કૅપ્ટન છે.આ ટ્રૉફીની અન્ય એક મૅચમાં દિલ્હીની ટીમ તરફથી રમતા વિરાટ કોહલીએ 61 બૉલમાં 77 રન બનાવ્યા. ગુજરાત સામેની આ મૅચ બૅંગ્લુરુમાં રમાઈ રહી છે.

ભારતની ડૉમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ વિજય હજારે ટ્રૉફીમાં હાલમાં કેટલાક બૅટ્સમૅનોએ સારા એવા રન બનાવ્યા છે અને તેની ચર્ચા પણ થઈ રહી છે.

કેટલાક દિવસો પહેલા વિજય હજારે ટ્રૉફીમાં બિહારની ટીમે 50 ઓવરમાં 574 રન બનાવ્યા હતા.

કાશ્મીર : અલગતાવાદી નેતા મીરવાઇઝ ઉમર ફારુકે પોતાના સોશિયલ મીડિયા હૅન્ડલમાં કયો ફેરફાર કર્યો?

મીરવાઇઝ ઉમર ફારુકે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સના પોતાના પ્રોફાઇલમાં 'હુર્રિયત ચૅરમૅન'નું પદ હઠાવી લીધું છે.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, કાશ્મીર ખીણના મુખ્ય ધર્મગુરુ અને નરમપંથી અલગતાવાદી નેતા મીરવાઇઝ ઉમર ફારૂકે ગુરુવારે સાંજે પોતાના વૅરિફાઇડ ઍક્સ પ્રોફાઇલમાંથી "ઑલ પાર્ટી ર્હુર્રિયત કૉન્ફરન્સના ચૅરમૅન'નું પદ હઠાવી દીધું છે.

મીરવાઇઝના ઍક્સ હૅન્ડલ પર દેખાતા નવા બાયૉમાં માત્ર તેમનું નામ અને લોકેશનની જાણકારી છે. ઍક્સ પર તેમના બે લાખ કરતાં વધારે ફૉલોઅર્સ છે.

મીરવાઇઝ, જેમના સંગઠન 'આવામી ઍક્શન કમિટી' પર કેન્દ્ર સરકારે આતંકવાદ વિરોધી કાયદા અંતર્ગત પ્રતિબંધ લગાવી દીધો છે.

ટ્રેનમાં આજથી લાગુ થશે નવું ભાડું, કઈ મુસાફરી થશે મોંઘી?

રેલવેમાં શુક્રવારથી ઘણી શ્રેણીઓમાં નવું ભાડું લાગુ થઈ રહ્યું છે. રેલવેએ હાલમાં જ યાત્રી ભાડાના દરમાં વધારો કર્યો છે.

રેલવે તરફથી આપવામાં આવેલા અપડેટ અનુસાર, જનરલ ક્લાસના ભાડામાં 215 કિલોમીટર સુધી કોઈ વધારે નથી કરાયો, આનાથી વધારે અંતર માટે પ્રતિ કિલોમીટર એક પૈસા જેટલું ભાડું વધારવામાં આવ્યું છે.

એટલે હવે જો તમે 300 કિલોમીટરની યાત્રા કરશો તો 85 કિલોમીટર માટે તમારે અતિરિક્ત 85 પૈસા ચૂકવવા પડશે. સ્લીપર ક્લાસમાં ભાડામાં પ્રતિ કિલોમીટર એક પૈસાની વૃદ્ધિ પણ લાગુ થઈ ગઈ છે.

આની સાથે જ મેલ/ઍક્સપ્રેસ ટ્રેનોમાં નૉન એસી ક્લાસના ભાડામાં પણ બે પૈસા પ્રતિ કિલોમીટર જેટલો વધારો કરવામાં આવ્યો છે. એટલે 300 કિલોમીટરની યાત્રા કરવા પર 600 પૈસા ( છ રૂપિયા) વધારે ચૂકવવા પડશે.

નૉન એસી ક્લાસમાં 500 કિલોમીટર કે તેનાથી વધારે સફર કરવા પર ભાડું મહત્તમ 10 રૂપિયા વધારે આપવું પડી શકે છે. રેલવેએ જણાવ્યું છે કે તેનાથી તેને 600 કરોડ રૂપિયાની નવી આવક થશે.

જોકે સબઅર્બન ટ્રેનો અને સિઝન ટિકિટનું ભાડું બદલાયું નથી. જે લોકોએ આ પહેલાં ટિકિટ લઈ લીધી છે તેની પાસે પણ કોઈ વધારાનો ચાર્જ વસુલવામાં નહીં આવે.

કચ્છમાં વહેલી સવારે 4.4ની તીવ્રતાનો ભૂકંપ

સમાચાર એજન્સી એએનઆઇએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર ટ્વીટ કરીને શુક્રવારે વહેલી સવારે ગુજરાતના કચ્છ જિલ્લામાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હોવાનું જણાવ્યું છે.

નૅશનલ સેન્ટર ફૉર સીસ્મોલૉજીને ટાંકીને એએનઆઇએ આ માહિતી આપી હતી.

શુક્રવારે વહેલી સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ આ ભૂકંપ અનુભવાયો હતો.

નોંધનીય છે કે ગુજરાતનો કચ્છ જિલ્લો અને આસપાસના કેટલાક વિસ્તારોમાં ઘણી વાર ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે.

જોકે, કેટલીક વાર આ આંચકા ભારે વિપત્તીમાં પણ પરિણમે છે.

આ પહેલાં કચ્છમાં 26 જાન્યુઆરી 2001ના રોજ રિક્ટર સ્કેલ પર 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને ભચાઉમાં એનું કેન્દ્રબિંદુ હતું.

કચ્છનો એ ભૂકંપ ભારત અને વિશ્વના સૌથી ભયાનક ભૂકંપો પૈકી એક મનાય છે, જેમાં 20 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા અને લગભગ દસ લાખ લોકો બેઘર બની ગયા હતા.

આ ભૂકંપમાં ભૂજ સહિત કચ્છનાં કેટલાંય શહેરોમાં ભારે વિશાન વેરાયો હતો. તો 8,000થી વધુ ગામડાંમાં મોટા પાયે નકુસાન થયું હતું.

કૅલિફોર્નિયામાં ભારે વરસાદથી તબાહી, ત્રણનાં મોત

અમેરિકાના કૅલિફોર્નિયામાં ભારે વરસાદ અને પૂરને કારણે નાતાલની રાત સુધી ત્રણ લોકોનાં મૃત્યુ થયાં.

સ્થાનિક અધિકારીઓ અનુસાર, કૅલિફોર્નિયાના મોટા ભાગના વિસ્તારમાં ભારે વરસાદથી પૂર અને ભૂસ્ખલન થયાં છે.

શુક્રવાર સુધી ધોધમાર વરસાદ રહેવાની આગાહી પહેલાંથી જ કરી દેવાઈ હતી. લૉસ એન્જલસ કાઉન્ટીના અમુક વિસ્તારોમાં 27 સેન્ટિમીટર સુધી વરસાદ પડ્યો છે, જેના કારણે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પડ્યા અને વિસ્તારની મુખ્ય સડકો બંધ થઈ ગઈ.

અહીં આપાતકાલીન બચાવ દળે સ્થિતિનો સામનો કરવા માટે ઘણાં બચાવ અભિયાન ચલાવવાં પડ્યાં.

આ દરમિયાન પૂરનાં પાણીમાં અટકેલી ગાડીઓમાં ફસાયેલા લોકોનેય બચાવાયા. કૅલિફોર્નિયાના ગવર્નર ન્યૂઝોમે બુધવારે લૉસ એન્જલસ અને દક્ષિણ કૅલિફોર્નિયાની અન્ય કાઉન્ટીઓમાં કટોકટી જાહેર કરી છે.

રશિયા-યુક્રેન યુદ્ધ: ઝેલેન્સ્કીએ અમેરિકામાં 'નવા પીસ પ્લાન' અંગે શું કહ્યું?

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવાની રીત અંગે અમેરિકન દૂતો સાથે થયેલી વાતચીત બાદ હકારાત્મક પ્રતિક્રિયા આપી છે.

ઝેલેન્સ્કીએ કહ્યું કે અમેરિકન દૂત સ્ટીવ વિટકૉફ અને જેરેડ કુશનર સાથે ગુરુવારે લગભગ એક કલાક સુધી ચાલેલી વાતચીતમાં શાંતિ સ્થાપિત કરવા મુદ્દે "નવા વિચાર" સામે આવ્યા છે.

તેમણે ફ્લોરિડામાં અમેરિકન અને યુક્રેનિયન દૂતોની સંમતિથી બનાવાયેલી 20 સૂત્રીય શાંતિ યોજનાનું નવું વિવરણ આવ્યાના એક દિવસ બાદ આ વાત કહી.

રશિયન રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિને કહ્યું કે એ અમેરિકાથી લવાયેલા પ્રસ્તાવોનું વિશ્લેષણ કરી રહ્યું છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના દૂત યુક્રેન અને રશિયા સાથે વાતચીત કરી રહ્યા છે, જેથી યુદ્ધ ખતમ કરવા માટે કોઈ સમાધાન થઈ શકે. આ યુદ્ધ ફેબ્રુઆરી 2022માં રશિયાના યુક્રેન પર હુમલા બાદ શરૂ થયું હતું.

ગત અમુક દિવસોમાં સંભવિત શાંતિ સમાધાન મામલે પ્રગતિ જોવા મળી રહી છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે તેમના દેશની ડિપ્લોમસી માટે આ એક 'વ્યસ્ત દિવસ' હતો, કારણ કે તેમણે અમેરિકન દૂતો સાથે વિસ્તારપૂર્વક વાતચીત કરી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન