ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે, હવે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં 16 જૂનના રોજ ચોમાસાની વિધિવત્ રીતે શરૂઆત થયા બાદ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ થતાં નદીઓમાં પૂર આવ્યાં હતાં.
જે બાદ વરસાદનું જોર ઘટી ગયું છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ સાવ ઘટી ગયો છે. હવે ફરીથી રાજ્યમાં વરસાદનું જોર વધશે અને એક નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે.
હવામાન વિભાગની માહિતી પ્રમાણે રાજ્યમાં બે દિવસ બાદ ફરીથી ત્રણ ચાર દિવસ સુધી ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે.
આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે.
ગુજરાતમાં 16 જૂનના રોજ ચોમાસાની શરૂઆત થઈ હતી અને માત્ર બે દિવસમાં રાજ્યના તમામ વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું હતું. કેટલાક વિસ્તારોમાં હાલ વાવણી ચાલી રહી છે અને કેટલાક વિસ્તારોમાં હજી વાવણી બાકી છે.
ગુજરાતમાં ક્યારથી શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ?

ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગની માહિતી અને હવામાનનાં વિવિધ મૉડલો અનુસાર ગુજરાતમાં 22 જૂનથી ફરીથી વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. આ નવો રાઉન્ડ ત્રણથી ચાર દિવસ સુધી ચાલશે તેવી શક્યતા છે અને 26 જૂન સુધી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
આ રાઉન્ડમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ આ દિવસોમાં વરસાદ વધશે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ કરતાં વધારે વરસાદ થશે.
હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર એક અપર એર સર્ક્યુલેશન રચાયું છે જે સમુદ્રની સપાટીથી 1.5 કિમીની ઊંચાઈએ આવેલું છે. જેની અસરને કારણે હાલ રાજ્યમાં વરસાદ સતત ચાલુ રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિવાય ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદની શક્યતા છે એટલે કે રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.
ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી?

ઇમેજ સ્રોત, IMD
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમદાવાદસ્થિત હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં વલસાડ અને ડાંગમાં કેટલીક જગ્યાએ અત્યંત ભારે વરસાદ પડ્યો છે.
આ ઉપરાંત નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં અમુક સ્થળે ભારે વરસાદ નોંધાયો છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગરહવેલી અને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં 19 જૂનની સાંજ સુધીમાં અમુક જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 20 જૂન, શુક્રવારે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા અને નગરહવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં શુક્રવારે પવનની ઝડપ 40થી 40 કિમી પ્રતિ કલાકની રહેશે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લા - સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર-સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી શું કહે છે?

ઇમેજ સ્રોત, IMD
21 જૂન, શનિવારે બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી છે.
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે.
21 જૂને સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં પણ હળવો વરસાદ પડશે.
22 જૂને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.
22 જૂન, રવિવારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી અને કચ્છમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડી શકે છે. બાકીની જગ્યાઓ પર 22 જૂને ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે અને પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી છે.
23 જૂને સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, જામનગર, દ્વારકા અને કચ્છ જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. બાકીના ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે.
24 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી અને કચ્છમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે.
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















