You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
છેલ્લી ઓવરની એ રોમાંચક કહાણી, જેમાં નેપાળ સામે ઇંગ્લૅન્ડ હારતાંહારતાં રહી ગયું
રવિવારે આઇસીસી મૅન્સ ટી20 વર્લ્ડકપના બીજા દિવસે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આયોજિત મૅચમાં નેપાળની ટીમે ઇંગ્લૅન્ડની મજબૂત મનાતી ટીમને હારની સાવ નજીક લાવી દઈને ભલભલાને ચોંકાવી દીધા હતા.
આ પહેલાં ટુર્નામેન્ટના પ્રથમ દિવસે પણ નવીસવી અને બિનઅનુભવી ટીમોએ ભારત સહિતની દિગ્ગજ મનાતી ટીમોને લગભગ હંફાવી દીધી હતી. અને એ જ સિલસિલો નેપાળ અને ઇંગ્લૅન્ડ વચ્ચેની મૅચમાં પણ જોવા મળ્યો.
આ મૅચમાં ઇંગ્લૅન્ડની ટીમે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઓવરમાં સાત વિકેટના નુકસાને 184 રન બનાવ્યા.
તેના જવાબમાં નેપાળની ટીમે લડાયક પ્રદર્શન કરીને છ વિકેટના નુકસાને 180 રન બનાવી લીધા હતા અને જીતથી માત્ર ચાર રન જ દૂર રહી ગઈ હતી.
એક સમયે નેપાળના બૅટ્સમૅનોનો આક્રમક બેટિંગ અંદાજ જોઈને તો ટીમ આજે ઇંગ્લૅન્ડને હરાવીને ટી20 વર્લ્ડકપની આ સિઝનનું પ્રથમ 'અપસેટ' સર્જવા જઈ રહી હોય તેવું લાગવા માંડ્યું હતું.
ઇંગ્લૅન્ડના બૅટ્સમૅનોએ રંગ રાખ્યો
બીજી જ ઓવરમાં ઇંગ્લૅન્ડની ટીમે નેપાળના બૉલર શેર મલ્લાના બૉલ પર પોતાના ઓપનર ફિલ સૉલ્ટની વિકેટ ગુમાવી દેતાં મૅચની રોમાંચક શરૂઆત થઈ હતી.
જોકે, ખરાબ શરૂઆત છતાં પોતાના સુસજ્જ બેટિંગ લાઇનઅપ માટે વખણાતી ઇંગ્લૅન્ડી ટીમના બૅટ્સમૅનોએ રંગ રાખ્યો.
વનડાઉન બૅટ્સમૅન જેકબ બેથલ, કપ્તાન હેરી બ્રૂક અને વિલ જેક્સની ઇનિંગને બળે ટીમ એક સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેકબ બેથલે માત્ર 35 બૉલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 55 રન, હેરી બ્રૂકે માત્ર 32 બૉલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 53 રન ને વિલ જેક્સ એક ચોગ્ગો અને ચાર છગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા.
નેપાળના બૉલિંગ પ્રદર્શનની વાત કરીએ તો દીપેન્દરસિંહ આઇરી અને નંદન યાદવને બબ્બે વિકેટ મળી મળી હતી. જ્યારે શેર મલ્લા અને સંદીપ લમીછાનેને એકેએક વિકેટ મળી હતી.
નેપાળની ટીમની લડાયક ઇનિંગ અને છેલ્લી ઓવરનો રોમાંચ
185 રનના મસમોટા સ્કોરનો પીછો કરવા ઊતરેલી નેપાળની ટીમ પણ ચોથી જ ઓવરમાં પોતાના ઓપનર આસિફ શેખની વિકેટ સાત રનના વ્યક્તિગત સ્કોરે ગુમાવી ચૂકી હતી.
આ વિકેટ પડ્યાના થોડા સમય બાદ જ સારી બેટિંગ કરી રહેલા ઓપનર ભૂરતલે પણ પોતાની વિકેટ 29 રનના વ્યક્તિગત સ્કોરે ગુમાવી દીધી. આ સમય સુધી નેપાળની ટીમનો સ્કોર 5.2 ઓવરમાં બે વિકેટના નુકસાને 42 રનનો થઈ ચૂક્યો હતો.
બંને ઓપનરોને ગુમાવી મુશ્કેલીમાં દેખાઈ રહેલી ટીમ માટે રોહિત પોડેલ અને દીપેન્દરસિંહ આઇરીની જોડી કમાલ કરી ગઈ. બંને વચ્ચે 102 રનની જબરદસ્ત પાર્ટનરશિપ થઈ ગઈ અને એક સમયે મુશ્કેલીમાં દેખાતી નેપાળની ટીમ હવે જીતની ખૂબ નજીક આવીને ઊભી રહી ગઈ હતી.
પરંતુ 15મી ઓવરમાં દીપેન્દરસિંહ આઇરી સ્વરૂપે ટીમને ત્રીજો ફટકો પડ્યો. છ ચોગ્ગા અને એક છગ્ગો ફટકારીને આક્રમક બેટિંગ કરી રહલા દીપેન્દર સેમ ક્યુરેનના બૉલે ટોમ બેન્ટનને કૅચ આપી બેઠા. તેઓ 29 બૉલમાં 44 રન બનાવી શક્યા હતા.
એ પછી બીજી જ ઓવરમાં ક્રીઝ પર જામી ગયેલા બૅટ્સમૅન રોહિત પોડેલ પણ 34 બૉલમાં 39 રન બનાવીને આઉટ થઈ ગયા.
16મી ઓવરમાં રોહિત પોડેલ બાદ મેદાનમાં લોકેશ બામની ઍન્ટ્રી થઈ.
તેમણે એવી તો ફટકાબાજી કરી કે ચાર વિકેટ ગુમાવી હારની નિકટ દેખાતી નેપાળની ટીમ જીતની સાવ નિકટ આવી પહોંચી.
હવે થોડું ફાસ્ટ ફૉરવર્ડ કરીને પહોંચીએ મૅચની અંતિમ ઓવર સુધી.
મૅચની અંતિમ ઓવર હતી. નેપાળની ટીમનો સ્કોર આરિફ શેક અને ગુલશનકુમાર ઝાની વિકેટો ગુમાવીને 19 ઓવરમાં છ વિકેટના નુકસાને 175 રન સુધી પહોંચી ગયો હતો.
એટલે કે જીતથી માત્ર દસ રન દૂર.
ક્રીઝ પર લોકેશ બામ 15 બૉલમાં 35 રનની ધુંઆધાર ઇનિંગ રમીને અડગ હતા અને સામેની બાજુએ તેમનો સાથ આપી રહ્યા હતા નેપાળી પ્લેયર કરન કેસી.
અંતિમ ઓવરની જવાબદારી ઇંગ્લૅન્ડના અનુભવી અને ઘાતક બૉલર સેમ ક્યુરેન પર આવી હતી.
સેમ ક્યુરેનના પ્રથમ બૉલે બામ મોટો શોટ ફટકારવા ગયા, પરંતુ બૉલને મિસ કરી ગયા.
બીજા બૉલ ફુલ ટૉસ આવ્યો બામે તેને લૉંગ ઑફ તરફ ધકેલ્યો અને સિંગલ મેળવી લીધો, બીજો રન લેવા ગયા, પરંતુ સફળતા ન મળી.
હવે સ્ટ્રાફિક કરન કેસી પાસે હતી. કરન કેસીએ પોતાનો પૂંછડિયા ધર્મ અદા કરતા ત્રીજા બૉલને લૉંગ ઑન તરફ રમી બામને ફરી વાર સ્ટ્રાઇક આપી દીધી.
સેમ ક્યુરેનનો ચોથો બૉલ ફુલર ડિલિવરી હતી, બામે તેને ડીપ-મિડ વિકેટ તરફ ફટકારી બે રન મેળવી લીધા અને સ્ટ્રાઇક જાળવવાની સાથે ટીમને જીતની વધુ નજીક લાવીને ઊભી રાખી દીધી.
આ સમય સુધી નેપાળનો સ્કોર 179 સુધી પહોંચી ગયો હતો.
જીત માટે બે બૉલમાં છ રનની જરૂર હતી. સેમ ક્યુરેનના પાંચમા બૉલે લોકેશ બામ લૉંગ ઑન તરફ શોટ ફટકાર્યો અને એક રન લેવા ગયા, પરંતુ અંતિમ ક્ષણે મન બદલી નાખ્યું અને પાછા ફર્યા.
હવે છેલ્લા બૉલે છ રનની દરકાર હતી. નેપાળની ટીમને લોકેશ પાસેથી મોટા શોટની અપેક્ષા હતી, પરંતુ તેઓ છેલ્લા બૉલે એક રન જ લઈ શક્યા અને ટીમનો પાંચ રને પરાજય થયો.
જોકે, પોતાની લડાયક ઇનિંગને અંતે લોકેશ બામ ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકારી 20 બૉલમાં 39 રન બનાવી અણનમ રહ્યા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન