સાળંગપુર હનુમાન શિલ્પચિત્રો પર 'કાળો રંગ લગાવવાનો' પ્રયાસ, સાધુ સંતોએ શું ચીમકી આપી?

ઇમેજ સ્રોત, SACHIN PITHVA
સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદી સંચાલિત સાળંગપુર હનુમાન મંદિરમાં આવેલી ‘કિંગ ઑફ સાળંગપુર’ની વિશાળ પ્રતિમાની નીચે કંડારાયેલાં શિલ્પચિત્રોનો વિવાદ દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે.
વડતાલના નૌતમસ્વામીએ હનુમાનજીની મૂર્તિ નીચે કંડારાયેલાં આ શિલ્પચિત્રોને યોગ્ય ગણાવ્યાં છે, તો સામે હિન્દુ સંગઠનોએ નૌતમ સ્વામીના નિવેદન સામે ભારે નારાજગી દર્શાવી છે.
બીબીસી ગુજરાતીના સહયોગી સચીન પીઠવાએ આપેલી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે કોઈ અજાણી વ્યક્તિએ શિલ્પચિત્રો પર કાળો રંગ લગાવી દેતા વિવાદ વકર્યો છે.
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
બીબીસીના સહયોગી પત્રકાર સચીન પીઠવાએ આપેલી માહિતી અનુસાર કાળો રંગ મારનાર વ્યક્તિની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
ઘટનાના પગલે ડી.વાય.એસ.પી. ઘટનાસ્થળે પહોંચ્યા અને મામલાની વધુ તપાસ હાથ ધરી છે.
મંદિર પરિસરમાં કાળો રંગ લગાવવાના મુદ્દે બોટાદના એસપી કિશોર બરોળીયાએ જણાવ્યું કે, “વ્યક્તિ પાર્કિંગ અને બગીચાની પાસેથી આવ્યો હતો. તેને પોલીસે પકડી લીધો છે. અને પૂછપરછ ચાલુ જ છે. મંદિર પ્રશાસન સાથે વધુ વિગતો શૅર કરવામાં આવશે. હાલ તપાસ ચાલુ છે.”
“હું સામાન્ય જનતાએ અપીલ કરીશ કે તમામ વિવાદનો ઉકેલ સંવાદથી પણ આવી શકે છે. એટલે તમામે શાંતિ જાળવવી જોઈએ.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“એ વ્યક્તિ છુપાઈને અંદર પગોંચ્યો હતો પણ પોલીસે ઝડપથી પકડી લીધો. તે જે વાહનમાં આવ્યો હતો તેની પણ તપાસ થઈ રહી છે કે તેમની સાથે કોઈ બીજા લોકો હતા કે નહીં. મંદિર પ્રશાસન તરફથી મળનારી રજૂઆતને આધારે ફરિયાદ નોંધવામાં આવશે.”
આ વિવાદ મુદ્દે અલગ-અલગ સાધુસંતોના નિવેદનોથી મામલો વધુ ગરમાતો જાય છે.

ઇમેજ સ્રોત, SACHIN PITHVA/BBC

સાધુસંતોએ આજે શું ચીમકી આપી?

ઇમેજ સ્રોત, SACHIN PITHVA/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અગાઉ કરણી સેના અને વિશ્વ હિન્દુ પરિષદ જેવાં સંગઠનોએ ભારે વિરોધ દર્શાવ્યો તો ગુજરાતના અલગઅલગ મંદિરો સાથે સંકળાયેલા મહંતો અને ધાર્મિક આગેવાનોએ પણ આ મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. કથાકાર મોરારી બાપુએ પણ આ વિશે નિવેદન આપી કહ્યું હતું કે "આ હીન ધર્મ છે."
સાધુ-સંત સમાજ તરફથી ઉપવાસ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠના મોટા મંદિર લીંબડીના મહંત લલિતકિશોરસરણદાસે આજે નિવેદન આપ્યું છે.
"થોડા દિવસો પહેલાં સાળંગપુરમાં હનુમાનજીની 54 ફૂટની મૂર્તિનું અનાવરણ થયું ત્યારે અમને આનંદ થયો હતો. પરંતુ થોડા સમય પછી એક એવું ચિત્ર સામે આવ્યું કે જેમાં હનુમાનજીને દાસાનુદાસ સેવક તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યા એ ઘણી દુ:ખદ વાત છે. એ રામ સિવાય કોઇના દાસ હોઇ શકે નહીં."
"સ્વામીનારાયણ સંપ્રદાયમાં અનેક સારા સંતો થયા છે પણ મને વડતાલ સ્વામીનારાયણ મંદિરના નૌતમસ્વામીનું નિવેદન સાંભળી દુ:ખ થયું છે. શાસ્ત્રોમાં આવું ક્યાંય લખ્યું નથી."
"આ સ્વામી ચોખ્ખું જ પોતાના હરિભક્તોને કહે છે કે તમે કોઈ કુળદેવીને માનો નહીં અને સિંહાસન પર હંમેશાં સ્વામીનારાયણને જ બેસાડો. આ પ્રકારના નિવેદન તો કોઈ વિધર્મી પણ ન કરે. મારી એટલી જ વિનંતી છે કે તમારામાં જો જરા પણ સાધુતા બચી હોય તો આ ચિત્ર હટાવી લેવામાં આવે."
તો બીજી તરફ ભીમનાથ મહાદેવ મંદિરના મહંત અને મહામંડલેશ્વર આશુતોષ ગિરી બાપુએ આ મુદ્દે નિવેદન આપ્યું હતું કે, "મંદિર પ્રશાસને વહેલી તકે આ ચિત્રો હટાવી લેવા જોઈએ. આગામી ચારથી પાંચ દિવસમાં લીંબડી મુકામે ટોચના સો જેટલા સાધુસંતોની બેઠક મળશે. ત્યારબાદ ભીમનાથ મંદિર ખાતે ત્રણ હજાર સાધુસંતોનું અધિવેશન મળશે."
"સ્વામીનારાયણ સંપ્રદાય ભીતચિત્રોને લઈને યોગ્ય નિર્ણય કરશે તેવી અમને આશા છે નહીંતર અમને કેવી રીતે ભીતચિત્રો કાઢવા તે આવડે છે. જરૂર પડશે તો પાંચ હજાર જેટલા સાધુસંતો સાળંગપુર મંદિરનો ઘેરાવ કરીશું અને ઉપવાસ આંદોલન સહિતના કાર્યક્રમો પણ કરીશું."
બીબીસીના સહયોગી પત્રકાર સચીન પીઠવાએ આપેલી માહિતી અનુસાર સાળંગપુર શિલ્પચિત્ર વિવાદને લઈને લીંબડી મોટામંદિર ખાતે આગામી તારીખ પાંચમી સપ્ટેમ્બરે સાધુ સંતોની બેઠક યોજાશે. જેમાં સાધુ સંતો, અખાડાના પ્રમુખ, મહામંડલેશ્વર સહિતના લોકો ઉપસ્થિત રહેશે. લીંબડી બેઠક બાદ સાળંગપુર વિવાદ મામલે આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે.

વિવાદ કેમ વધ્યો?

ઇમેજ સ્રોત, INSTAGRAM/NAUTAMSWAMI
શિલ્પચિત્રોને લઈને શરૂ થયેલા વિવાદ મુદ્દે વડતાલના નૌતમ સ્વામીએ આપેલા નિવેદનની ભારે ચર્ચા થઈ રહી છે. આ નિવેદનને કારણે જ વિવાદ વધ્યો હોવાનું મનાય છે.
શિલ્પચિત્રો સામે વિરોધ કરનારા સંતોને નૌતમ સ્વામીએ એક સભામાં જણાવ્યું હતું કે "સ્વામીનારાયણ ભગવાન છે અને શ્રી હનુમાનજી મહારાજે પણ સ્વામીનારાયણ ભગવાનની સેવા કરી છે. આ વાતથી સ્વામીનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ ભરેલો પડ્યો છે. જો કોઈને વ્યક્તિગત એનાથી નાના મોટા પ્રશ્નો હોય તો યોગ્ય ફોરમ પર વાત કરી શકે છે. કેટલાક લોકો આના સંદર્ભમાં કોર્ટમાં ગયા છે. તો કોર્ટમાં તેનો યોગ્ય જવાબ આપવો પડશે. સામાન્ય નાના મોટા માણસોને જવાબ આપવાની સંપ્રદાયના કોઈ વ્યક્તિને કોઈ જરૂર નથી."
નૌતમ સ્વામીએ પુરાણોનો હવાલો આપીને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો જવાબ આપવા તૈયાર હોવાની વાત કરી હતી.
તેમણે ઉમેર્યું કે "સ્વામીનારાયણ ભગવાન છે અને તે વેદ વ્યાસજીએ કહ્યા મુજબ સ્કંધ પુરાણ વગેરેમાં તેનો ઉલ્લેખ છે અને જેને જ્યારે જે જગ્યાએ જોઈએ ત્યારે સંપ્રદાયના વિદ્વાનો જવાબ આપવા તૈયાર છે. સત્સંગીઓએ અન્યોની વાતો સાંભળીને હતોત્સાહ ન થવું."

શું છે સમગ્ર વિવાદ?

ઇમેજ સ્રોત, SACHIN PITHVA/BBC
સાળંગપુરમાં બનેલી ‘કિંગ ઑફ સાળંગપુર’ની 54 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપવામાં આવી છે. આ ઊંચી પ્રતિમાની નીચે બનેલા પ્લૅટફૉર્મની ફરતે હનુમાનનાં શિલ્પચિત્રો મૂકવામાં આવ્યાં છે.
સાળંગપુરનું આ હનુમાન મંદિરનું સંચાલન સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ શાખા કરે છે.
મંદિરના વહીવટદારોનું કહેવું છે કે આ શિલ્પચિત્રો વિવિધ ધાર્મિક અને સાંપ્રદાયિક બાબતોને ઉજાગર કરે છે.
હવે, આ શિલ્પચિત્રો પૈકી એકમાં સહજાનંદ સ્વામીના એટલે કે સ્વામીનારાયણના પગમાં હનુમાનજી હાથ જોડીને બેઠા હોય તે રીતે દર્શાવવામાં આવ્યા છે.
એક શિલ્પચિત્રમાં હનુમાનજીને સ્વામીનારાયણને ફળાહાર આપતા દેખાડાયા છે.
આ મુદ્દે કેટલાક સાધુ-સંતો રોષે ભરાયા છે. તેમના મતે ‘આ પ્રકારનાં ચિત્રો સનાતન ધર્મનું અપમાન છે.’
કથાકાર મોરારિબાપુએ પણ આ શિલ્પચિત્રોમાં હનુમાનના ચિત્રાંકન મામલે નારાજગી પ્રગટ કરી હતી. તેમણે કહ્યું હતું કે, "આ હીન ધર્મ છે." ત્યારપછી આ મામલાની વ્યાપક ચર્ચા ચાલુ થઈ હતી.
























