ભારત-બાંગ્લાદેશ સંબંધ વિશે ત્યાંના વિદેશ બાબતોના સલાહકારે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર તૌહિદ હુસૈને બુધવારે કહ્યું હતું કે બાંગ્લાદેશની વચગાળાની સરકાર તથા ભારતની વચ્ચેના સંબંધોમાં તણાવ પ્રવર્તે છે.

બીબીસીની બાંગ્લા સેવાના જણાવ્યા પ્રમાણે, બુધવારે ઢાકામાં વિદેશ મંત્રાલયની બ્રિફિંગ દરમિયાન તૌહિદ હુસૈને આ નિવેદન આપ્યું હતું.

તેમણે કહ્યું, "ભારતના વિદેશ મંત્રાલય દ્વારા નવી દિલ્હીસ્થિત બાંગ્લાદેશના હાઇ કમિશનરને બોલાવવા એ કોઈ અસામાન્ય ઘટના ન હતી. જ્યારે કોઈ એક વ્યક્તિને બોલાવવામાં આવે, ત્યારે બીજી વ્યક્તિને બોલાવવામાં આવે છે, તે કોઈ અનપેક્ષિત બાબત ન હતી."

"બાંગ્લાદેશની વચગાળાની સરકાર અને ભારત સરકાર વચ્ચે તણાવ પ્રવર્તે છે, તેનો સ્વીકાર કરવો સારું છે."

બુધવારે ઢાકા ખાતે ભારતીય હાઇકમિશન સુધી રેલી નીકળવાની હતી, જેના પગલે ભારતે બાંગ્લાદેશના હાઇકમિશરને બોલાવીને સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

બુધવારે પ્રદર્શનકારીઓએ ઢાકાસ્થિત ભારતીય હાઇ કમિશન સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષાબળોએ તેમને રસ્તામાં જ અટકાવી લીધા હતા.

યુપી: બુરખો ના પહેરવા બદલ પતિએ પત્ની અને બે દીકરીઓની હત્યા કરી નાખી

શામલીના એસએસપી એનપી સિંહનું કહેવું છે કે એક શખ્સે પેતની પત્નીની ગોળી મારીને હત્યા કરી દીધી છે, કારણ કે તેણે બુરખો પહેરવાનો ઇનકાર કરી દીધો હતો.

પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે, આરોપીએ પોતાનો ગુનો છુપાવવા માટે બે દીકરીઓની પણ હત્યા કરી નાખી અને આરોપીએ ત્રણેય શબને પોતાનાં જ ઘરમાં દફનાવી દીધાં.

પરિવારના અન્ય સભ્યોએ પત્ની અને બાળકીઓનાં ગુમ થવા વિશે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી, એ પછી સમગ્ર ઘટનાક્રમ બહાર આવ્યો હતો.

પોલીસનું કહેવું છે કે આરોપી ફારુકને કુલ પાંચ બાળકો છે, જેમાં ત્રણ દીકરીઓ અને બે દીકરાનો સમાવેશ થાય છે.

એસએસપી એનપી સિંહના કહેવા પ્રમાણે, "ફારુકનાં પત્નીએ એક મહિના પહેલાં પિયર જવા માટે અમુક રૂપિયાની માંગણી કરી હતી, જેના કારણે બંનેની વચ્ચે ઝગડો થયો હતો. એ પછી મહિલા બુરખો પહેર્યાં વગર જ પિયર જતાં રહ્યાં."

"આથી, ફારુકને લાગતું હતું કે પત્નીએ તેમનું સન્માન નથી જાળવ્યું. એ પછી ફારુકે પત્નીની હત્યા કરવાની યોજના ઘડી હતી."

પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, "9 અને 10 ડિસેમ્બરની રાત્રે બાર વાગ્યા આસપાસ ફારુકનાં પાંચેય બાળકો ઊંઘી રહ્યાં હતાં, ત્યારે તેણે ચા પીવાના બહાને પત્નીને જગાડી. પત્ની આંગણામાં આવી કે તેને ગોળી મારી દીધી."

એસએસપીએ ઉમેર્યું, "ગોળીની અવાજ સાંભળીને ફારુકની 14 વર્ષની દીકરી બહાર આવી, ત્યારે ફારુકે તેને પણ ગોળી મારી દીધી. એ પછી છ વર્ષની દીકરી બહાર આવી, તો ફારુકે તેને પણ ગોળી મારી દીધી."

આરોપીએ કથિત રીતે પોલીસ પૂછપરછમાં ગુનો કબૂલી લીધો છે અને જણાવ્યું કે તેણે યોજનાપૂર્વક છ દિવસ પહેલાં જ ઘરમાં શૌચાલય બનાવવાના બહાને ઘરમાં ખાડો ખોદાવી રાખ્યો છે તથા તેણે ત્રણેય શબને તેમાં દફનાવી દીધાં.

પોલીસે ત્રણેય શબ જપ્ત કરી લીધાં છે તથા આરોપીની પૂછપરછ ચાલુ છે. આ સિવાય પોલીસે કારતૂસ પણ જપ્ત કર્યા છે.

દ્વારકા ખાતે પગપાળા દર્શને જઈ રહેલા ચાર શ્રદ્ધાળુઓનાં મોત

મોરબી જિલ્લાના માળિયા મિયાણા પાસે પીપળિયા ચાર રસ્તા નજીક આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં.

બીબીસી ગુજરાતીના મોરબી ખાતેના સહયોગી રાજેશ આંબલિયાના જણાવ્યા પ્રમાણે, 'ઉત્તર ગુજરાતમાંથી પાંચ શ્રદ્ધાળુઓ દ્વારકા પગપાળા દર્શને જતા હતા. તે વખતે આ અકસ્માત સર્જાયો હતો.'

બીબીસી ગુજરાતીના સહયોગી રાજેશ આંબલિયા સાથે માળિયા મિયાણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ દરબારે વાત કરતાં જણાવ્યું હતું, "વહેલી સવારે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રકના ચાલકે આ પદયાત્રીને હડફેટે લીધા હતા. ચાર લોકોનાં ઘટનાસ્થળે મોત થયાં છે જ્યારે કે એક ઈજાગ્રસ્ત છે અને તેમને મોરબીની હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ટ્રકના ડ્રાઇવરની શોધખોળ ચાલી રહી છે."

પશ્ચિમ બંગાળ : એસઆઈઆરમાં મમતા બેનરજીના મતવિસ્તારમાંથી 45 હજાર વોટરોનાં નામ કપાયાં

પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) બાદ મુખ્ય મંત્રી મમતા બેનરજીના ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રમાંથી લગભગ 45 હજાર વોટરોનાં નામો કપાઈ ગયાં છે.

મમતાએ આ મામલે ચિંતા વ્યક્ત કરતાં બૂથ લેવલે એજન્ટો સાથે બેઠક કરીને તેમને ઘરે-ઘરે જઈને એવા વોટરોની પુષ્ટિ કરવાનો નિર્દેશ કર્યો છે.

ચૂંટણી પંચના આંકડા પ્રમાણે, ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રમાં કુલ 2 લાખ 6 હજાર 295 વોટર હતા. પરંતુ ડ્રાફ્ટ યાદીમાં માત્ર 1 લાખ 61 હજાર 509 લોકોનાં નામો જ છે. એટલે કે 44 હજાર 786 લોકોનાં નામો નથી.

વિસ્તારના બૂથ નંબર 260માં મમતા બેનરજી અને અભિષેક બેનરજી વોટ આપે છે. ત્યાં પહેલાં 270 વોટર હતા પરંતુ ડ્રાફ્ટ યાદીમાં હવે આ સંખ્યા 127 છે.

મમતા બેનરજીએ આ દરમિયાન વોટરોની મદદ માટે તૃણમૂલ કૉંગ્રેસ તરફથી તમામ મોહલ્લામાં 'મે આઈ હેલ્પ યુ શિબિર' યથાવત્ રાખવાનો નિર્દેશ કર્યો છે.

સંસદના શીતકાલીન સત્રમાં ભાગ લેવા માટે પહોંચેલા ટીએમસી સાંસદ કલ્યાણ બેનરજીએ પત્રકારોને કહ્યું, "એક કાઉન્સેલરને મૃતક જાહેર કરી દીધા. આ છે ચૂંટણી પંચ, તેણે આખી પ્રક્રિયાને મજાક બનાવી દીધી છે. શું એક પણ ઘૂસણખોર મળ્યો?"

ઉલ્લેખનીય છે કે મંગળવારે પશ્ચિમ બંગાળનું ડ્રાફ્ટ વોટર લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં 58 લાખ વોટરોનાં નામ હઠાવી દીધાં છે.

ઑસ્કરની આંતરાષ્ટ્રીય ફીચર-ફિલ્મ કૅટેગરીની ટૉપ 15ની યાદીમાં 'હોમબાઉન્ડે' બનાવી જગ્યા

નીરજ ધેવાનની ફિલ્મ હોમબાઉન્ડે ઑસ્કરની આંતરરાષ્ટ્રીય ફિલ્મ કૅટેગરીમાં અંતિમ 15 ફિલ્મોની યાદીમાં પોતાની જગ્યા બનાવી છે.

ઑસ્કરની તરફથી આપવામાં આવેલી આ જાણકારીમાં, '98માં ઍકેડેમી ઍવૉર્ડ્સની ઇન્ટરનૅશનલ ફીચર ફિલ્મ કૅટેગરીમાં હવે પછી વોટિંગ રાઉન્ડ માટે 15 ફિલ્મોની પસંદગી કરવામાં આવી છે. આ કૅટેગરીમાં 86 દેશો કે ક્ષેત્રોની ફિલ્મો હતી.'

ધર્મા મૂવીઝે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "હોમબાઉન્ડને 98માં ઍકેડેમી પુરસ્કારોની સર્વક્ષેષ્ઠ આંતરાષ્ટ્રીય ફીચર ફિલ્મ માટે શૉર્ટલિસ્ટ કરવામાં આવી છે. દુનિયાભરથી મળેલા અસાધારણ પ્રેમ અને સમર્થનથી અમે હૃદયપૂર્વક આભારી છીએ."

આ એ જ ફિલ્મ છે જેને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં નવ મિનિટ સુધી તાળીઓ પડી હતી.

હોમબાઉન્ડમાં ઈશાન ખટ્ટર, વિશાલ જેઠવા અને જાહ્નવી કપૂર પ્રમુખ ભૂમિકામાં છે.

આ ફિલ્મના કાન સહિત ઘણા ફિલ્મ ફેસ્ટિવલમાં વખાણ કરવામાં આવ્યા છે. ફિલ્મના નિર્દેશક નીરજ ધેવાનની પણ પ્રશંસા કરવામાં આવી રહી છે.

ટ્રમ્પે વધુ પાંચ દેશો પર ટ્રાવેલ પ્રતિબંધ લગાવ્યો, અન્ય દેશો પર નિયંત્રણો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ પાંચ દેશના લોકો પર ટ્રાવેલ પ્રતિબંધ મૂક્યો છે અને બીજા કેટલાક દેશો પર નવાં નિયંત્રણો લગાવ્યાં છે.

અમેરિકામાં પ્રવાસ અને ઇમિગ્રેશન માટે પ્રવેશનાં નિયંત્રણો ચુસ્ત બનાવાઈ રહ્યાં છે તેના ભાગરૂપે આ કાર્યવાહી થઈ છે. થૅન્ક્સ-ગિવિંગ સપ્તાહના અંત દરમિયાન બે નૅશનલ ગાર્ડના જવાનો પર ગોળીબાર કરવા બદલ એક અફઘાન નાગરિકની શકમંદ તરીકે ધરપકડ કરાયા પછી આ નિર્ણય લેવાયો છે.

જૂન મહિનામાં પણ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે 12 દેશોના નાગરિકો માટે અમેરિકાની મુલાકાત લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે તથા અન્ય સાત દેશોના નાગરિકો માટે નિયંત્રણો લાગુ થશે. ટ્રમ્પની પહેલી ટર્મમાં પણ આ પ્રકારની નીતિ હતી.

હવે પ્રતિબંધિત દેશોની યાદીમાં બુર્કીના ફાસો, માલી, નાઇજર, સાઉથ સુદાન અને સીરિયાનો સમાવેશ થાય છે.

અગાઉ અફઘાનિસ્તાન, મ્યાનમાર, ચાડ, રિપબ્લિક ઑફ કૉંગો, ઇક્વેટોરિયલ ગિની, ઍરિટિયા, હૈતી, ઈરાન, લિબિયા, સોમાલિયા, સુદાન અને યમનના નાગરિકો પર અમેરિકામાં ટ્રાવેલ પ્રતિબંધ લગાવાયા છે.

ટ્રમ્પે વેનેઝુએલામાં પ્રતિબંધિત ઑઇલ ટૅન્કરોની નાકાબંધીનો આદેશ આપ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલામાં આવતાં-જતાં તમામ પ્રતિબંધિત ઑઇલ ટૅન્કરો પર સંપૂર્ણ નાકાબંધીનો આદેશ આપ્યો છે.

ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે વેનેઝુએલા પર "આતંકવાદ, ડ્રગ્સની તસ્કરી અને માનવ તસ્કરી"માં સામેલ હોવાનો આરોપ લગાવતા લખ્યું કે, "તેથી આજે હું વેનેઝુએલામાં આવતાં અને ત્યાંથી જતાં તમામ પ્રતિબંધિત ઑઇલ ટૅન્કરો પર સંપૂર્ણ નાકાબંધીનો આદેશ આપું છું."

એક અઠવાડિયા અગાઉ જ અમેરિકાએ વેનેઝુએલાના કિનારે એક ઑઇલ ટેન્કર કબજે કર્યું હતું. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ આ પગલાંને 'સમુદ્રી લૂંટ' ગણાવ્યું હતું.

ટ્રમ્પના આ આદેશના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઑઇલના ભાવમાં મોટી હલચલ થવાનો અંદાજ છે.

અમેરિકાએ કેરેબિયન પ્રદેશમાં પોતાની નેવી અને ઍરફોર્સ ગોઠવી છે. તેમાં ન્યુક્લિયર પાવરથી ચાલતી સબમરીન, જાસૂસી વિમાન અને 15 હજાર સૈનિકો સામેલ છે.

અમેરિકાએ આ વિસ્તારમાં અનેક નૌકાઓ પર હુમલા કર્યા છે જેમાં અત્યાર સુધીમાં 80થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

'વડા પ્રધાન મોદી મનરેગાને સંપૂર્ણ ખતમ કરવા માંગે છે', રાહુલ ગાંધી

લોકસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ "સડકથી સંસદ સુધી વિકસીત ભારત- ગૅરંટી ફૉર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) એટલે કે વિકસીત ભારત -જી રામજી બિલનો વિરોધ કરશે."

તેમણે એ બિલને "જનવિરોધી અને મહાત્મા ગાંધીના આદર્શોના સીધા અપમાન" સમાન ગણાવીને ઍક્સ પર એક પોસ્ટ કરી છે.

તેમણે લખ્યું છે કે "મોદીજીને બે ચીજોથી બહુ નફરત છે - મહાત્મા ગાંધીના વિચારો અને ગરીબોના અધિકારો."

"મનરેગા એ મહાત્મા ગાંધીની ગ્રામ સ્વરાજની કલ્પનાનું જીવતું જાગતું ઉદાહરણ છે. લાખો ગ્રામીણ ભારતીયો માટે તે જીવન રેખા રહી છે અને કોવિડ મહામારી દરમિયાન એક જરૂરી આર્થિક સુરક્ષા કવચ સાબિત થઈ છે."

તેમણે લખ્યું છે કે, "આમ છતાં આ યોજના હંમેશાં વડા પ્રધાન મોદીને પરેશાન કરતી રહી છે. છેલ્લાં 10 વર્ષથી તેમની સરકાર તેને સતત નબળી કરવા કોશિશ કરતી રહી છે. આજે તેઓ મનરેગાને સંપૂર્ણ રીતે ખતમ કરવામાં લાગેલા છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન