ગુજરાત પરની સિસ્ટમ સૌરાષ્ટ્ર-કચ્છ પર પહોંચી, હવે કયા જિલ્લાઓમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images
બંગાળની ખાડી પરથી મધ્ય ભારત પર થઈને ગુજરાત પહોંચેલી સિસ્ટમની અસર હાલ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વર્તાઈ રહી છે. આ સિસ્ટમના લીધે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે અને કેટલીક નદીઓમાં પૂર આવ્યાં છે.
હવે આ સિસ્ટમ આગળ વધી છે અને તે સૌરાષ્ટ્ર કચ્છ તથા અરબી સમુદ્ર પર પહોંચી ગઈ છે, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડવાના વિસ્તારોમાં આજથી ફેરફાર થશે.
29 જુલાઈના રોજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો, જે બાદ હવે વરસાદના વિસ્તારો બદલાશે અને બીજા જિલ્લાઓમાં વધારે વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતમાં 15 જુલાઈથી સતત ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે. ઘણા રહેણાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ પણ ઘટી છે.

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો.
સિસ્ટમ આગળ વધી, હવે કયા જિલ્લામાં ભારે વરસાદ?
ગુજરાતમાં ચોમાસા દરમિયાન જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ થાય છે. આ બંને મહિનામાં બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમો રાજ્ય તરફ કે તેની પાસે આવે છે તેના કારણે આપણે ત્યાં વરસાદ પડે છે. આ ઉપરાંત ગુજરાતની આસપાસ બનતી સિસ્ટમો પણ આ ગાળા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ માટે કારણભૂત બને છે.
હાલ જે સિસ્ટમ બંગાળની ખાડીથી ગુજરાત પર આવી છે તે હવે આગળ વધીને સૌરાષ્ટ્ર અને કચ્છ પર પહોંચી ગઈ છે અને ત્યાંથી આગળ તે અરબી સમુદ્રમાં પહોંચશે.
હાલની સ્થિતિ પ્રમાણે 30 જુલાઈના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધારે વરસાદ પડવાની સંભાવના છે અને કોઈ વિસ્તારમાં ભારે વરસાદ પણ થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિવાય મહેસાણા, રાજકોટ, પોરબંદર, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને કેટલાક વિસ્તારોમાં હળવો તથા મધ્યમ પ્રકારનો વરસાદ થઈ શકે છે.
31 જુલાઈથી 2 ઑગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉપરાંત ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે.
આ સિસ્ટમ આગળ વધી ગયા બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં એકાદ બે દિવસમાં વરસાદનું જોર ઘટી જશે, જોકે વરસાદ સંપૂર્ણ બંધ નહીં થાય પરંતુ છુટોછવાયો વરસાદ પડતો રહેશે.
ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી પડશે વરસાદ?

ઇમેજ સ્રોત, IMD
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચોમાસાના બે મહિના પૂરા થઈ ગયા છે એટલે કે અડધું ચોમાસું પૂરું થઈ ગયું છે, રાજ્યમાં 29 જુલાઈ સુધી સિઝનનો કુલ 59 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં સિઝનની કુલ સરેરાશનો સૌથી વધારે 76.45 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં સિઝનની કુલ સરેરાશના 74.43 ટકા, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 69.50 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે. પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં સિઝનના 50 ટકા કરતાં પણ ઓછો વરસાદ થયો છે.
દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર થોડું ઘટશે પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છ કરતાં ત્યાં વધારે વરસાદ પડવાની સંભાવના છે. આગામી સાત દિવસ સુધી હજી ગુજરાતમાં સતત વરસાદ પડવાની શક્યતા છે.
3થી 4 ઑગસ્ટ સુધી વરસાદનું જોર ઘટેલું રહે તેવી સંભાવના છે, જે બાદ હવામાનનાં વિવિધ મૉડલો દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે રાજ્યમાં નવી સિસ્ટમ આવે તો ફરી વરસાદનું જોર વધી શકે છે.
ગુજરાતમાં ઑગસ્ટ મહિનાની શરૂઆત પણ સારા વરસાદથી થાય તેવી શક્યતા છે અને જે બાદ રાજ્યના ઘણા વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પડવાની શક્યતા છે.
29 જુલાઈના રોજ 32 જિલ્લાના 213 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, જેમાં મહેસાણા, વિસનગર, વિજાપુર, સાબરકાંઠાના પ્રાંતિજ અને ભરૂચના હાંસોટમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો.
સતત વરસી રહેલા વરસાદને કારણે ગુજરાતમાં હાલ 47 ડૅમો સંપૂર્ણ ભરાઈ ગયા છે અને 53 ડૅમોને હાઇ ઍલર્ટ પર તથા 10 ડૅમોને ઍલર્ટ પર મૂકવામાં આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા 15 દિવસથી વિવિધ વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદને કારણે 16 હજાર જેટલા લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં વિવિધ વિસ્તારોમાં 1600થી વધુ લોકોને ભારે વરસાદમાં ફસાઈ જવાને કારણે બચાવવા પડ્યા છે.























