સ્માર્ટ મીટર અંગે આપના ગોપાલ ઇટાલિયાએ કહ્યું, 'આ લોકોને લૂંટવાનો નવો કારસો છે'

સ્માર્ટ મીટર, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સ્માર્ટ મીટર યોજનાનો લોકો વિરોધ કરી રહ્યા છે. રાજ્યમાં મુખ્ય વિપક્ષી દળો કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ યોજના અંગે સવાલો ઉઠાવ્યા છે.

આપના નેતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે, “ભાજપના લોકોએ સ્માર્ટ મીટરના નામે લોકોને છેતરવાનું કામ કર્યું છે. એ લોકોમાં વીજળી બિલમાં પણ પ્રીપેઇડ બિલનો નિયમ લઈને આવ્યા છે. સ્માર્ટ મીટર એ જનતાને લૂંટવાનો નવો કારસો છે. અમે માગ કરીએ છીએ કે ગુજરાતમાં પણ લોકોને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવે.”

તેમણે આરોપો લગાવતા કહ્યું હતું કે, “ધીમે ધીમે ગુજરાતમાં પ્રાઇવેટ વીજકંપનીઓને સ્થાન આપવામાં આવશે તથા દિવસ અને રાત્રિના અલગ-અલગ દરે પૈસા લેવામાં આવશે. પ્રીપેઇડના નામે ઍડવાન્સમાં જ કરોડો રૂપિયા લોકો પાસેથી ઉઘરાવીને ભાજપ માટે ફંડ એકઠું કરવામાં આવશે.”

આ પહેલાં કૉંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ પત્રકારપરિષદને સંબોધીને 'સ્માર્ટ મીટર યોજનાને મોટું કૌભાંડ' ગણાવ્યું હતું તથા કહ્યું હતું કે સરકાર લૂંટ ચલાવી રહી છે.

ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિવાદ

અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં સુરત, વડોદરા, રાજકોટ વગેરે સ્થળોએ જૂના મીટરોને કાઢીને સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે.

વિરોધ કરી રહેલા લોકોનો આરોપ છે કે આ મીટરોને કારણે તેમને પહેલાં કરતાં અતિશય વધારે બિલ આવી રહ્યાં છે.

જોકે, આ અંગે સરકાર અને ગુજરાત ઊર્જા વિકાસ નિગમનું કહેવું છે કે નવા મીટરોથી લોકોને ફાયદો થશે. વિરોધ વધતાં સરકારે જૂના મીટરોને પણ નવા મીટરની સાથે થોડો સમય યથાવત્ રાખવામાં આવશે તેમ કહ્યું છે.

ધ ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે લોકોનો વિશ્વાસ જીતવા માટે આ મીટરોને સરકારી કચેરીઓમાં પણ પહેલા લગાવવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત : ત્રણ બાળકો હોવાને કારણે ભાજપનાં બે કૉર્પોરેટર અયોગ્ય ઠર્યાં

ભાજપ, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ani

ગુજરાત રાજ્યમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના બે ચૂંટાયેલા કૉર્પોરેટરને બે કરતાં વધુ બાળકો હોવાને કારણે અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. આ બંને કૉર્પોરેટર અમરેલીની દામનગર નગરપાલિકાનાં ચૂંટાયેલાં સભ્યો હતાં.

ગુજરાત મ્યુનિસિપાલિટીઝ ઍક્ટ, 1963ના નિયમોનો ભંગ થવાને કારણે તેમને અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે.

આ નિયમ પ્રમાણે બે કરતાં વધુ બાળકો ધરાવતી વ્યક્તિઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી ન શકે.

ધી ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાએ 20મે ના રોજ એક આદેશ બહાર પાડીને ખીમા કસોટિયા અને મેઘના બોઘાને અયોગ્ય ઠેરવ્યાં છે.

જોકે, તેઓ ચૂંટાયાં તે સમયે તેમને બે બાળકો જ હતાં.

અયોગ્ય ઠેરવવામાં આવેલાં કૉર્પોરેટરનો દાવો છે કે તેમને એમ હતું કે તેમનું ત્રીજું બાળક એ ચૂંટાયાં પછી જન્મ્યું હોવાથી તેેમને આ નિયમ લાગુ નહીં પડે.

જોકે, કલેક્ટરે તેમની દલીલને માન્ય રાખી ન હતી અને બંને અયોગ્ય જાહેર થયાં હતાં.

છત્તીસગઢ : સુરક્ષા દળો સાથેની અથડામણમાં આઠ સંદિગ્ધ માઓવાદીઓના મોતનો દાવો

 સુરક્ષા દળો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

છત્તીસગઢના માઓવાદથી અસરગ્રસ્ત વિસ્તાર નારાયણપુરમાં સુરક્ષા દળોએ આઠ સંદિગ્ધ માઓવાદીઓને મારવાનો દાવો કર્યો છે.

પોલીસે કહ્યું કે સર્ચ ઑપરેશન હજી ચાલી રહ્યું છે અને માઓવાદીઓના મોતની સંખ્યા વધી શકે છે.

પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને કહ્યું, "નારાયણપુરના રેકાવાયા વિસ્તારમાં બુધવારે રાત્રે માઓવાદીઓની હાજરીની ખબર પછી ત્રણ જિલ્લાઓ નારાયણપુર, બીજાપુર અને દંતેવાડાથી બસ્તર ફાઇટર, એસટીએફ અને ડિસ્ટ્રિકટ રિઝર્વ ગાર્ડના જવાનોએ ઑપરેશન શરૂ કર્યું. અથડામણ ગુરુવારે સવારે આઠ 11 વાગ્યા આસપાસ શરૂ થઈ હતી."

પોલીસે દાવો કર્યો છે કે ગુરુવારે આખો દિવસ અથડામણ ચાલી રહી હતી અને બંને તરફ સમયાંતરે ફાયરિંગ ચાલી રહી હતી. પોલીસે આ દરમિયાન ઘટનાસ્થળેથી સાત સંદિગ્ધ માઓવાદીઓના મૃતદેહો અને ઑટોમેટિક રાઇફલ મળી હતી.

આ ઑપરેશનમાં સામેલ લગભગ એક હજાર જવાનોએ ચારેબાજુથી આ વિસ્તારની ઘેરાબંધી કરી હતી.

સુરક્ષા દળોને શુક્રવારે સવારે અન્ય એક સંદિગ્ધ માઓવાદીનો મૃતદેહ મળ્યો હતો. આ રીતે મોતની સંખ્યા વધીને આઠ થઈ ગઈ હતી.

પોલીસનુ કહેવું છે કે જે વિસ્તારમાં અથડામણ ચાલી રહી છે ત્યાંથી જવાનો પાછા ફર્યા નથી. તેઓ પાછા ફરશે પછી જ સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે.

રાજ્યના મુખ્ય મંત્રી વિષ્ણુદેવ સહાયે કહ્યું કે અમારા જવાનોની આ મોટી સફળતા છે.

મુખ્ય મંત્રીએ કહ્યું, "હું જવાનોના સાહસને સલામ કરૂ છું. અમારો લક્ષ્ય નકસલવાદનો ખાતમો કરવાનો છે."

છત્તીસગઢમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સંદિગ્ધ માઓવાદીઓ વિરુદ્ધ સતત ઑપરેશન ચાલી રહ્યાં છે.

રાજ્યના ગંગાલૂર વિસ્તારમાં બીજી એપ્રિલે પોલીસે 13 માઓવાદીઓને મારવાનો દાવો કર્યો હતો.

પોલીસે આ જ રીતે 16 એપ્રિલે કાંકેરના કલપરમાં એક અથડામણમાં 29 માઓવાદીઓ માર્યા ગયા તેવો દાવો કર્યો હતો.

છત્તીસગઢના નક્સલ ઇતિહાસમાં કોઈપણ એક અથડામણમાં એકસાથે આટલી મોટી સંખ્યામાં માઓવાદીઓ મર્યા ન હતા.

પોલીસે 30 એપ્રિલના રોજ ટેકામેટામાં 10 માઓવાદી અને 10 મેના રોજ પીડિયામાં 12 માઓવાદીઓને મારવાનો દાવો કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચને દરેક મતદાનમથકનો ડેટા જાહેર કરવાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો

સુપ્રિમ કોર્ટ ઑફ ઇન્ડિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુપ્રિમ કોર્ટ ઑફ ઇન્ડિયા

સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચને ફૉર્મ 17સીના રેકૉર્ડ સાર્વજનિક કરવાનો આદેશ આપવાનો હાલમાં ઇનકાર કર્યો છે.

કોર્ટે આ સાથે અરજીની સુનાવણીને સ્થગિત કરી દીધી છે.

ન્યાયધીશ દીપાંકર દત્તા અને સતીશચંદ્ર શર્માની પીઠ સુનાવણી કરી હતી કે વર્તમાન અરજીમાં કરવામાં આવેલી માંગણી વર્ષ 2019માં આપેલી અરજીની માંગણી સાથે મળતી આવે છે અને આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે.

કોર્ટે આ નિર્ણય એસોશિએશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ્સ એનજીઓની અરજીના જવાબમાં આપ્યો છે. આ એનજીઓએ પોતાની અરજીમાં અપીલ કરી હતી કે ચૂંટણીપંચ હાલમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં 48 કલાકની અંદર દરેક મતદાનમથક પર પડેલા મતોનો ડેટા જાહેર કરે.

આ માટે સુપ્રીમ કોર્ટ ફૉર્મ 17સીને સાર્વજનિક કરવાનો આદેશ આપે તેવી માંગણી કરવામાં આવી હતી. 17સી એ ફૉર્મ છે, જેમાં એક મતદાનમથક પર પડેલા મતોની સંખ્યાની જાણકારી આપવામાં આવે છે.

ચૂંટણીપંચે આ મામલે બે દિવસ પહેલાં કહ્યું હતું કે વેબસાઇટ પર જો દરેક મતદાન કેન્દ્રના મતદાનની ટકાવારીના ડાટાને સાર્વજનિક કરવામાં આવશે તો ચૂંટણી મશીનરીમાં ગડબડ થશે. આ મશીનરી પહેલાંથી જ લોકસભાની ચૂંટણી માટે કામ કરી રહી છે.

ચૂંટણીપંચે ઉમેર્યું કે બધી જ જાણકારી આપવી અને ફૉર્મ 17સીને સાર્વજનિક કરવી એ કાયદાકીય ફ્રેમવર્કનો ભાગ નથી. આ કારણે આખા મતવિસ્તારમાં ગડબડ થઈ શકે છે. આ ડાટાની તસવીરોને મૉર્ફ કરી શકાય છે.

નંદીગ્રામમાં વૃદ્ધ મહિલાની હત્યાના મામલે રાજ્યપાલે મમતા બેનરજી પાસેથી માગ્યો રિપોર્ટ

પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજી (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજી (ફાઇલ ફોટો)

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસે ગુરુવારે નંદીગ્રામમાં એક વૃદ્ધ મહિલાની હત્યાના મામલે મુખ્ય મંત્રી મમતા બેનરજીની ટીકા કરી અને પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો હતો.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે, રાજ્યપાલે મમતા બેનરજી સરકાર પાસેથી આ મામલે શું કાર્યવાહી કરવામાં આવી છે તે વિશે એક રિપોર્ટ માંગ્યો છે.

એક આધિકારિક વાતચીતમાં બોસે મમતા બેનરજીને ચેતવણી આપી હતી કે તેઓ (મમતા બેનરજી) સુનિશ્ચિત કરે કે જરૂરી કાર્યવાહી આદર્શ આચાર સંહિતાના માપદંડના આધારે કરવામાં આવે.

નંદીગ્રામમાં થઈ રહેલી હિંસાને રાજ્યપાલે સરકાર દ્વારા આયોજિત હિંસા ગણાવતા કહ્યું કે કોઈ પણ પ્રકારના બંધારણીય ઉલ્લંઘનને ગંભીરતાથી લેવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

પશ્ચિમ બંગાળના તમલુક સંસદીય વિસ્તારના નંદીગ્રામમાં 22 મેનાં રોજ ભારતીય જનતા પાર્ટીના એક મહિલા કાર્યકર્તાની હત્યા કરવામાં આવી હતી. ભાજપનો આરોપ છે કે આ હત્યા તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકર્તાએ કરી હતી. જોકે, ટીએમસીએ આ આરોપોને ફગાવ્યા હતા.

જે મહિલાનું મૃત્યુ થયું છે તેમનું નામ રથીબાલા આડી છે.

આ ઘટના પછી આખા વિસ્તારમાં ભારે તણાવની સ્થિતિ છે. ભાજપના કાર્યકર્તાઓએ અનેક જગ્યાએ આગ લગાવી હતી અને રસ્તો રોકીને પ્રદર્શન કર્યા હતા.

આ વિસ્તારમાં છઠ્ઠા તબક્કામાં એટલે કે 25 મેના રોજ મતદાન થશે.

અરવિંદ કેજરીવાલ : 'મોદીજી તમારી લડાઈ મારી સાથે છે, મારાં માતા-પિતાને પ્રતાડિત ન કરો'

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે વડા પ્રધાન તમારી લડાઈ મારી સાથે છે, મહેરબાની કરીને મારાં વૃદ્ધ અને બીમાર માતા-પિતાને પ્રતાડિત ન કરો.

અરવિંદ કેજરીવાલે બુધવારે દાવો કર્યો હતો કે સ્વાતિ માલીવાલ સાથે કથિત મારપીટના મામલે દિલ્હી પોલીસ તેમનાં માતા-પિતા સાથે પૂછપરછ કરશે.

અરવિંદ કેજરીવાલે જાહેર કરેલા વીડિયોમાં કહ્યું, "વડા પ્રધાન મોદીએ મને તોડવાના ઘણા પ્રયત્નો કર્યો. જોકે, મને તોડી ન શક્યા. મારી ધરપકડ પણ કરવામાં આવી. તિહાડ જેલમાં મને અનેક રીતે પ્રતાડિત કરીને તોડવાના પ્રયત્નો કર્યા. જોકે, હું તૂટ્યો નહીં."

"આજે તમે બધી જ હદો પાર કરી દીધી. તમે મને તોડવા માટે મારાં વૃદ્ધ અને બિમાર મા-બાપને નિશાનો બનાવ્યાં. મારાં માતા ખૂબ જ બીમાર રહે છે. મોદીજી 21 માર્ચે જ્યારે તમે મારી ધરપકડ કરી હતી તે જ દિવસે રાત્રે મારાં માતા હૉસ્પિટલથી પાછાં ફર્યાં હતાં. મારા પિતા 85 વર્ષના છે અને તેઓ સરખી રીતે સાંભળી પણ શકતા નથી."

કેજરીવાલે કહ્યું, "શું તમને લાગે છે કે મારાં માતા-પિતા ગુનેગાર છે. પોલીસે દ્વારા તેમની પૂછપરછ શું કામ કરાવો છો? મારાં વૃદ્ધ અને બીમાર માતા-પિતાને કેમ હેરાન કરી રહ્યા છો?"

"તમારી લડાઈ મારી સાથે છે. મારાં માતા-પિતાને હેરાન કરવાનું બંધ કરો."

અરવિંદ કેજરીવાલે ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટ કરીને કહ્યું, "હું મારાં માતા-પિતા અને પત્ની સાથે પોલીસની રાહ જોઈ રહ્યો છું. પોલીસે ગઈ કાલે ફોન કરીને મારાં માતા-પિતા પાસેથી પૂછપરછ માટે સમય માંગ્યો હતો. જોકે, પોલીસ આવશે કે નહીં તે વિશે પોલીસે કોઈ જાણકારી ન આપી."

આમ આદમી પાર્ટીનાં સંસદસભ્ય સ્વાતિ માલીવાલે 13 મેના દિવસે મુખ્ય મંત્રી નિવાસમાં અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમાર પર કથિત મારપીટના આરોપ લગાવ્યા છે.

આમ આદમી પાર્ટીએ માલીવાલના આરોપોને ફગાવ્યા છે.

બિભવ કુમારના પિતા મહેશ્વર રાયે કહ્યું છે કે "તેમનો પુત્ર નિર્દોષ છે".

પૂર્વ વડા પ્રધાન દેવેગૌડાએ પ્રજ્જ્વલ રેવન્નાને કહ્યું કે "દેશ પાછા ફરીને પોલીસ સામે સરેન્ડર કરે"

પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડા

પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડાએ પોતાના પૌત્ર પ્રજ્જ્વલ રેવન્નાને એક સખત ચેતવણી આપી છે.

દેવેગૌડાએ સેક્સ સ્કેન્ડલના આરોપોનો સામનો કરી રહેલા પ્રજ્જ્વલ રેવન્નાને તરત જ પોલીસ સામે સરેન્ડર કરવાનુ કહ્યું છે.

કન્નડ અને અંગ્રેજીમાં જાહેર કરેલા નિવેદનમાં દેવેગૌડાએ કહ્યું, "તેમને (રેવન્ના) કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ. હું આ કોઈ અપીલ નથી કરી રહ્યો, પરંતુ ચેતવણી આપી રહ્યો છું. જો તે આ ચેતવણી પર અમલ નહીં કરે તો તેમને મારો અને આખા પરિવારના ગુસ્સાનો સામનો કરવો પડશે."

"તેના પર લાગેલા આરોપો વિશે કાયદો પોતાનું કામ કરશે પણ જો તેઓ પરિવારની વાત નહીં સાંભળે તો એકદમ એકલા થઈ જશે. જો તેઓ મારી જરાય પણ ઇજ્જત કરતા હોય તો તેમણે તરત જ ભારત પાછા ફરવું જોઈએ."

પ્રજ્જ્વલ રેવન્ના કર્ણાટકની હાસન લોકસભા બેઠક પરથી જેડીએસના ઉમેદવાર છે. તેઓ હાસનમાં લોકસભા ચૂંટણીના મતદાન પછી 27 એપ્રિલે જર્મની ભાગી ગયા હતા. જેડીએસ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનનો ભાગ છે.

હાસનમાં મતદાનના પાંચ દિવસો પહેલાં એક પેન ડ્રાઇવ સામે આવી હતી. આ પેન ડ્રાઇવમાં મહિલાઓ સાથે પ્રજ્જ્વલની કથિત 2900થી વધારે અશ્લીલ વીડિયો ક્લિપ હતી. આ પેન ડ્રાઇવ હાસન શહેર અને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ફેંકવામાં આવી હતી.

પ્રજ્જ્વલ રેવન્નાએ જૂન 2023માં આ વીડિયોને સાર્વજનિક ન કરવા માટે કોર્ટ પાસેથી એક આદેશ હાંસલ કર્યો હતો.

મહારાષ્ટ્રના ડોબિંવલીની કેમિકલ કંપનીમાં થયેલા વિસ્ફોટને કારણે આઠ લોકોનું મૃત્યુ

કેમિકલ કંપનીમાં વિસ્ફોટ

મહારાષ્ટ્રના ડોબિંવલી એમઆઈડીસીમાં આવેલી એક કેમિકલ કંપનીમાં ગુરુવારે થયેલા વિસ્ફોટને કારણે આઠ લોકોનું મોત થયું હતું.

ડોબિંવલી એમઆઈડીસીના ફેઝ 2માં આવેલી અમુદાન કેમિકલ કંપનીમાં લગભગ બપોરના સમયે એક મોટો ધડાકો થયો હતો.

સ્થાનિકોએ જણાવ્યું કે આ વિસ્ફોટના ઝાટકા ત્રણથી ચાર કિલોમીટર સુધી અનુભવાયા હતા. વિસ્ફોટ એટલો મોટો હતો કે કથિત રૂપે આ વિસ્તારમાં આવેલા કેટલીક ઇમારતોની બારીઓ તૂટી ગઈ અને કેટલીક કારોને પણ નુકસાન થયું હતું.

સ્થાનિક લોકો માંગણી કરી રહ્યા છે કે વધારે ખતરનાક રસાયણો બનાવતી કંપનીઓને શહેરની બહાર સ્થળાંતર કરવી જોઈએ.

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ આ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે આ ઘટનામાં 60 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને આઠ લોકોનું દુર્ભાગ્યપણે મૃત્યુ થયું છે.

વિસ્ફોટ પછી ઘટનાસ્થળની મુલાકાતે આવેલા મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ કહ્યું, "જે એકમો વધારે ભયજનક શ્રેણીમાં આવે છે તેને તરત જ બંધ કરવામા આવશે. કેમિકલ કંપનીએ પોતાના જે ભયજનક ન હોય તેવા એકમોમાં ઉત્પાદન કરવું જોઈએ જેથી કરીને જાનમાલનું નુકસાન ન થાય. શહેરની બાહર આવેલા એમઆઈડીસીમાં સ્થળાંતરની મંજૂરી આપવામાં આવશે."

"આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવશે અને દોષીઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. લોકોના જીવન સાથે આ પ્રકારે સમજૂતી કરી શકાય નહીં."