ગુજરાત પ્રદૂષણ: કૃત્રિમ વરસાદ એટલે શું અને કેવી રીતે પડે?

વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં કૃત્રિમ વરસાદ એ કોઈ નવો શબ્દ નથી. પૂર, દુષ્કાળ, હીટ વેવ, તોફાન, જંગલની આગ વગેરે જેવી પરિસ્થિતિઓમાં સ્થિતિને નિયંત્રિત કરવાના વિકલ્પ તરીકે કૃત્રિમ વરસાદની ચર્ચા કરવામાં આવે છે.

હાલમાં દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ અને તેના કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી આ વિશે ચર્ચા કરવામાં આવી રહી છે. જોકે આ દરમિયાન દિલ્હી-એનસીઆરમાં થયેલા વરસાદથી પ્રદૂષણમાં થોડો ઘટાડો થયો છે.

છેલ્લા 24 કલાકમાં જે પ્રદૂષણનું સ્તર-ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ પર અંદાજે 500 હતું, તે ઘટીને 172 પર આવી ગયું છે.

દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોથી પ્રદૂષણનું સ્તર 'ગંભીર' રહ્યું છે. અહીં ગંભીર મતલબ છે કે દિલ્હીની હવાનો ગુણવત્તા સૂચકાંક 401 અને 500ની વચ્ચે રહે છે.

નિષ્ણાતોના મતે, જ્યારે AQI શૂન્ય અને 50 વચ્ચે હોય ત્યારે તેને 'સારું' કહેવામાં આવે છે. 51 અને 100 વચ્ચે 'સંતોષકારક' ગણાય છે, 101 અને 200 વચ્ચે 'મધ્યમ' ગણાય છે, 201 અને 300 વચ્ચે 'ખરાબ' છે, 301 અને 400 વચ્ચે 'ખૂબ ખરાબ' અને 401 અને 500 'ગંભીર' માનવામાં આવે છે.

ગંભીર પ્રદૂષણ સ્તરને પહોંચી વળવા અને તેને નિયંત્રિત કરવા દિલ્હી સરકારે એક પછી એક અનેક જાહેરાતો કરી છે.

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જણાવ્યું કે પ્રદૂષણ સામે લડવા સરકાર કયાં પગલાં લઈ શકે છે. સરકારે સૂચવેલા તમામ ઉપાયોમાં ક્લાઉડ સીડિંગથી કૃત્રિમ વરસાદનું સૂચન ખૂબ ચર્ચામાં છે.

કૃત્રિમ વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાતમ્ક તસવીર

દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું, "દિલ્હીની ભૂવૈજ્ઞાનિક સ્થિતિ એવી છે કે વર્ષના આ સમયે દિલ્હી સહિત ઉત્તર ભારતનાં ઘણાં શહેરો પ્રદૂષણથી પીડાય છે. તેની સારવાર કૃત્રિમ વરસાદથી કરી શકાય છે. અમે IIT કાનપુરના નિષ્ણાતો સાથે બેઠક કરી હતી. જો અમને સુપ્રીમ કોર્ટની સંમતિ મળશે તો સરકાર તેને ખૂબ જ જલદી પૂર્ણ કરવા માગે છે. જો આ બાબત સફળ સાબિત થશે તો અમારી પાસે ખૂબ જ દિલ્હી જ નહીં આખા ઉત્તર ભારત માટે એક કારગત ટેક્નોલૉજી આવી જશે."

આવી સ્થિતિમાં સવાલ એ કે કૃત્રિમ વરસાદ એટલે શું? તે કેવી રીતે થાય છે અને પ્રદૂષણ સાથે વ્યવહાર કરવામાં તે કેટલું અસરકારક છે?

આ બધા પ્રશ્નોના જવાબ આપવા માટે, અમે IIT કાનપુરના સિવિલ એન્જિનિયરિંગના પ્રોફેસર એસ. એન. ત્રિપાઠી સાથે વાત કરી. નીચે આપેલ માહિતી આ વાતચીત પર આધારિત છે.

કૃત્રિમ વરસાદ શું હોય છે?

કૃત્રિમ વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

જ્યારે વાતાવરણમાં કુદરતી રીતે બનેલાં વાદળો વરસાદનું કારણ બને છે, ત્યારે તેને કુદરતી વરસાદ કહેવામાં આવે છે.

પરંતુ ઘણી વખત એવું બને છે કે વાદળો બને છે પરંતુ તેમની અંદરની કેટલીક અધૂરી પ્રક્રિયાઓને કારણે વરસાદ થતો નથી અથવા વરસાદ પડે તો પણ તે વાદળોમાં જ રહે છે અને પૃથ્વી સુધી પહોંચતો નથી.

તેથી એક વિશેષ તકનીક હેઠળ વાદળોમાં વરસાદનાં બીજ નાખીને વરસાદ લાવવામાં આવે ત્યારે તેને કૃત્રિમ વરસાદ કહેવામાં આવે છે. આ ટેકનિકનું નામ ક્લાઉડ સીડિંગ છે.

ક્લાઉડ સીડિંગ તકનીક શું છે?

કૃત્રિમ વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

‘ક્લાઉડ સીડિંગ’ શબ્દ બે શબ્દોથી બનેલો છે, ક્લાઉડ અને સીડિંગ.

મેઘ એટલે વાદળ અને સીડિંગ એટલે બીજ રોપવાં.

તે વિચિત્ર લાગશે પરંતુ સાદા શબ્દોમાં કહીએ તો વાદળોમાં વરસાદનાં બીજ રોપવાની પ્રક્રિયાને ક્લાઉડ સીડિંગ કહે છે.

નોંધનીય છે કે સિલ્વર આયોડાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ અને સોડિયમ ક્લોરાઇડ જેવા પદાર્થોનો બીજ તરીકે ઉપયોગ થાય છે.

આ પદાર્થોને વિમાન વગેરેની મદદથી વાદળોમાં છાંટવામાં આવે છે.

આ પદાર્થો વાદળમાં હાજર પાણીનાં ટીપાંને સ્થિર કરે છે. જે પછી બરફના ટુકડા અન્ય ટુકડાઓ સાથે ચોંટી જાય છે અને બરફનો ગુચ્છો બનાવે છે. આ બરફના ટુકડા જમીન પર પડે છે.

ક્લાઉડ સીડિંગનો ઇતિહાસ લાંબો છે.

અમેરિકાના વૈજ્ઞાનિક સિન્સેન્ટ જે. શેફરે ક્લાઉડ સીડિંગનો આવિષ્કાર કર્યો હતો.

તેના મૂળ 1940ના દાયકામાં જોવા મળે છે, ખાસ કરીને તે સમય દરમિયાન અમેરિકામાં તેના પર કામ થયું હતું.

પ્રોફેસર એસ. એન. ત્રિપાઠી સમજાવે છે, “જ્યાં વાદળો ના હોય ત્યાં તમે સીડિંગ કરી શકતા નથી. તો સૌપ્રથમ તમે જુઓ કે વાદળો છે કે નહીં, જો હોય તો તે કેટલી ઊંચાઈએ છે, તેમની અને વાતાવરણની વિશેષતાઓ શું છે. પછી પૂર્વાનુમાન કે માપનની મદદથી તેઓ શોધી કાઢે છે કે વાદળમાં કેટલું પાણી છે. આ પછી વાદળોમાં યોગ્ય સ્થાનો પર એક ખાસ પ્રકારનું રસાયણ (મીઠું અથવા ક્ષારનું મિશ્રણ) છાંટવામાં આવે છે. આ રસાયણ વાદળોની માઇક્રોફિઝિકલ પ્રક્રિયાઓ (એટલે કે વરસાદના કણો, બરફ)ને ઝડપી બનાવે છે જે બાદ તે વરસાદ રૂપે જમીન પર પડે છે.

વાદળોને ઇલેક્ટ્રિક શૉક આપવાની એક ટેકનિક પણ છે, જેનો ઉપયોગ કરીને વરસાદ થઈ શકે છે. આમાં ડ્રોન ટેક્નોલૉજીની મદદથી વાદળોને ઇલેક્ટ્રિક શૉક આપવામાં આવે છે.

UAEએ 2021માં આ ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને કૃત્રિમ વરસાદ કર્યો હતો.

કૃત્રિમ વરસાદની ક્યારે જરૂર છે?

વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિલ્હીમાં પ્રદૂષણને કારણે દિવસે પણ ધૂંધળું વાતાવરણ જોવા મળે છે

સામાન્ય રીતે દુષ્કાળની સ્થિતિનો સામનો કરવા કૃત્રિમ વરસાદ કરવામાં આવે છે.

આ ઉપરાંત, તેનો ઉપયોગ જંગલની ભીષણ આગ, અસહ્ય ગરમી અથવા હીટ વેવ અને પ્રદૂષણને ઘટાડવા પણ થાય છે.

ઇઝરાયલ નિયમિતપણે કૃત્રિમ વરસાદ કરાવે છે, કારણ કે અહીં કુદરતી વરસાદ બહુ ઓછો પડે છે. આજે સંયુક્ત આરબ અમિરાત પણ સંશોધન કાર્યક્રમો અને ઑપરેશનલ કાર્યક્રમોમાં કૃત્રિમ વરસાદનું આયોજન કરે છે.

ચીને 2008માં બીજિંગ ઑલિમ્પિક દરમિયાન ઍરક્રાફ્ટ અને ગ્રાઉન્ડ બેઝ્ડ બંદૂકોની મદદથી ક્લાઉડ સીડિંગ કર્યું હતું. જે બાદ તેમને પ્રદૂષણ નિયંત્રણમાં ઘણી મદદ મળી.

ભારતની વાત કરીએ તો અહીં પહેલાં પણ ક્લાઉડ સીડિંગ થતું રહ્યું છે, પણ હજી સુધી આ વિદેશી ઍરક્રાફ્ટ, વિદેશના સીડિંગ ટૂલ અને વિદેશના જ વૈજ્ઞાનિક, એન્જિનિયરની મદદથી કરાયું છે.

હવે પહેલી વાર IIT કાનપુરે પોતાનું મીઠું એટલે કે કેમિકલ વિકસાવ્યું છે. વિમાન IIT કાનપુરનું છે અને અમે સીડિંગ ટૂલ્સ પણ જાતે જ તૈયાર કર્યા છે. તેથી જો તેનો દિલ્હીમાં ઉપયોગ કરાય તો તે સંપૂર્ણપણે સ્વદેશી હશે.

અને જ્યાં સુધી તેની અસરકારકતાનો પ્રશ્ન છે તો તે બીજ પર આધારિત છે.

જો સીડિંગ યોગ્ય રીતે કરવામાં આવે તો તે દરેક રીતે અસરકારક સાબિત થાય છે, કારણ કે જ્યારે મોટા વિસ્તારમાં વરસાદ પડે છે ત્યારે પ્રદૂષણ આપોઆપ નિયંત્રિત થાય છે.

તેનો પ્રથમ ઉપયોગ ક્યારે થયો હતો?

હાલમાં ઘણા દેશો તેનો ઉપયોગ કરે છે.

2017માં યુનાઇટેડ નેશન્સ મીટિરોલૉજિકલ ઑર્ગેનાઇઝેશનનો અંદાજ છે કે અત્યાર સુધીમાં 50થી વધુ દેશોએ ક્લાઉડ સીડિંગનો પ્રયાસ કર્યો છે. જેમાં ઑસ્ટ્રેલિયા, જાપાન, ઇથોપિયા, ઝિમ્બાબ્વે, ચીન, અમેરિકા અને રશિયાનો સમાવેશ થાય છે.

ભારતે પણ તેનો ઉપયોગ કર્યો છે. પરંતુ ભારતની જેમ પ્રદૂષણથી પીડિત ચીન પણ તેનો સૌથી વધુ ઉપયોગ કરે છે.

2008માં ચીને બીજિંગમાં યોજાયેલી સમર ઑલિમ્પિક ગેમ્સ પહેલા પ્રથમ વખત ક્લાઉડ સીડિંગ ટેક્નોલૉજીનો ઉપયોગ કર્યો હતો.

જ્યારે ભારતે વર્ષ 1984માં પ્રથમ વખત તેનો ઉપયોગ કર્યો હતો. તામિલનાડુ તે સમયે ભયંકર દુષ્કાળનો સામનો કરી રહ્યું હતું. તામિલનાડુ સરકારે 1984-87, 1993-94 વચ્ચે ક્લાઉડ સીડિંગ ટેક્નોલૉજીની મદદ લીધી હતી.

2003 અને 2004માં કર્ણાટક સરકારે પણ ક્લાઉડ સીડિંગનો પ્રયોગ કર્યો હતો. તે જ વર્ષે મહારાષ્ટ્ર સરકારે પણ તેની મદદ લીધી હતી.

બીબીસી
બીબીસી