ગુજરાતમાં SIR હેઠળ પાંચ કરોડથી વધુ મતદારોને ગણતરી ફૉર્મ અપાયાં, ડિજિટાઇઝેશનમાં ડાંગ જિલ્લો અગ્રેસર – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, @ECISVEEP
ગત 4 નવેમ્બરથી ગુજરાતમાં મતદારયાદી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની (SIR) કામગીરી ચાલી રહી છે.
આ કામગીરીનો પ્રથમ તબક્કો અગાઉ 4 ડિસેમ્બરે પૂર્ણ થવાનો હતો. જોકે, હવે આ તબક્કાની સમયમર્યાદા વધારીને 11 ડિસેમ્બર કરી દેવાઈ છે.
મંગળવારે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીની ઑફિસે આ પ્રક્રિયા અંતર્ગત થયેલી કામગીરી માટેનો અહેવાલ રજૂ કરતી પ્રેસનોટ જાહેર કરી હતી.
જે પ્રમાણે રાજ્યમાં SIRની કામગીરીના પ્રથમ તબક્કા અંતર્ગત 2025ની મતદારયાદીમાં રહેલા પાંચ કરોડથી વધુ મતદારોને ગણતરી ફૉર્મનું વિતરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.
આ ઉપરાંત દાહોદના લીમખેડા, બનાસકાંઠાના ધાનેરા થરાદ, રાજકોટના ધોરાજી વિધાનસભા મતવિસ્તારમાં 100 ટકા ડિજિટાઇઝેશનનું લક્ષ્ય પણ હાંસલ કરી લેવાયું છે.
અખબારી યાદી પ્રમાણે રાજ્યના 33 જિલ્લા પૈકી મોટા ભાગના જિલ્લામાં 100 ટકા ફૉર્મ વિતરણની કામગીરી પૂરી થઈ છે. જ્યારે અમુક જિલ્લામાં 100 ટકા વિતરણનું લક્ષ્ય ટૂંક સમયમાં જ હાંસલ કરી લેવાશે.
ગણતરી ફૉર્મના ડિજિટાઇઝેશનની વાત કરીએ તો 93.55 ટકા ફૉર્મ ડિજિટાઇઝેશન સાથે ડાંગ જિલ્લો આ કામમાં મોખરે રહ્યો છે.
આ ઉપરાંત કાર્યાલય દ્વારા પ્રથમ તબક્કામાં સામે આવેલી વિગતોનું વિશ્લેષણ પણ અપાયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ પ્રમાણે રાજ્યમાં ગણતરી દરમિયાન મતદારયાદીમાં સામેલ કુલ 16 લાખ મતદારો મૃત્યુ પામેલા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે 4.40 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર મળી આવ્યા હતા.
આ ઉપરાંત 23 લાખ અને 2.82 લાખ મતદારો અનુક્રમે કાયમી ધોરણે સ્થળાંતર કરી ગયેલ અને રિપીટ હોવાનું સામે આવ્યું હતું.
રશિયા-યુક્રેન યુદ્ધ અંગે રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરવા મૉસ્કો પહોંચ્યા ટ્રમ્પના વિશેષ દૂત

ઇમેજ સ્રોત, SPUTNIK/KREMLIN POOL/EPA/Shutterstock
રશિયાની સરકારી ન્યૂઝ એજન્સી પ્રમાણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરવા માટે મૉસ્કો પહોંચ્યા છે.
વિટકૉફ મૉસ્કોના વનુકોવો ઍરપૉર્ટ પર ઊતર્યા છે, અહીં તેઓ રશિયાના કિરિલ દિમિત્રિવને મળશે.
એ બાદ રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવા મુદ્દે વાતચીત માટે વિટકૉફ રાષ્ટ્રપતિ પુતિનને મળશે. પુતિનના પ્રેસ સચિવ દિમિત્રી પેસકોવે જણાવ્યું કે ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર પણ આ વાતચીતમાં સામેલ થશે.
આ મુલાકાત યુક્રેનિયન અને અમેરિકન અધિકારીઓ વચ્ચે બે દિવસની વાતચીત બાદ થઈ રહી છે, જેમાં અમેરિકાની 28 પૉઇન્ટવાળી શાંતિ યોજનાને બહેતર બનાવવા અંગે વાત થઈ હતી, જેને રશિયા માટે ફાયદાકારક ગણાવી રહી હતી.
'સંચાર સાથી' ઍપ પર થયેલા વિવાદ બાદ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
ભારત સરકારે ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમ્યુનિકેશનના મોબાઇલ ફોનમાં સંચાર સાથી ઍપ પ્રી-ઇન્સ્ટૉલ કરાવવાના નિર્દેશો અંગે સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટીકરણ આપ્યું છે.
તેમનું કહેવું છે કે આ ઍપ તમે મોબાઇલમાં ન રાખવા માગતા હો તો તેને હઠાવી શકો છો, એટલે કે તેને ડિલીટ કરી શકાશે.
ઍપ અંગે સર્જાયેલા વિવાદ બાદ તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, "જો તમે આ ઍપનો ઉપયોગ નથી કરવા માગતા, તો રજિસ્ટર ન કરો અને ડિલીટ કરવું હોય તો ડિલીટ કરી દો."
સાથે જ તેમણે કહ્યું, "પરંતુ દેશમાં દરેકને એ ખબર નથી કે આ ઍપ ફ્રૉડ અને ચોરીથી બચાવવા માટે છે. દરેક વ્યક્તિ સુધી આ ઍપ પહોંચાડવી એ અમારી જવાબદારી છે."
જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટ કર્યું છે કે જો આ ઍપ પર 'તમે રજિસ્ટર કરશો તો જ એ ઍક્ટિવ થશે, નહીંતર નહીં.'
વિપક્ષ દ્વારા આ ઍપ અંગે સવાલ ઉઠાવાઈ રહ્યા છે, જે અંગે તેમણે કહ્યું, "વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી અને વિપક્ષ મુદ્દો શોધવા માગે છે, એમાં તેમની મદદ અમે ન કરી શકીએ."
આ પહેલાં કૉંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ સંચાર સાતી ઍપને એક 'જાસૂસી ઍપ' ગણાવી હતી.
ઇમરાન ખાન સાથે જોડાયેલી અફવાઓ વચ્ચે પૂર્વ પત્ની જેમાઇમા ગોલ્ડસ્મિથે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનનાં પૂર્વ પત્ની જેમાઇમા ગોલ્ડસ્મિથે આંતરરાષ્ટ્રીય સમુદાય અંગે 'વિચિત્ર મૌન જાળવી રાખવાની' વાત કહી છે.
તેમણે આ વાત ત્યારે કહી જ્યારે પાછલા અમુક દિવસથી ઇમરાન ખાન સાથે સંકળાયેલી કેટલીક અફવાઓ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે.
જેમાઇમા ગોલ્ડસ્મિથે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું, "તેમનાં બાળકોને તેમને પત્ર મોકલવા સુધ્ધાંની પરવાનગી નથી. આશ્ચર્યજનક વાત છે. અને આંતરરાષ્ટ્રીય સમુદાયે ગજબ મૌન જાળવી રાખ્યું છે."
પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર પાછલા બુધવારથી જ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ)ના નેતા ઇમરાન ખાન વિશે અનેક પ્રકારના સમાચાર ચાલી રહ્યા હતા.
ઇમરાન ખાનના પુત્ર કાસિમ ખાને પણ પોતાના પિતા અંગે 'પ્રૂફ ઑફ લાઇફ' એટલે કે ઇમરાન ખાનના જીવિત હોવાનો પુરાવો માગ્યો.
'સંચાર સાથી' ઍપ વિશે શું બોલ્યાં પ્રિયંકા ગાંધી?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કૉંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ 'સંચાર સાથી' ઍપ મામલે ઊભા થયેલા વિવાદ પર પ્રતિક્રિયા આપી છે.
તેમણે વાતચીતમાં પત્રકારોને જણાવ્યું, "આ એજ જાસૂસી ઍપ છે. મારો અર્થ એ છે કે તે હાસ્યાસ્પદ છે."
કૉંગ્રેસ સાંસદે કહ્યું, "નાગરિકોને આ હક છે કે તેઓ પોતાના પરિવાર અને મિત્રોને વ્યક્તિગત રીતે વગર સરકારની દેખરેખ હેઠળ સંદેશો મોકલી શકે."
તેમણે સરકાર પર આરોપ લગાવ્યો, "તેઓ તમામ પ્રકારે દેશને એક તાનાશાહીમાં બદલી રહ્યા છે. સંસદ એટલા માટે નથી ચાલી રહી કારણ કે, તેઓ કોઈ પણ મુદ્દે વાતચીત કરવાનો ઇન્કાર કરે છે."
ભારત સરકારના દૂરસંચાર વિભાગે સોમવારે સ્માર્ટફોન નિર્માતાઓને એક નિર્દેશ આપ્યો.
જેમાં કહેવામાં આવ્યું કે તેઓ માર્ચ 2026થી વેચાનારા નવા મોબાઇલ ફોનમાં 'સંચાર સાથી' ઍપને પ્રી-ઇન્સ્ટૉલ કરીને રાખે.
નિર્દેશોમાં કહેવાયું છે કે 'સંચાર સાથી' ઍપનો ઉપયોગ 'ઉપકરણોમાં ઉપયોગમાં લેનારા આઈએમઈઆઈની પ્રમાણિકતા સ્થાપિત કરવા' માટે કરવામાં આવશે.
એક નિવેદનમાં ડીઓટીએ કહ્યું કે આ પગલું "નાગરિકોને નકલી હૅન્ડસેટ ખરીદવાથી બચવા અને દૂરસંચાર સાધનોના દુરુપયોગને સમજવાની મદદ મેળવવા માટે ઉઠાવવામાં આવ્યું છે."
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં કલમ 144 કેમ લાગુ થઈ

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઇન્સાફના વિરોધપ્રદર્શન પહેલાં ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
બંને શહેરોનાં પ્રશાસનનું કહેવું છે કે કલમ 144 અંતર્ગત કોઈ પણ પ્રકારનાં વિરોધપ્રદર્શનો કે સભાની પરવાનગી નથી.
બીબીસી ઉર્દૂ પ્રમાણે, પીટીઆઈ સંબંધિત તમામ સાંસદોએ મંગળવારે ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલય તથા અદિયાલા જેલની બહાર શાંતિપૂર્ણ પ્રદર્શનોની જાહેરાત કરી છે.
ખૈબર પખ્તુન્ખ્વાહના મુખ્ય મંત્રી સોહેલ અફ્રીદીએ રવિવારે આ પ્રદર્શનોની ઘોષણા કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે માત્ર વિધાનસભાના સભ્યો જ આ વિરોધપ્રદર્શનમાં ભાગ લેશે. કોઈ કાર્યકર્તા તેમાં સામેલ નહીં થાય.
છેલ્લાં બે વર્ષથી ઇમરાન ખાન રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે.
ઇમરાન ખાનને 19 કરોડ પાઉન્ડ એટલે કે લગભગ 2 હજાર કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર મામલે એક અદાલતે સજા સંભળાવી છે.
બે વાવાઝોડાંને કારણે દક્ષિણ એશિયાના દેશોમાં છેલ્લા પખવાડિયા દરમિયાન પૂર અને ભૂસ્ખલનને કારણે 1,100થી વધુનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
ગયા અઠવાડિયે ઇન્ડોનેશિયા ઉપર સેન્યાર નામનું વાવાઝોડું ત્રાટક્યું હતું, જેમાં 500થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને 500 જેટલા લોકો ગુમ છે.
બીબીસીની ઇન્ડોનેશિયા સેવાનાં રિપોર્ટર નિક્કી વિડાડિયો પશ્ચિમ સુમાત્રા પહોંચ્યાં છે. તેમનું કહેવું છે કે ત્રણ રાજ્યોમાં લગભગ 14 લાખ લોકોને વાવાઝોડા તથા એના કારણે આવેલા ભારે વરસાદને કારણે અસર પહોંચી છે.
નિક્કી વિડાડિયો જણાવે છેકે પશ્ચિમ સુમાત્રાની આગવી ઓળખ સમા 'ટ્વિન બ્રીજ' ઉપરથી પાણી પસાર થયું હતું અને ત્યાં પણ માટી અને કાટમાળ ભરાઈ ગયાં છે.
આ વિસ્તારમાં અનેક સ્થળોએથી જે તસવીરો બહાર આવી રહી છે, તેમાં રસ્તા અને બ્રીજ તૂટી ગયા હોવાનું કે તેની ઉપર માટી કાટમાળ એકઠાં થઈ ગયાં હોવાનું જોવા મળે છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટાવાહનોથી પહોંચવાનું મુશ્કેલ હોવાથી રાહતકર્મીઓ મોટરસાઇકલનો ઉપયોગ કરી રહ્યા છે.
આમ છતાં કેટલાક લોકોનું કહેવું છે કે તંત્ર આ પ્રકારના પૂરને માટે સજ્જ ન હતું તથા બાબુશાહીને કારણે અસરગ્રસ્તો સુધી સહાય પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. જેના કારણે તેમને ખાવાપીવાના સાંસા પડી રહ્યાં છે.
સોમવારે રાષ્ટ્રપતિ પ્રોબોઓ સુબિયાંતોએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને રાહત તથા બચાવકાર્યની સમીક્ષા કરી હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા લગભગ એક પખવાડિયા દરમિયાન વાવાઝોડાંને કારણે ઇન્ડોનેશિયા, થાઇલૅન્ડ, શ્રીલંકા અને મલેશિયા સહિતના દેશોમાં લગભગ 1,100થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે સેંકડો લાપતા બન્યા છે.
શ્રીલંકામાં 355 લોકો મૃત્યુ પામ્યાં છે જ્યારે કે થાઇલૅન્ડમાં 176 લોકોનાં મોત થયાં છે.
ગત દિવસોમાં સેન્યાર અને દિત્વાત નામનાં બે વાવાઝોડાં આ પ્રદેશમાં ત્રાટક્યાં હતાં. જેણે દક્ષિણ એશિયામાં ભારે વિનાશ વેર્યો છે.
ટ્રમ્પની તબીબી તપાસમાં શું બહાર આવ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
વ્હાઇટ હાઉસના તબીબ સીન બારબાબેલાએ સોમવારે એક મેમો બહાર પાડીને જણાવ્યું હતું કે 79 વર્ષના ટ્રમ્પના હૃદય અને પેટના એમઆરઆઈ 'બિલકુલ સામાન્ય' આવ્યા છે.
ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે, ટ્રમ્પે આ એમઆરઆઈ ઑક્ટોબર મહિનામાં તેમના રૂટિન મેડિકલ ચેકઅપ દરમિયાન કરાવ્યો હતો, કારણ કે આ ઉંમરના પુરૂષો માટે હૃદય અને પેટના સ્વાસ્થ્ય સંબંધિત વિસ્તૃત તપાસને લાભકારક માનવામાં આવે છે.
અમેરિકામાં વિપક્ષ ડેમૉક્રેટિક પાર્ટીના નેતાઓ ટ્રમ્પની ઉંમર તથા બીજા કાર્યકાળ દરમિયાન તેમના આરોગ્ય ઉપર સવાલ ઊઠાવી રહ્યા હતા અને ટ્રમ્પની આરોગ્ય સંબંધિત માહિતીને સાર્વજનિક કરવાની માંગ કરી રહ્યા હતા, એવા સમયમાં આ રિપોર્ટ બહાર આવ્યો છે.
બહાર પાડવામાં આવેલા મેમોમાં કૅપ્ટન બારબાબેલા લખે છે કે ટ્રમ્પની ધમનીઓ સંકોચાયેલી નથી કે લોહીના પ્રવાહમાં અવરોધના કોઈ પુરાવા નથી મળ્યા અથવા તો હૃદય કે લોહીની ધમનીઓમાં કોઈ સમસ્યા જોવા નથી મળી.
ડૉક્ટરે એ પણ જણાવ્યું કે ટ્રમ્પની હૃદય સંબંધિ પ્રણાલી 'એકદમ સ્વસ્થ' જણાય છે.
મસ્કે તેમના દીકરાનું મિડલ નેમ 'શેખર' કેમ રાખ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વની સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્કે ભારતીય પ્રતિભાની પ્રશંસા કરી છે. અમેરિકામાં ટ્રમ્પ સરકારની ઇમિગ્રેશન નીતિ તથા વૈશ્વિક ટેલન્ટને આકર્ષિત કરવાની ચર્ચા વચ્ચે ટેસ્લાના સીઈઓએ આ વાત કરી હતી.
ઝેરોધાના કૉ-ફાઉન્ડર નિખિલ કામત સાથેના એક ઇન્ટરવ્યૂ દરમિયાન મસ્કે કહ્યું, "ભારતીય પ્રતિભાનો સૌથી વધુ લાભ અમેરિકાને મળ્યો છે."
ભારત તથા ભારતીયો સાથેના જોડાણ અંગે મસ્કે કહ્યું, "મારી પાર્ટનર શિવોન ભારતીય મૂળનાં છે. મારા એક બાળકનું મિડલ નેમ ભારતીય ભૌતિક શાસ્ત્રી પ્રોફેસર એસ. ચંદ્રશેખર પરથી 'શેખર' રાખ્યું છે."
એસ. ચંદ્રશેખરને વર્ષ 1983માં તારા કેવી રીતે બન્યા તથા તેની આકૃતિ વિશે સૈદ્ધાંતિક સંશોધન કર્યું હતું, જેના માટે તેમને નૉબલ પુરસ્કાર એનાયત થયો હતો.
જ્યારે કામતે પૂછ્યું કે શું શિવોન ક્યારેય ભારતમાં રહ્યાં છે ? ત્યારે મસ્કે કહ્યું, "ના, તે કૅનેડામાં જન્મી અને મોટી થઈ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























