ગુજરાતમાં ડઝનથી વધુ જિલ્લામાં ભારે વરસાદ પડશે, કઈ તારીખ ક્યાં સુધી વરસાદની આગાહી કરાઈ?

બીબીસી ગુજરાતી હવામાન વેધર વરસાદ ચોમાસું ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળે વરસાદ થયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ છૂટોછવાયો વરસાદ થયો છે.

વરસાદનો ડેટા દર્શાવે છે કે મોટા ભાગની જગ્યાએ ચોવીસ કલાકમાં એક ઇંચ અથવા તેનાથી ઓછો વરસાદ પડ્યો છે. મહીસાગરના લુણાવાડા તાલુકામાં સૌથી વધારે 2.60 ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે નર્મદાના ડેડિયાપાડામાં 2.01 ઇંચ વરસાદ થયો છે.

ભરુચના ઝઘડિયામાં 1.46 ઇંચ, અમદાવાદના ધંધૂકામાં 1.38 ઇંચ, બનાસકાંઠાના અમીરગઢમાં 1.34 ઇંચ, સુરતના ઉમરપાડામાં 1.30 ઇંચ, નર્મદાના તિલકવાડામાં 1.26 ઇંચ વરસાદ નોંધાયો છે. સંતરામપુર, સિનોર, ખાનપુર અને વ્યારા તાલુકામાં પણ એકથી સવા ઇંચ આસપાસ વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગની આગાહી શું છે?

હાલમાં ઓડિશાના કિનારા નજીક બંગાળની ખાડીમાં સમુદ્રની સપાટીથી લો પ્રેશર એરિયા સર્જાયો છે. સમુદ્રની સપાટીથી 7.6 કિમીની ઊંચાઈએ સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધે છે. આગામી ચોવીસ કલાકમાં તે ઓડિશા તરફ જશે તેવું હવામાન વિભાગ જણાવે છે.

બિકાનેર, દામોહ, પેન્ડ્રા રોડ પરથી એક ચોમાસુ ટ્રફ પસાર થાય છે, જેનાથી બંગાળની ખાડી પર લો પ્રેશર એરિયા સર્જાયો છે.

આગામી ચાર દિવસ ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદ પડશે?

બીબીસી ગુજરાતી હવામાન વેધર વરસાદ ચોમાસું ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ

ઇમેજ સ્રોત, IMD

અમદાવાદસ્થિત હવામાન વિભાગના લૅટેસ્ટ બુલેટિન પ્રમાણે 28 ઑગસ્ટ, ગુરુવારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર,વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયાં સ્થળે હળવો મધ્યમ વરસાદ પડી શકે છે.

29 ઑગસ્ટે દાહોદ,મહીસાગર, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગરહવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે જે દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.

30 ઑગસ્ટ, શનિવારે ગુજરાતમાં અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડશે તેવી આગાહી છે.

31 ઑગસ્ટ, રવિવારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે બાકીના જિલ્લાઓમાં હળવો વરસાદ પડવાની આગાહી છે.

પહેલી સપ્ટેમ્બરે બનાસકાંઠા, મહેસાણા, સાબરકંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડી શકે છે.

બીજી સપ્ટેમ્બરે સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડે તેવી આગાહી છે.

સરદાર સરોવર ડૅમ 91 ટકા ભરાયો

બીબીસી ગુજરાતી હવામાન વેધર વરસાદ ચોમાસું ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ
ઇમેજ કૅપ્શન, સરદાર સરોવર ડૅમ (ફાઈલ તસવીર)

ઉપરવાસમાં વરસાદના કારણે ગુજરાતનાં જળાશયોમાં પાણીનું સ્તર વધતું જાય છે. રાજ્યના સૌથી મોટા સરદાર સરોવર ડૅમમાં હાલમાં 91 ટકા કરતાં વધારે પાણી છે.

આ સિવાયના કુલ 206 ડૅમમાંથી 75 ડૅમ સંપૂર્ણ ભરાઈ ગયા છે. દક્ષિણ ગુજરાતમાં નવ ડૅમ, કચ્છના પાંચ, સૌરાષ્ટ્રના 53 ડૅમ, ઉત્તર ગુજરાતના ત્રણ અને મધ્ય ગુજરાતના પાંચ ડૅમ છલકાઈ ગયા છે. રાજ્યના ડૅમોમાં હાલમાં સરેરાશ 84 ટકા જેટલું પાણી ભરાયેલું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન