ગુજરાત પર બની એક નવી સિસ્ટમ, વરસાદની સ્થિતિ હવે બદલાશે

ગુજરાત હવામાન

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાત પર હાલ એક સાયક્લૉનિક સર્ક્યુલેશન એટલે કે એક સિસ્ટમ બની છે અને તેના કારણે રાજ્યમાં વરસાદની સ્થિતિમાં ફેરફાર થવાની શક્યતા દેખાઈ રહી છે.

હાલની સ્થિતિ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડી રહ્યો છે જ્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ હવે ઓછું થઈ ગયું છે.

સાયક્લૉનિક સર્ક્યુલેશન બન્યા બાદ રાજ્યમાં હવે વરસાદનું પ્રમાણ ઝડપથી ઘટવાનું હતું તેમાં ફેરફાર થવાની શક્યતા દેખાઈ રહી છે.

હાલ મૉન્સૂન ટ્રફ તેની સામાન્ય સ્થિતિમાં છે એટલે કે તે ઉત્તર ભારત પર છે અને ત્યાં હાલ વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થઈ રહ્યો છે.

હાલની સ્થિતિ પ્રમાણે મૉન્સૂન ટ્રફ આખું અઠવાડિયું ઉત્તર ભારત પર જ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે, એટલે કે તેમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતા નથી.

ગુજરાતમાં કેવી રીતે બદલાશે વરસાદની સ્થિતિ?

ગુજરાત હવામાન

ઇમેજ સ્રોત, imd

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી બે દિવસ સુધી વરસાદનું પ્રમાણ થોડું વધારે રહે તેવી શક્યતા છે, એટલે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી સંભાવના છે.

હવામાન વિભાગે જારી કરેલા બુલેટિન પ્રમાણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં એકાદ બે દિવસ સુધી થોડા વધારે વરસાદની શક્યતા છે. જ્યારે ગુજરાત રીજનમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે પરંતુ ભારેથી અતિભારે વરસાદની શક્યતા હાલ દેખાતી નથી.

18 ઑગસ્ટથી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટવાનું શરૂ થઈ જશે અને ઘણા વિસ્તારોમાં હાલની સ્થિતિ પ્રમાણે વરસાદ બંધ થઈ જાય તેવી સંભાવના દેખાઈ રહી છે.

17 ઑગસ્ટથી જ સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થઈ જશે.

હાલ જ્યાં વરસાદ સતત પડી રહ્યો છે એ દરિયાકાંઠાના જિલ્લામાં પણ વરસાદનું પ્રમાણ ઘટવાની સંભાવના દેખાઈ રહી છે. જ્યારે 18 ઑગસ્ટથી સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તાોરમાં વરસાદ બંધ થઈ જશે અને કોઈક સ્થળે હળવો વરસાદ થવાની સંભાવના છે.

આગામી દિવસોમાં ગુજરાતમાં જ્યાં વધારે વરસાદ છે તેવા વિસ્તારોને વરસાદમાંથી રાહત મળશે, જ્યારે જ્યાં ઓછો વરસાદ પડ્યો છે તેવા વિસ્તારોમાં ખેડૂતો માટે પાકના પિયતની વ્યવસ્થા કરવી પડે તેવી સ્થિતિ પેદા થવાની શક્યતા છે.

ગુજરાતમાં વરસાદ ઘટશે તો વરસાદ ક્યાં વધશે?

વીડિયો કૅપ્શન, Gujarat Rain Update: ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે? શું છે આગાહી?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ એટલે કે 1 જૂનથી 14 ઑગસ્ટ સુધી સરેરાશ કરતાં 7 ટકા વધારે વરસાદ થયો છે, પરંતુ તેમાં ગુજરાત રીજનમાં સરેરાશ કરતાં 4 ટકા ઓછો વરસાદ થયો છે.

જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં 23 ટકા વધારે વરસાદ થયો છે.

હાલ ગુજરાતમાં સતત વરસાદી માહોલ હોવા છતાં અને જુલાઈ મહિનામાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો હોવા છતાં ઘણા જિલ્લામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે.

હાલ બંગાળની ખાડીમાં કોઈ મોટી સિસ્ટમ બને તેવી શક્યતા ખૂબ ઓછી છે, જેથી મૉન્સૂન ટ્રફ પણ ગુજરાતની નજીક આવે તેવી શક્યતા નથી. આ સંજોગોમાં ઉત્તર ભારતનાં રાજ્યોમાં વરસાદનું પ્રમાણ વધશે.

હાલ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને સાથે જ મધ્ય પ્રદેશમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. આગામી દિવસોમાં રાજસ્થાનમાં પણ વરસાદનું પ્રમાણ ઘટશે.

આગામી એક અઠવાડિયા સુધી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી એ તરફનાં રાજ્યોમાં વરસાદનું પ્રમાણ વધારે રહે તેવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ધીરેધીરે વરસાદ ઉત્તર ભારતમાં કેન્દ્રિત થશે, એટલે કે દક્ષિણ, પશ્ચિમ અને મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ ખૂબ ઓછો થઈ જશે.

ચોમાસાને હવે માત્ર દોઢ મહિનો બાકી રહ્યો છે અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય રીતે ચોમાસું પરત ફરવાનું શરૂ થઈ જતું હોય છે. કેરળથી ચોમાસાની શરૂઆત થાય છે અને રાજસ્થાનથી ચોમાસું પરત ફરે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.