નાકમાં આંગળી નાખવી ખરાબ આદત છે? તેનાથી શું સમસ્યા થાય?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જેસન ગોલ્ડમૅન
- પદ, બીબીસી માટે
- પ્રકાશિત
જો તમારી સામે પણ કોઈ નાકમાં આંગળી નાખે તો તમને ચીતરી ચઢે કે નહીં? ઘણા કિસ્સામાં લોકોને ગુસ્સો પણ આવતો હોય છે.
આપણામાંથી મોટા ભાગના લોકો આમ કરતા હોય છે, પરંતુ સ્વીકારતા નથી અને જ્યારે તેમને રંગેહાથ પકડવામાં આવે તો તેઓ શરમ અનુભવે છે.
પણ શું નાકમાં આંગળી નાખવી એક ખરાબ આદત છે?
નાકમાં આંગળી નાખવાની આદતને (નોઝ પિકિંગને) વૈજ્ઞાનિક ભાષામાં Rhinotylexomania કહેવામાં આવે છે.
થૉમ્પસન અને જૅફરસને 1995માં અમેરિકામાં તેના પર સંશોધન કર્યું હતું.
તેમણે એક હજાર લોકો પર સંશોધન કર્યું હતું. આ એક હજાર લોકોને એક સર્વે મેઇલ મોકલવામાં આવ્યો હતો. જેમાંથી 254 લોકોએ જવાબ આપ્યો હતો.
જવાબ આપનારા 91 ટકા લોકોએ માન્યું કે તેમને નાકમાં આંગળી નાખવાની આદત છે. સ્વીકારનારા લોકો પૈકી 1.2 ટકા લોકોએ ખુલાસો કર્યો કે તેઓ દર કલાકે આમ કરે છે.
કેટલાક પુરુષોએ કહ્યું કે આ આદતથી તેમનું દૈનિક જીવન બરબાદ થઈ રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલાક લોકોએ ખુલાસો કર્યો કે વારંવાર નાકમાં આંગળી નાખવાથી તેને નુકસાન પહોંચ્યું હતું.
થૉમ્પસન અને જૅફરસન દ્વારા કરવામાં આવેલું આ સંશોધન સંપૂર્ણ નથી. જેમાં માત્ર એક હજાર લોકોને મેઇલ મોકલવામાં આવ્યો હતો અને તેમાંથી આશરે 25 ટકા લોકોએ જ ભાગ લીધો હતો.
જો આ સર્વેનો મેઇલ એ લોકોને મોકલવામાં આવ્યો હોત જેઓ હકીકતમાં નાકમાં આંગળી નાખવાની આદત હતી, તો કદાચ પરિણામ વધારે સારું મળ્યું હોત.

યુવાનોમાં વધારે છે આ સમસ્યા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શરૂઆતના સંશોધનના પાંચ વર્ષ બાદ બૅંગ્લુરુસ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ મૅન્ટલ હૅલ્થ ઍન્ડ ન્યુરોસાયન્સિસના સંશોધક ચિત્તરંજન અને બીએસ શ્રીહરિએ એક સંશોધન હાથ ધર્યું.
આ સંશોધનમાં તેમને જાણવા મળ્યું કે ઉંમરલાયક લોકોની સરખામણીએ યુવાનોમાં આ સમસ્યા વધુ સામાન્ય છે.
એટલે જો ઉંમર પ્રમાણે લોકો પર સર્વે કરવામાં આવે તો પરિણામ વધુ યોગ્ય મળી શકે તેમ હતું.
બૅંગ્લુરૂમાં પૈસાદાર, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો પર સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું.
કુલ 200 સગીરોને તેમાં સમાવિષ્ટ કરાયા હતા. તેમાંથી મોટાભાગના સગીરોએ સ્વીકાર્યું કે તેઓ દિવસમાં ત્રણ-ચાર વખત આમ કરે છે.
7.6 ટકા કિશોરોએ સ્વીકાર્યું કે તેઓ દિવસમાં સરેરાશ 20 વખત નાકમાં આંગળી નાખે છે. 20 ટકા કિશોરોએ માન્યું કે આ એક મોટી સમસ્યા છે. તેમાંથી ઘણાએ કહ્યું કે તેઓ પોતાની આંગળીનો ઉપયોગ નાકમાં ખંજવાળને દૂર કરવા અથવા તો અશુદ્ધિઓને દૂર કરવા માટે કરે છે. 12 ટકા લોકોએ કહ્યું કે આમ કરવું સારું છે.
નવ વિદ્યાર્થીઓએ કહ્યું કે તેમણે માત્ર આંગળી જ નહીં, પૅન્સિલ જેવી વસ્તુ પણ પોતાના નાકમાં નાખી છે.
આ આદતમાં કોઈ સામાજિક અંતર નથી. સાથે જ લિંગભેદ પણ નથી. બાળકોમાં આ આદત સામાન્ય છે. તેના સિવાય તેમને દાંતથી નખ કાપવા અને વાળ ખેંચવા જેવી પણ આદતો હોય છે. છોકરીઓ આ આદતથી નફરત કરે છે.

શું નુકસાન થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
પોતાના નાકમાં આંગળી નાખવી વધારે ખતરનાક નથી.
પરંતુ કેટલાક કિસ્સામાં આ આદત ગંભીર સમસ્યાનું કારણ બની શકે છે. એવો જ એક મામલો શ્રીહરિ અને ચિત્તરંજનના ધ્યાનમાં આવ્યો હતો.
હર્નિયાની સર્જરી કરાવનારા એક વ્યક્તિને આ આદત હતી. તેમણે નોંધ્યું કે વારંવાર આંગળી અડકવાથી ઘા જલદી ભરાયો ન હતો.
અન્ય એક કિસ્સામાં એક 53 વર્ષીય મહિલાને આ સમસ્યાને કારણે નાકમાં ગંભીર સમસ્યા થઈ ગઈ હતી.
અન્ય એક 29 વર્ષીય વ્યક્તિને નાકના વાળ ખેંચવાની આદત હતી. આમ કરવાથી અવારનવાર તેમને નાકમાં ઇજા થતી હતી.
સંક્રમણનો ભય
નાકમાં આંગળી નાખવાની આદત ખતરનાક નથી. કારણ કે તેનાથી કોઈ બીમારી થતી નથી.
પણ એનો અર્થ એ નથી કે તે સુરક્ષિત છે. ડચ સંશોધકો દ્વારા કરાયેલા 2006ના એક સંશોધન મુજબ વારંવાર નાકને અડકવાથી જીવાણુ સંક્રમણ થવાની શક્યતા છે.
જે લોકોને નાકમાં આંગળી નાખવાની આદત હોય છે તેમને ઑરિયસ નામક જીવાણુ સંક્રમણ થવાની શક્યતા વધી જાય છે.
કેટલાક લોકો અવારનવાર આવું કૃત્ય કરે છે. જોકે, આ પ્રશ્નનો કોઈ સ્પષ્ટ ઉત્તર નથી.
નાકમાં આંગળી નાખવી એ આળસની નિશાની તરીકે પણ જોવામાં આવે છે. જોકે, સંશોધકો હજુ પણ તેના કારણો શોધવામાં લાગેલા છે.
























