સાળંગપુર: સાધુ-સંતો અને સ્વામીનારાયણ સંપ્રદાય વચ્ચેની બેઠકમાં શું નિવેડો આવ્યો?

ઇમેજ સ્રોત, SACHIN PITHVA
સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદી સંચાલિત સાળંગપુર હનુમાન મંદિરમાં આવેલી ‘કિંગ ઑફ સાળંગપુર’ની વિશાળ પ્રતિમાની નીચે કંડારાયેલાં શિલ્પચિત્રોનો વિવાદ વધુ ઉગ્ર બની રહ્યો છે.
વડતાલના નૌતમ સ્વામીએ હનુમાનજીની મૂર્તિ નીચે કંડારાયેલાં શિલ્પચિત્રોને યોગ્ય ગણાવ્યાં છે, સામે હિન્દુ સંગઠનોએ નૌતમ સ્વામીના નિવેદન સામે ભારે નારાજગી દર્શાવી છે.
સમગ્ર બાબતે કરણી સેનાએ પણ ઝંપલાવ્યું છે અને આ અંગે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર દેખાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
આખા વિવાદ મુદ્દે આજે વિવિધ હિન્દુ સંગઠનો અને સંતોએ સાળંગપુર મંદિરના સંતોની મુલાકાત કરી હતી. આ મુલાકાત સમયે બીબીસીના સહયોગી પત્રકાર સચીન પીઠવા મંદિર પરિસરમાં ઉપસ્થિત હતા અને તેમણે સંબંધિત બાબતોનો ચિતાર મેળવ્યો હતો.

સંતો સાથેની બેઠકમાં શું થયું?

ઇમેજ સ્રોત, SACHIN PITHVA
મંદિરના માહોલ અંગે સચીન પીઠવાએ જણાવ્યું કે "સામાન્ય દિવસોમાં મંદિરમાં પગ મૂકવાની જગ્યા નથી હોતી. પણ આજે રોજની સરખામણીમાં માત્ર 20 ટકા જ લોકો મંદિર આવ્યા છે. મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં સામાન્ય રીતે રોજ ખૂબ જ ટ્રાફિક હોય છે. પણ આજે આ વિસ્તારો ખાલી નજર આવતા હતા."
તેમણે કહ્યું કે 'કિંગ ઑફ સાળંગપુર' પ્રતિમાના ભક્તો દૂરથી જ દર્શન કરી શકે છે, જે જગ્યાને લઈને વિવાદ થયો છે ત્યાં લોકોને જવા પણ નથી દેવામાં આવતા. મીડિયાના પ્રતિનિધિઓને પણ મંદિરમાં જવાથી રોકવામાં આવ્યા હતા.
તેમણે ઉમેર્યું કે "તકેદારીના ભાગરૂપે મંદિર પરિસરમાં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. પીએસઆઈ, પોલીસકર્મી અને હોમગાર્ડ સહિત 40થી વધુ કર્મચારીઓનો તહેનાત છે."
શિલ્પચિત્રો સામે વિરોધ દર્શાવવા માટે આજે ભગવા ગ્રૂપના સભ્યો, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને કરણી સેનાના પ્રતિનિધિઓએ સાળંગપુર મંદિરના સંતો સાથે બેઠક કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બેઠકમાં રજૂઆત કરવા આવેલા સંતો અને પ્રતિનિધિઓને સ્વામીનારાયણ સંપ્રદાયના ગ્રંથોનો હવાલો આપીને તે બાબત યોગ્ય હોવાની વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.
આ બેઠક સમયે બીબીસીના સહયોગી પત્રકાર સચીન પીઠવા તે કક્ષમાં હાજર હતા.
તેમણે જણાવ્યું કે "આ બેઠકમાં માહોલ ઉગ્ર થઈ ગયો હતો. સાળંગપુરના સંતો જે વાત સમજાવતા હતા તે સનાતન ધર્મના સંતો માનવા તૈયાર ન હતા. આખરે તેઓ બેઠક છોડીને રૂમના દરવાજાથી બહાર નીકળી ગયા હતા અને સામે સનાતની ધર્મના સંતો, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પણ સૂત્રોચ્ચાર કરતા બેઠક કક્ષની બહાર નીકળી ગયા હતા."

નૌતમ સ્વામીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, INSTAGRAM/nautamswami
શિલ્પચિત્રોને લઈને શરૂ થયેલા વિવાદ મુદ્દે વડતાલના નૌતમ સ્વામીએ આપેલા નિવેદનની ભારે ચર્ચા થઈ રહી છે.
શિલ્પચિત્રો સામે વિરોધ કરનારા સંતોને નૌતમ સ્વામીએ એક સભામાં જણાવ્યું હતું કે "સ્વામીનારાયણ ભગવાન છે અને શ્રી હનુમાનજી મહારાજે પણ સ્વામીનારાયણ ભગવાનની સેવા કરી છે. આ વાતથી સ્વામીનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ ભરેલો પડ્યો છે. જો કોઈને વ્યક્તિગત એનાથી નાના મોટા પ્રશ્નો હોય તો યોગ્ય ફોરમ પર વાત કરી શકે છે. કેટલાક લોકો આના સંદર્ભમાં કોર્ટમાં ગયા છે. તો કોર્ટમાં તેનો યોગ્ય જવાબ આપવો પડશે. સામાન્ય નાના મોટા માણસોને જવાબ આપવાની સંપ્રદાયના કોઈ વ્યક્તિને કોઈ જરૂર નથી."
નૌતમ સ્વામીએ પુરાણોનો હવાલો આપીને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો જવાબ આપવા તૈયાર હોવાની વાત કરી હતી.
તેમણે ઉમેર્યું કે "સ્વામીનારાયણ ભગવાન છે અને તે વેદ વ્યાસજીએ કહ્યા મુજબ સ્કંધ પુરાણ વગેરેમાં તેનો ઉલ્લેખ છે અને જેને જ્યારે જે જગ્યાએ જોઈએ ત્યારે સંપ્રદાયના વિદ્વાનો જવાબ આપવા તૈયાર છે. સત્સંગીઓએ અન્યોની વાતો સાંભળીને ડિમોરલાઇઝ ન થવું."

શિલ્પચિત્રો હટાવવા મુદ્દે સાળંગપુરના સંતોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, SACHIN PITHVA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સાળંગપુરના સંતો સાથે યોજાયેલી બેઠક બાદ વિશ્વ હિન્દુ પરિષદના બોટાદ જિલ્લાના અધ્યક્ષ સતુભાઈ ઘાંઘલે બીબીસી સાથેની વાતમાં જણાવ્યું કે શિલ્પચિત્ર હટાવવાની અમે રજૂઆત કરી છે. સાળંગપુર મંદિરના સંતોએ આ રજૂઆત વડલાત સુધી પહોંચાડી દીધી છે. પણ તેમના તરફથી હજી પણ કોઈ સ્પષ્ટ જવાબ નથી મળ્યો.
તેમણે ઉમેર્યું કે "અમે સાળંગપુરના કોઠારી શ્રી વિવેકસાગર સ્વામીને મળવા આવ્યા હતા. આગામી બે દિવસ પહેલાં પણ અમે આવ્યા હતા. હિન્દુ અને સનાતન ધર્મની લાગણી દુભાઈ હોવાથી અમે આ ચિત્રોને હટાવવાની રજૂઆત કરી હતી. ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે વડતાલ બોર્ડ આ અંગેનો નિર્ણય લેશે. પણ આજે નૌતમ સ્વામીનું નિવેદન આવતા અમને થયું કે કોઠારી સ્વામીનો સંપર્ક સાધીએ. નૌતમ સ્વામીનો આ નિર્ણય ખોટો છે, આનાથી સનાતન ધર્મ અને હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચી છે."
તેમણે નૌતમ સ્વામીએ સંત સમિતિમાંથી રાજીનામું આપવું જોઈએ તેવી માગ કરી છે. તેમણે ઉમેર્યું કે "સંત સમિતિ બનાવી છે તેમાં સનાતનીઓ છે. હું અત્યારે સનાતન ધર્મના જે ગુરુઓ છે તેમને વિનંતી કરું છું કે આ સંત સમિતિમાંથી તેમને તાત્કાલિક રાજીનામું અપાવો."

ઇમેજ સ્રોત, SACHIN PITHVA
તો સાળંગપુરના સંતો સાથે ભગવા ગ્રૂપના સભ્યોએ પણ મુલાકાત કરી. ભગવા ગ્રૂપના સભ્ય જ્યોતિગીરી બાપુ ગોસ્વામીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે "હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોવાથી અમારા મુખ્ય સંતો અનુષ્ઠાનમાં બેઠા હોવાથી આવી શક્યા નથી. તેથી અમે સાળંગપુરના સભ્યો સાથે બેઠક કરી. પણ અમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી."
મીડિયા સાથેની વાતમાં તેમણે આરોપ મૂક્યો હતો કે "આ લોકો અવારનવાર ભૂલ કરે છે. અમે આવીએ એટલે આ લોકો માફી માગી લે છે, આજની મિટિંગમાં કોઈ માફી માગી નથી. ચર્ચાઓ ઘણી કરી પણ અમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. હવે જો આવું થયું તો અમે ગાંધી ચીંધ્યા માર્ગે દેખાવો કરીશું."

કરણીસેનાનું શું છે વલણ?

ઇમેજ સ્રોત, SACHIN PITHVA
શિલ્પચિત્રો હટાવવા મુદ્દે કરણી સેનાએ પણ સાળંગપુર મંદિરના સંતોને અલ્ટિમેટમ આપ્યું અને ઉગ્ર દેખાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે. જોકે, દેખાવો પહેલાં તેમણે વાતચીતનો રસ્તો અપનાવ્યો હતો.
બેઠકમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ગુજરાતના ઉપાધ્યક્ષ સામંતભાઈ જેબલિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માગ કરી કે સમગ્ર બાબતે નિર્ણય માત્ર સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો ન કરે, પણ સનાતન ધર્મના સંત સમિતિના સભ્યો સાથે ચર્ચા કરવી જોઈએ.
મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે "કરણી સેનાના કાર્યકરો આજે જ સાળંગપુર મંદિરમાં દેખાવો કરવા આવવાના હતા. પણ મેં અને અધ્યક્ષે ચર્ચા કરીને નિર્ણય કર્યો કે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ બધાની સાથે આજે બેઠક છે તેમાં ચર્ચા કરવામાં આવે. અને બધા સાધુ-સંતો કોઠારી સ્વામી સાથે બેઠક કરીને તે શું નિર્ણય લે છે તે જોવામાં આવે. જો આ અંગે કોઈ નિર્ણય નહીં લેવાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે."
તેમણે ઉમેર્યું કે "આ અંગે સમિતિના સંતો જેમ કે શેરનાથબાપુ, ઈન્દ્રભારતીબાપુને ભેગા કરીને તેમની સાથે ચર્ચા વિચારણા કરીને આ વિવાદનો નિવેડો લાવવો જોઈએ. તેમણે રજૂઆતને હાલ જ ધ્યાને લઈને બે દિવસમાં જવાબ આપવાની તૈયારી દર્શાવી છે."

શું છે સમગ્ર વિવાદ?

ઇમેજ સ્રોત, SACHIN PITHVA
સાળંગપુરમાં બનેલી ‘કિંગ ઑફ સાળંગપુર’ની 54 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપવામાં આવી છે. આ ઊંચી પ્રતિમાની નીચે બનેલા પ્લૅટફૉર્મની ફરતે હનુમાનનાં શિલ્પચિત્રો મૂકવામાં આવ્યાં છે.
સાળંગપુરનું આ હનુમાન મંદિરનું સંચાલન સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ શાખા કરે છે.
મંદિરના વહીવટદારોનું કહેવું છે કે આ શિલ્પચિત્રો વિવિધ ધાર્મિક અને સાંપ્રદાયિક બાબતોને ઉજાગર કરે છે.
હવે, આ શિલ્પચિત્રો પૈકી એકમાં સહજાનંદ સ્વામીના એટલે કે સ્વામીનારાયણના પગમાં હનુમાનજી હાથ જોડીને બેઠા હોય તે રીતે દર્શાવવામાં આવ્યા છે.
આ મુદ્દે કેટલાક સાધુ-સંતો રોષે ભરાયા છે. તેમના મતે ‘આ પ્રકારનાં ચિત્રો સનાતન ધર્મનું અપમાન છે.’
























