Gujarat Weather Alert : ગુજરાતમાં હવામાન પલટાવાની આગાહી, અત્યારે વરસાદનું કારણ શું?

ઇમેજ સ્રોત, Getty Images
દિવાળી બાદ ફરી ગુજરાત વરસાદમાં તરબોળ થવા જઈ રહ્યું છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
ભારતીય હવામાનવિભાગે આગાહી કરી છે કે 24 નવેમ્બરથી વરસાદ શરૂ થશે અને શનિવારના અંત સુધીમાં ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર વરસાદની ઝપેટમાં આવી જશે.
ભારતીય હવામાન ખાતાના સાપ્તાહિક બુલેટિનમાં કરવામાં આવેલી આગાહી મુજબ આ કમોસમી વરસાદનું કારણ પૂર્વીયથી ઉત્તર-પૂર્વીય પવનો છે.
ગુજરાતમાં કેટલા દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે?
ભારતીય હવામાનવિભાગ દ્વારા ગુજરાતમાં કાલથી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.
રાજ્યમાં 24 નવેમ્બરની આસપાસ હવામાનમાં પલટો આવે તેવી શક્યતા છે અને ત્યાર બાદ ચાર દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં હવામાન પલટાશે.
હવામાનવિભાગે કરેલી આગાહી પ્રમાણે 24થી 28 ઑક્ટોબર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
હજી દિવાળી પહેલાં જ માવઠું આવ્યું હતું અને હવે ફરીથી માવઠું ખેડૂતોને તણાવમાં મૂકી શકે છે.
ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત રાજ્યમાં 24 નવેમ્બરથી છૂટાછવાયા વરસાદની શક્યતા છે. રાજ્યના લગભગ તમામ ભાગોમાં વરસાદ પડશે, જોકે વરસાદનો ફેલાવો અને તીવ્રતા જુદા-જુદા વિસ્તારોમાં અલગ અલગ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શનિવારની સરખામણીમાં રવિવારે વધુ વરસાદની શક્યતા છે અને ત્યારપછી આવતા સપ્તાહની શરૂઆતમાં વરસાદ ઓછો થઈ જશે.
24 નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં એટલે કે ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. અને રાજ્યના બાકીના જિલ્લાઓ અને દીવમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે.
25 નવેમ્બરના રોજ, અમદાવાદમાં, ઉત્તર ગુજરાત પ્રદેશમાં અને સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની સારી સંભાવના છે.
સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જીલ્લાઓમાં, દક્ષિણ ગુજરાતમાં વડોદરા, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં; અને દમણ અને દાદરા નગર હવેલીમાં, હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.
અન્ય જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.
26મી નવેમ્બરે ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મહિસાગર, મહેસાણા, પાટણ અને સાબરકાંઠાના, સૌરાષ્ટ્ર-કચ્છના દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી અને પોરબંદર અને કચ્છનાં થોડાં સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.
દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને દમણ, દાદરા નગર હવેલીમાં, ઉત્તર ગુજરાતના અમદાવાદ, આણંદ, દાહોદ, ખેડા અને પંચમહાલ; સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર અને દીવમાં, થોડાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ગાજના વાવાઝોડાની સંભાવના છે.
27મી નવેમ્બરે, દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.
દક્ષિણ ગુજરાતના બાકીના જિલ્લાઓ અને દીવમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે.
અને 4 દિવસના વરસાદ બાદ 28મી નવેમ્બરથી હવામાન ફરી એકવાર શુષ્ક બનશે.
ગુજરાતમાં અત્યારે વરસાદ કેમ થશે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે અને હાલ શિયાળા બેસી ચૂક્યું છે.
ગુજરાતમાં હવે જે વરસાદ થશે તે બંગાળની ખાડીમાંથી આવનારી સિસ્ટમોને કારણે નહીં થાય પરંતુ પશ્ચિમ દિશામાંથી આવતી સિસ્ટમોને કારણે વરસાદ થશે.
પરંતુ આ વરસાદનું કારણ પશ્ચિમમાં બનતી સિસ્ટમો પણ નથી. ભારતીય હવામાનવિભાગના જણાવ્યા અનુસાર, આ વરસાદ દક્ષિણ ગુજરાત વિસ્તારમાં નીચાણના સ્તરે પ્રવર્તતા પૂર્વથી ઉત્તર-પૂર્વીય પવનોને કારણે છે.
ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના જણાવ્યા અનુસાર, કેરળ અને કોસ્ટલ કર્ણાટકથી કોંકણ અને ગોવા સુધી પશ્ચિમ કિનારે ટ્રફ લાઇનનું વિસ્તરણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ચક્રવાતી પરિભ્રમણ સ્થાપિત કરવા માટે મહત્ત્વપૂર્ણ રહેશે.
25 અને 26 નવેમ્બર, 2023 ના સપ્તાહના અંતે, પડોશી વિસ્તાર અને ખંભાતના અખાતમાં ઊભરી રહેલા સાઇક્લોનિક સર્ક્યુલેશન (ચક્રવાતી પરિભ્રમણ)ને કારણે અનપેક્ષિત વરસાદની આગાહી કરવામાં આવી છે.
27 નવેમ્બરે, પરિભ્રમણ ક્ષીણ થવાનું શરૂ થશે અને 28 નવેમ્બરે લગભગ સંપૂર્ણપણે બંધ થઈ જશે. પરિણામે, શેષ અસર હજુ પણ આ બે દિવસોમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં 27 નવેમ્બરે નોંધપાત્ર રહેશે.























