યુક્રેનના વિસ્તારોને રશિયામાં ભેળવી દેવાથી રાષ્ટ્રપતિ પુતિનને શો ફાયદો થશે?

પ્રકાશિત

રશિયા એક તરફ યુક્રેન સામે રણભૂમિમાં પીછે હઠ કરી રહ્યું છે. તો બીજી તરફ કબજે કરાયેલા કેટલાક વિસ્તારોમાં જનમત કરાવીને હવે અધિકૃત રીતે તેને પોતાનો જ પ્રદેશ ગણાવી રહ્યું છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયામાં ચાર નવા યુક્રેનિયન પ્રદેશોના રશિયામાં સમાવેશ અંગેના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા છે અને મૉસ્કોમાં એક સમારોહમાં આ વિશે ભાષણ પણ આપ્યું છે.

આગામી થોડા દિવસોમાં રશિયામાં આ વિસ્તારોને ઔપચારિક રીતે સામેલ કરવાની પ્રક્રિયા પણ શરૂ થશે.

વર્ષ 2014માં રશિયાએ આ જ રીતે યુક્રેનના ક્રાઇમિયા દ્વીપકલ્પ પર કબજો જમાવ્યો હતો. આ વિસ્તાર હજુ પણ રશિયન નિયંત્રણ હેઠળ છે.

પુતિને ક્રેમલિનમાં દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા ત્યારે રશિયન લશ્કરી અધિકારીઓ અને નેતાઓએ કરતલધ્વનિથી તેમને બિરદાવ્યા હતા.

ક્રેમલિનમાં યુક્રેનના વિસ્તારોના સમાવેશની જાહેરાત કરતાં પુતિને કહ્યું કે લોકોએ તેમની પસંદગી કરી છે અને આ વિસ્તારોને રશિયાનો ભાગ બનાવવાની વસ્તીની ઈચ્છા હતી.

ક્રેમલિનમાં સેન્ટ જ્યોર્જ હોલમાં આ જાહેરાત સાથે, રશિયાએ સત્તાવાર રીતે યુક્રેનના ડોનેત્સ્ક, લુહાન્સ્ક, ખેરસોન અને ઝોપોરિઝ્ઝ્યા પ્રદેશોને રશિયામાં ભેળવી દીધા છે.

રશિયાએ જનમતસંગ્રહ હેઠળ આ વિસ્તારોને પોતાના અધિકારમાં લીધા છે અને તેને સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરષ્ટ્રીયજગતમાં મોટા ભાગના દેશોએ આ પગલાને ગેરકાયદે માન્યું છે.

તેમણે યુક્રેનને કહ્યું કે તેઓ પોતાના સૈન્યઅભિયાનને રોકી દે અને રશિયા સાથે વાત કરે. પુતિને કહ્યું કે અધિકારમાં લેવામાં આવેલા નવા વિસ્તારો વિશે કોઈ વાત નહીં કરવામાં આવે.

યુક્રેને કહ્યું છે કે તે પોતાના વિસ્તારોને પાછા લેવા માટે સંઘર્ષ કરતું રહેશે.

ત્યારે સમજીએ કે રશિયા-યુક્રેન યુદ્ધમાં આવેલો આ કેવો વળાંક છે અને તેનો અર્થ શું છે? જુઓ, બીબીસીની આ કવર સ્ટોરી....

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો