પાકિસ્તાન : પૂર બાદ 22 કરોડો લોકોના માથે ભૂખમરાનું જોખમ '62 વર્ષમાં આવી દશા નથી જોઈ'

વીડિયો કૅપ્શન, પૂર બાદ પાકિસ્તાનમાં અનાજના સંકટની સમસ્યાના એંધાણ
પ્રકાશિત

પાકિસ્તાનમાં વરસાદ બંધ થયાને દિવસો વીત્યા છતાં પૂરનાં પાણી હજી ઓસર્યાં નથી, પૂરના કારણે હજારો એકરમાં ફેલાયેલો પાક બરબાદ થઈ ગયો અને નવા પાકના વાવેતરનો સમય થઈ ગયો છે છતાં તરત ખેતી થઈ શકે એવી શક્યતા દેખાતી નથી.

પાકિસ્તાનમાં ભયાનક પૂર બાદ હવે સૌથી મોટો પ્રશ્ન સરકાર સમક્ષ ખાદ્યસંકટનો છે. દેશનો અડધોઅડધ પાક પૂરમાં ધોવાઈ ગયો છે અને એથી જનતાના માથે ભૂખમરાનું જોખમ તોળાઈ રહ્યું છે. 22 કરોડ લોકો આયાતી અનાજ અને વિદેશી સહાય પર નિર્ભર છે.

આ સ્થિતિનો અંદાજ કાઢવા માટે બીબીસી સંવાદદાતા શુમાઇલા જાફરીએ પૂરગ્રસ્ત સિંધ પ્રાંતની મુલાકાત લીધી હતી અને એવા લોકો સાથે વાત કરી હતી જેમનો જીવનનિર્વાહ ખેતી પર આધારિત છે.

સિંધ પ્રાંતમાં પ્રવેશીએ ત્યાં જ ધોવાઈ ગયેલાં ખેતરો નજરે પડે છે. આ ખેતરોમાં ડાંગર, ખજૂરી અને કેળનો ઊભો હતો પણ દાયકાના સૌથી વિનાશક પૂરમાં બધું જ ખતમ થઈ ગયું.

line

ખેડૂતો અને પશુપાલકોની કેવી દશા થઈ?

પાકિસ્તાન પૂર

કેટલાક ખેડૂતો ખેતીની સાથે પશુપાલન પણ કરતા હતા, તેમની સ્થિતિ વધારે કફોડી થઈ છે. ઊભા પાકની સાથે-સાથે તેમણે પશુધન ગુમાવવાનો પણ વારો આવ્યો છે.

સોડો નાલુ એવા જ ખેડૂતોમાંથી એક છે, તેઓ કહે છે કે "અમે તો એમ વિચારીને આવ્યા હતા કે અહીં ઘાસચારો હશે, આશરો હશે. અહીં એવું કંઈ જ નહોતું, ખુલ્લા આકાશ નીચે અમે વરસાદમાં દિવસો પસાર કર્યા છે."

"બકરીઓ અને વાછરડાં મરી ગયાં, થોડી ગાયો બચી છે."

ત્યાંથી થોડા કિલોમીટર દૂર હાફિસ અબ્દુલ ગફૂરનું ખેતર છે. બીબીસીની ટીમ પહોંચી ત્યારે તેઓ શેરડીના લગભગ બરબાદ થઈ ગયેલા ખેતરમાંથી પાણી કાઢવા મથી રહ્યા હતા. જોકે તેમાં તેમને ઝાઝી સફળતા ન મળી.

શેરડીનો પાક તૈયાર થઈ ગયો હતો અને પણ તેઓ કંઈક કરે તે પહેલાં જ પૂર આવ્યું અને તેઓ બરબાદ થઈ ગયા.

તેઓ કહે છે કે "62 વર્ષની જિંદગીમાં વરસાદથી થયેલી આવી તબાહીમાં કદી જોઈ જ નહોતી. બધું જ ખતમ થઈ ગયું, કંઈ જ બચ્યું નથી."

"અમારા ગામમાં એક પણ મકાન બચ્યું નથી, બધાં ઘર પૂરમાં તબાહ થઈ ગયાં."

line

ભૂખમરાનું જોખમ

સિંધની સરકારનું કહેવું છે કે પૂરના કારણે અહીંના ખેડૂતોને 350 અબજ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. જેના કારણે પાકિસ્તાનની પ્રજાના માથે ભૂખમરાનું જોખમ તોળાઈ રહ્યું છે.

સિંધ પ્રાંતના કૃષિવિભાગના અધિકારી સઇદ અહમદે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અહીં ડાંગર, શાકભાજી, શેરડીનો પાક હતો, જે તબાહ થઈ ગયો. કપાસના પાકને પણ નુકસાન થયું છે."

પૂરમાં પાકનું ધોવાણ થયા બાદ પાકિસ્તાનમાં શાકભાજીની કિંમતમાં વધારો થઈ રહ્યો છે, કેટલીક જગ્યાઓએ શાકભાજીના ભાવ બમણા થઈ ગયા છે.

એવો પણ અંદાજ લગાવાઈ રહ્યો છે કે ઘઉં અને કપાસના પાકને થયેલા નુકસાનની અસર દુનિયાને થશે.

રશિયા-યુક્રેનનું યુદ્ધ, કોરોના મહામારીના કારણે દુનિયાભરમાં કેટલીક ચીજોના ભાવ આસમાને પહોંચ્યા હતા, ત્યારે પાકિસ્તાનના પૂરને કારણે આ સ્થિતિ વધારે ગંભીર બને એવી શક્યતા છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન