પાકિસ્તાનમાં પૂરથી સેંકડોનાં મૃત્યુ, જળવાયુ પરિવર્તને સર્જ્યો વિનાશ?

પ્રકાશિત

પાકિસ્તાન હાલ પૂરની ભયાનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે અને આ પૂર વર્ષ દાયકાનુ સૌથી વિનાશક પૂર ગણાવાઈ રહ્યું છે.

હાલત એટલી ખરાબ છે કે વિસ્થાપિતો ભોજન અને પાણી સહિતની જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓથી પણ વંચિત છે.

તબાહી એટલી છે કે પાકિસ્તાને મદદ કરવા આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે હાથ લંબાવ્યો છે.

પહેલાંથી જ આર્થિક મોરચે ઝૂઝી રહેલા પાકિસ્તાનને આ મહાવિનાશને કારણે ગંભીર સંકટનો સામનો કરવાનો વારો આવ્યો છે.

પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સહાયતાની અપીલ કરી રહ્યું છે કારણ કે પૂરમાં દેશ તબાહ થઈ રહ્યો છે. લોકો આશરો મેળવવા માટે પોતપોતાનાં ઘર છોડીને ઊંચાઈવાળી જગ્યાઓ શોધી રહ્યા છે.

રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન વિભાગનું કહેવું છે કે દેશમાં માત્ર 24 કલાકમાં 119 લોકોનાં મૃત્યુ થયાં છે અને કુલ મૃતાંક 1000નો આંક પાર કરી ગયો છે.

અધિકારીઓનું કહેવું છે કે યુએસ, યુકે, યુએઈ અને અન્ય દેશોએ તેમને સહાય કરી છે પરંતુ તેમને હજી પણ વધુ સહાયની જરૂર છે.

ગૃહમંત્રાલયના અધિકારી સલમાન સૂફીએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે દેશને આંતરરાષ્ટ્રીય સહાયની જરૂર છે.

તેમણે કહ્યું, "પાકિસ્તાન આર્થિક મુદ્દા સામે ઝૂઝી રહ્યું છે. ધીમેધીમે તેના પર કાબૂ મેળવી રહ્યા હતા એવામાં આ સંકટ આવી પડ્યું."

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે કહ્યું કે આ પૂરથી દેશની વસતીના લગભગ 15 ટકા લોકો એટલે કે અંદાજે 3.3 કરોડ લોકો પ્રભાવિત થયા છે.

તેમણે કહ્યું કે આ ઋતુમાં પૂરથી થયેલા નુકસાનની તુલના 2010-11ના પૂર સાથે કરી શકાય છે, જે સૌથી ભયાવહ હતું.

દેશના અધિકારીઓ તબાહી માટે ગ્લોબલ વૉર્મિંગને જવાબદાર ઠેરવે છે.

પાકિસ્તાનમાં મચેલી તબાહી પર કવર સ્ટોરી

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો