કાશ્મીરમાં ત્રણ દાયકા બાદ પંડિતો ફરી એક વખત ભયમાં કેમ છે?

વીડિયો કૅપ્શન, ઑગસ્ટ 2019 થી 9 જુલાઈ સુધી કોઈ કાશ્મીરી પંડિતનું સ્થળાંતર નહીં, સરકારનો આ દાવો કેટલો સાચો?
પ્રકાશિત

કાશ્મીરમાં રહેતા પંડિતો 30 વર્ષ બાદ ફરી એકવાર ભયમાં જીવવા મજબૂર થયા છે.

લગભગ 80 ટકા પંડિતોએ ખીણ ત્યાગી દીધી છે અને બાકી રહેલા લોકો ભયના ઓથારમાં જીવી રહ્યા છે.

કાશ્મીરમાં 'ટાર્ટેગ કિલિંગ'ના મામલા વધી રહ્યા છે. અલબત્ત, આનો શિકાર પંડિતો અને બિનપંડિતો પણ બની રહ્યા છે પણ એણે અહીં રહેતા બિનમુસ્લિમોમાં ભય ફેલાવી દીધો છે.

કાશ્મીરમાં હાલના સમયે અંદાજે 9 હજાર કાશ્મીરી પંડિત રહે છે. એમાં એ લોકોનો પણ સમાવેશ થાય છે જેમણે ઊથલપાથલના દોરમાં પણ કાશ્મીર છોડ્યું નહોતું.

જમ્મુ-કાશ્મીર પીપલ્સ ડેમૉક્રેટિક પાર્ટી (પીડીપી)ના મહાસચિવ ડૉ. મહેબૂબ બેગે સવાલ કર્યો છે કે 'સરકારનો દાવો હતો કે 370ની કલમના કારણે કાશ્મીરમાં પરિસ્થિતિ સારી નહોતી, પરંતુ એને હઠાવ્યા બાદ પણ કાશ્મીરમાં રહેનારા પંડિતોને નિશાન બનાવાઈ રહ્યા છે. રાજકીય કાર્યકર્તા અને પોલીસકર્મી પણ નિશાન પર છે.'

કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવાથી શું હાંસલ કરવામાં આવી રહ્યું છે, એવું પૂછતાં મહેબૂબ બેગ જણાવે છે, "એનો જવાબ તો સરકારે આપવો જોઈએ કે આવું કેમ થઈ રહ્યું છે?'

આ વિશે કાશ્મીર કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં રાજનીતિ વિજ્ઞાન વિભાગના પૂર્વ અધ્યક્ષ પ્રૉફેસર નૂર અહમદબાબાએ બીબીસીને જણાવ્યું છે કે "આ પ્રકારની હત્યાઓ ચોક્કસપણે ટાર્ગેટ કરાયાનું પરિણામ છે. શું થઈ રહ્યું છે અને એ લોકો કોણ છે જે આવું કરી રહ્યા છે?"

કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિના અધ્યક્ષ સંજય ટિક્કુ પણ પંડિતોની હત્યાઓને ટાર્ગેટ કર્યા પછી કરવામાં આવેલી હત્યાઓ માને છે. એમનું એમ પણ કહેવું છે કે, સુરક્ષા એજન્સીઓ એમને અટકાવવામાં નિષ્ફળ નીવડી છે.

ટિક્કુએ જણાવ્યું કે, કાશ્મીરી પંડિતો ઉપરાંત રાજ્ય પોલીસના માણસો અને બિનકાશ્મીરી મજૂરો પણ નિશાન પર છે.

જમ્મુ અને કાશ્મીર પોલીસના પૂર્વ ડાયરેક્ટર જનરલ શેષ પૉલ વેદના જણાવ્યા અનુસાર, પંડિતો, પોલીસવાળા અને રાજકીય કાર્યકર્તાઓની હત્યાઓ એક પૉલિસી અંતર્ગત કરવામાં આવી રહી છે.

આ દરમિયાન બુધવારે કેન્દ્ર સરકારે સંસદમાં આપેલા એક જવાબમાં કહ્યું છે કે ઑગસ્ટ 2019થી લઈને 9 જુલાઈ સુધી એક પણ કાશ્મીરી પંડિત ખીણમાંથી સ્થળાંતરિત નથી થયા.

જોકે, બીબીસીને જાણવા મળ્યું કે છે કે આ મામલાની વાસ્તવિકતા અલગ છે. ખીણમાં નોકરી કરતા મોટા ભાગના કાશ્મીરી પંડિતો જમ્મુ જતા રહ્યા છે.

આ અંગે જુઓ, કાશ્મીરથી બીબીસી સંવાદદાતા કીર્તિ દુબેનો આ ખાસ વીડિયો અહેવાલ...

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન