ગુજરાતમાં વરસાદ : આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી, ક્યાં કેટલો વરસાદ પડશે ?

પ્રકાશિત

ગુજરાતમાં કચ્છથી લઈને સૌરાષ્ટ્ર સુધી હાલ ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ બનેલી છે અને આવનારા દિવસોમાં પણ હજી કેટલાક જિલ્લાઓને રાહત મળે તેવી શક્યતાઓ ઓછી છે.

અમદાવાદ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હાલ મેઘ મહેર થઈ હતી. મહીસાગર અને તાપી જિલ્લા તથા સુરેન્દ્રનગરના લીંબડી અને ચુડા તાલુકામાં પણ વરસાદદ જામ્યો હતો.

પોરબંદર સહિત દરિયાકાંઠે ભારે વરસાદ પડતાં વહીવટીતંત્ર સતર્ક થયું છે. જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર માટેની તૈયારી કરવામાં આવી છે અને એસડીઆરએફની ટીમ પણ તૈયાર રાખવાનું જણાવવામાં આવ્યું છે.

રાજકોટથી બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર બિપિન ટંકારિયા જણાવે છે કે ધોરાજીમાં ભાદર-2 ડૅમ ઓફરફ્લો થવાની તૈયારીમાં છે તેથી નીચાણવાળા વિસ્તારોમાં ગામોને સાવેચત કરવામાં આવ્યાં છે.

ધોરાજી, ઉપલેટા માણાવદર, કુતિયાણા, પોરબંદરના તાલુકાનાં ગામોમાં લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.

કચ્છની આસપાસ એક વરસાદી સિસ્ટમ સક્રિય છે જેથી ગુજરાતમાં ચોમાસું પૂરજોશમાં છે.

કયા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેમ આટલો ભારે વરસાદ થઈ રહ્યો છે અને હજી કેટલા દિવસ ગુજરાતમાં વરસાદ પડશે?

ગુજરાતમાં ક્યાં પડશે અતિભારે વરસાદ, ક્યાં છે એલર્ટ?

ગુજરાતમાં દક્ષિણ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓને હજી પણ વરસાદથી રાહત મળે તેવી શક્યતા દેખાઈ રહી નથી.

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ડાંગ તથા તાપી જિલ્લાના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અહીં કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

કચ્છ જિલ્લાના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત દીવ, દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

હજી કેટલાક દિવસ અતિભારે વરસાદ પડશે?

હવામાન વિભાગે જે માહિતી આપી છે તે પ્રમાણે હજી પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના ઘણા વિસ્તારોને હજી વરસાદથી રાહત મળવાની શક્યતા ઓછી છે.

આવનારા ચારથી પાંચ દિવસ સુધી હજી પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

12 જુલાઈ સુધી ગુજરાતમાં હજી પણ મૂશળધાર વરસાદ પડતો રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હજી પણ વરસાદ ચાલુ જ રહેશે.

મુંબઈ સહિતના અરબી સમુદ્રના કાંઠાવાળા વિસ્તારોમાં પણ આવનારા દિવસોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સાથે જ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ કેમ?

ભારતમાં ચોમાસાના વરસાદનો આધાર બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં બનતી વરસાદી સિસ્ટમો પર આધારિત છે.

બંગાળની ખાડીમાંથી બનેલું લૉ પ્રેશર ગુજરાત તરફ આવ્યું અને હાલ કચ્છ અને પાકિસ્તાના વિસ્તારો પર છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે.

ઉપરાંત એક ઑફ શોર ટ્રફ ગુજરાતથી કર્ણાટકના દરિયાકિનારા સુધી લંબાયેલી છે અને બીજી મોન્સુન ટ્રફ રેખા દક્ષિણમાં તેની સામાન્ય સ્થિતિમાં છે.

અરબી સમુદ્રમાંથી ગુજરાત પર આવતા પવનો પણ ભેજ લઈને આવે છે, જેથી વરસાદી સિસ્ટમને પણ મદદ મળે છે.

આ તમામ સ્થિતિને કારણે અરબી સમુદ્ર, મહારાષ્ટ્રના દરિયાકિનારા આસપાસના વિસ્તારો અને ગુજરાતના દરિયાકિનારાની નજીકના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો