You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેન પર રશિયાનું સૈન્યઅભિયાન : યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની શી હાલત છે?
યુક્રેનમાં કેટલાક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે.
બીબીસી ગુજરાતીએ કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી જેમણે જણાવ્યું કે ત્યાં શું પરિસ્થિતિ છે.
ભારતીય દૂતાવાસ તરફથી ગુરુવારે યુક્રેનમાં રહેતા ભારતીય નાગરિકો માટે ત્રીજી ઍડવાઇઝરી જાહેર કરી છે.
આ ઍડવાઇઝરીમાં વિદેશ મંત્રાલય તરફથી ભારતીય નાગરિકોને કહેવામાં આવ્યું કે તેઓ જ્યાં છે, ત્યાં સુરક્ષિત રહે.
ઍડવાઇઝરીમાં લખ્યું કે- "તમે જાણો છો કે માર્શલ લૉ લાગુ કરવામાં આવ્યો છે. તેના કારણે અવરજવર મુશ્કેલ થઈ ગઈ છે. આથી બધા વિદ્યાર્થીઓ જે કીએફમાં ફસાયેલા છે અને રોકવા માટે જગ્યા નથી, મિશન આવા બધા વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરવા માટે સરકારી સંસ્થાઓના સંપર્કમાં છે."
"અમને એની જાણકારી છે કે કેટલાંક સ્થળોએ હવામાં ગૂંજતી ઍર સાયરનોની સાથેસાથે બૉમ્બમારા સાથે જોડાયેલી ચેતવણી પણ અપાઈ રહી છે."
"જો તમે કીએફમાં છો તો કેડીએમએ કીએફ સિટી ઍડમિનિસ્ટ્રેશનની વેબસાઇટની લિંક નીચે આપવામાં આવી છે."
યુક્રેનમાં વિદ્યાર્થીઓ અને અન્ય ભારતીય નાગરિકોની સહાયતા માટે દિલ્હીમાં વિદેશ મંત્રાલયના નિયંત્રણ કક્ષનો વિસ્તાર કરાઈ રહ્યો છે, જે 24 કલાક અને સાત દિવસ સુધી કામ કરશે.
ઉલ્લેખનીય છે કે યુક્રેનમાં 20,000થી વધુ ભારતીયો છે.
યુક્રેનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખાસ હેલ્પલાઇન નંબર અને ભારતીય વિદેશ મંત્રાલયના પ્રયાસ
ભારતના વિદેશ સચિવે હર્ષવર્ધન ઋંગલાએ કહ્યું કે યુક્રેનમાં 20 હજાર ભારતીયો હાજર છે અને ભારતે યુક્રેનની પરિસ્થિતિ મુજબ કેટલાંક પગલાં લીધાં છે.
તેમણે કહ્યું કે યુક્રેનમાં ઘટનાક્રમ ખૂબ ઝડપથી બદલાઈ રહ્યો છે. પરિસ્થિતિ મુજબ કેટલાંક પગલાં લેવામાં આવ્યા જેમાં ત્યાં રહેતા ભારતીય નાગરિકોનું પંજીકરણ પણ સામેલ છે.
ઋંગલાએ કહ્યુંકે આ કામ એક મહિના પહેલાંથી શરૂ થઈ ગયું હતું. ઑનલાઇન પંજીકરણથી જાણી શકાય કે યુક્રેનીમ 20 હજાર ભારતીયો રહે છે.
તેમણે કહ્યુંકે ગત કેટલાક દિવસોમાં 4,000 ભારતીય યુક્રેન છોડી ચૂક્યા છે. દિલ્હી સ્થિત વિદેશ મંત્રાલયના કંટ્રોલ રૂમથી 980 કૉલ્સ અને 850 ઇમેલ મળ્યા છે.
આ દરમિયાન તેમણે એવું પણ કહ્યું કે યુક્રેન સ્થિત ભારતીય દૂતાવાસ પોતાનું કામ ચાલુ રાખશે.
તેમણે કહ્યું કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ભારતીય અધિકારીઓને યુક્રેનની નજીક આવેલા દેશોમાં મોકલાયા છે.
આ અધિકારી રશિયન ભાષા બોલે છે જેથી આ કારણે તેમને પરેશાન નહીં થવું પડે. આમાંથી કેટલાક અધિકારી ત્યાં પહોંચી ગયા છે.
યુક્રેન, પોલૅન્ડ, રોમાનિયા, સ્લોવાકિયા અને હંગરીમાં હાજર ભારતીય રાજદૂતોને કહેવામાં આવ્યું છે કે યુક્રેનમાંથી કાઢવામાં આવેલા ભારતીયોને આ દેશોમાં પ્રવેશ અપાવે જેથી તેમને ભારત લાવી શકાય.
બિનનિવાસી ગુજરાત વિભાગ દ્વારા પણ આ માટે ખાસ નંબર જાહેર કરવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્ય બિનનિવાસી વિભાગ દ્વારા જાહેર કરાયેલા નંબર 079 232-51312 અને 079 232-51316 છે. આ નંબર પણ ફોન કરી મદદ અને માર્ગદર્શન મળી શકાશે.
યુક્રેનસ્થિત ભારતીય દૂતાવાસમાં મદદ માટે +380997300428, +380997300483 નંબર પર cons1.kyiv@mea.gov.in મેઈલ કરી શકાશે.
યુક્રેનમાં ફસાયેલા લોકોની જાણકારી માટે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે એક કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે. આ કંટ્રોલ રૂમનો નંબર 27552144 અને 27560511 છે.
અમદાવાદ જિલ્લાના લોકો આ કંટ્રોલ રૂમમાં યુક્રેનમાં ફસાયેલા લોકોની જાણકારી આપી શકશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો