નૉન-વેજ વિવાદ મામલે ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે શું સ્પષ્ટતા કરી?

પ્રકાશિત

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતનાં મહાનગરોનાં સ્થાનિક તંત્રો દ્વારા ઈંડાં અને માંસના જાહેરમાં લારી-ગલ્લા મારફતે વેચાણ પર પ્રતિબંધ મૂકતાં મૌખિક અને લેખિત આદેશો જારી કરાયાનું સ્થાનિક અને રાષ્ટ્રીય મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે.

બીજી તરફ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે 16 નવેમ્બરે યોજાયેલી પ્રેસ-કૉન્ફરન્સમાં મીડિયાકર્મીઓ સાથે વાતચીત દરમિયાન કૉર્પોરેશનો દ્વારા આવા કોઈ નિર્ણય લેવામાં ન આવ્યાની વાત કરી છે.

તેમણે આ દરમિયાન કહ્યું હતું કે, "કૉર્પોરેશનો દ્વારા આવા કોઈ નિર્ણય લેવામાં આવ્યા નથી, તેથી આ નિર્ણય પાછા ખેંચી લેવાની ભલામણ કરવાનો પ્રશ્ન જ નથી. આ તો માત્ર કોઈએ કહી દીધું હતું કે આવી કોઈ કાર્યવાહી થવી જોઈએ. બાકી કોઈ નિર્ણય અપાયા નથી."

નોંધનીય છે કે આ અગાઉ પણ સી. આર. પાટીલે સંબંધિત કૉર્પોરેશનોને આ મુદ્દે ચર્ચાઈ રહેલ પ્રક્રિયા પ્રમાણે કાર્યવાહી ન કરવામાં આવે તેવી સૂચના અપાઈ હોવાની વાત કરી હતી.

પરંતુ તેમ છતાં રાજકોટ, ભાવનગર, વડોદરા અને પછી અમદાવાદમાં પણ આ બાબતે લેખિત અને મૌખિક આદેશો જારી કરી કાર્યવાહી કરવામાં આવી હતી, જેના કારણે લારી-ગલ્લાના માલિકો અને તેમના પરિવારજનોએ સરકાર સામે પોતાનો રોષ પણ ઠાલવ્યો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો