LGBTQ: 'મારો પુત્ર ટ્રાન્સજેન્ડર છે એવી ખબર પડી ત્યારે મેં આત્મહત્યા કરવાનું વિચાર્યું પણ...'
"તે વયમાં આવી રહ્યો હતો. મને વારંવાર કહેતો હતો કે મા, મને સાયકિયાટ્રિસ્ટ પાસે લઈ જા. મને મદદની જરૂર છે. મને કંઈ સમજાતું નથી."
"હું તેને કહેતી કે તું પુરુષ જેવો પુરુષ છે પછી તને શાની તકલીફ છે? મદદની જરૂર તો મને છે. હું એકલી છું, વિધવા છું. ખરેખર તો તારે મને કહેવું જોઈએ કે મા, તું ચિંતા કરીશ નહીં. હું તારો આધાર બનીશ."
સુપ્રિયા ગોસાવી ગોરેગાંવમાંના તેમના ઘરમાં મને આ વાત જણાવે છે, પરંતુ તેમની આંખમાં ભૂતકાળના પડછાયા તરતા દેખાય છે.
મુંબઈના આ સારા ઉપનગરમાં ભલે નાનું તો નાનું, પણ પોતાનું આરામદાયક ઘર બનાવવા માટે તેમણે ઘણો સંઘર્ષ કર્યો હતો અને તેમની કહાણી અન્યો કરતાં અલગ હતી.
સુપ્રિયા 40 વર્ષનાં હતાં ત્યારે તેમના પતિનું અવસાન થયું હતું. તેઓ બે પુત્રોની માતા બની ગયાં હતાં. મોટો પુત્ર 16 વર્ષનો હતો અને નાનો છ વર્ષનો.
એકલપંડે સંતાનોને ઉછેરવાનો તેમનું જીવન આ રીતે શરૂ થયું હતું. થોડા સમયમાં ઘરમાં ઓછપની અનુભૂતિ થવા લાગી હતી.
તેમણે વિચાર્યું હતું કે છોકરો થોડા સમયમાં જુવાન થશે પછી તકલીફ ઓછી થશે. જુવાન દીકરાની મદદ મળશે એટલે સમાજમાં એકલી સ્ત્રી તરીકે જીવવાની તકલીફ ઓછી થશે.
અન્ય કોઈ માતાની માફક જ તેમણે પણ દીકરાના ભાવિનાં સપનાં સેવ્યાં હતાં. દીકરાને ભણાવી-ગણાવીને નોકરી-ધંધે લગાડીશ, સરસ છોકરી શોધીને તેને પરણાવીશ અને તેનો સંસાર આગળ વધશે.

'મેં આત્મહત્યા કરવાનું પણ વિચાર્યું હતું'

જોકે, તેમનો દીકરો નિશાંત એ સમયે માનસિક દ્વિધાની સ્થિતિમાં હતો. તેની પીડા અસહ્ય થઈ ગઈ હતી. એક દિવસ તે બેભાન થઈને રસ્તા પર પડી ગયો હતો. સુપ્રિયા તેને લઈને મુંબઈની કેઈએમ હૉસ્પિટલે પહોંચ્યાં હતાં.
હૉસ્પિટલના ડૉકટરોએ નિદાન કર્યું કે નિશાંતની તકલીફ માનસિક છે. હૉસ્પિટલના વડાએ એક દિવસ સુપ્રિયાને બોલાવીને કહ્યું, "મેડમ, હવે તમારે સત્ય સ્વીકારવું પડશે."
સુપ્રિયાને કંઈ સમજાતું ન હતું. તેમનો પ્રશ્નાર્થભર્યો ચહેરો જોઈને ડોકટરે કહ્યું, "મેડમ, તમારો દીકરો ટ્રાન્સ છે. તે પુરુષના શરીરમાં એક મહિલા છે. તમારે તે સ્વીકારવું પડશે."
એ દિવસની યાદ આવતાં સુપ્રિયાના ચહેરા પર આજે પણ તાણ દેખાય છે.
સુપ્રિયા કહે છે, "મારા પગ તળેથી જમીન સરકી ગઈ હતી. હું ટ્રાન્સનો અર્થ સમજતી ન હતી. હું તો બસ છોકરો-છોકરી અને સ્ત્રી-પુરુષ હોય એટલું જ સમજતી હતી."
આપણે અનેક વખત નિહાળીએ, સાંભળીએ છીએ કે LGBTQ (Lesbian, gay, bisexual, and transgender) લોકોનો તેમના પરિવારજનો સ્વીકાર કરતા નથી, પણ જેઓ સ્વીકારે છે તેમનો જીવનપ્રવાસ કેવો હોય છે?

જે મૂલ્યો અને સંકલ્પનાને જીવનનો આધાર બનાવ્યાં હતાં એ જ મૂલ્યો તથા સંકલ્પનાને સંતાનો પ્રત્યેના પ્રેમને ખાતર કોરાણે ધકેલતા માતા-પિતાની મનોસ્થિતિ કેવી થતી હશે? આવા સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ આ સ્ટોરીમાં કરવામાં આવ્યો છે.
"મને સમજાતું ન હતું કે જે સંતાનને દીકરો ગણીને ઉછેર્યું હતું તેની દીકરી તરીકેની ઓળખને કઈ રીતે સ્વીકારવી?"
સુપ્રિયાની ટ્રાન્સજેન્ડર દીકરી નિષ્ઠા (પહેલાંનો નિશાંત) કહે છે, "મમ્મીએ મારું જીવન કઠિન બનાવી દીધું હતું. વારંવાર ઝઘડા થતા હતા. રોજેરોજ ઝઘડા થતા હતા, કારણ કે હું ટ્રાન્સજેન્ડર હતી."
સુપ્રિયા અને નિષ્ઠા બન્નેનું માનસિક સ્વાસ્થ્ય ઠીક ન હતું. નિષ્ઠાને એ સમજાતું ન હતું કે તેના શરીર તથા દિમાગમાં થઈ રહેલાં પરિવર્તનનો સામનો કઈ રીતે કરવો. તે પોતાની વાસ્તવિક ઓળખ જાણવા માટે સંઘર્ષ કરી રહી હતી, જ્યારે સુપ્રિયા સમાજનો સામનો કઈ રીતે કરવો તેની મથામણમાં હતાં.
ક્યારેક એ નથી સમજાતું કે જે મૂલ્યોનું આપણે વર્ષો સુધી પાલન કર્યું છે તેનું શું કરવું?
સુપ્રિયા કહે છે, "નિષ્ઠા ક્યારેક એટલી હિંસક થઈ જતી હતી કે અમારા પર હાથ ઉઠાવતી હતી."
સુપ્રિયાના મનમાં પોતાનાં બાળકોને છોડીને ક્યાંક ચાલ્યા જવાનો વિચાર પણ આવતો હતો.
સુપ્રિયા કહે છે, "મેં આત્મહત્યા કરવાનું પણ વિચાર્યું હતું."
તેમની જિંદગી લડખડાતી આગળ વધતી હતી અને તેમના પરિવારની સમસ્યા અન્ય લોકો માટે મનોરંજન બની ગઈ હતી.
સુપ્રિયાનો પરિવાર એ વખતે દાદરની એક ચાલમાં રહેતો હતો. તેમના ઘરમાં શું ચાલી રહ્યું છે તે, આવતાં-જતાં લોકો વાંકા વળીને જોતા રહેતા હતા.
"અમારી મનઃસ્થિતિ આવી હતી, તેમ છતાં લોકોના મનમાં ભારોભાર ઉત્સુકતા હતી. આ નોકરી માટે સાંજે સાત વાગ્યે ઘરની બહાર નીકળતો. તમને ખોટું લાગશે, પણ ચાલીના બધા લોકો એ સમયે ઘરની બહાર નીકળીને ઊભા રહેતા હતા. તેઓ બરાબર જોતા કે આજે તેણે સ્ત્રીનાં કપડાં પહેર્યાં છે કે પુરુષનાં? લિપસ્ટિક લગાવી છે કે નહીં? હિલ્સ પહેરી છે કે નહીં? મને ખૂબ ત્રાસ થતો."
સુપ્રિયાએ આ જ સંદર્ભમાં અનેક વખત નિષ્ઠાનો પીછો પણ કર્યો હતો.
એ દિવસોને યાદ કરતાં નિષ્ઠા કહે છે, "મારી મા મારો પીછો કરતી હતી. એ મને જોતી અને લોકો કેવો પ્રતિભાવ આપે છે તે જોતી. કોઈ પુરુષ મારી તરફ જોવાનો પ્રયાસ કરે ત્યારે મારા મા તેની સામે ડોળા કાઢીને જોતી. હું જાણતી હતી કે એ મારા રક્ષણનો પ્રયાસ કરતી હતી, પરંતુ તે મારી પીડાને જોઈ શકતી ન હતી."
પોતાના સંતાનની ઓળખ પુરુષ તરીકે જ ટકાવી રાખવા સુપ્રિયા આકરી મહેનત કરતાં હતાં. બાવા-સાધુઓ પાસે પણ જતાં હતાં.
નિષ્ઠા કહે છે, "બહાર ફરવા જાઉં ત્યારે ક્યાંક દર્શન કરવા જવાનું, પાદપૂજન કરવાનું. મને બાવા-સાધુઓના ફોટા મોકલતી હતી. મને બહુ ગુસ્સો આવતો હતો."
નિષ્ઠાને આ બધાથી પારાવાર ત્રાસ થતો હોવાનું જાણીને સુપ્રિયાએ આવું બધું બંધ કરી દીધું હતું.
"એક વખત એક બાવાએ મને એક ફળ આપીને કહ્યું કે આ તમારા દીકરાને ખવડાવજો. આખું ફળ એ જ ખાય તેની ખાતરી કરજો. મેં નાના દીકરાને કહ્યું કે તું આ ફળને અડતો પણ નહીં. નિશાંત કામ કરતો હતો. મેં ફળ કાપીને તેની સામે મૂક્યું. એ કામ કરતાં-કરતાં આખું ફળ ખાઈ ગયો અને એ તેના ધ્યાનમાં આવ્યું ન હતું."
"એ રાતે તેને બહુ તકલીફ થઈ હતી. તેના પેટમાં જોરદાર દુખાવો થવા લાગ્યો હતો. કોઈ રીતે રાહત થતી ન હતી. મને એવું લાગ્યું કે ફળ ખાવાને કારણે જ તેની હાલત આવી થઈ છે. પછી મેં નક્કી કર્યું હતું કે છોકરો હોય કે છોકરી, હું તેનો સ્વીકાર કરીશ. આવા અઘોરી ઉપાય કરીને મારા સંતાનના જીવ સાથે રમત કરીશ નહીં. બીજા ભલે ગમે તે કહે."

સમાજ સામે સંઘર્ષ

દીકરો ટ્રાન્સજેન્ડર હતો એટલે સુપ્રિયાએ જાતજાતનાં મહેણાં-ટોણાં સાંભળવા પડ્યાં હતાં. તેના માતૃત્વ વિશે પણ શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
પિતા ગયા પછી છોકરાને સારી રીતે ઉછેર્યો નહીં એટલે આવું થયું છે, એવું સાંભળવું પડ્યું. કેટલાકે તો એવું પણ કહ્યું કે માની ભૂલને કારણે જ આવું થયું છે.
સંતાપ થાય એવું કંઈને કંઈ રોજ સાંભળવા મળતું હતું. એ સમયે કેટલાંક સગાંઓએ પણ સંબંધ તોડી નાખ્યા હતા, પરંતુ તેણે તેના દીકરાને ઘરની બહાર કાઢી મૂકવાનો વિચાર સુધ્ધાં કર્યો ન હતો.
આંખમાં આવેલાં આંસુને લૂંછતાં તેઓ સવાલ કરે છે, "સંતાનનું ધ્યાન માતા નહીં રાખે તો કોણ રાખશે? મારા જીવનસંસારમાં એક હાથ તો પહેલાં જ તૂટી ગયો છે. આ બે સંતાનો સિવાય મારું બીજું કોણ છે?"
સુપ્રિયાએ નક્કી કર્યું કે ભલે સગાંસંબંધીઓ અને લોકો ગમે તે કહે, મારાં બાળકોને મારે જ સંભાળવાનાં છે અને હિંમત હારવાની નથી.
એ પછી સૌથી મોટો પડકાર દાદરની ચાલમાંથી બીજી જગ્યાએ રહેવા જવાનો હતો. દાદરની ચાલના લોકોની માનસિકતાને કારણે આ પરિવારને બહુ પીડા થતી હતી, પરંતુ પૈસાની જોગવાઈ કરવાનું મુશ્કેલ હતું.
"ખબર નહીં મારામાં ક્યાંથી શક્તિ આવી. એ નિષ્ઠાના પપ્પાએ આપેલો સંકેત પણ હોઈ શકે, પરંતુ અમે હિંમત કરીને ઠેકડો માર્યો અને આ ઘરમાં આવ્યાં. અહીં આવ્યાં પછી એક અલગ જ પ્રકારની માનસિક શાંતિ મળી."
જીવનમાં થોડી સ્થિરતા આવી હતી, પણ સમયાંતરે જૂના મુદ્દા ખોદીને પાણી ડહોળવાનું ચાલુ રહ્યું હતું.
એવામાં નિષ્ઠાને એક સંસ્થા વિશે જાણકારી મળી. સંસ્થાનું નામ હતું- સ્વીકાર-ધ રેઈનબો પેરન્ટ્સ.
જેમનાં સંતાનો LGBTQ સમુદાયનાં હોય અને જે માતા-પિતાને એવા સંતાનોની નવી ઓળખ સ્વીકારવામાં મુશ્કેલી થતી હોય એવાં માતા-પિતાને આધાર આપવાનું કામ આ સંસ્થા કરે છે.

સહાયતા મળી

આ સંસ્થાના તમામ વરિષ્ઠ સભ્યો, કાઉન્સેલર્સ અને પદાધિકારીઓ પોતે પણ LGBTQ સંતાનોનાં માતા-પિતા છે. એ બધા પણ ભૂતકાળમાં આવો અનુભવ કરી ચૂક્યા છે. તેથી તેઓ અન્ય માતા-પિતાને સારી રીતે મદદરૂપ થઈ શકે છે.
પોતાનાં સંતાનોની ખરી ઓળખ સ્વીકારવાનો ઈનકાર કરતા માતા-પિતાને અહીં સલાહ આપવામાં આવે છે.
સુપ્રિયા આ સંસ્થામાં જવા જરાય રાજી ન હતાં, પરંતુ નિષ્ઠાએ તેની મમ્મીને આ સંસ્થાની કેટલીક મીટિંગ્ઝમાં ધરાર મોકલ્યાં હતાં.
"મારી મમ્મી મીટિંગમાંથી પાછી આવી પછી મેં તેને પૂછ્યું હતું કે મીટિંગમાં શું થયેલું, પણ તેણે કંઈ જવાબ આપ્યો ન હતો. એ પછી વધુ એક-બે મીટિંગ્ઝમાં ગઈ છતાં તે કોઈ પ્રતિસાદ આપતી ન હતી. તેથી મેં ફેસબુક પર જઈને મીટિંગ્ઝને ફોટા જોયા ત્યારે પ્રત્યેક ફોટામાં મારી મમ્મી રડતી જોવા મળી હતી."
"એક દિવસ તેણે આવીને મને સૉરી કહ્યું. મને એવું લાગ્યું હતું કે તેણે ભૂલ કરી હશે તેથી કદાચ સૉરી કહે છે. એ વખતે મને બહુ સારું લાગ્યું ન હતું. મારી મમ્મીએ મારી નવી ઓળખનો ભલે સ્વીકાર કર્યો હોય, પણ તેણે તેનો દિલથી સ્વીકાર કર્યો નથી. તેણે મન મનાવ્યું છે, પણ મારી મમ્મીએ મારો મોકળા મનથી મારો સ્વીકાર કર્યો ત્યારે મેં શું અનુભવ્યું હતું તેનું વર્ણન હું શબ્દોમાં કરી શકું તેમ નથી."
આવું કહેતી વખતે નિષ્ઠાના ચહેરા પર સ્મિત ફરી વળે છે.
મમ્મી અને નાના ભાઈનું મજબૂત પીઠબળ મળ્યાનું જાણ્યા પછી નિષ્ઠામાં વિશ્વવિજેતા બનાવાનો આત્મવિશ્વાસ આવી ગયો છે. 16-17 વર્ષનો મૂંઝાયેલો, ડઘાયેલો છોકરો હવે એક આત્મવિશ્વાસસભર સ્ત્રીમાં પરિવર્તિત થઈ ગયો છે.
સુપ્રિયાના ઘરમાં હવે ઈંદ્રધનુષના રંગો પથરાયેલા છે. આ ઘરમાં એક છોકરી હોવાના સંકેત ઠેકઠેકાણે જોવા મળી રહ્યા છે. ક્યાંક નિષ્ઠાની ઈયરરિંગ્ઝ જોવા મળે છે તો ક્યાંક તેની ઓઢણી ઘરમાં રંગ વિખેરી રહી છે.
નિષ્ઠાને તેના કામ માટે અને તેણે LGBTQ સમુદાય માટે કરેલા કામ બદલ અનેક પુરસ્કાર આપવામાં આવ્યા છે. અગાઉ જે લોકો તેની સામે ઘૂરતા હતા એ જ લોકો હવે તેની સાથે રસ્તા પર ઊભા રહીને ખબરઅંતર પૂછે છે.
એક માતા માટે આ ઘણી રાહતદાયક બાબત છે.
જોકે, તમામ મુશ્કેલી અને સમસ્યાઓનો અંત હજુ આવ્યો નથી, પણ એ બધાનો ધીરજ સાથે સામનો કરવાની હિંમત તેમનામાં જરૂર આવી છે.
સુપ્રિયા કહે છે, "મેં તેને કહ્યું છે કે તને કોઈ છોકરો પસંદ પડે તો તેની બિન્ધાસ્ત લગ્ન કરી લે. મમ્મીની ચિંતા કરીશ નહીં. હવે તારે તારા જીવનને સુંદર બનાવવું જોઈએ.
દીકરી હોય કે દીકરો હોય કે પછી નવી ઓળખ મળી હોય તેવું સંતાન હોય, કોઈ પણ મા તેનાં સંતાનો માટે ખુશહાલ દુનિયાનું સપનું જ નિહાળતી હોય છે.
(અહેવાલ- અનઘા પાઠક, બીબીસી મરાઠી)



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો