You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઝલકારી બાઈ : એ દલિત મહિલા જેઓ ઝાંસીનાં રાણી સાથે અંગ્રેજો સામે લડ્યાં
એક એવી મહિલા જેમની બહાદુરી અને વફાદારીને ઇતિહાસમાં સ્થાન ન મળ્યું, પરંતુ સામાન્ય લોકોએ તેમને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું.
તેમને કિસ્સા-કહાણીઓને પેઢીઓએ જીવંત રાખ્યાં અને વર્ષો બાદ પણ તેમની કહાણીઓ હાંસિયામાં ધકેલાયા લોકો માટે પ્રેરણારૂપ બની.
એટલે જ ઘોડા પર સવાર તેમની પ્રતિમા આજે પણ ઘણાં શહેરમાં જોઈ શકાય છે.
1857ના વિદ્રોહમાં ઝાંસીનાં રાણી સાથે મળીને ઝલકારી બાઈ અંગ્રેજો સામે લડ્યાં. ઝાંસી પાસે ભોજલા ગામ છે, ગામમાં લોકોનું કહેવું છે કે ઝલકારી બાઈ આ ગામનાં હતાં.
ઝલકારી બાઈ એક ગરીબ દલિત પરિવારમાંથી આવતાં હતાં.
ઝલકારી બાઈની બહાદુરીના ઘણા કિસ્સા છે. તેમના પર કેટલાંય ગીતો રચાયાં છે.
પુસ્તકોમાં એવો ઉલ્લેખ છે કે તેમણે બાળપણમાં એક વાઘને મારી નાખ્યો હતો. ડાકુઓને ખદેડી દીધા હતા.
તેમના પતિ પૂરન બહાદુર પહેલવાન હતા. તેઓ ઝાંસીની સેનાના સૈનિક હતા અને અંગ્રેજો વિરુદ્ધ લડતા મોતને ભેટ્યા હતા.
શક્ય છે કે એ સમયની રાજકીય અને સામાજિક સ્થિતિએ ઝલકારી બાઈ જેવું વ્યક્તિત્વ સર્જવાનું કામ કર્યું હોય.
ઝલકારી બાઈ રાણી લક્ષ્મીબાઈ સુધી કેવી રીતે પહોંચ્યાં? હાંસિયામાં રહેલા સમાજના લોકો રાણી લક્ષ્મી બાઈ સાથે કેવી રીતે ઊભા રહ્યા?
આસપાસના અનેક નાના-મોટા રાજાઓ અને સામંતોએ અંગ્રેજો વિરુદ્ધ રાણી લક્ષ્મીબાઈને મદદ નહોતી કરી.
એવા વખતે ઝલકારી બાઈ ઝાંસીનાં રાણીની નજીકની વ્યક્તિ બની ગઈ.
લોકો કહે છે કે ઝલકારી બાઈ ઝાંસીની રાણી જેવાં જ દેખાતાં હતાં કદાચ એટલે જ તેઓ રાણીનો વેશ ધારણ કરીને અંગ્રેજોને છેતરી શક્યાં હતાં. એ બાદ જે થયું એ ઇતિહાસ છે.
ઘણી પેઢીઓ વીતી. ઝલકારી દસ્તાવેજોમાં નહીં પરંતુ લોકોના જીવનનો હિસ્સો બની ગયા.
રાજકીય અને સામાજિક ચેતના આવ્યા બાદ હાંસિયામાં ધકેલાયેલા લોકોએ આઝાદીની લડાઈમાં તેમના વારસાની દાવેદારી પણ કરી.
ઝલકારી બાઈની પ્રેરણાની અસર આજે પણ જોઈ શકાય છે. ઠેરઠેર લાગેલી તેમની પ્રતિમાઓ અને તેમના નામે જાહેર થયેલી ટપાલટિકિટ એ વાતનો પુરાવો છે.
તેઓ દલિતસમાજની ચેતના અને ગૌરવનું પ્રતીક છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો