સિલ્વરીન સ્વેર : બીજા વિશ્વયુદ્ધમાં આસામ-અરુણાચલ પ્રદેશને રૅશન અપાવનારાં મહિલા

વીડિયો કૅપ્શન, સિલ્વરીન સ્વેર : એ મહિલા જેમણે લોકોનું જીવન બદલી નાખ્યું
પ્રકાશિત

આજથી અંદાજે 80 વર્ષ પહેલાંના ભારતની કલ્પના કરો. શિલૉંગ એક નાનું શહેર હતું. અરુણાચલ પ્રદેશ ત્યારે નૉર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી તરીકે જાણીતું હતું.

આ વિસ્તારમાં શિક્ષણ તો દૂર પ્રશાસનની પહોંચ પણ ઘણી ઓછી હતી. એ સમયે આ વિસ્તારમાં સિલ્વરીન સ્વેરનો જોટો જડે એમ નથી.

ક્યારેક-ક્યારેક કોઈને મળીએ તો તેમની અસર એવી હોય છે જે ભૂલી શકાતી નથી.

તેઓ અનેક રીતે વિશેષ હતાં, તેમનું કામ પછી શૈક્ષણિક હોય કે સામાજિક, તેઓ અનસંગ હીરો હતાં.

line

પ્રથમ ખાસી મહિલા તરીકે ઘણાં કામો કર્યાં

સિલ્વરીન સ્વેરનું ચિત્ર
ઇમેજ કૅપ્શન, સિલ્વરીન સ્વેરે કોલકાતાની સ્કૉટિશ ચર્ચ કૉલેજમાં અભ્યાસ પૂરો કર્યો. બાદમાં શિલૉંગ આવીને વેલ્સ મિશન ગર્લ્સ હાઇસ્કૂલમાં ભણ્યાં.

પૂર્વોત્તર રાજ્ય મેઘાલયનાં સિલ્વરીન સ્વેર અનુસૂચિત જનજાતિ (ખાસી)માંથી આવતાં હતાં.

સિલ્વરીન સ્વેરે કોલકાતાની સ્કૉટિશ ચર્ચ કૉલેજમાં અભ્યાસ પૂરો કર્યા બાદ શિલૉંગ આવીને વેલ્સ મિશન ગર્લ્સ હાઇસ્કૂલમાં ભણ્યાં.

પછી તેઓ ગર્લ ગાઇડ્સ મૂવમૅન્ટમાં ટ્રેઇનર તરીકે જોડાયાં. અહીંથી જ તેમણે છોકરીઓને શિક્ષણ, તાલીમ અને ગર્લ્સ ગાઇડ્સની મદદથી નવો રાહ ચીંધવાની શરૂઆત કરી.

મેઘાલયમાં ભારત સ્કાઉટ ઍન્ડ ગાઇડ્સનો પાયો નાખવામાં તેમની ભૂમિકા મહત્ત્વની હતી.

સિલ્વરીન સ્વેરનું ચિત્ર
ઇમેજ કૅપ્શન, પૂર્વોત્તર રાજ્ય મેઘાલયનાં સિલ્વરીન સ્વેર અનુસૂચિત જનજાતિ, ખાસીમાંથી આવતાં હતાં.

ભારત સ્કાઉટ ઍન્ડ ગાઇડ્સ ઇન્ડિયાનાં સેક્રેટરી અમીલિયા સ્વેર કહે છે કે "તેમણે ગર્લ ગાઇડિંગની શરૂઆત વૅલ્શ મિશન સ્કૂલથી કરી. તેઓ સ્કાઉટિંગ અને ગાઇડિંગના વિચારોથી ખૂબ પ્રભાવિત હતાં. આસામમાં તેમણે આની શરૂઆત કરી."

"તેઓ પૂર્વોત્તર વિસ્તારનાં સૌથી શ્રેષ્ઠ ટ્રેનર બન્યાં અને બાદમાં સમગ્ર ભારતનાં. ગર્લ ગાઇડિંગ- યુવાનોને શિક્ષણ વિશે જ નહીં પરંતુ કારકિર્દીની પસંદગી અને જીવનના વ્યવહાર વિશે પણ શીખવે છે. એક રીતે તે જીવન જીવવાનો માર્ગે દોરે છે."

"તેઓ હંમેશાં એક સ્થળેથી બીજા સ્થળે પ્રવાસ કરતાં રહેતાં. અંતરિયાળ વિસ્તારો હોય તો પણ તેઓ પગપાળા ચાલતાં. તેઓ આ આંદોલનનાં નેતા હતાં અને તેમણે જ મેઘાલયમાં ભારત સ્કાઉટ ઍન્ડ ગાઇડ્સની શરૂઆત કરી."

સિલ્વરીન સ્વેર જ્યારે શિક્ષણ અને ગાઇડ્સ મૂવમેન્ટ સાથે જોડાયાં ત્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું.

ભારતના ઉત્તર પૂર્વના વિસ્તારોમાં વિશ્વયુદ્ધનાં વાદળો ઘેરાયેલાં હતાં. બીજી તરફ દેશમાં સ્વતંત્રતા આંદોલન અંતિમ ચરણમાં હતું. ઉત્તર પૂર્વ પણ તેનાથી વંચિત નહોતું.

આ માહોલમાં સિલ્વરીન સ્વેરને એક નવી જવાબદારી સોંપવામાં આવી.

આસિસ્ટન્સ કંટ્રોલર ઑફ રેશનિંગ તરીકે સિલ્વરીન સ્વેરની કામગીરીની ખૂબ સરાહના થઈ. આ બદલ તેમને કૈસર-એ-હિન્દ પુરસ્કારથી સન્માનિત કરાયાં. પરંતુ આ કેટલું મુશ્કેલ હતું એ તેમણે દૂરદર્શન શિલૉંગને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.

સિલ્વરીન સ્વેરનું ચિત્ર
ઇમેજ કૅપ્શન, તેમને કૈસર-એ-હિન્દ પુરસ્કારથી સમ્માનિત કરાયાં હતાં

ત્યારબાદ તેમનો સામનો એન.કે. રસ્તુમજી સાથે થયો. તેઓ નૉર્થ ઇસ્ટર્ન ફ્રન્ટિયર એજન્સી એટલે કે નેફા માટે આસામ ગવર્નરના સલાહકાર હતા.

એ સમયે અરુણાચલ પ્રદેશ નેફા કહેવાતું. સિલ્વરીન સ્વેરને નેફાસ્થિત પાસીઘાટ ઑફિસમાં ચીફ સોશિયલ ઍજ્યુકેશન ઑફિસર નીમવામાં આવ્યાં. આ પડકારજનક હતું, પરંતુ તેમણે આ સ્વીકાર્યું.

શિલૉંગની બાળકીઓ

શિલૉંગ કૉલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. એમ.પી.આર લિંગદોહ કહે છે કે "તેઓ એક શિક્ષિકા હતાં. તેમણે નેફામાં કામ કરવાનું શરૂ કર્યું, જે અત્યારે અરુણાચલ પ્રદેશમાં છે. તેમણે ત્યાં ટીચર્સ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી. આજે આપણે સ્કિલ ડૅવલપમેન્ટની વાત કરીએ છીએ, પરંતુ તેમણે એ સમયે લોકોને ખેતી અને શિલ્પકળાથી આવક મેળવતા શીખવ્યું."

"આજે પણ અમે ત્યાં જતાં ડરીએ છીએ. કામ માટે એવાં જંગલોમાંથી પસાર થવું પડે જ્યાં પ્રાણીઓ હોય. પરંતુ તેમણે કામ ચાલુ રાખ્યું હતું."

મેઘાલયનો સમાજ માતૃસત્તાક સમાજ ગણાય છે, પરંતુ રાજકારણમાં પુરુષોનું વર્ચસ્વ હતું. તેઓ તેને તોડવા માગતાં હતાં.

સિલ્વરીનનું માનવું હતું કે નિર્ણય લેનારા દરેક પદ પર મહિલાઓ હોવી જોઈએ. તેમણે મેઘાલયને રાજ્યનો દરજ્જો મળ્યા બાદ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડી. જોકે તેઓ જીતી ન શક્યાં. તેઓ ખાસી જાતિમાં અનેક મુકામ હાંસલ કરનારાં પહેલાં મહિલા કહી શકાય.

ડૉક્યુમૅન્ટ્રી મેકર રીડાલાંગ એમ તારિયાંગ કહે છે કે "તેમણે એવાં ઘણાં કામ કર્યાં, જે કોઈ ખાસી મહિલાએ પહેલી વાર કર્યાં હશે. તેઓ પદ્મશ્રી મેળવનારાં મેઘાલયનાં પહેલા મહિલા છે. તેઓ સરકારમાં રહેતા એક્ઝિક્યુટિવ પદ મેળવનાર પહેલાં મહિલા છે."

"આ પદ તેમની પાસે 1940થી પહેલાં એટલે કે આઝાદી પહેલાંથી છે. તેમને બ્રિટિશ સરકારે કૈસર-એ-હિન્દ પુરસ્કારથી પણ નવાજ્યા હતાં. શિક્ષણવિદ કે સામાજિક કાર્યકર્તા હોવાની સાથેસાથે તેઓ સમુદાય માટે કામ કરવા ઇચ્છતા હતા અને એ માટે આજે પણ લોકો તેમને યાદ કરે છે."

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો