હેમલતા લવનમ : એ મહિલા જેમણે ગામના ડાકુઓનું હૃદયપરિવર્તન કરી નાખ્યું

પ્રકાશિત

આંધ્ર પ્રદેશનું સ્ટુઅર્ટપુરમ એક સમયે લુટારા અને ડાકુઓનું ઘર ગણાતું પરંતુ હવે અહીં કોઈ લુટારા કે ડાકુ નથી.

ડિવિઝનલ પોલીસ અધિકારી એ. શ્રીનિવાસ રાવ કહે છે કે વર્તમાન સમયમાં ગામમાં કોઈ લુટારા નથી રહેતા. જોકે કેટલાક નાનામોટા ચોર રહે છે.

જો 80ના દાયકા સાથે તુલના કરીએ તો એ કહેવું અતિશયોક્તિ નથી કે આ ગામમાં કોઈ લૂંટારા નથી.

લુટારા અને લૂંટથી આ ગામને મુક્તિ અપાવી હેમલતા લવનમે.

સમાજસુધારક અને લેખિકા હેમલતા એક ઈસાઈ દલિત પરિવારમાંથી આવતાં હતાં. તેમના પતિ લવનમ પણ એક સમાજસુધારક હતા.

લગ્ન બાદ 1960માં ચંબલના ડાકુઓના આત્મસમર્પણના સાક્ષી બનવા માટે સ્વાતંત્ર્યસેનાની વિનોબા ભાવેએ બંનેને મધ્ય પ્રદેશની ચંબલ ઘાટીમાં બોલાવ્યાં.

વિનોબા ભાવે ચંબલઘાટીમાં શાંતિ અભિયાન ચલાવી રહ્યા હતા, જેને કારણે મોટી સંખ્યામાં ડાકુઓએ આત્મસમર્પણ કર્યું હતું.

લેખક કે. સુંદર કહે છે કે વર્ષ 1960માં વિનોબા ભાવેએ ચંબલઘાટીમાં એક માર્ચનું આયોજન કર્યું. ત્યાં તેમણે લવનમ દંપતીને બોલાવ્યાં. હેમલતા કહેતાં કે તેમના હનીમૂનના સમયમાં ચંબલઘાટીમાં સમાજસુધારાનું કામ કર્યું હતું. તેમણે પતિ સાથે ચંબલની ઘાટીના બે જિલ્લા ભિંડ અને મુરૈનાની મુલાકાત લીધી. ત્યાં હેમલતાએ ડાકુ માનસિંહને રાખડી બાંધી. જે બાદ હેમલતાની ડાકુઓ વિશેની માન્યતા બદલાઈ.

તેમણે અનુભવ્યું કે ડાકુ પણ સામાન્ય માણસો જેવા જ હોય છે. સામાજિક પરિસ્થિતિઓ તેમને લુટારા બનવા માટે મજબૂર કરે છે. આ ઘટનાએ તેમને આંધ્ર પ્રદેશના સ્ટુઅર્ટપુરમમાં ગુનાહિત સુધારા માટે પ્રેરિત કર્યાં.

ચંબલની ઘાટીમાં ડાકુઓના આત્મસમર્પણે હેમલતા લવનમના મન પર ઊંડી છાપ છોડી.

એ ઘટના પછી તેઓ સામાજિક સુધારણાના કામમાં જોડાઈ ગયાં. તેમણે આરોપીઓમાં સુધારો લાવવાની દિશામાં કામ કર્યું અને આ કામની શરૂઆત સ્ટુઅર્ટપુરમથી કરી.

સ્ટુઅર્ટપુરમના સ્થાનિક પ્રભાકરે જણાવ્યું કે "મારા પિતા ગુનેગાર હતા અને હું પણ. અમ્માગુરુ અમારા ગામમાં આવ્યાં. તેમણે કહ્યું કે તમે જે કરો છો તે યોગ્ય નથી. તેમની સાથેની મુલાકાત બાદ અમને અમારી ભૂલોનો અહેસાસ થયો. અમે તેમને કહ્યું કે અમે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવા તૈયાર છીએ. તેઓ અમને જેલમાં પણ મળવા માટે આવતાં."

સમાજમાં પછાત મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે પણ તેઓ નિરંતર કામ કરતાં રહ્યાં.

આ દિશામાં તેમણે મહિલાઓને દેવદાસી પ્રથાથી મુક્તિ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. દેવદાસી પ્રથામાં છોકરીઓને નાની વયે ભગવાનની સેવામાં મૂકી દેવાતી હતી.

લેખક કે. સુંદર કહે છે કે ભગવાન સાથે લગ્નનાં નામે મોટા ભાગે દલિત મહિલાઓને મંદિરમાં વેચી દેવાતી. લવનમ કહેતાં કે એક મહિલાને દેવદાસી બનાવીને તેના માનવીય અધિકાર, સક્ષમ બનવાની તક, પોતાના શરીર પરનો અધિકાર અને માતા બનવાનો અધિકાર- બધું જ છીનવાઈ જાય છે.

હેમલતા લવનમ અમ્મા તરીકે ઓળખાતાં. તેમણે લગભગ 30 મહિલાઓને દેવદાસીની પ્રથાથી મુક્તિ અપાવી. તેમણે ગુનેગારોને આત્મસમર્પણ માટે મનાવ્યા અને મુખ્ય ધારા સાથે જોડ્યા.

ઈશ્વરમાં વિશ્વાસ રાખનારાં હેમલતા લવનમ માનતાં કે જો સમાજમાં સુધારા કરવા હોય તો પેઢી દર પેઢી કામ કરવું પડશે.

રિપોર્ટ- પદ્મા મીનાક્ષી, સિરીઝ પ્રોડ્યુસર- સુશીલા સિંહ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો