You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જાઈબાઈ ચૌધરી : કુલીથી માંડી એક શિક્ષિકા અને દલિત કાર્યકર બનવા સુધીની કહાણી
મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં જન્મેલાં જાઈબાઈ ચૌધરીની કુલીથી માંડીને દલિત ઍક્ટિવિસ્ટ બનવા સુધીની સફર ખૂબ સંઘર્ષપૂર્ણ રહી છે.
તેમણે ઍક્ટિવિસ્ટ કિસન ફાગુજી બનસોડે દ્વારા શરૂ કરાયેલી સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ લીધું, જોકે ગરીબીને કારણે તેમણે સ્કૂલ છોડવી પડી.
તેમનાં લગ્ન 9 વર્ષની ઉંમરમાં થઈ ગયાં હતાં અને પરિવારના ભરણપોષણ માટે તેમને રેલવે સ્ટેશન પર કુલીનું કામ કરવું પડ્યું.
જોકે એક મિશનરી નન ગ્રેગૉરીએ જાઈબાઈને ભારે બૅગ ઉઠાવતાં જોયાં. વાતચીતમાં ગ્રેગૉરીને જાઈબાઈ બહુ હોશિયાર લાગ્યાં. નન ગ્રેગૉરીની મદદથી જાઈબાઈને સ્કૂલમાં ફરી દાખલ કરાયાં અને બાદમાં જાઈબાઈને એક મિશનરી સ્કૂલમાં શિક્ષિકાની નોકરી અપાવી.
નાગપુરની હિસ્લૉપ કૉલેજમાં ઍસોસિયેટ પ્રોફેસર ડૉ. અભિલાષા રાઉત કહે છે કે "અભ્યાસ પૂરો કર્યા બાદ તેમણે ભણાવવાનું શરૂ કર્યું. જોકે વાલીઓને ન ગમ્યું કે કોઈ દલિત શિક્ષિકા તેમનાં બાળકોને ભણાવે. તેમણે પોતાનાં બાળકોને સ્કૂલે મોકલવાનું બંધ કરી દીધું, બાદમાં જાઈબાઈને નોકરીમાંથી કાઢી મૂક્યાં."
"તેઓ ખૂબ દુખી થયાં અને નિર્ણય કર્યો કે કન્યાકેળવણી માટે તેઓ કંઈક કરશે અને એ પછી તેમણે પોતાની શાળા શરૂ કરી."
જાઈબાઈએ નાગપુરમાં દલિત અને ગરીબ બાળકીઓ માટે સ્કૂલ ખોલી. આ સ્કૂલનું નામ હતું 'સંત ચૌખામેલા ગર્લ્સ સ્કૂલ'. તેમનો હેતુ છોકરીઓને સ્કૂલમાં દાખલ કરાવવાનો હતો.
જાઈબાઈ માત્ર છોકરીઓને શિક્ષણ આપવા પૂરતા સીમિત ન રહ્યાં. તેમણે દલિતોના અધિકારો માટે પણ કામ કર્યું અને ઘણી વાર દલિત હોવાને કારણે વિરોધનો સામનો પણ કરવો પડ્યો.
લેખિકા અનીતા ભારતી કહે છે, "વર્ષ 1937માં ઑલ ઇન્ડિયા વિમેન્સ કૉન્ફરન્સનું આયોજન થયું ત્યારે જાઈબાઈને પણ તેમાં ભાગ લેવા માટે આમંત્રણ મળ્યું. જાઈબાઈ તેમના બહેનપણી સાથે આ કૉન્ફરન્સમાં સામેલ થયાં. જોકે તેમને ભેદભાવનો સામનો કરવો પડ્યો. "
"કૉન્ફરન્સમાં જ્યારે ભોજનનો સમય થયો તો ઉચ્ચ જાતિનાં મહિલાઓએ તેમને અલગ બેસવા માટે કહ્યું અને અલગથી જમવાનું આપ્યું."
"આ વાતથી જાઈબાઈના બહેનપણીને ખૂબ ગુસ્સો આવ્યો. તેમણે નક્કી કર્યું કે તેઓ કાર્યક્રમમાં ક્યારેય ભાગ નહીં લે, કારણ કે એ લોકો ભેદભાવ, અસ્પૃશ્યતા અને ઊંચી જાતિનું વલણ ક્યારેય નહીં છોડી શકે. આના વિરોધમાં તેમણે 1 જાન્યુઆરી, 1938ના રોજ દલિત મહિલાઓનું એક મોટું સંમેલન કર્યું."
જે સ્કૂલની શરૂઆત જાઈબાઈએ 1922માં કરી હતી, તે હવે ઉચ્ચ માધ્યમિક સ્કૂલ બની ગઈ છે, અને હવે તેનું નામ બદલીને જાઈબાઈ ચૌધરી જ્ઞાનપીઠ સ્કૂલ કરી દેવાયું છે.
રિપોર્ટ- અનઘા પાઠક, સિરીઝ પ્રોડ્યુસર- સુશીલા સિંહ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છે