રાની ગાઇદિન્લ્યુ : અંગ્રેજો સામે જંગે ચડી 14 વર્ષ જેલવાસ ભોગવનારાં મહિલાની કહાણી

વીડિયો કૅપ્શન, રાની ગાઇદિન્લ્યુ : અંગ્રેજો સામે જંગે ચડી 14 વર્ષ જેલવાસ ભોગવનારાં મહિલાની કહાણી
પ્રકાશિત

ભારતીય વીરાંગના સિઝન-2માં આજે વાત રાની ગાઇદિન્લ્યુ, જેમણે અંગ્રેજોએ લાદેલા વેરા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. તેમજ પોતાના વિસ્તારના લોકોને હક અપાવવા માટે અંતિમ શ્વાસ સુધી લડ્યાં.

26 જાન્યુઆરી, 1915માં જન્મેલાં રાની ગાઇદિન્લ્યુ નાગા જનજાતિ રૉન્ગમઈમાંથી આવે છે અને તેઓ તેમના પિતરાઈ ભાઈ હાઇપૉન્ગથી ઘણાં પ્રભાવિત હતાં.

જદોનાંગ નાગા જનજાતિઓની એકતા, પોતાના રીત-રિવાજો અને પ્રાચીન ધર્મ હેરાકાને ઈસાઈ મિશનરીઓના વધતા પ્રભાવથી બચાવવા માટે આંદોલન ચલાવી રહ્યાં હતાં.

તેઓ નાગા વિસ્તારોમાં અંગ્રેજોના હસ્તક્ષેપનો વિરોધ કરી રહ્યાં હતાં. આ આંદોલનને તેમણે જેલિઑન્ગરૉન્ગ નામ આપ્યું.

ઉત્તર પૂર્વીય રાજ્ય મણિપુરની રાજધાની ઇમ્ફાલથી અંદાજે 174 કિલોમિટર દૂર પર્વતો ઓળંગીને અમે તામેંગલોંગ જિલ્લામાં પહોંચ્યા.

અહીં લોઆંગકાઓ નામનું એક ગામ આવેલું છે. અમે આજ ગામ શોધી રહ્યા હતા, કારણ કે અમને તલાશ હતી રાની ગાઇદિન્લ્યુ સાથે જોડાયેલી કહાણીઓની.

રાની ગાઇદિન્લ્યુ

રામકુઈ ન્યૂમે આસામમાં રહે છે અને તેઓ રાની ગાઇદિન્લ્યુ સાથે કામ પણ કરી ચૂક્યા છે.

તેઓ કહે છે, "બ્રિટિશવિરોધી કાર્યવાહીને કારણે જદોનાંગની ધરપકડ થઈ અને તેમને ફાંસીના માચડે ચઢાવી દેવાયા. એ પછી આંદોલનનું સુકાન રાની ગાઇદિન્લ્યુએ સંભાળ્યું અને બ્રિટિશ સેના વિરુદ્ધ એક મોટી કાર્યવાહી હાથ ધરી."

ડૉ. કે. હીરા કાબુઈએ રાની ગાઇદિન્લ્યુ પર એક પુસ્તિકા પણ લખી છે.

તેઓ કહે છે, "ગાઇદિન્લ્યુ આસામ રાઇફલની આઉટપોસ્ટ વિશે જાણતાં હતાં. તેમણે ત્યાં હુમલો કરાવ્યો, પરંતુ તેની ખાસ અસર ન થઈ. તેના જવાબમાં બ્રિટનની આસામ રાઇફલે હુમલો કર્યો, જેમાં ઘણા લોકોનાં મોત થયાં."

"કેટલાંક ઘર સળગાવી દેવાયાં. જોકે આ લોકો જંગલમાં ભાગી નીકળ્યા. પહેલી વાર હુમલામાં હથિયારો અને બંદૂકોનો ઉપયોગ થયો હતો. જદોનાંગના સમયમાં આવું નહોતું થયું. આ આંદોલન બાદ ગાઇદિન્લ્યુ અંડરગ્રાઉન્ડ થઈ ગયાં અને સમર્થકોએ સાથે મળીને નાગા નેશનલ કાઉન્સિલની રચના કરી."

રાની ગાઇદિન્લ્યુ અને તેમના સમર્થકો તરફથી થયેલી કાર્યવાહી બાદ બ્રિટિશ સેનાએ તેમને પકડવા માટેનું અભિયાન તેજ બનાવ્યું હતું.

રાની ગાઇદિન્લ્યુ

રાની ગાઇદિન્લ્યુ વિશે માહિતી આપનારને કરમાફી અને ઇનામની જાહેરાત પણ કરી. જોકે આ બધાં પ્રલોભનો ખાસ કામ ન આવ્યાં. આખરે 16 વર્ષની વયે રાની ગાઇદિન્લ્યુની ધરપકડ થઈ.

ગોન્મે લૉમ્બિલુંગ કાબુઈ ઇમ્ફાલ કૉલેજમાં ઇતિહાસના આસિસ્ટન્ટ પ્રોફેસર છે.

તેઓ કહે છે, "રાની શિલૉંગ, ગુવાહાટી, આઇલૉડ અને તૂરાની જેલમાં રહ્યાં. તેમના જીવનનાં મહત્ત્વનાં વર્ષો જેલમાં જ વીત્યાં. બ્રિટિશ સાસંદ નેન્સી એસ્ટૉને તેમને જેલમાંથી મુક્ત કરાવવા માટે પ્રયાસો કર્યા, પરંતુ તેઓ બ્રિટિશ સંસદમાં તેમની માટે બહુમતી ન મેળવી શક્યાં."

જેલની સજા દરમિયાન પંડિત જવાહરલાલ નહેરુએ રાની ગાઇદિન્લ્યુ સાથે મુલાકાત કરી અને આ વિશે અખબારમાં લેખ લખ્યો.

નહેરુએ રાની ગાઇદિન્લ્યુને તેમનાં સાહસ અને યોગદાન બદલ "પહાડો કી બેટી " અને "રાણી"નું બિરુદ આપ્યું.

સાંકેતિક તસવીર

નહેરુએ તેમને મુક્ત કરાવાના પ્રયાસો કર્યા, પરંતુ છેક આઝાદી બાદ જ તેઓ જેલમાંથી મુક્ત થઈ શક્યાં.

14 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ રાની ગાઇદિન્લ્યુ પોતાના સમાજના લોકોના પારંપરિક ધર્મ હેરાકા સાથે જોડાયેલા અને નાગા જનજાતિઓના જેલિઑન્ગરૉન્ગ સમુદાયને એકજૂથ કરવાના કામમાં જોડાયાં. આ માટે તેમણે નેતાઓ સાથે મુલાકાત પણ કરી.

મણિપુર યુનિવર્સિટીમાં ઇતિહાસના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. મૈથ્યુ કામઈએ જણાવ્યું કે "પંડિત જવાહરલાલ નહેરુએ તેમને રાણીનું બિરુદ આપ્યું હતું અને એ પ્રસિદ્ધ થઈ ગયાં."

"તેમના આંદોલનનો હેતુ જેલિઑન્ગરૉન્ગ લોકોને માટે કામ કરવું અને તેમનામાં એકતા લાવવાનો હતો, જેઓ સ્વાતંત્ર્ય પૂર્વેથી નાગાલૅન્ડ, મણિપુર અને આસામમાં વિખરાયેલા હતા."

"તેમણે આ માટે થઈને પંડિત નહેરુ અને ઇંદિરા ગાંધીને આવેદન પણ આપ્યું હતું. જે રાજકીય માગ માટે થઈને તેમણે આટલો સંઘર્ષ કર્યો એ આજે પણ નથી સંતોષાઈ."

રાની ગાઇદિન્લ્યુ માનતાં કે પોતાની સંસ્કૃતિને ગુમાવવી એ ઓળખ ગુમાવવા જેવું છે.

રાની ગાઇદિન્લ્યુ

બીજી તરફ આઝાદી બાદ નાગા નેતૃત્વનો એક વર્ગ, જેમ કે નાગા નેશનલ કાઉન્સિલ ભારતથી અલગ થવા માગતું હતું. તેઓ પારપંરિક ધર્મ હેરાકાની સ્થાપનાના પ્રયાસનો પણ વિરોધ કરી રહ્યા હતા.

પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે રાની ગાઇદિન્લ્યુએ પોતાના સમર્થકો સાથે ફરી અંડરગ્રાઉન્ડ થવું પડ્યું. જોકે ભારત સરકારના પ્રયાસો બાદ વર્ષ 1966માં રાની ગાઇદિન્લ્યુ બીજી વાર મુખ્ય ધારામાં પરત ફર્યાં.

1972માં તેમને સ્વાતંત્ર્યસેનાની તામ્રપત્ર અને પદ્મભૂષણ જેવા પુરસ્કારોથી સન્માનિત કરાયાં.

હેરાકાથી જોડાયેલી પોતાની ઓળખ જાળવી રાખવા માટે તેઓ પહેલાં અંગ્રેજો સામે લડ્યા અને બાદમાં પોતાના સમાજના અલગાવવાદીઓ સામે. તેમની ઓળખ ન ગુમાવવાની ચળવળ આજે પણ ચાલી રહી છે.

રિપોર્ટ/સિરીઝ પ્રોડ્યુસર- સુશીલા સિંહ

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો