You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કવિ દાદની વિદાય : ‘કાળજા કેરો કટકો'ના સર્જકની નાના ગામથી પદ્મશ્રી સુધીની સફર
પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલને મરણોપરાંત પદ્મભૂષણ, કલાકાર બેલડી મહેશ-નરશ કનોડિયાને મરણોપરાંત પદ્મશ્રી અને ચારણી સાહિત્યના કવિ દાદને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
જૂનાગઢના બિલનાથ મંદિર પાસે રાજમોતી સોસાયટીમાં રહેતા 81 વર્ષની ઉંમરના દાદુદાન પ્રતાપદાન ગઢવી કવિ દાદ તરીકે પ્રખ્યાત છે.
કવિ દાદના પિતાજી પ્રતાપદાન ગઢવી જૂનાગઢની નવાબી હકૂમતમાં રાજ કવિ હતા એટલે નવાબે તેમને વેરાવળનું ઈશ્વરીયા અને સાપર ગામ આપેલા હતા.
ખેતી કરતાં કરતાં વારસામાં મળેલા સંસ્કારોને ઉજાગર કરી કવિ દાદે સોરઠી ચારણી સાહિત્યને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો.
કવિ દાદએ 14-15 વર્ષની ઉંમરે કવિતા રચવાનું શરૂ કર્યું હતું. તેમણે મામાના અવસાન બાદ તેમની યાદમાં એક છંદ લખ્યો હતો અને પછી માતાજીની સ્તુતિ લખવાનું શરૂ કર્યું હતું.
કવિ દાદે 15 જેટલી ગુજરાતી ફિલ્મોમાં ગીતો લખ્યા છે જેમાં, સંપૂર્ણ રામાયણ, રા નવઘણ, લાખા લોયણ, ભગત ગોરો કુંભાર જેવી હિટ ગુજરાતી ફિલ્મોનો સમાવેશ થાય છે. 1975માં બનેલી શેતલને કાંઠે ફિલ્મ માટે દીકરીની વિદાયનું ગીત 'કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો…' અને ફિલ્મ શેઠ શગાળશાનું 'ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું' ગીત આજે પણ ખુબજ લોકપ્રિય છે.
પ્રખ્યાત ભજનિક નારાયણ સ્વામીએ ગાયેલું "કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું" પણ કવિ દાદે જ રચેલું સુપ્રસિદ્ધ ભજન છે,
પશ્ચિમ બંગાળને લઈને પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધ વખતે કવિશ્રી દાદે "બંગાળ બાવની" નામના પુસ્તકમાં 52 રચનાઓ લખી હતી.
કવિ દાદને "મેઘાણી સાહિત્ય એવોર્ડ", "કવિ દુલા કાગ એવોર્ડ", "હેમુ ગઢવી એવોર્ડ" વગેરેથી સન્માનિત કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ગુજરાતી સાહિત્યના એક વિદ્યાર્થીએ કવિ દાદ ઉપર ડૉક્ટરેટ પણ કર્યું છે.
મળો કવિ દાદને વીડિયોમાં.
વીડિયો : હનીફ ખોખર / રવિ પરમાર
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો