રશિયાએ બનાવેલી કોરોના વાઇરસની રસી કેટલી સફળ?
રશિયાના વૈજ્ઞાનિકોએ કોરોના વાઇરસની તેમની રસી અંગે પ્રથમ રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો છે, જેમાં શરૂઆતનાં પરીક્ષણોમાં રોગપ્રતિકારક પ્રતિક્રિયાના સંકેતો જોવા મળ્યા હતા.
મેડિકલ જર્નલ લૅન્સેટમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર આ રસી મુકાવનાર દરેક વ્યક્તિના શરીરમાં કોરોના વાઇરસ સામે રક્ષણ આપતા એન્ટિબૉડી જોવાં મળ્યાં હતાં તેમજ આ રસીને કારણે કોઈ ગંભીર આડઅસર થઈ નહોતી.
રશિયાએ આ રસીના પ્રાદેશિક ઉપયોગ માટે ઑગસ્ટ માસમાં જ પરવાનગી આપી દીધી હતી. આંકડાકીય માહિતી પ્રકાશિત કરતા પહેલાં આવી મંજૂરી આપનાર તે દુનિયાનો પ્રથમ દેશ બની ગયો હતો.
જોકે, નિષ્ણાતોને મતે આ રસીની અસરકારકતા અને સુરક્ષા સાબિત કરવા માટે ટ્રાયલનું કદ ઘણું નાનું રાખવામાં આવ્યું છે.
પરંતુ રશિયાએ ટીકાકારોના જવાબમાં રસીનાં પરિણામો મૂક્યાં છે. જોકે પશ્ચિમના કેટલાક નિષ્ણાતોએ રશિયાના રસી વિકસિત કરવાના કાર્યમાં ઝડપ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
ગત મહિને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું હતું કે તેમની રસી જરૂરી તમામ પરીક્ષણોમાંથી પસાર થઈ ચૂકી છે અને તેમની એક દીકરીને પણ આ રસી મૂકવામાં આવી છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો