રામજન્મભૂમિ અયોધ્યા : એ કરસેવક જેઓ રામમંદિરના વિરોધી બની ગયા

વીડિયો કૅપ્શન, રામજન્મભૂમિ અયોધ્યા : એ કરસેવક જેઓ રામમંદિરના વિરોધી બની ગયા
પ્રકાશિત

ભંવર મેઘવંશી, જેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ભૂતપૂર્વ કાર્યકર્તા છે, તેઓ માત્ર 13 વર્ષની ઉંમરે RSS સાથે જોડાઈ ગયા હતા અને બાદમાં રામમંદિરનિર્માણની ચળવળ સાથે પણ જોડાઈ ગયા, પરંતુ બાદમાં તેઓ આ આંદોલન અને RSSથી અલગ પણ થઈ ગયા હતા. એટલું જ નહીં હવે તો તેઓ રામમંદિરનો વિરોધ પણ કરે છે. પહેલાં રામમંદિરના સમર્થક તરીકે કામ કર્યા બાદ હવે તેઓ કેમ રામમંદિરનો વિરોધ કરે છે, એ વિશે જાણવા માટે બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાએ તેમની સાથે વાત કરી હતી.

આ વાતચીતમાં રામમંદિરનિર્માણના આંદોલન સાથે જોડાવા પાછળના કારણ વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે, “તે ખૂબ જ મોટું આંદોલન હતું, આ આંદોલનના વિરોધી અમને રામ, ભારત અને હિંદુઓના વિરોધી લાગતા હતા.”

રામમંદિર આંદોલન સાથે જોડાવાની પોતાની પ્રેરણા વિશે વાત કરતાં તેઓ કહે છે કે, “અમને તો એવું લાગતું હતું કે અમે તો રામનું કામ કરી રહ્યા છીએ.”

“પરંતુ હવે મારા મનમાં આ વાતને લઈને કોઈ લાગણી નથી આવી રહી. કારણ કે મને લાગવા માંડ્યું છે કે મંદિરનિર્માણથી કોઈને શું મળશે?”

મંદિરનિર્માણ માટે વર્ષ 1990માં થયેલી પ્રથમ ‘કારસેવા’ વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે, “એ સમયે મારા માટે મંદિરનિર્માણના કાર્યમાં ભાગ લેવો એ ખૂબ મોટી વાત હતી, એના માટે અમે મરવા-મારવા સુધી તૈયાર હતા. અમને લાગતું હતું કે આ મંદિરનિર્માણથી બધા હિંદુઓની તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ જશે.”

“પરંતુ હવે મારા મનમાં પ્રશ્ન ઊઠે છે કે શું ખરેખર આવું થશે? હવે લાગે છે કે આ મંદિરનિર્માણ માટે વધુ સમસ્યાઓ પેદા થઈ રહી છે.”

તેઓ આગળ જણાવે છે કે, “હવે હું એ વાતને લઈને ચિંતિત છું કે આ મંદિરનિર્માણ થકી નવા હિંદુ રાષ્ટ્રનો પાયો નાખવામાં આવી રહ્યો છે.”

તેઓ માને છે કે આ મંદિરનિર્માણથી દલિતો અને આદિવાસીઓને કોઈ લાભ નહીં થાય, જ્યારે તે લોકોએ પણ આ કામ માટે સર્વાધિક બલિદાન આપ્યું છે.

તેઓ કહે છે કે, “આજે પણ દલિતોને પોતાનાં ગામના મંદિરમાં નથી પ્રવેશવા દેવાતા, તેથી મને નથી લાગતું કે આ દેશના સામાન્ય દલિતના મનમાં મંદિરનિર્માણને લઈને કોઈ ઉત્સાહની લાગણી હશે.”

આ સિવાય તેમણે પોતાની પુસ્તક ‘I could not be Hindu’માં RSSની કાર્યપ્રણાલી અને વિશે લખાયેલી કેટલીક અજાણી વાતો વિશે માહિતી આપી હતી.

એક સમયે મંદિરનિર્માણ માટે ‘કરસેવા’માં ભાગ લેનાર શખ્સ આજે કેમ આ મંદિરનિર્માણ બાબતે ચિંતા અનુભવી રહ્યા છે, કેમ તેને નિરર્થક ગણાવી રહ્યા છે? આ તમામ વાતો વિગતવાર જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ વિશેષ રજૂઆત.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો