અમદાવાદમાં ટ્રમ્પની સુરક્ષા કરનાર 'સિક્રેટ સર્વિસ' કેવી રીતે કામ કરે છે?

પ્રકાશિત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ ભારતની યાત્રાએ આવવાના છે. આ યાત્રા દરમિયાન તેઓ અમદાવાદની પણ મુલાકાત લેશે.

ટ્રમ્પની ભારતયાત્રા માટે ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા તો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે, પરંતુ ટ્રમ્પની સુરક્ષાની મુખ્ય જવાબદારી અમેરિકન સિક્રેટ સર્વિસના અધિકારીઓના ખભે હશે.

આજે અમે તમને આ વીડિયોમાં ટ્રમ્પને સુરક્ષા પૂરી પાડતી આ સિક્રેટ સર્વિસની ખાસ વાતો જણાવીશું.

5 જુલાઈ, 1865ના રોજ અમેરિકન સિક્રેટ સર્વિસ ડિવિઝનની સ્થાપના કરાઈ, જેના પ્રથમ વડા તરીકે વિલિયમ પી. વૂડને નીમવામાં આવ્યા. શરૂઆતમાં આ સર્વિસની મુખ્ય જવાબદારી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની સુરક્ષા કરવાની નહોતી.

એ સમયે સર્વિસનું મુખ્ય કામ સરકાર સાથે છેતરપિંડી કરનાર લોકોને શોધવાનું હતું. પરંતુ વર્ષ 1894માં અમેરિકાના રાષ્ટ્રપતિ ક્લિવલૅન્ડને સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી હંગામી ધોરણે સર્વિસને સોંપવામાં આવી.

પરંતુ વર્ષ 1901માં અમેરિકાના રાષ્ટ્રપતિ વિલિયમ મેકિનલીની હત્યા બાદ વર્ષ 1902માં અમેરિકન સિક્રેટ સર્વિસને અમેરિકાના રાષ્ટ્રપતિની સુરક્ષાની જવાબદારી કાયમી ધોરણે સોંપી દેવાઈ.

એ સમયે વ્હાઇટ હાઉસમાં સિક્રેટ સર્વિસના માત્ર બે કર્મચારીઓ જ તહેનાત કરાતા હતા.

1936થી સિક્રેટ સર્વિસના કર્મચારીઓને ‘સિક્રેટ સર્વિસ એજન્ટ’ નામ અપાયું.

નોંધનીય છે કે સિક્રેટ સર્વિસ માત્ર અમેરિકાના રાષ્ટ્રપતિને જ નહીં, પરંતુ અન્ય ઘણી મહત્ત્વની વ્યક્તિઓને સુરક્ષા પૂરી પાડવાનું કામ કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો