You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હીના જહાંગીરપુરીમાં હિંસા બાદ બુલડોઝરથી દબાણો હઠાવવા મામલે સુપ્રીમ કોર્ટની રોક
જહાંગરીપુરીમાં કડક પોલીસ બંદોબસ્ત, સવારથી જ બુલડોઝર સાથે કથિત દબાણ હઠાવવાની કાર્યવાહી શરૂ થઈ હતી.
લાઇવ કવરેજ
યુક્રેનમાં 1,053 સૈન્યઠેકાણાં પર હુમલા કર્યાનો રશિયાનો દાવો
રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેણે રાત્રિ દરમિયાન યુક્રેનમાં 1,053 સૈન્યઠેકાણાં પર હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે.
ટેલિગ્રામ અપડેટમાં રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તેણે યુક્રેનમાં 106 આર્ટિલરી ફાયરિંગ પોઝિશન અને છ ડ્રોન સહિત મહત્ત્વપૂર્ણ કહી શકાય તેવી 73 જગ્યાઓને નષ્ટ કરી દીધાં છે.
તેમણે વધુમાં કહ્યું છે કે મિસાઇલ હુમલામાં 40 યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા છે અને આગામી દિવસોમાં પણ યુક્રેનમાં ‘વિશેષ સૈન્ય અભિયાન’ યથાવત્ રહેશે.
આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ઢાએ કહ્યું, જો હુલ્લડ રોકવા હોય તો ભાજપ મુખ્યાલય અને ગૃહમંત્રીના ઘરે ચલાવો બુલડોઝર
દિલ્હીના જહાંગીરપુરીમાં અતિક્રમણ પર બુલડોઝર ચલાવવાને લઈને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ઢાએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે.
તેમણે કહ્યું કે "દેશભરમાં વિવિધ જગ્યાએ ભાજપ દ્વારા હુલ્લડ કરાવવામાં આવી રહ્યાં છે. ભાજપ દ્વારા ખુલ્લેઆમ ગુંડાગીરી કરાવાઈ રહી છે."
સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, “જો ભારતમાં હુલ્લડો રોકવા હોય તો ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય પર બુલડોઝર ચલાવો.અમે ગૅરન્ટી આપીએ છીએ કે જો ભાજપના મુખ્યાલય પર બુલડોઝર ચાલશે તો હુલ્લડો રોકાઈ જશે. આ લોકો જ હુલ્લડો કરાવે છે.”
આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે જહાંગીરપુરીમાં થયેલાના હુલ્લડ મુખ્ય આરોપી અંસાર ભાજપના નેતા છે. આ દાવાના સમર્થનમાં પાર્ટીએ ઘણી તસવીરો પણ ટ્વીટ કરી છે. જોકે, ભાજપે આ દાવાને ખારિજ કર્યા છે અને સામે પ્રહાર કર્યાં છે કે આ હુલ્લડમાં આમ આદમી પાર્ટીની ભૂમિકાની તપાસ થવી જોઈએ.
ભારતમાં કોરોનાના નવા કેસ બે હજારને પાર, એક્ટિવ કેસનો આંકડો 12 હજારથી વધુ
ભારતમાં કોરોના વાઇરસના નવા કેસમાં ફરી વધારો જોવા મળ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 2,067 નવા કેસ નોંધાયા છે. દેશમાં સક્રિય કેસનો આંકડો પણ 12 હજારને પાર પહોંચ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી કરાયેલા આંકડા અનુસાર દેશમાં હવે કોરોનાના 12,340 દર્દીઓ છે. જ્યારે 40 લોકોનાં મૃત્યુ થયાં છે.
આ મૃત્યુમાંથી 34 કેરળ, ત્રણ મહારાષ્ટ્ર તેમજ ઉત્તર પ્રદેશ, મિઝોરમ અને નાગાલૅન્ડમાં એક-એક મૃત્યુ નોંધાયાં છે.
ભારતમાં કોરોનાથી અત્યાર સુધી 5.22 લાખથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.જેમાં સૌથી વધારે 1.47 લાખ મૃત્યુ મહારાષ્ટ્રમાં નોંધાયાં છે.
જહાંગીરપુરી : બુલડોઝરની સામે ઊભાં રહી ગયાં વૃંદા કરાત, કહ્યું,'સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન'
સીપીએમનાં નેતા વૃદા કરાતે આરોપ લગાવ્યો છે કે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદે નિર્માણ પર કાર્યવાહી ચાલુ છે.જહાંગીરપુરીમાં પહોંચેલાં વૃંદા કરાતે કહ્યું કે"સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન થાય એ જોવા માટે હું આવી છું."
તેમણે કહ્યું, "સુપ્રીમ કોર્ટે સવારે 10: 45 વાગ્યે અતિક્રમણવિરોધી અભિયાન પર યથાસ્થિતિ બનાવી રાખવાનો આદેશ આપ્યો હતો. જે બુલડોઝર અહીં કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યાં છે અને સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી રહ્યાં છે, હું એને રોકવા માટે આવી છું. "
આ દરમિયાન વૃંદા કરાત બુલડોઝર સામે પણ ઊભાં રહી ગયાં પણ પોલીસે તેમને ત્યાંથી હઠાવી દીધાં.
આ પહેલાં સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે જહાંગીરપુરીમાં ગેરકાયદે નિર્માણની કાર્યવાહી હાલ પૂરતી રોકી દેવાય અને યથાસ્થિતિ કાયમ રખાય.
કોર્ટે ગુરુવારે સુનાવણી માટે કહ્યું છે.આ દરમિયાન દિલ્હી પોલીસના સ્પેશિયલ સી. પી.દીપેન્દ્ર પાઠકે પાઠકે કહ્યું છે કે આ અંગે એનડીએમસી જ નિર્ણય લેશે.
નોંધનીય છે કે જહાંગીરપુરીમાં હનુમાનજંયતીની રેલીમાં હિંસા થઈ હતી.આ હિંસામાં ઓછામાં નવ લોકોને ઈજા પહોંચી હતી અને 24 લોકોની ધરપકડ કરાઈ હતી.
કુમાર વિશ્વાસે ભગવંત માનને ચેતવણી શા માટે આપી?
આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસના ઘરે બુધવારે સવારે પંજાબ પોલીસ પહોંચી છે. તેમણે આ માહિતી ટ્વિટર પર કેટલીક તસવીરો સાથે આપી હતી અને નામ લીધા વગર અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું.
વિશ્વાસે ટ્વીટ કર્યું, “વહેલી સવારે પંજાબ પોલીસ દ્વાર પર આવી પહોંચી છે. એક સમયે મારા દ્વારા જ પાર્ટીમાં સામેલ કરાવવામાં આવેલા ભગવંત માનને કહેવા માગું છું કે તમને દિલ્હીના જે માણસને પંજાબના લોકોએ આપેલી તાકાત સાથે રમવા દઈ રહ્યાં છો તે ખુદ તમને અને પંજાબને દગો આપશે.”
જોકે, અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી કે પોલીસ કુમાર વિશ્વાસના ઘરે શા માટે પહોંચી છે.
પંજાબ ચૂંટણી પહેલા કુમાર વિશ્વાસે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર ખાલિસ્તાનીઓના સંપર્કમાં હોવાનો આરોપ લગાવ્યો હતો.
દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલિયાને કુમાર વિશ્વાસના ટ્વીટનો સ્ક્રીનશૉટ શૅર કરતા લખ્યું, “કાંપી કેમ રહ્યાં છો?તમે ચૂંટણી પહેલાં જે બોલ્યા હતા તેના પુરાવા માગવા માટે તો પહોંચી છે પંજાબ પોલીસ, જવાબ આપી દો. વાત પૂરી થઈ જશે. આ કેમનું ચાલશે? હું પંજાબની જીતની ખુશીમાં મીઠાઈ ખવડાવવા પહોંચ્યો તો આપે લીધી પણ નહીં. અત્યારે તમે પંજાબ પોલીસની ચેતવણી યાદ રાખો ડૉ. કુમાર વિશ્વાસ.”
પંજાબ ચૂંટણી પહેલાં કુમાર વિશ્વાસે મીડિયા સાથે વાત કરતી વખતે દાવો કર્યો હતો કે જ્યારે તેઓ આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે અરવિંદ કેજરીવાલે તેમને કહ્યું હતું કે એક દિવસ તેઓ પંજાબના મુખ્ય મંત્રી બનશે અથવા તો ખાલિસ્તાનના પહેલા વડા પ્રધાન.
જ્યારે કૉંગ્રેસના પંજાબ પ્રભારી હરીશ ચૌધરીએ કુમાર વિશ્વાસના ઘરે પોલીસ પહોંચવા પર સવાલ ઊઠાવ્યો છે અને તેમણે અરવિંદ કેજરીવાલ પર રાજનૈતિક પ્રતિદ્વંદીઓને પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે.
બ્રેકિંગ, જહાંગીરપુરીમાં અતિક્રમણ દૂર કરવા પર સુપ્રીમ કોર્ટની રોક
સુપ્રીમ કોર્ટે જહાંગીરપુરી વિસ્તારમાં એનડીએમસી દ્વારા ચલાવવામાં આવી રહેલી ડિમોલીશન ડ્રાઇવ પર રોક લગાવ્યા બાદ ઉત્તર દિલ્હી નગર નિયમના મેયર રાજા ઇકબાલ સિંહે કહ્યું કે તેનું પાલન કરવામાં આવશે.
તેમણે કહ્યું, “અમે સુપ્રીમ કોર્ટના આદેશને માનીશું અને તેના આધારે જ કાર્યવાહી કરવામાં આવશે.”
મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાની આગેવાનીમાં ત્રણ સભ્યોની ખંડપીઠે આદેશ આપતા કહ્યું છે કે આ મામલે સુનાવણી આવતી કાલે એટલે કે ગુરુવારે થશે.
16 એપ્રિલે હનુમાનજયંતીના દિવસે યોજાયેલી હનુમાનજીની શોભાયાત્રા દરમિયાન જહાંગીરપુરીમાં હિંસા ભડકી ઊઠી હતી. જેમાં નવ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ મામલે અત્યાર સુધી 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
એ શહેર જ્યાં રસ્તા અને ઘરોમાં મગરોનું સામ્રાજ્ય છે
બ્રાઝીલની રાજધાની રિયો ડી જાનેરિયોમાં એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે ત્યાં ઘરોમાં અને જાહેર માર્ગો પર મગરો જ મગરો જોવા મળે છે. સ્થાનિક લોકો માટે આ ઘટનાઓ સામાન્ય થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર પણ અઢળક વીડિયો વાઇરલ થયા છે. પણ આમ થવા પાછળનું કારણ શું? જૂઓ આ વીડિયોમાં...
યુક્રેન યુદ્ધને લઈને રશિયન અબજપતિ ગુસ્સામાં, સમર્થન કરનારાઓને કહ્યાં ‘મૂર્ખ’
યુક્રેનમાં યુદ્ધ છેડાયા બાદ રશિયાને હવે પોતાના જ લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં રશિયાના જાણીતા અબજપતિએ કહ્યું કે 90 ટકા રશિયન નાગરિકો યુદ્ધના વિરોધમાં છે.
પશ્ચિમી દેશો તરફથી પ્રતિબંધોનો સામનો કરી રહેલા 54 વર્ષીય ઓલેગ તિનકોવે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, “મને એક પણ પક્ષ નથી દેખાતો જેમને આ યુદ્ધથી ફાયદો થઈ રહ્યો હોય. નિર્દોષ લોકો અને સૈનિકો માર્યા જાય છે.”
તિનકોવ રશિયાના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓમાંના એક છે. તેમણે વર્ષ 2006માં ટિન્કૉફ બૅન્કની સ્થાપના કરી હતી.
રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું તે પહેલા તિનકોવની સંપત્તિ અંદાજે 4.4 અબજ ડૉલર હતી. જોકે, ફૉર્બ્સના અહેવાલ પ્રમાણે ગયા મહિને તિનકોવની બૅન્કના શૅરમાં ભારે ઘટાડો નોંધાયો હતો.
ટિન્કૉફ બૅન્કે ઓલેગ તિનકોવની ટિપ્પણી બાદ નિવેદન જારી કરીને કહ્યું કે તેઓ પોતાના સંસ્થાપકના “અંગત વિચારો”પર કોઈ ટિપ્પણી નહીં કરે કારણ કે તેઓ હવે બૅન્ક સાથે જોડાયેલા નિર્ણયો લેતા નથી.
રશિયા-યુક્રેન યુદ્ધ : અત્યાર સુધીની કેટલીક મહત્ત્વપૂર્ણ અપડેટ્સ
- રશિયાના પૂર્વ યુક્રેનમાં સતત હુમલા ચાલી રહ્યા છે. પૂર્વ યુક્રેનનો અંદાજે 480 કિલોમીટર વિસ્તારમાં હાલ બે દેશોની સેના આમનેસામને છે.
- યુક્રેનના સહયોગી દેશો ફરી એક વખત મદદ માટે સામે આવ્યા છે. અમેરિકા ફરી એક વખત યુક્રેન માટે મિલિટરી સહાય મોકલશે.
- યુકેના વડા પ્રધાને કહ્યું કે તેઓ યુક્રેનને ઍન્ટી-શિપ મિસાઇલ મોકલશે. જ્યારે જર્મનીએ પણ યુક્રેનને જર્મનીનિર્મિત હથિયારો ખરીદવા નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી છે.
- વ્હાઇટ હાઉસનાં પૂર્વ રશિયા સલાહકાર ફિઓના હિલે બીબીસીને કહ્યું કે વ્લાદિમીર પુતિન “સમાધાન કરવાના કોઈ મૂડમાં નથી” અને તેમની સાથે વાતચીતની શક્યતા હવે ખૂબ ઓછી છે.
- ફિજીના સરકારી વકીલે ખુલાસો કર્યો છે કે અમેરિકા રશિયન ઑલિગાર્ક અને નેતા સુલેમાન કૅરિમોવની ‘સુપરયૉટ‘ કબજે કરવાના ફિરાકમાં છે. કૅરિમોવ પર અમેરિકા, યુકે અને યુરોપિયન યુનિયન દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
- યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ કહ્યું કે મારિયુપોલમાં પરિસ્થિતિ હજુ પણ પહેલાં જેવી ભયાવહ જ છે અને હજારો નાગરિકોનું ભવિષ્ય અંધકારમય છે.
- ઝૅલેન્સ્કીના કહેવા પ્રમાણે રશિયા હવે સામાન્ય લોકો પર હુમલા કરી રહ્યું છે. જોકે, રશિયા આ દાવાને ફગાવતું આવ્યું છે.
ઈથિયોપિયામાં રશિયન દૂતાવાસ બહાર યુવાનો શા માટે એકઠા થયા?
ઈથિયોપિયાની રાજધાની અદીસ અબાબામાં રશિયન દૂતાવાસ સામે મોટી સંખ્યામાં યુવાનો એકઠા થઈ રહ્યાં છે.
આ ભીડ એક એવી અફવાના કારણે એકઠી થઈ છે, જે ચોંકાવનારી છે. અફવા પ્રસરી હતી કે યુક્રેન સામેના યુદ્ધમાં રશિયા સૈનિકોની ભરતી કરી રહ્યું છે. જ્યાર બાદ સેંકડો ઈથિયોપિયન નાગરિકો રશિયન દૂતાવાસ બહાર એકઠા થવા લાગ્યા હતા.
જોકે, દૂતાવાસના પ્રવક્તા મારિયા ચેર્નૂખિનાએ કહ્યું કે ઈથિયોપિયામાં આ પ્રકારની કોઈ ભરતી કરવામાં આવી રહી નથી.
તેમણે બીબીસીને જણાવ્યું, “બહાર ઉપસ્થિત કેટલાક લોકોનું કહેવું છે કે તેઓ કોઈ પણ રીતે રશિયાને મદદ કરવા તૈયાર છે પરંતુ અમે કોઈ રિક્રૂટમેન્ટ એજન્સી નથી.”
ઈથિયોપિયન નાગરિકો પોતાના દસ્તાવેજો લઈને દૂતાવાસ સુધી પહોંચ્યા છે. કેટલાક લોકોનું માનવું છે કે રશિયામાં વેતન ઘણું વધારે મળે છે.
દૂતાવાસ બહાર હાજર એક યુવાને બીબીસીને કહ્યું કે તેઓ સારું વેતન મળે તેવી નોકરી શોધી રહ્યાં છે. પછી તે ભલે સૈનિક તરીકે મળે કે પછી અન્ય કોઈ રીતે.
ચારધામ યાત્રામાં બિનહિંદુઓ પર લાગી શકે છે પ્રતિબંધ
ઉત્તરાખંડની ચારધામ યાત્રામાં બિનહિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લાગી શકે છે એમ બીબીસીનાં સહયોગી વર્ષાસિંહ દેહરાદૂનથી જણાવે છે.
મંગળવારે ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ એક પત્રકારપરિષદમાં કહ્યું છે કે અમારો પ્રદેશ શાંત રહેવો જોઈએ અને તેની ધર્મ-સંસ્કૃતિ બચીને રહેવી જોઈએ. આ બાબતે સરકાર અભિયાન આદરશે અને જે લોકોનું વૅરિફિકેશન યોગ્ય રીતે નથી થયું તેમનું વૅરિફિકેશન કરશે. જેમની કારણે અહીં સ્થિતિ ખરાબ થાય એવી વ્યક્તિ ઉત્તરાખંડ ન આવે.
પુષ્કરસિંહ ધામીએ રાજ્યમાં એક સમાન નાગરિક સંહિતાનો ડ્રાફ્ટ તૈયાર કરવાની વાત પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે પુષ્કરસિંહ ધામીનું આ નિવેદન હિંદુ ધર્મસંસદોમાં થયેલી વાતો સાથે સંબંધિત છે.
ડિસેમ્બર 2021માં હરિદ્રારમાં યોજાયેલી ધર્મસંસદમાં સમુદાયનો વિશેષ વિરોધ કરનારા સ્વામી આનંદ સ્વરૂપે ચારધામ ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથમાં બિનહિંદુઓના પ્રવેશ પ્રતિબંધની માગ કરી હતી. હરિદ્રારના સંતસમાજે આ માગનું સમર્થન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે 3 મેના રોજ ગંગોત્રી અને યમનોત્રીના કપાટ ખૂલશે અને ચારધામ યાત્રાની શરૂઆત થશે. પુષ્કરસિંહ ધામી આ અગાઉ પણ ઉત્તરાખંડમાં જનસંખ્યા બદલાવનો મુદ્દો ઉઠાવી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં 82 ટકા હિંદુઓની વસતિ છે તો એની સાથે 13 ટકા મુસ્લિમ અને 2 ટકા શીખની વસતિ છે. અહીં ક્રિશ્ચિયન અને બૌદ્ધ ધર્મની વસતિ અંદાજિત અર્ધો ટકો જેટલી છે.
ગુડ મૉર્નિંગ ગુજરાત!
નમસ્કાર, બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં આપનું સ્વાગત છે. અહીં અમે આપને દેશ અને દુનિયાની મહત્ત્વની ખબરોની સાથે તેનો વ્યાપક દૃષ્ટિકોણ પણ આપીશું. જોડાયેલા રહો બીબીસી ગુજરાતી સાથે.