You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનાં લગ્ન : કહ્યું 'અમારી મનગમતી જગ્યા... ઘરે અમે લગ્ન કર્યાં'

મુંબઈમાં અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂરે લગ્ન કર્યાં. તેઓ પાંચ વર્ષથી પ્રેમસંબંધમાં હતાં.

લાઇવ કવરેજ

  1. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનાં લગ્ન : કહ્યું 'અમારી મનગમતી જગ્યા... ઘરે અમે લગ્ન કર્યાં'

  2. સૂર્ય પર સર્જાયેલું એ ભયાનક તોફાન જે પૃથ્વી સાથે ટકરાશે? શું છે સોલ સ્ટોર્મ?

    એક સોલર સ્ટોર્મ એટલે કે સૂર્યમાંથી ઉદ્ભવેલો વંટોળ પૃથ્વી તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે.

    વૈજ્ઞાનિકોના મતે સૂર્યના એક સન સ્પૉટમાંથી અલગ થયેલા 17 જેટલા સૌર વિસ્ફોટ અંતરિક્ષમાં ફેલાઈ ગયા છે. જેને કારણે ઉદ્ભવેલો એક ભૂ-ચુંબકીય વંટોળ એટલે કે મૉડરેટ જીઓમૅગ્નેટિક સ્ટોર્મ્સ પૃથ્વીની સપાટી પર ટકરાઈ શકે છે. આ ખતરનાક જિયો મૅગ્નેટિક સોલર સ્ટોર્મ 20,69,834 પ્રતિ કલાકની ગતિથી આગળ વધી રહ્યો છે.

    આ સોલાર સ્ટ્રૉર્મ શું છે અને તેનાથી ભારતને કેટલી અસર થઈ શકે છે?

    ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ સેન્ટરના સેન્ટર ઑફ એક્સિલન્સ ઇન સ્પેસ સાયન્સે પૃથ્વી તરફ આવી રહેલા આ ચુંબકીય એટલે કે મેગ્નેટિક સ્ટોર્મ વિશે માહિતી આપી છે.

    CESS પ્રમાણે 6 ફેબ્રુઆરીના રોજ સૂર્યના દક્ષિણ ભાગમાંથી એક ફિલામૅન્ટ વિસ્ફોટ થયો હતો, જેને સોહો એટલે કે સોલર ઍન્ડ હેલી સ્ફેરિક ઑબ્ઝર્વેટરી મિશનના લાર્જ ઍંગલ ઍન્ડ સ્પેર્ટ્રોમેટ્રિક કૉર્નોગ્રાફેરેકર્ડ કર્યો હતો. સોહો નાસા અને યુરોપિયન અંતરિક્ષ એજન્સીનું સંયુક્ત મિશન છે. સૂર્યનું અધ્યયન કરવા માટે 1995માં આ મિશનની શરૂઆત કરવાંમાં આવી હતી.

    શું હોય છે જિયો મૅગ્નેટિક સ્ટોર્મ?

    જિયો સ્ટોર્મને કારણે પૃથ્વીના ચુંબકીય ગુરુત્વાકર્ષણમાં મોટા ફેરફારો આવે છે,એવું ત્યારે થાય છે જ્યારે સૂર્યમાંથી ઇલેક્ટ્રોમૅગ્નેટિક ઇરપ્શન થાય છે, જેમાંથી વિવિધ પ્રકારના કણો નીકળે છે, તે વિવિધ સમયે ઊઠે છે, જેને સામાન્ય ભાષામાં સોલર સ્ટોર્મ અથવા સૌર વંટોળ કહે છે. જ્યારે સૂર્યમાંથી નીકળનારા ડિસ્ચાર્જ પાર્ટિકલ ધરતીના ચુંબકીય ક્ષેત્ર સાથે અથડાય છે ત્યારે સૌર વંટોળ આવે છે.

    મૅગ્નેટિક સ્ટ્રૉર્મની શું અસર થાય છે?

    આ વંટોળની તીવ્રતાનું આકલન જી1થી જી5માં કરવામાં આવે છે, જેમાં જી1 સૌથી નબળું માનવામાં આવે છે, જ્યારે કે જી5ને સૌથી જોખમી અને અસરકારક માનવામાં આવે છે. આ વંટોળને પગલે પૃથ્વી પર પાવર ગ્રિડમાં બદલાવ આવે છે. આ ઉપરાંત પ્રાસરણ, રેડિયો નેટવર્ક, નેવિગેશન, ઇન્ટરનેટમાં અવરોધ આવી શકે છે.

    મૅગ્નેટિક સ્ટ્રોમથી ભારતને કેટલી અસર?

    આ ભૂચુંબકીય સોલર વંટોળ આજે પૃથ્વીની સપાટી સાથે ટકરાઈ શકે છે, જોકે તે એટલું તીવ્ર નથી જેની કારણે તેની ગંભીર અસરોની શક્યતા નહિવત્ છે.

    સામાન્ય રીતે જી5 કૅટગરીનું જિયોમેટ્રિક સ્ટોર્મ સેટેલાઇટ, જીપીએસ અને મોબાઇલ નેટવર્ક, ઇન્ટરનેટ કનેક્ટિવિટીને અસર કરી સકે છે.

    ઇલેક્ટ્રિક સાધનોમાં વૉલ્ટેજ ફ્લક્ચ્યૂએશન પણ આવી શકે છે. વૈજ્ઞાનિકોના મતે સોલાર સ્ટ્રૉમને કારણે ઉદ્ભવતા જોખમી સૂર્ય કિરણો પૃથ્વીની સપાટીમાં શોષાઈ જાય છે. જેને કારણે માણસને તેની અસર થવાની સંભાવના ઓછી છે.

  3. ભારતમાં વિદ્યાર્થીઓ એકસાથે એક જ સમયે બીએ અને બીકૉમની ડિગ્રી મેળવી શકશે - જાણો કઈ રીતે?

    ચાર વર્ષ પહેલાં અશોક જર્નાલિઝમના અભ્યાસની સાથોસાથ અરબી ભાષાના ડિગ્રી કોર્સમાં ઍડ્‌મિશન લેવા માગતા હતા.

    પરંતુ ઍડ્‌મિશન લેવામાં એમને ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

    એક વિશ્વવિદ્યાલયે (યુનિવર્સિટીએ) એમ કહીને ઍડ્‌મિશન આપવાનો ઇનકાર કરી દીધો કે તેઓ એકસાથે બે ફુલટાઇમ કોર્સમાં ઍડ્‌મિશન ન લઈ શકે.

  4. બનાસકાંઠાનું એ ગામ જ્યાં હિંદુ-મુસ્લિમોનો એવો સંપ કે મંદિરમાં યોજાઈ ઇફતાર પાર્ટી

  5. એલન મસ્કે 41 અબજ ડૉલરમાં ટ્વિટરને ખરીદવાની રજૂઆત કરી

    અબજપતિ વેપારી એલન મસ્કે 41 અબજ ડૉલરમાં ટ્વિટરને ખરીદવાની રજૂઆત કરી છે. આ સમાચાર એવા સમયમાં આવ્યા છે જ્યારે કેટલાક દિવસો પહેલાં મસ્કે કંપની બોર્ડમાં સામેલ ન થવાની જાહેરાત કરી છે.

    એલન મસ્કે 54.20 ડૉલર પ્રતિ શૅરની રજૂઆત કરી છે. જેની માહિતી ગુરુવારના રેગ્યુલેટરી ફાઇલિંગમાં આપવામાં આવી હતી.

    ઉલ્લેખનીય છે કે એલન મસ્ક પાસે ટ્વિટરની 9.2 ટકાની ભાગીદારી છે. એનો અર્થ એ છે કે મસ્કની પાસે ટ્વિટર ફાઉન્ડર જૅક ડૉર્સીની ભાગીદારી (2.25 ટકા)થી ચાર ગણા વધારે શૅર છે.

    હવે મસ્કે ટ્વિટરના ચૅરમૅન બ્રેટ ટેલરને લખાયેલા એક પત્રમાં કહ્યું કે,'' રોકાણ કરવા માટે અત્યારે મને અહેસાસ થયો કે કંપની પોતાના વર્તમાન સ્વરૂપમાં ન તો પોતાના સામાજિક દાયિત્વોને પૂરા કરી શકશે, ન તો આને આગળ વધારી શકશે. ટ્વિટરને એક પ્રાઇવેટના રૂપમાં ફેરફારની જરૂર છે."

    તેમણે કહ્યું કે,"મારો પ્રસ્તાવ, મારી તરફથી સૌથી સારો અને અંતિમ પ્રસ્તાવ છે અને જો આને સ્વીકાર નહીં કરાય તો મને શૅરધારકના રૂપમાં પોતાની પરિસ્થિતિ પર પાછું વિચારવું પડશે."

  6. આ દેશમાં પૂરને લીધે લાખો લોકો ઘરોમાં ફસાયા, ૩૦૦થી વધુનાં મૃત્યુ

    દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં પૂરને પગલે મૃત્યુઆંક 250ને પાર પહોંચી ગયો છે.

    દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ તેને આપત્તિ ગણાવી છે.

    ડરબનમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત સમયે આપેલા એક નિવેદનમાં કહ્યું કે આ આપત્તિ ક્લામેટ ચેન્જનો ભાગ છે, જે આપણને કહે છે કે ક્લામેટ ચેન્જ ગંભીર છે અને એ આ જ છે.

    વધુમાં તેમણે કહ્યું કે આપણે જે પગલા લેવા જોઈએ તેમાં હવે વિલંબ હવે શક્ય નથી, ક્લામેટ ચેન્જ સાથે પાર પાડવા માટે આપણે પગલાં લેવા જ રહ્યા.

  7. 'અમારાં શહેરોને બચાવવા વધારે હથિયારોની જરૂર છે'- યુક્રેન

    યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીના કાર્યાલયના અધિકારીએ પશ્ચિમી દેશો પાસેથી રશિયા સામેના યુદ્ધમાં વધુ મદદની માગ કરી છે.

    તેમણે કહ્યું કે યુક્રેનના દક્ષિણ અને પૂર્વમાં રશિયાના હુમલા સામે ટકી રહેવા માટે વધુ હથિયારોની જરૂર છે.

    બીબીસી રેડિયો 4ના કાર્યક્રમમાં ઇહોર ઝોવકાએ કહ્યું કે કાળા સાગર પાસે સ્થિત ઓડેસા અને મારિયુપોલ જેવાં શહેરોમાં જે રશિયા માટે વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વનાં છે, ત્યાં મોટા પ્રમાણમાં સૈન્ય સંરંજામની જરૂર છે.

    તેમણે વધુમાં કહ્યું કે મારિયુપોલના કેટલાક ભાગો જે કેટલાંય અઠવાડિયાંથી રશિયન સેના દ્વારા ઘેરાયેલા છે. આ વિસ્તારો રશિયાના નિયંત્રણામં છે, પરંતુ બાકીના વિસ્તારો યુક્રેનના નિયંત્રણમાં છે.

    તેમણે એ વાતને ફગાવી દીધી કે થોડા જ સમયમાં આ વિસ્તારો પર રશિયાનો કબજો હશે. તેમણે કહ્યું કે યુક્રેનની સેનાને બચાવ માટે વધારે હથિયારોની જરૂર છે.

    બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને 800 મિલિયન ડૉલરની સૈન્ય સહાયતાનો વાયદો કર્યો છે. ઇહોર ઝોવકાએ આ મદદને આવકારી પરંતુ તેમણે કહ્યું કે હજી વધારે મદદની જરૂર છે.

  8. આંબેડકરને જ્યારે અમદાવાદમાં કાળા વાવટા બતાવાયા હતા

    ગુજરાત સાથે ડૉ. આંબેડકરના સંબંધોની કથા પ્રચંડ વિરોધાભાસોથી ભરેલી છે.

    વડોદરા અને મહારાજા ગાયકવાડ સાથેના તેમના પ્રમાણમાં જાણીતા સંબંધની મધુર-કરુણ વિગતમાં જતાં પહેલાં, અમદાવાદ સાથે ડૉ. આંબેડકરનો સંબંધ જાણી લેવા જેવો છે.

    ફરક માત્ર 14 વર્ષનો હતો, પરંતુ ડૉ. આંબેડકર 1931માં અમદાવાદ આવ્યા અને 1945માં આવ્યા, ત્યારે થયેલા તેમના સ્વાગતમાં આભજમીનનો ફરક પડી ગયો.

    દલિત નેતા તરીકે જાણીતા બન્યા પછી તેમની ભૂમિકા દલિતોની સમસ્યા બાબતે ગાંધીજીના આકરા ટીકાકાર તરીકેની હતી.

    આથી, જૂન 28, 1931ના રોજ તે અમદાવાદની મુલાકાતે આવ્યા, ત્યારે સ્ટેશન પર જ કેટલાકે તેમનો કાળા વાવટાથી વિરોધ કર્યો હતો.

    એ મુલાકાત દરમિયાન ડૉ. આંબેડકર ખાનપુરમાં તુલસીદાસ આચાર્યે સ્થાપેલા દલિત છાત્રાલયમાં ગયા.

    આખો અહેવાલ વાંચો અહીં

  9. અખંડ ભારત વિશે મોહન ભાગવતના નિવેદન પર શિવસેના સાંસદ સંજય રાઉતનો કટાક્ષ

    શિવસેનાના સાંસદ સંજય રાઉતે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના અખંડ ભારત વિશેના નિવેદનની ટીકા કરી છે.

    મીડિયા અહેવાલ અનુસાર, મોહન ભાગવતે બુધવારે હરિદ્વારમાં કહ્યું હતું કે 15 વર્ષમાં ભારત અખંડ ભારત બનશે અને આપણે આ બધું સાકાર થતા જોઈશું.

    અહેવાલો અનુસાર, તેમણે એમ પણ કહ્યું હતું કે સનાતન ધર્મ જ હિન્દુ રાષ્ટ્ર છે. પરંતુ સંજય રાઉતે મોહન ભાગવતના આ નિવેદનની ટીકા કરી છે.

    પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે "તમે આ કામ 15 વર્ષમાં નહીં પણ 15 દિવસમાં કરી નાખો."

    સંજય રાઉતે કહ્યું કે સર સંઘચાલક મોહન ભાગવત તેમના માટે આદરણીય છે.

    આગળ તેમણે કહ્યું કે "જે કોઈ અખંડ હિન્દુસ્તાનની વાત કરે, તેમણે પહેલાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને હિન્દુસ્તાન સાથે જોડવું પડશે. વિભાજન પહેલાંના પાકિસ્તાનને જોડવું પડશે. કંદહાર સુધી આપણી સરહદો હતી, એ પણ લઈ લો, શ્રીલંકા પણ લઈ લો અને અખંડ ભારતને મહાસત્તા બનાવી દો."

    સંજય રાઉતે કહ્યું કે, પરંતુ 15 વર્ષનું વચન ન આપો, 15 દિવસમાં જ કરી નાખો અથવા બે વર્ષમાં કરો. આખો દેશ તમારી સાથે છે. એ દેશ માટે ગર્વની બાબત છે.

    સંજય રાઉતે કાશ્મીરી પંડિતોનો મુદ્દો પણ ઉઠાવ્યો અને કહ્યું કે તેમની કાશ્મીર ફાઇલ પણ પડદા પર ખૂલી છે. કાશ્મીરી પંડિતોની વતન વાપસી જડબેસલાક સુરક્ષા સાથે થવી જોઈએ.

    તેમણે કહ્યું- તમારા અખંડ હિન્દુસ્તાનના ઈરાદાને અમે ચોક્કસ સમર્થન આપીશું. દેશના તમામ રાજકીય પક્ષો, તમારા વિરોધીઓ પણ તમને સમર્થન આપશે. અખંડ ભારતનું સપનું કોણ નથી જોતું? સાવરકરનું આ સપનું હતું, બાળાસાહેબ ઠાકરેનું આ સપનું હતું.

    અખંડ ભારતને લઈને રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું હતું કે આમ તો 20 થી 25 વર્ષમાં અખંડ ભારત બની જશે. પરંતુ જો આપણે થોડો પ્રયાસ કરીએ તો સ્વામી વિવેકાનંદ અને મહર્ષિ અરવિંદના સપનાનું અખંડ ભારત 10 થી 15 વર્ષમાં જ બની જશે. તેને કોઈ રોકી શકે તેમ નથી, જે આડે આવશે તેનો નાશ થશે.

    મોહન ભાગવતે કહ્યું કે જે રીતે ભગવાન કૃષ્ણએ આંગળીથી ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો, એ જ રીતે સંતોના આશીર્વાદથી ભારત ફરી અખંડ ભારત બની જશે.

    તેમણે કહ્યું કે ભારત ઉત્થાનના માર્ગે આગળ વધી રહ્યો છે. તેના માર્ગમાં જે કોઈ આડે આવશે તેનો નાશ થશે. ભારત ઉત્થાનના માર્ગે સડસડાટ આગળ વધી રહ્યું છે અને વ્હીસલ વગાડી રહ્યો છે અને કહી રહ્યો છે કે ઉત્થાનની આ યાત્રામાં બધા જોડાઈ જાય, કોઈ તેને રોકવાનો પ્રયાસ ન કરે, જે કોઈ રોકવાવાળા છે તે સાથે આવી જાય અને સાથે ન આવે તે માર્ગમાંથી હટી જાય.

    તેમણે કહ્યું કે આપણે અહિંસાની વાત કરીશું પણ હાથમાં દંડ પણ રાખીશું. કારણ કે આ દુનિયા શક્તિને માને છે. આપણે વિભિન્ન છીએ પણ અલગ નથી. એક થઈને દેશ માટે જીવવા-મરવાનું શરૂ કરી દઈએ.

    સંઘ પ્રમુખે કહ્યું કે એક હજાર વર્ષથી ભારતના સનાતન ધર્મને ખતમ કરવના સતત પ્રયાસો કરવામાં આવ્યા. જોકે તેઓ ખતમ થઈ ગયા, પરંતુ આપણે અને સનાતન ધર્મ આજે પણ મોજૂદ છીએ.

    વધુમાં તેમણે કહ્યું કે ભારત એવો દેશ છે જ્યાં દુનિયાની દરેક પ્રકારની વ્યક્તિની દુષ્ટ પ્રવૃત્તિ સમાપ્ત થઈ જાય છે.

    આરએસએસ પ્રમુખ મોહન ભાગવત હરિદ્વારમાં કનખલના કૃષ્ણ નિવાસ આશ્રમ અને પૂર્ણાનંદ આશ્રમમાં બ્રહ્મલીન મહામંડલેશ્વર સ્વામી દિવ્યાનંદ ગિરી મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અને ગુરુત્રય મંદિરના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે હાજર રહ્યા હતા.

  10. ગુજરાત કૉંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ નિર્ણય ન લઈ શકે અને પક્ષના નિર્ણયમાં સામેલ કરાતા નથી : હાર્દિક પટેલ

  11. ઇન્દ્રનીલ રાજ્યગુરૂ કૉંગ્રેસ સાથે છેડો ફાડીને આપમાં જોડાયા

    સૌરાષ્ટ્રના કૉંગ્રેસના મોટા કદના નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. વશરામ સાગઠિયા રાજકોટ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા રહી ચૂક્યા છે.

    પત્રકારોને સંબોધતાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું હતું, “કૉંગ્રેસ દમ દેખાડતી નથી,'આપ'માં આનંદ આવે છે એટલે હું'આપ'માં જોડાયો છું.આમ આદમી પાર્ટીની નિયતમાં કોઈ ખોટ નથી એવું બંને રાજ્યોની આપ સરકારે સાબિત કરી દીધું છે. હું મારા સઘળા પ્રયત્નો કરીશ કે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં સરકાર બને.”

    પક્ષ બદલવાનું કારણ આપતાં ઇન્દ્રનીલે કહ્યું હતું, “કૉંગ્રેસમાં મારી અવગણના નહોતી થતી. અગત્યની વાત એ છે કે ભાજપની સરકાર ન જોઈએ. ભાજપને પાડવા માટે મેં આપ પસંદ કરી છે. આમ આદમી પાર્ટીમાં ભાજપને ઉખાડી ફેંકવાની તાકાત છે.”

    કઈ બેઠક પરથી ચૂંટણી લડશો એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું,“મારી અગત્યતા ધારાસભ્યની નથી. એવું જ હોય તો ગયા વખતે મુખ્ય મંત્રી સામે લડ્યો નહોત. પાર્ટી નક્કી કરશે.”

    હજુ કેટલા કૉર્પોરેટર આપમાં જોડાશે એવા પ્રશ્નના જવાબમાં ઇન્દ્રનીલે કહ્યુ હતું કે 'અડધા તો આવી ગયા છે. બાકીના પણ આવશે.'

    ઉલ્લેખનિય છે કે ઇન્દ્રનીલ છેલ્લા ઘણા સમયથી કૉંગ્રેસથી નારાજ હતા.

  12. બાબાસાહેબ આંબેડકર હિંદુરાષ્ટ્રને ખતરો કેમ ગણતા હતા?

  13. આસામમાં ઝેરીલા મશરુમ ખાવાથી 35 લોકો બીમાર, 13નાં મૃત્યુ, દિલીપકુમાર શર્મા, જોરહાટ, બીબીસી માટે

    આસામમાં ઝેરીલા મશરુમ ખાવાથી 13 લોકોનાં મૃત્યુ થયાં છે. આસામ મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલ (એએમસીએચ)ના અધ્યક્ષ ડૉ. પ્રશાંત દિહિંગિયાએ જણાવ્યું છે કે ઉત્તર આસામના ચાર જિલ્લામાં ઝેરીલા મશરુમ ખાવાથી ગત બે દિવસોમાં 13 લોકોનાં મૃત્યુ થયાં છે.

    ડૉક્ટરે જાણકારી આપતાં કહ્યું, "ગત પાંચ દિવસોમાં એએમસીએચમાં ઉત્તર આસામના ચરાઈદેવ, ડિબ્રુગઢ, શિવસાગર અને તિનસુકિયા જિલ્લામાંથી ઝેરીલા મશરુમ ખાવાથી બીમાર પડેલા 35 દરદીઓને દાખલ કરાયા હતા. જેમાંથી 13 દરદીઓનાં મૃત્યુ થઈ ગયાં છે. "

    તેમણે જણાવ્યું,"સોમવાર ચાર મૃત્યુ થયાં હતાં જ્યારે મંગળવારે વધુ નવ લોકોનાં મૃત્યુ થયાં. તમામ પીડિતોએ ઝેરીલા મશરુમને સામાન્ય મશરુમ ગણીને ખાધાં હતાં. "

    ગત પાંચ દિવસોમાં 31 વયસ્કો અને ચાર બાળકોને ઝેરીલા મશરુમને કારણે હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

    નોંધનીય છે કે પૂર્વોત્તર ભારતના ખાનપાનમાં મશરુમ ભારે લોકપ્રિય છે.જોકે, એવું માનવામાં આવે છે કે આસામાં ખવાતાં આ મશરુમોની જાણકારી અમુક જનજાતિઓને જ છે.

  14. અમેરિકન પ્રોફેસરે ભારતને ગાળ દીધી અને બ્રાહ્મણ મહિલાઓ વિરુદ્ધ ટિપ્પણી કરી, બુમરાણ મચી

  15. ન્યૂયૉર્કના બ્રુકલિનમાં સબવે ટ્રેન પર થયેલા હુમલાના આરોપીની ધરપકડ

    ન્યૂયૉર્કના બ્રુકલિનના સબવે ટ્રેનમાં થયેલા હુમલાના આરોપીની ધરપકડ કરી લેવાઈ છે.

    લગભગ 30 કલાકની શોધખોળ બાદ આ મામલે 62 વર્ષના ફ્રેન્ક આર. જૅમ્સની ધરપકડ કરવામાં આવી છે.

    આ અંગે વાત કરતાં ન્યૂયૉર્કના મેયર એરિક ઍડમ્સે એક પત્રકારપરિષદમાં કહ્યું, " મારા ન્યૂયૉર્કવાસીઓ, આપણે એને પકડી લીધો છે."

    નોંધનીય છે કે સનસેટ પાર્કમાં 36 સ્ટ્રીટ સ્ટેશનમાં મંગળવારે એક હુમલાખોરે સ્મૉક બૉમ્બ ફેંક્યો હતો અને એ બાદ લોકો પર ગોળીબાર કર્યો હતો.આ હુમલામાં 10 લોકોને ગોળીઓ વાગી હતી અને નાસભાગમાં 23 લોકોને ઈજા પહોંચી હતી.

    આ મામલે દોષિત ઠરતાં આરોપીને જન્મટીપ થઈ શકે છે.

  16. બ્રેકિંગ, રશિયાના યુદ્ધજહાજ પર આગ બાદ વિસ્ફોટ,મિસાઇલ હુમલાનો યુક્રેનનો દાવો

    રશિયાના વિદેશ મંત્રાલયે જણાવાયું છે કે તેમના સૌથી મહત્ત્વના યુદ્ધજહાજ 'મૉસ્કવા'માં એક વિસ્ફોટ બાદ ભારે નુકસાન થયું છે.

    યુક્રેનના અધિકારીઓએ આ પહેલાં દાવો કર્યો હતો કે કાળા સમુદ્રમાં દુશ્મનના જહાજ પર યુક્રેનિયન રૉકેટોથી હુમલો કરાયો છે.યુક્રેનનો દાવો છે કે 'નૅપ્ચ્યુન' મિસાઇલથી આ જહાજને નિશાન બનાવવામાં આવ્યું હતું.જોકે, જહાજમાં વિસ્ફોટ થવા પાછળનું કારણ રશિયાએ હજુ સુધી જાહેર કર્યું નથી.

    રશિયન મીડિયાએ જણાવ્યું છે કે જહાજમાં આગ લાગી અને વિસ્ફોટ થયો. જહાજ પરના તમામ સૈનિકોને બચાવી લેવાયા છે.

    ઓડેસાના ગવર્નરે જણાવ્યું છે કે કાળા સમુદ્રમાં રશિયન યુદ્ધજહાજના કાફલાને મિસાઇલથી નિશાન બનાવવામાં આવ્યો છે.

    એ બાદ રશિયા પોતાના 510ક્રુ મૅમ્બરોને બચાવવાની જહેમતમાં લાગી ગયું હોવાનું પણ ગવર્નરે જણાવ્યું છે.

    નોંધનીય છે કે 'મૉસ્કવા' યુદ્ધની શરૂઆતમાં ત્યારે સમાચારોમાં ચમક્યું હતું જ્યારે યુક્રેનના સ્નેક આઇલૅન્ડના રક્ષકોએ તેની સામે આત્મસમર્પણ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

  17. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ રિપોર્ટિંગ પેજ પર આપનું સ્વાગત છે. અહીં રશિયા-યુક્રેન સંઘર્ષ ઉપરાંત ગુજરાત અને દેશ-દુનિયાના સમાચારો રજૂ કરવામાં આવશે.