You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મારિયુપોલમાં યુક્રેનના સૈનિકોના સમર્પણના રશિયાના દાવાને યુક્રેનના અધિકારીઓએ ફગાવ્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર યુક્રેનમાં નરસંહાર કરવાનો આરોપ લગાવ્યો છે.
લાઇવ કવરેજ
પુતિને જેમને યુક્રેનનો મોરચો સોંપ્યો તે સૈન્ય જનરલને 'સીરિયાના કસાઈ' કેમ કહેવાય છે?
રશિયાએ યુક્રેનની સામે સંધર્ષમાં માન્યું છે કે મોટી સંખ્યામાં તેના સૈનિકનું મૃત્યુ થયું છે. આ માન્યા બાદ રશિયાએ યુક્રેનની વિરુદ્ધ પોતાના સૈન્ય અભિયાનની કમાન નવા જનરલને સોંપવાનું નક્કી કર્યું છે.
આ જનરલનું નામ ઍલેક્ઝેન્ડર વૉર્નિકોવ છે અને તેમણે સીરિયા વિરુદ્ધ યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમના નેતૃત્વમાં રશિયન સેનાએ સીરિયાની જનતા પર મોટા પાયે અત્યાચાર ગુજાર્યા હતા.
અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ નામ નહીં આપવાની શરતે ઍલેક્ઝેન્ડર વૉર્નિકોવને કમાન સોંપવાની પુષ્ટિ કરી છે. આ પહેલાં, યુક્રેન સામેના યુદ્ધમાં રશિયન સેનાની તમામ પાંખો ઉપર નજર રાખવા માટે કોઈ સૈન્ય કમાન્ડર નહોતા.
ભાજપના પ્રમુખ સી.આર. પાટીલે શ્રીકૃષ્ણ અને સુભદ્રા વિશે એવું શું કહ્યું કે વિવાદ થયો?
'મારિયુપોલમાં વિજય દિવસ પરેડ યોજવાની રશિયાની યોજના' - યુક્રેનના અધિકારીઓ
મારિયુપોલના મેયરના સહયોગી પેટ્રો આંદ્રિયુશેંકોએ રશિયા યુક્રેનના બંદરી શહેર મારિયુપોલમાં વિજય દિવસ પરેડ યોજવાની યોજના બનાવી રહ્યું હોવાની આશંકા વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું કે, "કૉસ્ટયાન્ટિન ઇવાશ્ચેંકો, જેમને રશિયાએ મારિયુપોલમાં સેનાની કમાન આપી છે, તેમને શહેરમાં કેન્દ્ર ભાગમાંથી કાટમાળ અને મૃતદેહો હઠાવવાનું કહેવામાં આવ્યું છે જેથી નવમી મેના દિવસે ત્યાં પરેડનું આયોજન કરી શકાય."
તેમણે કહ્યું કે, "ડેટાનું નિરીક્ષણ કરીને એવું લાગે છે કે જો તેઓ 'સ્પેશિયલ ઑપરેશન' જીતી જાય તો કબજો કરનારાઓ વિજય જુલૂસ કાઢવાની યોજના બનાવી રહ્યા છે."
તેમણે કહ્યું કે,"સારા સમાચાર એ છે કે શહેરમાં આવા જુલૂસ માટે કોઈ વાહન કે લોકો નથી."
બીજા વિશ્વયુદ્ધમાં નાઝી જર્મની સામે વિજયની યાદમાં નવમી મેના દિવસે રશિયાનો સૌથી મોટો રાષ્ટ્રીય પર્વ વિજય દિવસ ઉજવવામાં આવે છે.
ભૂપેન્દ્ર પટેલ અને જિતુ વાઘાણીને દિલ્હીની સરકારી શાળાઓ જોવા સિસોદિયાનું આમંત્રણ
ખંભાલમાં રામનવમીના દિવસે પથ્થરમારા વિશે પોલીસે શું કહ્યું?
આણંદ જિલ્લાના પોલીસ વડા અજિત રાજીયાને 13 એપ્રિલે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "પૂર્વાયોજિત કાવતરારૂપે શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મૂળ હેતુ એવો હતો કે ભવિષ્યમાં કોઈ પણ સંજોગોમાં રથયાત્રાન નીકળે."
"આ કાવતરાના મુખ્ય સૂત્રધાર રઝાક હુસૈન ઉર્ફે મૌલવી, અયુબ મલેક, માજિદભાઈ ઉર્ફે માદલો, જમશેદ ખાન પઠાણ, મુસ્તકિમ ઉર્ફે મૌલવી યુનૂસ વોરા,મેમદ સઇદ, મતીન યુનૂસ વોરા એમ છ લોકો હતા."
"જેમણે કાવતરું ઘડ્યું હતું તે લોકો એ વિવિધ ઠેકાણે મીટિંગ કરીને એકબીજાને જવાબદારી સોંપી હતી. તેમના દ્વારા બીજા 16 આરોપીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અને કાવતરાને અંજામ આપવામાં આવ્યો હતો.કાવતરાના ભાગરૂપે સૂત્રધારોએ તેમના પરિવારને અન્ય જિલ્લામાં મોકલ્યા હતા."
તેમણે એવું પણ કહ્યું કે"પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો તેને લીધે આખી ઘટના પાંચ મિનિટમાં જ કાબૂમાં લઈ લેવામાં આવી હતી. તરત કોમ્બિંગ કરીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા."
ખંભાતમાં થયેલી હિંસાના બીજાદિવસે બીબીસી સાથે વાત કરતા આણંદ જિલ્લાના પોલીસ વડા અજિત રાજીયાને કહ્યું હતું કે, "એસઆરપી(સ્ટેટ રીઝર્વ પોલીસ) તેમજ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ આવી પહોંચ્યા હતા. પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને જનજીવન પણ રાબેતા મુજબ હતું."
ખંભાતમાં અગાઉ પણ 2020માં આ પ્રકારના કોમી રમખાણ થયા હતા. શું એ ઘટનાને અને આ રમખાણ વચ્ચે કોઈ અનુસંધાન છે? એના જવાબમાં તેમણે કહ્યું હતું કે, "બે વર્ષ પહેલાં જે રમખાણ થયાં હતાં અને હાલમાં જે થયાં છે એ બંને અલગ ઘટનાઓ છે. અમે હાલની ઘટનાની સંવેદનશીતાને ધ્યાનમાં રાખીને જ કામ કરી રહ્યા છીએ. 57 લોકો સામે ફરિયાદ નોંધી છે."
મારિયુપોલમાં 1,000 કરતાં વધુ સૈનિકોએ આત્મસર્પણ કર્યું - રશિયા
રશિયાએ દાવો કર્યો છે મારિયુપોલમાં યુક્રેનના1,026 સૈનિકોએ હથિયાર હેઠાં મૂકી દીધાં છે.
યુક્રેનના આ દક્ષિણ ભાગમાં કેટલાંય સપ્તાહથી રશિયા દ્વારા હુમલાઓ કરાઈ રહ્યા છે અને ટૂંક સમયમાં રશિયા અહીં કબજો જમાવી લે એવું માનવામાં આવી રહ્યું છે.
જોકે, યુક્રેનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ આ અંગે કોઈ માહિતી ન હોવાનું જણાવ્યું છે.
ફ્રાન્સ રાષ્ટ્રપતિ ચૂંટણી : ઇમેનુએલ મેક્રોં જીત્યા પ્રથમ રાઉન્ડ, કોની સાથે હશે મુકાબલો?
ફ્રાન્સમાં રાષ્ટ્રપતિપદ માટે ચૂંટણીપ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે જેમાં હાલના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોંનો સામનો જમણેરી નેતા મરિન લે પેન સાથે છે.
રાષ્ટ્રપતિપદની ચૂંટણી અંતર્ગત થયેલ પ્રથમ રાઉન્ડના મતદાનમાં મેક્રોંએ બાજી મારી છે. અને બીજા નંબર પર જમણેરી પાર્ટી નેશનલ ફ્રન્ટનાં નેતા મરિન લે પેન રહ્યાં છે.
આ રાઉન્ડમાં ત્રીજા નંબર પર લાંબા સમયથી આક્રમક સમાજવાદીની ભમિકા ભજવી રહેલ લા ફ્રાન્સ ઇનસોમાઇઝ પાર્ટીના નેતા શાં લૂ મેલેનકૉન રહ્યા છે.
અત્યાર સુધી થયેલા પ્રથમ તબક્કાના મતદાનમાં એન માર્શ પાર્ટીના ઉમેદવાર અને હાલના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોંએ જીત નોંધાવી છે. પરંતુ ઓપિનિયન પૉલ પ્રમાણે, આગામી 24 એપ્રિલના રોજ બીજા તબક્કાના મતદાનમાં મામલો ખરાખરીનો હોઈ શકે છે.
આ ચૂંટણીમાં તેમની સામે જમણેરી નેતા મરિન લે પેન છે જેમને પ્રથમ રાઉન્ડની ચૂંટણીમાં કુલ 23.15 ટકા વોટ મળ્યા છે. તેમજ, આ રાઉન્ડમાં જીતવા માટે મેક્રોંને 27.84 ટકા મત મળ્યા છે. આ રાઉન્ડમાં શાં લૂ મેલેનકૉનને 21.95 ટકા મત મળ્યા છે.
મસ્જિદોમાં લાઉડસ્પીકર અંગે રાજ ઠાકરેના અલ્ટીમેટમ પર અજિત પવારે શું કહ્યું
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી અજિત પવારે કહ્યું કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરેને બહુ મહત્ત્વ આપવાની જરૂર નથી. રાજ્યની મસ્જિદોમાં લાઉડસ્પીકરોને લઈને રાજ ઠાકરેના અલ્ટીમેટમ પર તેમણે કહ્યું કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તેઓ આ મામલે ચોક્કસ જવાબ આપશે. અજિત પવારે કહ્યું કે તેમની પાસે દરેક સવાલના જવાબ છે.
રાજ ઠાકરેએ રામનવમીએ પણ કહ્યું,"જો મસ્જિદોમાં લાઉડસ્પીકર બંધ નહીં કરવામાં આવે તો મનસેના કાર્યકર્તાઓ મસ્જિદોની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરશે. "
હાલમાં મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની ગઠબંધન સરકાર છે, જેનું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરે કરી રહ્યા છે.
મંગળવારે, રાજ ઠાકરેએ સમાન નાગરિક સંહિતાની પણ માંગ કરી અને કહ્યું કે તેનાથી વસ્તીને નિયંત્રિત કરવામાં મદદ મળશે.
ઇડીનું ભારતમાં શાઓમીના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટરને તેડું
ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ભારતમાં શાઓમીના ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર મનુકુમાર જૈનને સમન્સ પાઠવ્યો છે.
ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીની ભારતમાં વિદેશી વિનિમય કાયદાના પાલન અંગે ઇડીની તપાસ ચાલી રહી છે, જે અંતર્ગત મનુકુમાર જૈનને સમન્સ પાઠવવામાં આવ્યો છે.
સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે કેટલીક ચોક્કસ માહિતીના આધારે આ વર્ષે ફેબ્રુઆરીમાં ઇડીએ કંપની વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી અને એમડી મનુકુમાર જૈનને તપાસ સંબંધિત માહિતી શૅર કરવા કહ્યું હતું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મનુકુમાર જૈન હાલમાં દુબઈમાં શાઓમીના ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટ છે. તેઓ તાજેતરમાં ભારતમાં હતા પરંતુ તેમના અહીં આવવાનું કારણ સ્પષ્ટ થયું નથી.
આવકવેરામાં ચોરીના આરોપમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારતમાં શાઓમી કંપનીની ઑફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
ન્યૂ યૉર્કમાં બે શીખો પર હુમલો, દૂતાવાસે આપી જાણકારી
અમેરિકામાં ન્યૂ યૉર્કના રિચમંડ હિલ્સમાં બે શીખો પર હુમલો થયો છે.ભારતીય વાણિજ્ય દૂતાવાસે આ મામલે જાણકારી આપી છે.
દૂતાવાસના ટ્વીટ પ્રમાણે, “ન્યૂ યૉર્કના રિચમંડ હિલ્સમાં બે શીખો પર હુમલો થયો છે. અમે આ મામલે સ્થાનિક પ્રશાસન અને ન્યૂ યૉર્ક સિટી પોલીસ વિભાગ સાથે વાત કરી છે. આ મામલા અંગે ફરિયાદ દાખલ કરાઈ છે અને એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. અમે સમુદાયના લોકો સાથે સંપર્કમાં છીએ. પીડિતોની દરેક પ્રકારે મદદ કરાશે.”
ન્યૂ યૉર્કમાં સ્ટેટ ઍસેમ્બ્લીનાં સભ્ય જેનિફર રાજકુમારે પણ આ મામલે નિવેદન જારી કર્યું છે.
તેમણે ટ્વીટ કર્યું, “ન્યૂ યૉર્ક સ્ટેટ ઑફિસમાં ચૂંટાયેલ પ્રથમ પંજાબી અમેરિકન હોવાના કારણે હું એક વાત સ્પષ્ટપણે કહેવા માગીશ કે ન્યૂ યૉર્કમાં શીખ અમેરિકન સમુદાય વિરુદ્ધ નફરતથી પ્રેરિત હિંસા બિલકુલ ચલાવી નહીં લેવાય.”
તેમણે કહ્યું કે, “હાલનાં વર્ષોમાં શીખ સમુદાય વિરુદ્ધ નફરત પ્રેરિત હુમલામાં 200 ટકાનો વધારો થયો છે. મેં એક ઐતિહાસિક પ્રસ્તાવ પસાર કર્યો છે, જે અંતર્ગત ન્યૂ યૉર્કે એપ્રિલ માસને પંજાબી માસ તરીકે માન્યતા આપી છે.”
“અમે તમામને શીખ સંસ્કૃતિની જાણકારી આપીશું જેથી તેમને ખબર પડે કે શીખ અમેરિકન સમુદાયમાં ઉદારતા અને દયા નિહિત છે.”
છેલ્લી સાત ઓવરની કમાલ જેણે ચેન્નઈને IPL 2022માં અપાવી પ્રથમ જીત, જાડેજા ધોની વિશે શું બોલ્યા?
ન્યૂયૉર્ક હુમલો : પોલીસ જારી કરી શકમંદ હુમલાખોરની તસવીર
અમેરિકામાં ન્યૂ યૉર્કના બ્રુકલિનના એક સબવે સ્ટેશનમાં થયેલ ગોળીબાર મામલે ન્યૂ યૉર્ક સિટી પોલીસે એક શકમંદ વ્યક્તિની ઓળખ જારી કરી છે.
પોલીસનું કહેવું છે કે તેને હુમલા સંબંધે 62 વર્ષના ફ્રેંક આર. જૅમ્સની તલાશ છે કારણ કે તેમણે યુ-હૉલ વાન ભાડે લીધી હતી જેનો ફાયરિંગ સાથે સંબંધ હોઈ શકે છે.
સબવેમાંથી હુમલાવાળી જગ્યાએ પોલીસને ગાડીની ચાવી મળી છે.
હવે ન્યૂ યૉર્ક પોલીસ વિભાગના પ્રમુખ જૅમ્સ એસિગે કહ્યું, “અમે એ માહિતી મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ કે તેનો ટ્રેન સાથે કોઈ સંબંધ છે કે કેમ?”
પોલીસે લોકોને આ મામલે કોઈ જાણકારી હોય તેવા કિસ્સામાં સૂચના આપવા માટે જણાવ્યું છે.
સનસેટ પાર્કમાં 36મા સ્ટ્રીટ સ્ટેશનમાં સ્થાનિક સમયાનુસાર મંગળવાર સવારે 8,30 વાગ્યે કોઈ હુમલાખોરે સ્મોક બૉમ્બ ફેંક્યો અને તે બાદ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું.
આ હુમલામાં 20 લોકો ઘાયલ થયા છે.ઘટનાસ્થળની તસવીરમાં સ્ટેશન પર મુસાફરો લોહીમાં લથબથ પડ્યા હતા.
સંદિગ્ધ હુમલાખોર વિશે કેટલાક સાક્ષીઓએ જણાવ્યું કે તેમણે નારંગી રંગની કન્સ્ટ્રક્શન વેસ્ટ અને સંભવિતપણે ગૅસ માસ્ક પહેર્યાં હતાં. એવું મનાઈ રહ્યું છે કે એ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.
યુક્રેનમાં પુતિને નરસંહાર આદર્યો : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર યુક્રેનમાં નરસંહાર કરવાનો આરોપ લગાવ્યો છે.
વ્હાઇટ હાઉસે રાષ્ટ્રપતિના સંબંધિત નિવેદન પર ટ્રાન્સસ્ક્રિપ્ટ પણ જાહેર કરી છે.
આઇઓવામાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન બાઇડને સંબંધિત આરોપ લગાવ્યો હતો.
તેમણે જણાવ્યું હતું, "હા, હું એને નરસંહાર ગણીશ.એ વધુને વધુ સ્પષ્ટ થઈ રહ્યું છે કે યુક્રેનિયન હોવાનો વિચાર પણ પુતિન ભૂંસી નાખવા માગે છે. "
"અને આની સંખ્યા-પુરાવા વધી રહ્યાં છે.ગત સપ્તાહ કરતાં તે અલગ છે."
નમસ્કાર! બીબીસીના આ લાઇવ રિપોર્ટિંગ પેજ પર આપનું સ્વાગત છે. અહીં રશિયા-યુક્રેન સંઘર્ષ ઉપરાંત દેશ અને દુનિયાના મહત્ત્વના સમાચારો તથા અપડેટ રજૂ કરાશે.