રશિયા-યુક્રેન યુદ્ધને એક મહિનો પૂરો, રશિયા હજુ પણ યુક્રેનની રાજધાનીથી કેટલું દૂર?

યુક્રેનના સંરક્ષણમંત્રાલયે જણાવ્યું છે કે યુક્રેનના સૈન્યે માકારિવ ટાઉન પર ફરીથી નિયંત્રણ મેળવી લીધું છે, આ ટાઉન રાજધાની કિએવથી લગભગ 64 કિલોમિટરના અંતરે આવેલું છું.

લાઇવ કવરેજ

  1. યોગી આદિત્યનાથે કહ્યું, ડગ્યા વગર,ઝૂક્યા વગર યુપીની જનતા માટે કામ કરીશું

    ઉત્તર પ્રદેશમાં ભાજપે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે ભાજપના ધારાસભ્યદળના નેતા ચૂંટાયા બાદ ભાષણમાં કહ્યું, "જનતાએ તમામ કુપ્રચાર છતાં વંશવાદી અને જાતિવાદી રાજકારણને નકારી દીધું."

    તેમણે કહ્યું, "પક્ષે મને ફરીથી જવાબદારી સોંપી છે તો હું વચન આપું છું કે ઝૂક્યા વગર, ડગ્યા વગર ઉત્તર પ્રદેશની જનતા માટે કામ કરીશ."

    "મને ધારાસભ્યદળના નેતાના રૂપે આજે ચૂંટવામાં આવ્યો છે.હું આપ સૌનો આભારી છું.ઉત્તર પ્રદેશના ઇતિહાસમાં પ્રથમ વખત આવું થયું છે કે કોઈ મુખ્ય મંત્રી પાંચ વર્ષ સુધી કાર્ય કરે અને તે પક્ષ દ્વારા સત્તામાં આવી જાય.જો તમે પ્રથમ સામાન્ય ચૂંટણીથી અત્યાર સુધી જુઓ તો આવું પ્રથમ વખત બન્યું છે."

    "સુરક્ષાનો બહેતર માહોલ, કલ્યાણકારી યોજનાઓ વગર ભેદભાવે પૂરી પાડવાનું કામ જે પ્રતિબદ્ધતાથી થયું, એનું પરિણામ જનતાએ 2022ની આ ચૂંટણીમાં આપણી સૌની સામે પ્રસ્તુત કર્યું છે. "

    "2017માં હું એક સામાન્ય સાંસદ હતો. મારી પારે કોઈ વહીવટી અનુભવ નહોતો.પણ એક વાલીના રૂપે આદરણિય વડા પ્રધાનજીએ અને પક્ષના તત્કાલિન અધ્યક્ષ અમિત શાહજીએ સંરક્ષણ આપ્યું.બાકી અમે તો અભણ હતા."

    યોગી આદિત્યનાથે કહ્યું, " ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં કોઈ સુરક્ષા અંગે નહોતું વિચારતું. ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં રોકાણ અને સુશાનની વાત થઈ શકે એ શક્ય કરી બતાવ્યું. "

  2. પરમબીરસિંહ સાથે જોડાયેલી તમામ તપાસ સુપ્રીમ કોર્ટે સીબાઈને સોંપી

    પરમબીર સિંહ

    ઇમેજ સ્રોત, Getty Images

    મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીરસિંહ વિરુદ્ધ મહારાષ્ટ્ર પોલીસ તરફથી દાખલ કરાયેલા તમામ કેસની તપાસ સુપ્રીમ કોર્ટે સીબીઆઈને સોંપી દીધી છે.

    સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કિશન કૌલેની બેન્ચે આ આદેશ આપ્યો છે. સાથે જ કહ્યું છે કે સીબીઆઈ વિસ્તારથી આ મામલે તપાસ કરશે.

    આ આદેશમાં કોર્ટે બૉમ્બે હાઈકોર્ટના નિર્ણયને ફગાવતાં કહ્યું છે કે તે હાઈકોર્ટની એ તપાસને સ્વીકારવા અસમર્થ છે. જેમાં હાઈકોર્ટે આને નોકરીના વિવાદના રૂપે જોઈ હતી.

    કોર્ટે પાંચેય એફઆઈઆરને સીબીઆઈને ટ્રાન્સફર કરી દીધી છે અને કહ્યું છે કે એક સપ્તાહની અંદર તમામ રેકૉર્ડ એને સોંપવા પડશે.

    સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે અપીલ કરનાર (પરમબીરસિંહ) સહીત તમામ લોકોએ સીબીઆઈને સહકાર આપવો પડશે.

  3. જો તમે હાલ જ જોડાયા હો તો,પાછલા એક માસમાં યુક્રેન-રશિયા યુદ્ધમાં બનેલ મહત્ત્વની ઘટનાઓ વિશે અહીં જાણો.

    યુક્રેન-રશિયા સંઘર્ષ

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, યુક્રેન-રશિયા સંઘર્ષ
    • ગુરુવારે યુરોપિયન દેશોના નેતાઓ G7, નેટો, યુરોપિયન શિખર સંમેલનોમાં જોવા મળશે. નોંધનીય છે કે રશિયાના યુક્રેન પરના હુમલાના એક માસ બાદ આ મુલાકાત યોજાવા જઈ રહી છે.
    • આ સંમેલનોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન પણ ભાગ લેવાના છે, જેથી રશિયા પર વધુ નવા પ્રતિબંધો મુકાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
    • શિખરમંત્રણામાં નેટો દેશોના વડાઓ દ્વારા પણ પૂર્વ યુરોપ ખાતે ગઠબંધનના સૈન્યની સંખ્યા વધારવાને મંજૂરી અપાય તેવી શક્યતા છે.
    • આ બેઠકો પહેલાં, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ પ્રથમ વખત અંગ્રેજીમાં સંબોધન કર્યું હતું. અને યુક્રેનના ટેકામાં વૈશ્વિક પ્રદર્શન માટે હાકલ કરી હતી.
    • યુક્રેનના દક્ષિણના બંદરીય શહેર મારિયુપોલ પર ભારે બૉમ્બમારો યથાવત્ રહ્યો હતો. નોંધનીય છે કે આ શહેરમાં લગભગ એક લાખ જેટલા લોકો ભોજન, પાણી અને વીજળી વગર ફસાયેલા છે.
    • કિએવ, ચેરનિહિવ અને ખારકિએવ પર પણ બૉમ્બમારો જારી છે. પરંતુ પશ્ચિમની ઇન્ટેલિજન્સ એજન્સીઓનું કહેવું છે કે રશિયાની સેના હતોત્સાહિત થઈ રહી છે અને કિએવની બહાર ઘેરાઈ જવાનું જોખમ ઉઠાવી રહી છે.
  4. રશિયા પર અત્યાર સુધી કયા પ્રતિબંધો લદાયા?

    રશિયાના યુક્રેન પરના આક્રમણ બાદ ઈંધણના ભાવ વધ્યા છે

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, રશિયાના યુક્રેન પરના આક્રમણ બાદ ઈંધણના ભાવ વધ્યા છે

    જુદાંજુદાં શિખરસંમેલનો માટે પશ્ચિમના દેશોના નેતાઓ સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન મુલાકાત કરે તેવી સંભાવના છે. આ મુલાકાતથી રશિયા પર અમેરિકાની આગેવાનીમાં વધુ પ્રતિબંધો મુકાય તેવી સંભાવના છે.

    અત્યાર સુધી રશિયા પર મુકાયેલા પ્રતિબંધો કંઈક આ મુજબ છે.

    • અમેરિકા રશિયા તરફથી આવતાં ઈંધણની તમામ પ્રકારની આયાત બંધ કરવાનું છે. યુનાઇટેડ કિંગ્ડમ દ્વારા જણાવાયું છે કે તેઓ વર્ષ 2022ના અંત સુધીમાં રશિયાના ઈંધણ પરની નિર્ભરતાની સમસ્યાનું નિવારણ શોધી લેશે. આ સિવાય યુરોપિયન યુનિયને પણ વર્ષ 2030 સુધી ઊર્જા બાબતે રશિયા પરનું અવલંબન ખતમ કરશે.
    • પશ્ચિમના દેશોએ રશિયા સૅન્ટ્રલ બૅંક 630 બિલિયન ડૉલરની વિદેશી હૂંડિયામણનો અનામત જથ્થો ફ્રીઝ કર્યો છે. આ સિવાય તેને બૅંક ફૉર ઇન્ટરનેશનલ સેટલમેન્ટની વ્યવસ્થામાંથી સસ્પેન્ડ કરાયું છે.
    • તેમજ રશિયાની અમુક બૅંકોને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ મૅસેજિંગ સિસ્ટિમ-સ્વિફ્ટમાંથી દૂર કરાઈ રહી છે, જેનો ઉપયોગ સીમાપાર નાણાંની લેવડદેવડ માટે કરાય છે.
    • યુનાઇટેડ કિંગ્ડમ, અમેરિકા અને યુરોપિયન યુનિયને રશિયાના ઘણા સમર્થકો પર નિયંત્રણો લાદ્યાં છે. આ તમામ ક્રૅમલિન સાથે નિકટ હોવાનું કહેવાય છે. તેમાં રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દમિત્રિ મેદવેદેવ, સંરક્ષણમંત્રી સરજી શોઇગુ તેમજ રશિયાની સંસદના 386 સભ્યોનો સમાવશે થાય છે.
    • અમેરિકા, યુનાઇટેડ કિંગ્ડમ અને કૅનેડાના ઍરસ્પેસનો ઉપયોગ કરવા અંગે પણ રશિયાની ફ્લાઇટો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. યુનાઇટેડ કિંગ્ડમે તો રશિયનો દ્વારા ઉપયોગમાં લેવાતાં ખાનગી જેટ વિમાન પર પણ આ પ્રતિબંધ લાદ્યો છે.
    • યુનાઇટેડ કિંગ્ડમ અને યુરોપિયન યુનિયને રશિયામાં લક્ઝરી સામાન, કળા અને ફૅશનને લગતી વસ્તુઓના વેચાણ પર પણ પ્રતિબંધ લાદ્યો છે.
  5. ઝૅલેન્સ્કીની વિશ્વને અપીલ – યુક્રેનના સમર્થનમાં રસ્તા પર ઊતરી પડો

    યુક્રેન-રશિયા સંઘર્ષ

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, યુક્રેન-રશિયા સંઘર્ષ

    યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ સમગ્ર વિશ્વના લોકોને ગુરુવારે યુક્રેન માટે પોતાનું સમર્થન વ્યક્ત કરવા માટે રસ્તા પર ઊતરવાની અપીલ કરી હતી.

    તેમણે પોતાના નવા વીડિયો સંદેશમાં આ વાત કરી હતી. યુદ્ધ શરૂ થયું તે સમયથી હાલ સુધી ઝૅલેન્સ્કીએ અંગ્રેજીમાં સંબોધન કર્યું હોય તેવું પ્રથમ વખત બન્યું છે.

    તેમણે કહ્યું કે, “રશિયાનું યુદ્ધ માત્ર યુક્રેન વિરુદ્ધ નથી, પરંતુ દરેક જગ્યાના લોકોની સ્વતંત્રતા વિરુદ્ધ છે, અને વિશ્વ રશિયાના બળપ્રયોગને રોકે તે જરૂરી છે.”

    તેમણે સમગ્ર વિશ્વના લોકોને અપીલ કરતાં કહ્યું કે, “પોતાનાં કાર્યાલયો, પોતાનાં ઘરો, પોતાની શાળા અને વિશ્વવિદ્યાલયમાંથી બહાર આવો, શાંતિના નામ પર બહાર આવો, યુક્રેનના સમર્થન માટે, સ્વતંત્રતાનું સમર્થન કરવા માટે, જીવનનું સમર્થન કરવા માટે યુક્રેનનાં પ્રતીકો સાથે રસ્તા પર ઊતરો.”

    ઝૅલેન્સ્કીનું સંબોધન બ્રસેલ્સમાં નેટોના શિખરસંમેલનના અમુક કલાક પહેલાં સામે આવ્યું છે, જ્યાં પશ્ચિમના દેશો વચ્ચે પૂર્વ યુરોપના અમુક ભાગની સુરક્ષાને મજબૂત કરવા માટે સંમતિ બને તેવી આશા છે.

    અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન રશિયાનું આક્રમણ શરૂ થયાને એક મહિનાનો સમય પસાર થઈ ગયો છે ત્યારે આ બેઠકમાં ભાગ લેશે.

  6. ગુજરાતમાં બચ્યાં માત્ર 61 ખડમોર, ગુજરાત સરકાર આ પક્ષીઓ માટે શું કરી રહી છે?

  7. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ગુજરાત વિધાનસભામાં સંબોધન : તેઓ શું-શું બોલ્યા?

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત મુલાકાત દરમિયાન મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સાથે

    ઇમેજ સ્રોત, Gujarat information department

    ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત મુલાકાત દરમિયાન મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સાથે
    • ગુજરાતનું વિકાસ મૉડલ પણ ઉદાહરણરૂપ છે.
    • બાપુની જન્મભૂમિ ગુજરાત આવવાની મને અનેક વખત તક મળી છે, જે બદલ હું ખુશ છું.
    • આઝાદીના અમૃતમહોત્સવ અંગે વાત થતી હોય ત્યારે ગુજરાતથી સાંપ્રત રાજ્ય બીજું કોઈ ન હોઈ શકે.
    • તેમણે કહ્યું કે દાદાભાઈ નવરોજીથી માંડીને ગાંધીજી સુધી અનેક લડવૈયાઓએ ભારતની આઝાદીમાં યોગદાન આપ્યું છે.
    • બારડોલી સત્યાગ્રહ અને દાંડીકૂચ વિશે વાત કરતી વખતે રાષ્ટ્રપતિએ સરદાર પટેલને યાદ કર્યા હતા અને કહ્યું કે તેમણે આઝાદીની લડાઈની સાથે રાષ્ટ્રનિર્માણ માટે પણ અપૂર્વ કામ કર્યું છે.
    • તેમણે કહ્યું કે ગુજરાતના લોકોની ઉદારતા પણ નોંધપાત્ર બાબત છે. અહીંનાં મંદિરો વિશે પણ તેમણે વાત કરી હતી.
    • સોમનાથ પર હુમલા હોય કે કચ્છના ભૂકંપની ઘટના હોય, ગુજરાત પડકારો સામે લડીને ફરી ઊભું થયું છે.
    • ગુજરાતે ભારતને બે વડા પ્રધાન મોરારજી દેસાઈ અને નરેન્દ્ર મોદી આપ્યા છે.
  8. ગુજરાત સરકારે કહ્યું ‘ધન્યવાદ મોદીજી’, ખર્ચ થયો બે કરોડ રૂપિયા

  9. એક મહિનામાં 15 હજાર રશિયન સૈનિકો માર્યા ગયા : NATO

    રશિયા યુક્રેન યુદ્ધ

    ઇમેજ સ્રોત, Getty Images

    યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને એક મહિનો થઈ ગયો છે. ત્યારે એક મહિનામાં આશરે 15 હજાર જેટલા રશિયન સૈનિકો માર્યા ગયા, નેટોના અધિકારીએ સમાચાર એજન્સી એપી સાથેની વાતચીતમાં આવો દાવો કર્યો છે.

    તેમણે જણાવ્યું કે એક મહિના દરમિયાન 30થી 40 હજાર સૈનિકો ઈજાગ્રસ્ત થયા કે મૃત્યુ પામ્યા છે.

    રશિયાએ છેલ્લે બીજી માર્ચે મૃત્યુઆંકની પુષ્ટિ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમના માત્ર 500 સૈનિકો માર્યા ગયા છે.

    રશિયાએ અફઘાનિસ્તાનમાં દસ વર્ષમાં 15 હજાર જેટલા સૈનિકો ગુમાવ્યા હતા.

    યુક્રેન તરફથી પણ મૃત્યુઆંકની જાહેરાત કરવામાં આવી છે. બે અઠવાડિયાં પહેલાં યુક્રેનિયન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેમના 1300 જેટલા સૈનિકો આ યુદ્ધમાં માર્યા ગયા છે.

  10. બ્રિટન યુક્રેનને છ હજાર મિસાઇલો અને 25 મિલિયન ડૉલર આપશે

    બોરિસ જૉનસન

    ઇમેજ સ્રોત, Reuters

    બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સન ગુરુવારે જાહેરાત કરશે કે બ્રિટન યુક્રેનને વધુ છ હજાર જેટલી મિસાઇલ આપશે.

    નેટો અને જી-7 નેતાઓની બ્રસેલ્સમાં યોજાનારી બેઠકમાં વડા પ્રધાન જૉન્સન એ પણ જાહેરાત કરશે કે મિસાઇલો સિવાય બ્રિટન યુક્રેનને 25 મિલિયન પાઉન્ડની આર્થિક સહાય કરશે. જેથી સૈનિકો અને પાયલટોને પૈસા આપી શકાય.

    બ્રિટન સરકાર યુક્રેનમાં યુક્રેનિયન અને રશિયન ભાષા સેવાઓની મદદ કરવા માટે બીબીસી વર્લ્ડ સર્વિસને પણ 4.1 મિલિયન પાઉન્ડની મદદ કરશે.

    જૉન્સને કહ્યું, “બ્રિટન, યુક્રેનને સૈન્ય અને આર્થિક સહાય આપવા માટે સહયોગીઓ સાથે કામ કરશે, ડિફેન્સને વધુ મજબૂત કરવા પર કામ કરાશે.”

    “આ હુમલાને એક મહિનો થઈ ચૂક્યો છે, આંતરરાષ્ટ્રીય સમુદાય સામે એક જ વિકલ્પ છે કે આપણે યુક્રેનમાં સ્વતંત્રતાની જ્વાળા જીવિત રાખીએ અથવા તો તેનાથી સમગ્ર યુરોપ અને વિશ્વને સળગાવવાનું જોખમ ઉઠાવીએ.”

    બ્રિટને કહ્યું કે નવું પૅકેજ બ્રિટનની તરફથી યુક્રેનની સેનાને આપવામાં આવેલી 4 હજાર મિસાઇલોથી અતિરિક્ત હશે.

    આ પહેલાં બ્રિટને યુક્રેનને 400 મિલિયન પાઉન્ડ આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. હાલની સહાય પણ તેનાથી અતિરિક્ત હશે.

  11. બીબીસી ન્યૂઝ ગુજરાતીના લાઇવ અપડેટ પેજમાં તમારું સ્વાગત છે.

    રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં શું છે સ્થિતિ? આજે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે, સાથે જ ગુજરાત તથા દેશ અને દુનિયાના મહત્ત્વના સમાચાર.