You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'શહેરમાં મરું કે બહાર નીકળતાં, ફેર નહોતો પડતો', મારિયુપોલમાં રશિયાની ઘેરાબંધી વચ્ચે કેવો માહોલ છે?
યુક્રેનના મોરિયુપોલ શહેરમાંથી નાસી છૂટેલા લોકોના અનુભવો. કેટલાય દિવસથી રશિયાએ આ શહેરની ઘેરાબંધી કરી છે અને લોકો અન્ન-પાણી અને વીજળી વગર બૉમ્બમારા વચ્ચે ફસાયેલા છે.
લાઇવ કવરેજ
પાર તાપી-નર્મદા લિંક પ્રોજેકટનો વિરોધ, સરકાર સામે આદિવાસીઓએ ફરી આંદોલન છેડ્યું
પ્રમોદ સાવંદ બનશે ગોવાના મુખ્ય મંત્રી
પ્રમોદ સાવંત ગોવાના મુખ્ય મંત્રી બનશે.
ગોવામાં ભાજપના ધારાસભ્યદળની બેઠકમાં તેમની નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. ઉત્તરાખંડની માફક જ અહીં પણ ગત 10 દિવસોથી મુખ્ય મંત્રીના નામને લઈને સસ્પેન્સ હતું.
જોકે, હવે તેમને ધારાસભ્યદળના નેતા ચૂંટી લેવાયા છે.
પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના મુખ્ય મંત્રી બનશે
ઉત્તરાખંડમાં ભાજપની ધારાસભ્યદળની બેઠકમાં પુષ્કરસિંહ ધામીની નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે.
તેઓ રાજ્યના આગામી મુખ્ય મંત્રી હશે.
જોકે,તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ તેમની બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. પરંતુ પાર્ટીની ટોચની નેતાગીરીએ તેમનામાં વિશ્વાસ મુક્યો છે.
કેન્દ્રીય નિરીક્ષક તરીકે ઉત્તરાખંડ પહોંચેલા સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું કે પુષ્કરસિંહ ધામીએ છેલ્લા છ મહિનામાં શાનદાર કામ કર્યું છે.
સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું કે ધામીએ છેલ્લા છ મહિનામાં પોતાના કામથી એક ઓળખ બનાવી છે.
તેમણે કહ્યું કે "ભાજપ સરકાર રાજ્યમાં બહુઆયામી વિકાસ કરશે."
ભાજપે ઉત્તરાખંડમાં 70માંથી 47 બેઠકો જીતીને બહુમતી મેળવી હતી.
કૉંગ્રેસને માત્ર 19 બેઠકો મળી હતી.જોકે, 2017ની સરખામણીમાં ભાજપને ઓછી બેઠકો મળી છે.
'શહેરમાં મરું કે બહાર નીકળતાં, ફેર નહોતો પડતો', હ્યુગો બાશેગા, બીબીબી ન્યૂઝ, યુક્રેન
યુક્રેનના મોરિયુપોલ શહેરમાંથી નાસી છૂટેલા લોકોના અનુભવો આપની સમક્ષ રજૂ કરવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ.કેટલાય દિવસથી રશિયાએ આ શહેરની ઘેરાબંધી કરી છે અને અહીં લોકો અન્ન-પાણી અને વીજળી વગર બૉમ્બમારા વચ્ચે ફસાયેલા છે. મૃતકોને રસ્તા પર દફન કરવામાં આવી રહ્યા છે.
નિપ્રોના એક કાફેમાં અમારી મુલાકાત ઓકસાના, તેમનાં માતાપિતા અને તેમના પતિ સાથે થઈ. ગત સપ્તાહે તેઓ મારિયોપોલમાંથી નાસી આવ્યાં. રસ્તામાં માઇન લગાવાયા હતા અને રશિયન સૈન્યની કેટલીય ચેકપોસ્ટો પણ હતી.
અમે તેમને કૉફીની ઑફર કરી પણ તેમને નમ્રતાથી એનો ઇન્કાર કરી દીધો. ઓકસાનાએ અમને જણાવ્યું "ચોક્કસથી અમે જોખમ ઉઠાવી રહ્યાં હતાં પણ એ વખતે હું મારિયુપોલમાં મરું કે બહાર નીકળતાં મરું, કોઈ ફેર નહોતો પડતો."
તેમના પતિ ઍન્ડ્રીએ જણાવ્યું કે શહેરમાં પાણીનું વિતરણ નહોતું. વીજળી નહોતી, ગરમીની પણ કોઈ વ્યવસ્થા નહોતી અને સંદેશાવ્યવહારની પણ કોઈ વ્યવસ્થા નહોતી, એટલે નાસી છૂટવા સિવાય કોઈ અન્ય વિકલ્પ નહોતો.
"અમે જાણતા હતા કે અમે નિશાન બનવાનાં હતાં અને એટલે જોખમ ખેડવું પડે એમ જ હતું.જો અમે ત્યાં જ રહ્યા હોત તો જીવતા રહેવાની કોઈ તક નહોતી."
યુક્રેનના મારિયુપોલે રશિયા સામે સમર્પણનો ઇન્કાર કર્યો
યુક્રેનના મારિયુપોલે સમર્પણ કરવાનો ઇન્કાર કરી દીધો છે.રશિયાએ સ્થાનિક સમયાનુસાર સાંજે પાંચ વાગ્યે યુક્રેનના આ વિસ્તારને સમર્પણ કરવા કહ્યું હતું.
રશિયાએ માનવીય કૉરિડૉર ખોલવાનો પ્રસ્તાવ પણ આપ્યો છે,જેથી સામાન્ય લોકો આ વિસ્તારમાંથી સુરક્ષિત બહાર નીકળી શકે.
મારિયુપોલમાં ગત બે સપ્તાહથી બૉમ્બમારો ચાલી રહ્યો છે.શહેરમાં લગભગ ત્રણ લાખ લોકો અન્ન, પાણી અને વીજળી વગર ફસાયેલા છે.
રશિયાએ અહીંનાં કેટલાંય આશ્રયસ્થાનો, શાળાઓ, એક હૉસ્પિટલ તથા એક થિયેટર પર હુમલો કર્યો છે.
યુક્રેને આ અંગે જણાવ્યું છે કે મારિયુપોલ પર થયેલો હુમલો યુદ્ધઅપરાધ છે અને ઇતિહાસમાં એની નોંધ લેવાશે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ મિસાઇલ ડિફેન્સ ટેકનિક યુક્રેનમાં મોકલવા ઇઝરાયલ દર્શાવાયેલી અનિચ્છા બદલ એની ટીકા કરી છે.
ઇઝરાયલની સંસદમાં એક ભાષણ દરમિયાન તેમણે કહ્યું,"તમારી મિસાઇલ ડિફેન્સ ટેકનિક સૌથી સારી હોવાનું સો કોઈ જાણે છે.તમે ચોક્કસથી અમારી મદદ કરી શકો છો."
ઑલ ઇંગ્લૅન્ડ બૅડમિન્ટનની ફાઇનલમાં પહોંચનારા પાંચમા ભારતીય લક્ષ્ય સેન
અમેરિકાની ચેતવણી બાદ ચીને આપી પ્રતિક્રિયા
અમેરિકામાં ચીનના રાજદૂતે કહ્યું કે ચીન રશિયાને યુક્રેન સામેના યુદ્ધમાં હથિયારોની મદદ નહીં કરે. આ સાથે જ ચીન બન્ને દેશો વચ્ચેના સંકટને દૂર કરવા તમામ શક્ય પ્રયત્નો કરશે.
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને શુક્રવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ચેતવણી આપતા કહ્યું હતું કે જો ચીન રશિયાની યુદ્ધમાં મદદ કરશે તો તેમણે પરિણામ ભોગવવું પડશે.
અમેરિકામાં ચીનના રાજદૂત કિન ગૅંગની આ ટિપ્પણી જો બાઇડનના નિવેદન બાદ સામે આવી છે.
અમેરિકન ચૅનલ સીબીએસ સાથે વાત કરતા ગૅંગે કહ્યું કે પશ્ચિમી દેશો તરફથી કરવામાં આવેલી નિંદાથી કોઈ મદદ નહીં મળે પરંતુ અહીં સારી વાટાઘાટોની જરૂર છે.
જો આ યુદ્ધ વાતચીતથી સમાપ્ત નહીં થાય, તો ‘ત્રીજા વિશ્વયુદ્ધ’માં પરિણમશે : વોલોદિમીર ઝૅલેન્સ્કી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ કહ્યું કે રશિયાના હુમલાને સમાપ્ત કરવા માટે જો વાતચીત અસફળ રહી તો તે ‘ત્રીજા વિશ્વયુદ્ધ’માં પરિણમશે.
રવિવારે અમેરિકન ન્યૂઝ ચૅનલ સીએનએન સાથે વાત કરતા ઝૅલેન્સ્કીએ કહ્યું કે તેઓ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરવા તૈયાર છે.
તેમનું માનવું છે કે વાતચીત જ આ યુદ્ધને સમાપ્ત કરવાનો એકમાત્ર રસ્તો છે.
ઝૅલેન્સ્કીએ કહ્યું, “મને લાગે છે કે વાતચીતની સંભાવના માટે કોઈ પણ પ્રારૂપ કે ઘટનાનો ઉપયોગ ન કરવો જોઈએ.”
જોકે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ એવી કોઈ સમજૂતી નહીં સ્વીકારે, જેના અંતર્ગત યુક્રેને રશિયા સમર્થિત અલગતાવાદી વિસ્તારોને સ્વતંત્ર જાહેર કરવા પડે.
ઝૅલેન્સ્કીનું માનવું છે કે જો તેમનો દેશ નેટો સંગઠનનો ભાગ હોત તો આ લડાઈ શરૂ જ ન થઈ હોત.
યુક્રેનમાં તાજેતરમાં શું-શું થયું?
અત્યારે ભારતમાં સવાર છે, સમય છે 9:40 અને યુક્રેનમાં વહેલી સવારના 6:10 વાગ્યા છે. ગઈકાલે અને મોડી રાત્રે યુક્રેનમાં બનેલી કેટલીક મહત્ત્વપૂર્ણ ઘટનાઓ આ મુજબ છે:
- યુક્રેને મારિયુપોલ છોડવાની રશિયાની માગને ઠુકરાવી દીધી છે, રશિયા દ્વારા આ માટે મૉસ્કોના સમય પ્રમાણે સવારે પાંચ વાગ્યા સુધીની સમયસીમા આપવામાં આવી હતી. જે હવે વીતી ગઈ છે.
- રશિયાએ કહ્યું કે જો યુક્રેનના સત્તાધીશો મારિયુપોલમાં હથિયાર હેઠાં મૂકી દેશે તો રશિયા માનવીય કૉરિડૉર ખુલ્લા મૂકશે. યુક્રેને આ માગ પણ સ્વીકારી ન હતી અને લડત ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી.
- રશિયાએ મારિયુપોલની એક આર્ટ કૉલેજ પર હુમલો કર્યો હતો. જેમાં અંદાજે 400 લોકો આશરો મેળવી રહ્યા હતા.
- કિએવના મેયર વિતાલી ક્લિત્સ્ચકોના જણાવ્યા પ્રમાણે, શહેરના રહેણાક વિસ્તારો અને બજારમાં ગોળીબારમાં ચાર લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે.
- રવિવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ ઇઝરાયલી પાર્લમેન્ટને સંબોધી હતી. જેમાં તેમણે મદદ માટે અપીલ કરી હતી.
- યુક્રેનના સત્તાધીશોનો દાવો છે કે રવિવારે માનવીય કૉરિડોર દ્વારા તેમણે અંદાજે સાત હજાર લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે.
રશિયાના 14,700 સૈનિકોને મારી નાખ્યા - યુક્રેનના અધિકારીનો દાવો
યુક્રેનના સૈન્ય અધિકારીઓનું કહેવું છે કે તેમની સેનાએ 14,700 રશિયન સૈનિકોને મારી નાખ્યા છે. યુક્રેનનાં મારિયુપોલ, જપોરજિયા અને કિએવમાં ભીષણ લડાઈ ચાલુ છે.
યુક્રેનના સેનાપ્રમુખના સ્ટાફ તરફથી જાહેર એક ફેસબુક અપડેટમાં અધિકારીઓના હવાલાથી કહેવામાં આવ્યું કે યુક્રેનની સેનાએ 25 દિવસની લડાઈમાં રશિયાના 14,700 સૈનિકોને મારી નાખ્યા છે.
આ અપડેટમાં એ પણ દાવો કરવામાં આવ્યો કે યુક્રેનની સેનાએ મોટી સંખ્યામાં રશિયાનાં શસ્ત્ર-સરંજામને નષ્ટ કર્યાં છે.
જોકે બીબીસી આ વાતની પુષ્ટિ કરી શકતું નથી. પશ્ચિમી દેશોના સૂત્રોનું કહેવું છે કે અત્યાર સુધીની લડાઈમાં રશિયન સેનાને ઘણું નુકસાન વેઠવું પડ્યું છે.
સુપ્રભાત
બીબીસી ન્યૂઝ ગુજરાતીના લાઇવ અપડેટ પેજમાં તમારું સ્વાગત છે.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં 25મા દિવસે શું છે સ્થિતિ? સાથે જ ગુજરાત તથા દેશ અને દુનિયાના મહત્ત્વના સમાચાર.