You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેનમાં ભારતે એ કરી બતાવ્યું, જે મોટા દેશો કરી ન શક્યા - નરેન્દ્ર મોદી
રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ શનિવારે રાત્રે કિએવથી રાષ્ટ્રવ્યાપી સંબોધન કર્યું હતું. તેમણે લોકોમાં પ્રોત્સાહન વધારતા કહ્યું કે હવે જવાબ આપવાનો સમય આવી ગયો છે.
લાઇવ કવરેજ
યુક્રેનમાં ભારતે એ કરીને બતાવ્યું, જે મોટા-મોટા દેશો ન કરી શક્યા - નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે યુક્રેન સંકટના સમયે ભારતે હાથ ધરેલું ઑપરેશન ગંગા ભારતના વધી રહેલા પ્રભાવનો પુરાવો છે, ભારત પોતાના નાગરિકોને યુદ્ધક્ષેત્રમાંથી બહાર કાઢી રહ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મહારાષ્ટ્રના પુણેમાં સ્થિત સિમ્બૉયસિસ યુનિવર્સિટીની સુવર્ણજયંતીના સમારોહમાં પહોંચ્યા હતા.
આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં મિશન ગંગાનો ઉલ્લેખ કર્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "દુનિયાના મોટા-મોટા દેશોને આ કામગીરી કરવામાં મુશ્કેલી પડી રહી છે."
અમે રશિયા સાથે જંગ ટાળવા માગીએ છીએ : બ્રિટિશ સૈન્ય પ્રમુખ
બ્રિટનના ચીફ ઑફ ડિફૅન્સ સ્ટાફ ઍડમિરલ સર ટોની રૅડેકિને કહ્યું કે, રશિયાની ધમકીઓને લઈને બ્રિટન અને તેમના સહયોગીઓ ઘણા સતર્ક છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે અમારે શાંતિ જાળવી રાખવી છે. જેથી અમે રાષ્ટ્રપતિ પુતિનની વિચિત્ર અને હાસ્યાસ્પદ ટિપ્પણીઓ પર ઉતાવળે પ્રતિક્રિયા આપતા નથી.
તેમણે કહ્યું, "અમે તૈયાર છીએ. રાષ્ટ્રપતિ પુતિનનો સામનો કરવાની અમારી ક્ષમતા ચોક્કસ છે."
બીબીસી સાથેની વાતચીતમાં ઍડમિરલ સર ટોની રૅડેકિને કહ્યું કે યુક્રેનના લોકો જે રીતે ભયાવહ હાલતનો સામનો કરી રહ્યા છે, એવામાં નેટો અને રશિયા વચ્ચે યુદ્ધ એ છેલ્લી વસ્તુ હશે, જે અમે ઇચ્છીએ છીએ.
તેમણે કહ્યું કે રશિયાના સેનાપ્રમુખ સાથે વાતચીત માટે તેમનો પ્રયત્ન ચાલી રહ્યો છે.
યુક્રેનના નાયબ વડા પ્રધાને કહ્યું, પરિસ્થિતિ હજુ બગડી રહી છે
યુક્રેનના નાયબ વડા પ્રધાનનું કહેવું છે કે યુક્રેનમાં પરિસ્થિતિ બગડી રહી છે.
બીબીસી સાથેની વાતચીતમાં ઓલ્હા સ્ટેફનિશ્યનાએ કહ્યું કે યુક્રેનમાં રશિયાની 'ચરમપંથી યોજનાટની વધુ એક લહેર શરૂ થઈ ગઈ છે.
તેમણે કહ્યું કે યુક્રેનનાં શહેરોમાં રશિયાએ હૉસ્પિટલો અને કિંડરગાર્ડન પર બૉમ્બમારો કર્યો છે, જેનાથી હાલત વધુ ખરાબ થઈ છે.
તેઓ કહે છે કે રશિયાના હુમલાનો વિરોધ કરવાના યુક્રેનના દૃઢ સંકલ્પ છતાં આ યુદ્ધનો અંત નથી.
તેમણે કહ્યું કે સૈનિકોનાં મોત સિવાય પણ રશિયાને થયેલા ભારે નુકસાનને જોઈને વ્લાદિમીર પુતિન રોકાઈ રહ્યા નથી.
બીબીસી વન સાથેની વાતચીતમાં ઓલ્હા સ્ટેફનિશ્યનાએ કહ્યું કે યુક્રેનની સેના હંમેશાંની જેમ અત્યારે પણ મજબૂત છે.
વર્લ્ડકપમાં ભારતીય મહિલા ટીમની પાકિસ્તાન સામે 107 રનથી જીત, પૂજા વસ્ત્રાકર પ્લેયર ઑફ ધ મૅચ
BSF જવાને અમૃતસર કૅમ્પમાં સાથીદારો પર કર્યો ગોળીબાર, પાંચનાં મૃત્યુ
યુક્રેન છોડીને જનારા લોકોનો આંકડો 15 લાખને પાર
યુક્રેન પર રશિયાએ હુમલો કર્યો ત્યાર બાદથી અત્યાર સુધી દેશ છોડીને ચાલ્યા જનારા લોકોનો આંકડો 15 લાખને પાર પહોંચ્યો છે.
સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી એજન્સીના ઉચ્ચાયુક્ત ફિલિપો ગ્રાંડી અનુસાર, છેલ્લા 10 દિવસમાં 15 લાખથી વધારે લોકો સીમા પાર કરીને પાડોશી રાષ્ટ્રોમાં પહોંચ્યા છે.
બીજા વિશ્વયુદ્ધ બાદ અત્યારે યુરોપમાં શરણાર્થીઓનો આંકડો ઝડપથી વધ્યો છે.
રશિયાએ અત્યાર સુધી 88 ઍરક્રાફ્ટ ગુમાવ્યા: યુક્રેન
યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે રશિયા સામેના સંઘર્ષ અંગેનો દૈનિક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. આ રહ્યા તેના મહત્ત્વપૂર્ણ મુદ્દા:
- રશિયન સેના યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધી 88 ઍરક્રાફ્ટ અને હેલિકૉપ્ટર્સ ગુમાવી ચૂકી છે.
- સંખ્યાબંધ રશિયન પાયલટોને કેદ કરવામાં આવ્યા છે.
- યુક્રેનના સશસ્ત્ર દળો મુખ્ય બંદર શહેર મારિયુપોલને દક્ષિણપૂર્વ તરફથી બચાવી રહ્યા છે.
- યુક્રેનિયનોના પ્રતિકાર સામે રશિયાના સૈનિકો નબળા પડી રહ્યા છે.
જોકે, બીબીસી આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરતું નથી.
ઝૅલેન્સ્કીની અપીલ બાદ ઇઝરાયલના વડા પ્રધાને કરી પુતિન સાથે મુલાકાત
યુક્રેન-રશિયા સંઘર્ષ વચ્ચે ઇઝરાયલના વડા પ્રધાન નફતાલી બેનેટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. તેઓ શનિવારે રશિયાની રાજધાનીમાં પહોંચ્યા હતા.
આ બેઠકનું મહત્ત્વ એ વાતથી આંકી શકાય છે કે ઇઝરાયલી વડા પ્રધાને આ મુલાકાત માટે શબાતને (યહૂદીઓ અનુસાર આરામનો દિવસ) તોડ્યો હતો. યહૂદી કાયદા અંતર્ગત માત્ર જીવને જોખમ હોય ત્યારે જ તેને તોડી શકાય છે.
બેનેટની આ બેઠક અંગે વધારે જાણકારી આપવામાં આવી નથી, પરંતુ જાણવા મળ્યું છે કે બન્ને નેતાઓ વચ્ચે લગભગ સાડા ત્રણ કલાક વાત ચાલી હતી.
બેનેટ અને પુતિન આ પહેલાં પણ અનેક વખત મુલાકાત કરી ચૂક્યા છે અને બન્ને દેશો વચ્ચે સારા સંબંધો જણાય છે. ઇઝરાયલ ભલે અમેરિકાનું મહત્ત્વપૂર્ણ સહયોગી હોય, પરંતુ વડા પ્રધાન બેનેટના રશિયા સાથે પણ સારા સંબંધ છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી જે ખુદ યહૂદી છે, તેમણે ઇઝરાયલના વડા પ્રધાનને આ મામલે મધ્યસ્થતા કરવા અપીલ કરી હતી.
આ મુલાકાતમાં વડા પ્રધાન બેનેટ સાથે હાઉસિંગ મંત્રી ઝીવ એલકિન પણ હતા. જેઓ લાંબા સમયથી ઇઝરાયલી નેતાઓ સાથે રશિયન ભાષાના અનુવાદકનું કામ પણ કરી ચૂક્યા છે. તેઓ યુક્રેનના શહેર ખારકિએવમાં જન્મ્યા હતા અને હાલમાં પણ યુક્રેનમાં તેમના સંબંધીઓ રહે છે.
આ બેઠક બાદ નફતાલી બેનેટ જર્મનીની યાત્રા પર ગયા હતા. જ્યાં તેઓ ઓલાફ સ્કોલ્ઝને મળવાના હતા.
બ્રેકિંગ, મારિયુપોલમાં નવા સંઘર્ષવિરામની જાહેરાત
દક્ષિણ યુક્રેનમાં આવેલા બંદર શહેર મારિયુપોલમાં અસ્થાયી સંઘર્ષવિરામની જાહેરાત કરવામાં આવી છે.
સિટી કાઉન્સિલ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે, યુક્રેનના સ્થાનિક સમય અનુસાર સવારે 10થી રાત્રે 9 વાગ્યા સુધી આ સંઘર્ષવિરામ ચાલુ રહેશે.
આ સમય દરમિયાન નાગરિકોને સલામત રીતે શહેર બહાર સ્થળાંતરિત કરવામાં આવશે. આ કામગીરી યુક્રેનના સ્થાનિક સમયાનુસાર બપોરે 12 વાગ્યે શરૂ કરાશે.
સામાન્ય નાગરિકોને નિયત કરેલા રસ્તા પરથી શહેર છોડવાની અનુમતિ રહેશે.
લોકો ખાનગી વાહનો દ્વારા પણ શહેર છોડીને જઈ શકશે પરંતુ તેમને બસોની પાછળ રહેવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે કારની તમામ સીટો ભરાયેલી હોવી જોઈએ.
શનિવારે પણ આ જ રીતે અસ્થાયી સંઘર્ષવિરામની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, તેની જાહેરાતની ગણતરીની મીનિટોમાં જ તેનું ઉલ્લંઘન કરાયા હોવાના આરોપો સાથે તેને રદ કરવામાં આવ્યો હતો.
ઝૅલેન્સ્કીએ કરી અપીલ, રશિયા વિરુદ્ધ લડાઈ ચાલુ રાખે લોકો
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ યુક્રેનના લોકોને રશિયાના હુમલા વિરુદ્ધ લડાઈ ચાલુ રાખવાની અપીલ કરી છે.
રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ શનિવારે રાત્રે કિએવથી રાષ્ટ્રવ્યાપી સંબોધન કર્યું હતું. તેમણે લોકોમાં પ્રોત્સાહન વધારતા કહ્યું કે હવે જવાબ આપવાનો સમય આવી ગયો છે.
તેમણે કહ્યું, "આપ સૌએ બહાર નીકળીને આ ખરાબ લોકોને પોતાનાં શહેરોમાંથી બહાર ફેંકવાની જરૂર છે."
આ સાથે તેમણે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનને યુક્રેનને વધુ ફાઇટર જૅટ્સ આપવાની અપીલ કરી.
તેમણે અમેરિકા પાસે રશિયન નિર્મિત ફાઇટર જૅટ્સ આપવાનો પણ અનુરોધ કર્યો. આ વિમાનોને યુક્રેનના પાઇલટ ઉડાવી શકે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરિકન અધિકારીઓ પોલૅન્ડના નેતાઓના સંપર્કમાં છે. જેથી યુક્રેનને મિગ ફાઇટર જૅટ્સ આપી શકાય.
પોલૅન્ડ સોવિયેટ કાળના ફાઇટર જૅટ્સનો ઉપયોગ ધીરેધીરે બંધ કરી રહ્યું છે. એવામાં આ વિમાન યુક્રેનને આપી શકાય તેમ છે, કારણ કે યુક્રેનના પાઇલટોને પશ્ચિમી દેશોમાં નિર્મિત વિમાનો ઉડાવવાની તાલીમ મળી નથી.
જો તમે અત્યારે જ જોડાયા હોવ તો...
અત્યારે યુક્રેનમાં રશિયાના હુમલાનો 11મો દિવસ છે. પ્રાપ્ત અહેવાલો મુજબ સવારથી કિએવ અને ખારકિએવ વચ્ચે આવેલા શહેર પોલ્તવાનામાં ઍર રેઇડ સાયરન સાંભળવા મળ્યા હતા.
અન્ય એ બાબતો જે તમારે જાણવી જરૂરી છે:
- યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ શનિવારે રાત્રે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન અને સાંસદો સાથેના વીડિયો કૉલમાં ફરી એક વખત પશ્ચિમી દેશોને યુક્રેન પર 'નો-ફ્લાય ઝોન' લાગુ કરવા અપીલ કરી છે.
- નેટો 'નો-ફ્લાય ઝોન' લાગુ કરવા પર સતત નકારાત્મક વલણ અપનાવી રહ્યું છે. કારણ? આમ કરવાથી તેઓ સીધા રશિયા સાથે ઘર્ષણમાં આવી શકે છે.
- રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચેતવણી આપી કે 'નો-ફ્લાય ઝોન'ને તેઓ ઍક્ટ ઑફ વૉર તરીકે ગણશે અને લાગુ કરનારને યુક્રેનનો સાથી માનવામાં આવશે.
- યુક્રેનિયન સત્તાધીશો પ્રમાણે, સંઘર્ષવિરામ લાગુ થયા બાદ પણ રશિયાએ મારિયુપોલ શહેરમાં બૉમ્બમારો ચાલુ રાખ્યો હતો.
- યુક્રેનની સરકારના એક અધિકારીએ સ્થાનિક ચૅનલને જણાવ્યું કે મારિયુપોલ અને સુમીમાં પરિસ્થિતિ માનવતાવાદી આપત્તિની અણીએ છે.
- યુક્રેનની સરકારના સલાહકાર વેડિમ ડેનિશેંકો મુજબ, સુમી પ્રાંતનાં બે શહેરોમાં વીજળી અને પાણીનો પુરવઠો બે દિવસથી ઠપ છે.
- અમેરિકન પૅમેન્ટ કંપની વિઝા અને માસ્ટરકાર્ડ દ્વારા રશિયામાં પોતાનું કામકાજ બંધ કરવામાં આવ્યું છે.
- રશિયન અને યુક્રેનિયન પ્રતિનિધિઓ સોમવારે શાંતિવાર્તાની અન્ય એક બેઠક યોજશે.
રશિયા-યુક્રેન સંઘર્ષ: હુમલા પહેલાં અને પછીની તસવીરો
રશિયાના મિસાઇલ હુમલાએ યુક્રેનના શહેરો તબાહ કરી નાખ્યાં છે. યુદ્ધના આ 10 દિવસ દરમિયાન હુમલા બાદની આ તસવીરો પહેલાંની અને અત્યારની હાલત દર્શાવે છે.
અંદાજે ત્રણ હજાર અમેરિકનોએ યુક્રેનમાં લડવાની ઇચ્છા વ્યક્ત કરી
યુક્રેને વિદેશી લોકોને લડવા માટે આહ્વાન કર્યા બાદ સ્વૈચ્છિક રીતે યુક્રેનમાં લડવા માટે સહમતિ દર્શાવી છે.
વૉશિંગ્ટન ડીસીમાં યુક્રેનના દૂતાવાસના એક પ્રતિનિધિએ સમાચાર સેવા વૉઇસ ઑફ અમેરિકાને આ જાણકારી આપી હતી.
આ પ્રતિનિધિ પ્રમાણે અંદાજે ત્રણ હજાર અમેરિકનોએ રશિયાના હુમલા વિરુદ્ધ યુક્રેનની અપીલનો જવાબ આપ્યો છે.
યુક્રેનની વારંવારની માગ છતા પશ્ચિમી દેશો પોતાની સેના મોકલી રહ્યા નથી પરંતુ આ દેશો યુક્રેનને રશિયા સામે લડવા માટે હથિયાર આપી રહ્યા છે.
આ સિવાય પશ્ચિમી દેશોએ રશિયા અને કેટલાક રશિયન કારોબારીઓ પર આર્થિક પ્રતિબંધ લગાવ્યા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી અને યુક્રેનના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ રશિયા સામેની લડાઈ માટે વિદેશી વૉલેન્ટિયર્સની "આંતરરાષ્ટ્રીય સેના" બનાવવાની અપીલ કરી છે.
થોડા દિવસો પહેલા રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ કહ્યું હતું કે અંદાજે 16 હજાર વિદેશોઓ લડાઈમાં યુક્રેનની મદદ માટે સ્વૈચ્છિક રીતે આગળ આવ્યા છે.
યુક્રેન-રશિયા સંઘર્ષ : શું પશ્ચિમી દેશોએ 'આગમાં ઘી હોમવાનું કામ' કર્યું?
યુક્રેન સંકટ ભારત માટે રશિયા સાથે સંબંધ વધારવાની તક, રશિયન રાજદૂત
ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ એલિપોવે કહ્યું કે યુક્રેનમાં હાલના સંકટની અસર ભારત-રશિયાના સંબંધો સહિત સમગ્ર વિશ્વ પર પડશે.
તેમણે કહ્યું કે આ પ્રભાવ કેટલો હશે, અત્યારે તેની કલ્પના કરી શકાય તેમ નથી.
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે, શનિવારે ડેનિસ એલિપોવે એમ પણ કહ્યું કે રશિયાના પશ્ચિમી સહયોગી દેશોએ તેમને સહયોગ કરવાની ના પાડી દીધી છે. એવામાં ભારત ઇચ્છે તો આ સ્થિતિનો ફાયદો ઊઠાવી શકે છે અને રશિયા સાથે પોતાના આર્થિક સંબંધો મજબૂત કરી શકે છે.
રશિયાના રાજદૂતે કહ્યું કે હાલની સ્થિતિએ ભારતીય કંપનીઓને રશિયામાં વિસ્તરણનો અવસર આપ્યો છે અને આ જ સમય છે જ્યારે ભારતે રશિયા સાથે પોતાના આર્થિક સહયોગ પર ગંભીર વિચારણા કરવી જોઈએ.
તેમણે કહ્યું, "ભારતીયો માટે આ સારી તક છે. પશ્ચિમી દેશોએ રસિયાને સહયોગ આપવાની ના પાડી દીધી છે. એવામાં ભારત રશિયન બજારમાં પોતાનું પ્રભુત્વ વધારી શકે છે. ભારતીય બિઝનેસ માટે આ સારી તક છે."
ભારતમાં રશિયન દૂતાવાસે પોતાના ટ્વિટર હૅન્ડલ પરથી એક વીડિયો જારી કર્યો છે. જેમાં ડેનિસ એલિપોવનું આ નિવેદન સામેલ છે.
વીડિયોમાં ડેનિસ એલિપોવ કહી રહ્યા છે, "આ સંકટની અસર સમગ્ર વિશ્વ પર પડશે. આ અસર કેટલી ગંભીર હશે, હાલમાં તે કોઈ ન કહી શકે."
ભારત અને રશિયાના સંબંધો પર તેમણે કહ્યું કે બન્ને દેશોના સંબંધો એકબીજાના હિત સાથે જોડાયેલા છે અને તેનું રણનૈતિક મહત્ત્વ છે.
પશ્ચિમી દેશો દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધ અંગે તેમણે કહ્યું કે આર્થિક લેવડદેવડ પર તેની થોડીક અસર પડી શકે છે.
તેમણે કહ્યું, "પૈસાની લેવડદેવડની સુવિધા માટે બન્ને વચ્ચે રાષ્ટ્રીય મુદ્રામાં લેવડદેવડનું દ્વિપક્ષીય મૅકેનિઝમ છે, જેનો ઉપયોગ થઈ રહ્યો છે. પ્રશ્ન માત્ર એ છે કે તેનો મોટા પાયે ઉપયોગ કઈ રીતે કરી શકાય."
તેમણે એમ પણ કહ્યું કે તેના ઉપયોગથી રશિયા પર લગાવવામાં આવેલા આર્થિક પ્રતિબંધોથી ચોક્કસ રાહત મળશે.
રશિયા-યુક્રેન સંકટ: પુતિનને રોકવા માટે બ્રિટને બનાવી આ યોજના
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉનસને કહ્યું કે યુક્રેન પર રશિયાના ભયાનક આક્રમણને રોકવા માટે દુનિયાના નેતાઓએ એક નવી રીતે પ્રયત્ન કરવો જોઈએ.
ન્યૂયૉર્ક ટાઇમ્સ માટેના એક લેખમાં વડા પ્રધાન જૉનસને લખ્યું છે કે, "ભવિષ્યના ઇતિહાસકારો નહીં પરંતુ યુક્રેનના લોકો આપણો નિર્ણય કરશે."
વડા પ્રધાન જૉનસને એક છ સૂત્રીય યોજના જણાવી છે. તેમનું કહેવું છે કે તેનાથી પુતિનને રોકી શકાશે
- વિશ્વના નેતાઓએ યુક્રેન માટે "આંતરરાષ્ટ્રીય માનવીય સંગઠન" બનાવવું જોઈએ
- દુનિયાના નેતાઓએ આત્મરક્ષા માટે યુક્રેનના પ્રયાસોમાં પણ મદદ કરવી જોઈએ
- રશિયા પર આર્થિક દબાણ વધારવામાં આવે
- આંતરરાષ્ટ્રીય સમુદાયે રશિયાને યુક્રેનમાં તેમના કૃત્યોનું "સામાન્યીકરણ" કરતા અટકાવવું જોઈએ
- યુદ્ધને રોકવા માટે કૂટનીતિનો રસ્તો અપનાવવો જોઈએ, પરંતુ ત્યારે જ જ્યારે તેમાં યુક્રેનની સરકારની સંપૂર્ણ ભાગીદારી હોય
- નેટો દેશો વચ્ચે સુરક્ષા સહયોગને મજબૂત કરવા માટે મોટા સ્તર પર પ્રયત્ન કરવા જોઈએ
વડા પ્રધાન જૉનસન સોમવારે કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડો અને ડચ પી એમ માર્ક રૂટ સાથે ડાઉનિંગ સ્ટ્રીટમાં બેઠક દરમિયાન પોતાનો સંદેશ પણ આપી શકે છે.
મંગળવારે વડા પ્રધાન જૉનસન મધ્ય યુરોપના દેશોના સમૂહ વી4ના નેતાઓની મેજબાની કરશે. જેમાં ચેક ગણરાજ્ય, હંગેરી, પોલૅન્ડ અને સ્લોવાકિયા શામેલ છે.
યુક્રેનને ફંડ આપવા રાષ્ટ્રપતિ બાઇડને કૉંગ્રેસ સમક્ષ માગ મૂકી
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે યુક્રેનને વધુ ફંડ આપવા માટે તેમનું પ્રશાસન કૉંગ્રેસ સાથે મળીને કામ કરી રહ્યું છે.
રાષ્ટ્રપતિ બાઇડને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી સાથે શનિવારે ફોન પર થયેલી વાતચીતમાં આ વાત કહી હતી.
તેમણે યુક્રેનને અમેરિકાના સમર્થનની વાત ફરી વખત મૂકી અને દેશના લોકો અને સેનાની હિમ્મતનાં વખાણ કર્યાં.
વ્હાઇટ હાઉસ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીની યુક્રેનને 'નો-ફ્લાય ઝોન' બનાવવાની માગનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
અમેરિકા અને અન્ય નેટો સદસ્યોએ યુક્રેનની આ માગને માનવાથી ઇનકાર કરી દીધો છે. તેમને આશંકા છે કે 'નો-ફ્લાય ઝોન' બનાવવામાં આવે તો યુદ્ધ વધી શકે છે. નેટો સદસ્યો પણ તેમાં સપડાઈ શકે છે.
આ સિવાય પશ્ચિમી દેશોએ રશિયા અને તેના કેટલાક મોટા વેપારીઓ પર કડક આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. પશ્ચિમી દેશ યુક્રેનને સૈન્ય, મેડિકલ અને માનવીય મદદ પહોંચાડી રહ્યા છે.
આઈએમએફની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર 'ગંભીર અસર'ની ચેતવણી
ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડે શનિવારે યુક્રેનમાં યુદ્ધને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર "ગંભીર અસર" પડવાની ચેતવણી આપી હતી.
આઈએમએફ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે "જ્યારે પરિસ્થિતિ નાજુક અને ભારે અનિશ્ચિતતાભરી રહે છે, ત્યારે આર્થિક પરિણામો ખૂબ ગંભીર આવે છે. જો યુદ્ધ લંબાશે તો આર્થિક નુકસાન વધુ વિનાશક હશે."
ઍનર્જી અને કૉમૉડિટીના ભાવમાં ઉછાળો આવ્યો છે જેના પગલે વર્તમાન ફુગાવામાં ઉમેરો થયો છે. રશિયા સામે હાલમાં લાદવામાં આવેલા વ્યાપક પ્રતિબંધોના પણ વ્યાપક પરિણામો આવશે.
આઈએમએફએ જણાવ્યું હતું કે શરણાર્થીઓના પ્રવાહને કારણે તણાવની ટોચ પર અછત અને પુરવઠામાં વિક્ષેપના જોખમ સાથે વિશેષ કરીને યુક્રેન અને રશિયા સાથે ગાઢ આર્થિક સંબંધો ધરાવતા દેશોને ભારે ફટકો પડશે.
આઈએમએફના એક્ઝિક્યુટિવ બોર્ડની શુક્રવારે બેઠક મળી હતી અને તેમાં યુદ્ધની આર્થિક અસર અંગે ચર્ચા કરવામાં આવી હતી.
યુક્રેનની આપાતકાલીન ધિરાણની 1.4 અબજ ડૉલરની માગનું મૂલ્યાંકન કરવા બોર્ડ આગામી સપ્તાહે ફરી મળશે.
રશિયા-યુક્રેન યુદ્ધમાં હવે આગળ શું-શું થઈ શકે છે?