You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેરસન : યુક્રેનના જે શહેર પર રશિયાએ કબજો કરી લીધો, હાલ ત્યાં કેવી સ્થિતિ છે?
યુક્રેન પર રશિયાના હુમલાનો આજે આઠમો દિવસ છે. ખેરસન શહેર પર રશિયાનો કબજો. યુક્રેનનાં મુખ્ય શહેરો પર રશિયન સૈન્ય દ્વારા ઉત્તર, પૂર્વ અને દક્ષિણ દિશામાંથી હુમલા કરાઈ રહ્યા છે.
લાઇવ કવરેજ
રશિયા પાસે કેટલાં પરમાણુ હથિયાર છે અને તેનાથી કેટલી તબાહી થઈ શકે છે?
ભારત યુક્રેન પર આક્રમણના મુદ્દે રશિયાનો વિરોધ કેમ કરતું નથી?
આજના દિવસના સમાચારોનું લાઇવ કવરેજ સમાપ્ત
યુક્રેન અને રશિયા વચ્ચેના ભીષણ યુદ્ધના આઠમા દિવસના સમાચારો મેળવવા બીબીસી ગુજરાતી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો આભાર.
આજના દિવસના સમાચારની લાઇવ કવરેજ આ સાથે સમાપ્ત કરવામાં આવે છે.
શુભરાત્રિ.
વધુ અપડેટ્સ અને વિશ્લેષણાત્મક સમાચારો માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.
બ્રેકિંગ, યુક્રેન અને રશિયા વચ્ચે ફરી વાતચીત શરૂ થઈ
યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર મિખાઇલો પોડોલિયાકે હાલમાં જ ટ્વીટ કર્યું છે કે તેમણે અન્ય અધિકારીઓ સાથે બેલારુસમાં રશિયન પ્રતિનિધિઓ સાથે વાતચીત શરૂ કરી છે.
તેમના જણાવ્યા અનુસાર નીચે પ્રમાણે મુદ્દાઓ પર વાતચીત થઈ રહી છે.
- તત્કાલ યુદ્ધવિરામ
- યુદ્ધને પગલે તબાહ થયેલાં ગામ અને શહેરોના નાગરિકોને બહાર કાઢવામાટે માનવીય કૉરિડોર
યુક્રેનનો કેટલો ભાગ રશિયા પાસે છે?
રશિયન આક્રમણમાં હજુ સુધી શું-શું થયું?
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો એને એક સપ્તાહ કરતાં વધુ સમય થઈ ગયો છે.
રશિયન મહત્ત્વના બંદર ખેરસનનો રશિયાએ કબજો કરી લીધો. રશિયન સૈન્યે કબજે કરેલું આ સૌથી મોટું શહેર છે.
સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર ગત ગુરુવારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી લઈને અત્યાર સુધીમાં દસ લાખ લોકો યુક્રેનમાંથી હિજરત કરી ગયા છે. આમાંથી પાંચ લાખથી વધુ લોકોએ પૉલૅન્ડમાં શરણ લીધી છે.
હૅગમાં આવેલી ઇન્ટરનેશનલ ક્રિમિનલ કૉર્ટ (ICC) ખાતે યુક્રેનમાં થઈ રહેલા સંભવિત યુદ્ધઅપરાધોની તપાસ શરૂ કરવામાં આવી છે.
યુક્રેનના કેટલાંય શહેરોમાં ભારે બૉમ્બમારો થઈ રહ્યો છે. મારિયુપોલના મેયરે ચેતવણી આપી છે કે સતત થઈ રહેલા બૉમ્બમારાને લીધે ઘાયલોને સહાય પહોંચાડી શકાય એવું નથી.
રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે જણાવ્યું છે કે ત્રીજી વિશ્વયુદ્ધ અણુયુદ્ધ હશે. જોકે, એમણે એવું પણ કહ્યું છે કે રશિયનો આવું કંઈ વિચારી રહ્યા નથી.
યુક્રેનની રાજધાની કિએવ હજુ પણ યુક્રેનના નિયંત્રણ હેઠળ જ છે.
ભારતીય વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા, પાછા યુક્રેન મોકલવામાં આવ્યા: બેલારુસના રાજદૂત
બેલારુસે દાવો કર્યો છે કે પૉલૅન્ડની બૉર્ડર પર તહેનાત સુરક્ષાકર્મીઓએ અંદાજે 100 ભારતીય વિદ્યાર્થીઓને માર મારીને તેમને પાછા યુક્રેન મોકલી દીધા.
દાવો કરવામાં આવ્યો છે કે આ વિદ્યાર્થીઓને રોમાનિયાના એક શરણાર્થી કૅમ્પમાં જગ્યા આપવામાં આવી છે.
સંયુક્ત રાષ્ટ્રમાં બેલારુસના રાજદૂત વૅલેન્ટિન રયબાકોવે બુધવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના નિવેદનમાં આ જાણકારી આપી હતી.
રયબાકોવે કહ્યું, "પૉલેન્ડના બૉર્ડર સુરક્ષાકર્મીઓએ 26 ફેબ્રુઆરીએ લગભગ 100 ભારતીય વિદ્યાર્થીઓના એક જૂથને માર્યું અને પાછું યુક્રેન મોકલી દીધું."
રશિયા અને યુક્રેન વચ્ચે ફરી વાતચીતની સંભાવના
રશિયાના પ્રતિનિધિમંડળના પ્રમુખ વ્લાદિમીર મેદિન્સ્કી દ્વારા અપાયેલ માહિતી પ્રમાણે મૉસ્કોના સમયાનુસાર ગુરુવારે ત્રણ વાગ્યે યુક્રેન અને રશિયાનાં પ્રતિનિધિમંડળોની વાતચીત શરૂ થઈ શકે છે.
મેદિન્સ્કીએ એ વાત અંગે કોઈ સ્પષ્ટતા નહોતી કરી કે તેઓ ક્યાના સમયની વાત કરી રહ્યા છે. પરંતુ એટલી વાત તો પાકી છે કે બેલારુસને વાતચીત માટેના સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. ત્યાંનો સમય મૉસ્કોના સમયાનુસાર જ છે.
સલામતીનાં કારણોસર વાતચીત માટેનું ચોક્કસ સ્થળ જાહેર કરાયું નહોતું.
યુક્રેનના વિસ્તારોમાં મિસાઇલ હુમલાની બે તસવીરો
રશિયા-યુક્રેન સંઘર્ષમાં યુક્રેનના રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવાયા છે. અહીં જુઓ ખારકિએવ અને ઇર્પિનના વિસ્તારો પહેલાં કેવા દેખાતા હતા અને મિસાઇલ હુમલા બાદ આ જગ્યાઓ હવે કેવી દેખાય છે.
પાટણમાં આવેલા એશિયાના સૌથી મોટા સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ
ખેરસન : રશિયાના કબજાવાળા શહેરમાં હાલ કેવી સ્થિતિ છે?
દક્ષિણ યુક્રેનના મહત્ત્વના બંદર ખેરસન પર હવે રશિયાનો કબજો છે. અહીં રહેતાં નિના (બીબીસીએ તેમનું આખું નામ જાહેર ન કરવાનું નક્કી કર્યું છે.) બીબીસીને જણાવે છે કે શહેરમાં નવા નિયમો લાગુ કરી દેવાયા છે.
નિના કહે છે, "હાલમાં શહેર શાંત છે. ગઈકાલે પણ શાંત હતું. એ પહેલાં લડાઈ ચાલુ હતી અને ધમાકાઓ થતા હતા."
"ગઈકાલે ભારે જોખમ હતું એટલે કોઈ ઘરમાંથી બહાર નહોતું નીકળ્યું. પણ આજે લોકો બહાર નીકળ્યા છે. ખાવાનું ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે."
જોકે, શહેરના બહારના ભાગમાંથી હજુ પણ લડાઈના અવાજો આવી રહ્યા હોવાનું તેઓ જણાવે છે.
"કેટલાક નિયમો અમારે પાળવા પડી રહ્યા છે. સરકારે જણાવ્યું છે કે અમારે રશિયન સૈનિકોને ઉશ્કેરવા નહીં."
"અમે ટોળે વળી શકતા નથી. ગાડીને ઝડપથી નથી ચલાવી શકતા.રશિયન સૈનિકો અમને ગમે ત્યાં અટકાવી શકે છે અને અમારી ગાડીમાં શું રાખ્યું એ અમારે એમને બતાવવું પડે છે. અમે એમને ઉશ્કેરી શકતા નથી. "
"એવી આશા રાખું છું કે આ લાંબુ નહીં ચાલે અને સૌ સારાં વાનાં થશે. બધા જ સામાન્ય લોકો યુદ્ધની વિરુદ્ધ છે પણ અમે કંઈ શકીએ એમ નથી."
યુક્રેનિયનો હિજરત કરીને ક્યા દેશમાં આશરો શોધી રહ્યા છે?
યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે યુક્રેનિયનો પાડોશી દેશોનો સહારો લઈ રહ્યા છે અને ત્યાં હિજરત કરી રહ્યા છે. જુઓ એ કયા દેશો છે જ્યાં યુક્રેનિયનો જઈ શકે છે.
ફરી સામે આવ્યા ઝૅલેન્સ્કી, કહ્યું "અમે રશિયાને રોકી દીધું"
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ બુધવારે રાત્રે દેશના નાગરિકોને એક વીડિયો દ્વારા સંબોધિત કર્યા. ઝૅલેન્સ્કીએ લોકોને 'રશિયાના આક્રમણકારીઓ' વિરુદ્ધ લડવા આહ્વાન કર્યું છે.
ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોનો સારાંશ કંઈક આવો, "દરેક આક્રમણકારીને એ ખબર હોવી જોઈએ કે તેને યુક્રેનમાં ભીષણ ટક્કર મળશે."
એક અજ્ઞાત સ્થળેથી વાત કરતા યુક્રેનનાં રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ કહ્યું, "આપણે લોકોએ દુશ્મનોની યોજનાને એક અઠવાડિયામાં જ ઊંધી વાળી દીધી છે."
તેમણે કહ્યું કે પકડાયેલા રશિયન સૈનિકોને એ નથી ખબર કે તેઓ અહીં શું કરવા આવ્યા છે અને મોટી સંખ્યામાં રશિયન સૈનિકો પાછા ભાગી રહ્યા છે.
તેમણે એમ પણ કહ્યું કે રશિયાની સેનામાં બાળકો પણ શામેલ છે. જેમનો મૉસ્કોમાં રહેનારા તેમના નેતા ઉપયોગ કરી રહ્યા છે.
ઝૅલેન્સ્કીએ દેશનાં અલગઅલગ શહેરોમાં રશિયન સૈનિકોનો સામનો કરી રહેલા સામાન્ય નાગરિકોનો પણ આભાર માન્યો હતો.
તેમણે એમ પણ કહ્યું કે હાલમાં જ તેમને નૉર્વે, ઇઝરાયલ, કઝાખસ્તાન, કતાર, કૅનેડા, યુરોપીયન યુનિયન અને પૉલૅન્ડના નેતાઓ સાથે વાતચીત કરી હતી.
રશિયાના સૈનિકો યુક્રેનમાં ક્યાંથી પ્રવેશ્યા અને યુક્રેનના કયા વિસ્તારોને પોતાના કબજામાં લઈ લીધા છે?
એક અઠવાડિયામાં રશિયાએ યુક્રેનમાં શું-શું કર્યું
પહેલો દિવસ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનમાં 'વિશેષ સૈન્યકાર્યવાહી'ની ઘોષણા કરી અને ગણતરીના કલાકોમાં જ રાજધાની કિએવ સહિત તમામ મોટાં શહેરો તરફ રશિયન સેનાએ કૂચ આદરી.
આ જાણીને લોકો ઘરમાંથી બહાર નીકળીને અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનો અને શીતયુદ્ધ વખતના બૉમ્બ શૅલ્ટરોમાં આશરો મેળવવા દોડી ગયા.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ દેશની સુરક્ષા કરવા ઈચ્છુક તમામ નાગરિકોને હથિયારો આપવાની જાહેરાત કરી.
બીજો દિવસ
રશિયન મિસાઇલોએ યુક્રેનની ઇમારતોને ધમરોળવાનું શરૂ કર્યું અને રશિયન સૈનિકો બખતરગાડીઓ સાથે યુક્રેનનાં શહેરો પર ત્રાટક્યા.
હજારો યુક્રેનવાસીઓએ સીમા ઓળંગીને પૉલૅન્ડ અને આસપાસના પાડોશી દેશોમાં હિજરત શરૂ કરી.
યુક્રેનિયન સેનાએ કિએવ પરથી પસાર થઈ રહેલા રશિયન યુદ્ધવિમાનને તોડી પાડ્યું.
ત્રીજો દિવસ
રશિયન સેનાનો કાફલા યુક્રેનનાં શહેરોમાં પ્રવેશ્યો. રશિયાએ ક્રૂઝ મિસાઇલોથી યુક્રેનનાં સૈન્યમથકો પર હુમલો કરવાનું શરુ કર્યું.
યુક્રેનની સરકારે માર્શલ લૉ લાગુ કર્યો અને પ્રતિકાર મજબૂત કરવા નાગરિકોમાં હથિયારો વહેંચવાનું શરૂ કર્યું.
યુકે તેમજ પશ્ચિમી દેશોએ રશિયા પર વિવિધ પ્રતિબંધો લાદવાના શરૂ કર્યા.
ચોથો દિવસ
હુમલાના ચોથા દિવસે રશિયન સેના યુક્રેનના બીજા મોટા શહેર ખારકિએવ પહોંચી.
યુક્રેનિયનોના પ્રતિકાર સામે રશિયન રાષ્ટ્રપતિ પુતિને ન્યુક્લિયર ફોર્સને હાઇ ઍલર્ટ પર રહેવા સૂચના આપી.
રશિયા સહિત વિશ્વભરમાં યુદ્ધ વિરુદ્ધ પ્રદર્શનો યોજાયાં. રશિયામાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી.
યુએનએચસીઆર પ્રમાણે, ચાર દિવસમાં યુક્રેનમાંથી વિસ્થાપિત થયેલા લોકોની સંખ્યા 3.68 લાખ સુધી પહોંચી.
પાંચમો દિવસ
રશિયા અને યુક્રેન વચ્ચે બેલારુસની બૉર્ડર પર શાંતિવાર્તા યોજાઈ હતી. જોકે, કોઈ ઉકેલ આવ્યો ના આવ્યો.
રશિયાએ યુકે, જર્મની, સ્પેન, ઇટાલી, કૅનેડા સહિત 36 દેશોમાંથી આવતી ફ્લાઇટો પર પ્રતિબંધ મૂક્યો
સેટેલાઇટ ઇમેજરીમાં રશિયન સેનાનો અંદાજે 25 કિલોમીટર લાંબો કાફલો કિએવ તરફ આગળ વધતો જોવા મળ્યો.
યુક્રેન છોડીને જનારા લોકોની સંખ્યા 4.22 લાખ પર પહોંચી.
છઠો દિવસ
યુક્રેને દાવો કર્યો કે તેમણે રશિયાના પાંચ હજાર સૈનિકોને માર્યા છે. જોકે, રશિયાએ કહ્યું કે તેના માત્ર 500 સૈનિકોનાં જ મૃત્યુ થયાં છે. ખારકિએવના સૅન્ટ્રલ સ્ક્વૅર પર મિસાઇલ હુમલો થતાં 10થી વધુ નાગરિકોનાં મૃત્યુ થયાં. રશિયાએ કિએવના મુખ્ય ટૅલિવિઝન ટાવર પર હુમલો કર્યો. જેમાં તેના કંટ્રોલ રૂમને નુકસાન પહોંચ્યું.
સાતમો દિવસ
રશિયાએ યુક્રેનનાં મુખ્ય શહેરો પર હુમલાની તીવ્રતા વધારી.
ઍપલ, ગુગલ, ફૉર્ડ સહિતની વિશ્વની ટોચની કંપનીઓએ રશિયાના હુમલા વિરુદ્ધ પગલાં ભર્યાં.
સંયુક્ત રાષ્ટ્રના અંદાજ પ્રમાણે, સાતમાં દિવસે યુક્રેન છોડીને જનારા લોકોની કુલ સંખ્યા આઠ લાખને પાર થઈ.
યુક્રેન પર રશિયાના આક્રમણથી વિશ્વમાં ફરી શીતયુદ્ધ શરૂ થશે?
પુતિન પાસે જીતવાની કોઈ તક નથી : યુક્રેનના વિદેશમંત્રી દીમીત્રો કુલેબા
યુક્રેનના વિદેશમંત્રી દીમીત્રો કુલેબાએ એક તસવીર ટ્વીટ કરીને યુક્રેનિયન લોકોના જુસ્સાને બિરદાવ્યો છે.
તેમણે ટ્વિટર પર લખ્યું, "આ ખરા અર્થમાં યુક્રેનના લોકોનું યુદ્ધ છે. પુતિન પાસે જીતવાની કોઈ તક નથી. ગઈકાલે સામાન્ય લોકોએ રશિયન આક્રમણકારીઓનો રોકી રાખ્યો, એની આ તસવીર છે. આવાં અઢળક તસવીરો અને વીડિયો છે. યુક્રેનને એની રીતે આત્મરક્ષા કરવામાં મદદ કરે એવા સાથીદારોની અમારે જરૂર છે. ખાસ કરીને આકાશમાં. હવાઈ સીમા હવે બંધ કરી દો."
રશિયાને લઈને ભારત અને પાકિસ્તાનનું યુએનમાં એક જ વલણ કેમ?
સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા (યુએસજીએ)માં રશિયા વિરુદ્ધ યુક્રેન પર હુમલાને લઈને નિંદા પ્રસ્તાવ 141-5 વોટથી પસાર થયો.
આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે રશિયા યુક્રેનથી પોતાના સૈનિકો કોઈ પણ શરત વગર પાછા બોલાવે.
યુએનજીએમાં કુલ 193 દેશોમાંથી 141 દેશોએ રશિયાની વિરુદ્ધ વોટિંગ કર્યું અને પાંચ દેશોએ રશિયાનો સાથ આપ્યો.
આ પાંચમાંથી એક પોતે રશિયા પણ છે. 35 દેશોએ મતદાનમાં ભાગ ન લીધો જેમાં ભારત, પાકિસ્તાન, ચીન,બાંગ્લાદેશ અને શ્રીલંકા પણ સામેલ છે.
આ પહેલાં પણ ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયાની વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પર વોટિંગમાંથી અનુપસ્થિત રહ્યું છે.
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી: સવારે 11 વાગ્યા સુધી 21.79 ટકા મતદાન
હાલમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 10 જિલ્લામાં વિધાનસભાની 57 બેઠકો પર મતદાન સવારે સાત વાગ્યે શરૂ થઈ ગયું છે.
સવારે 11 વાગ્યા સુધીમાં આ બેઠકો પર 21.79 ટકા મતદાન નોંધાયું છે.આ દસ જિલ્લા પૈકી સૌથી વધારે મતદાન સિદ્ધાર્થનગર (23.42 ટકા)માં નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું 18.98 ટકા મતદાન બલરામપુરમાં નોંધાયું છે.
આજના મતદાનમાં ભાજપમાંથી મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, કૉંગ્રેસમાંથી અજય કુમાર લલ્લુ અને સમાજવાદી પાર્ટીના સ્વામી પ્રસાદ મૌર્ય એ મહત્વપૂર્ણ ચહેરા છે.
આ તમામ બેઠકો પર ભાજપનું વર્ચસ્વ રહ્યું છે. આ 57 વિધાનસભા બેઠકોમાંથી ગત ચૂંટણીમાં 46 બેઠકો પર ભાજપે જીત મેળવી હતી.