You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેને કર્યો રશિયન સૈનિકોથી ભરેલા વિમાનને તોડી પાડવાનો દાવો
યુક્રેનના સંરક્ષણમંત્રીએ દાવો કર્યો છે કે ત્યાંની સેનાએ કિએવ પાસે રશિયન સૈનિકોને લઈ જઈ રહેલા એક વિમાન પર હુમલો કરી ધ્વસ્ત કરી દીધું છે.
લાઇવ કવરેજ
'અમે રશિયા સામે લડીશું', પુતિનને પડકારનાર યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કી કોણ છે?
યુક્રેનમાં ડર અને તબાહીનાં દૃશ્યો જુઓ તસવીરોમાં
રશિયાના યુક્રેન પર હુમલા બાદ સોશિયલ મીડિયામાં 'અખંડ ભારત'ની માગ કેમ ઊઠી?
કિએવમાં નવો કર્ફ્યૂ, મેયર બોલ્યા – બહાર નીકળનારને માનીશું દુશ્મનના સાથીદાર
યુક્રેનના પાટનગર કિએવમાં સ્થાનિક સમયાનુસાર સાંજના પાચ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધી નવો કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.
આ પહેલાં કિએવમાં રાત્રિના દસ વાગ્યાથી માંડીને સાંજના સાત વાગ્યા સુધીનો કર્ફ્યૂ હતો.
કિએવના મેયર વિતાલી ક્લિટ્શ્કોએ ટ્વિટરમાં નવા કર્ફ્યૂનું એલાન કરતા ચેતવણી ઉચ્ચારતાં લખ્યું કે – “કર્ફ્યૂ દરમિયાન રસ્તા પર નજરે પડનાર કોઈ પણ શહેરીને દુશ્મનના તોડફોડ કરનારા સમૂહના સભ્ય માનવામાં આવશે.”
શનિવારે કિએવના ઘણા વિસ્તારોમાં બૉમ્બબ્લાસ્ટ થવાના સમાચાર આવ્યા હતા.
કિએવમાં બે મિસાઇલ હુમલા થવાના પણ સમાચાર આવ્યા હતા જેમાં એક મિસાઇલ એક એપાર્ટમેન્ટર સાથે ટકરાઈ.
જોકે, યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝૅલેન્સ્કીએ થોડી વાર પહેલાં એક વીડિયો સંદેશમાં કહ્યું કે યુક્રેનની સેનાઓનું કિએવ અને તેની આસપાસનાં મુખ્ય શહેરો પર સંપૂર્ણ નિયંત્રણ છે.
યુક્રેનથી હંગરીના રસ્તે 219 ભારતીય મુસાફરોને લઈને ઍર ઇન્ડિયાનું વિમાન મુંબઈ પહોંચ્યું
રશિયા દ્વારા યુક્રેનમાં આક્રમણ દરમિયાન ત્યાં ફસાયેલા ભારતીયોનું એક દળ શનિવારે સાંજે સુરક્ષિત મુંબઈ પહોંચ્યું.
ઍર ઇન્ડિયાનું વિમાન AI 1944 તેમને લઈને સાંજે 7.50 વાગ્યે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજા આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર પહોંચ્યું.
વિમાન મુંબઈ પહોંચ્યું તે સાથે જ તેમાં સવાર થયેલા મુસાફરોએ તાળીઓ પાડીને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો.
યુક્રેને રશિયન સૈનિકોને લઈ જતાં વિમાનને તોડી પાડ્યાનો દાવો કર્યો
યુક્રેનના સંરક્ષણમંત્રીએ દાવો કર્યો છે કે ત્યાંની સેનાએ કિએવ પાસે રશિયન સૈનિકોને લઈ જઈ રહેલા એક વિમાન પર હુમલો કરી ધ્વસ્ત કરી દીધું છે. જેમાં ભારે સંખ્યામાં પેરાટ્રૂપર્સ માર્યા ગયા છે.
જોકે બીબીસી હાલ સ્વતંત્રપણે આ દાવાની પુષ્ટિ નથી કરી. સાથે જ રશિયાના સંરક્ષણમંત્રાલયમાંથી પણ કોઈ ટિપ્પ્ણી નથી આવી.
યુક્રેનના સંરક્ષણમંત્રાલયે ફેસબુક પોસ્ટમાં કહ્યું છે કે યુક્રેનના Su -27 ફાઇટર જેટે રશિયાની સેનાના IL-76 MD વિમાનનો રસ્તો રોક્યો અને તેને ધ્વસ્ત કરી દીધું.
મંત્રાલય પ્રમાણે વિમાનને સ્થાનિક સમયાનુસાર રાત્રિના સાડા બાર વાગ્યે ધ્વસ્ત કરી દીધું હતું, જણાવાયું રશિયાનું આ વિમાન કિએવના ક્ષેત્રમાં પેરાટ્રૂપર્સને ઉતારવાની કોશિશ કરી રહ્યું હતું.
વિમાનની નિર્માતા કંપની પ્રમાણે તોડી પડાયેલા IL-76MD વિમાનચાલકદળના છ-સાત સભ્યો સાથે 167 સૈનિકો લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
યુક્રેનની સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ વેલેરી જાલુઝિનીએ ફેસુબક પર લખ્યું કે આ 2014ના લુહાન્સ્કનો બદલો છે. તે આઠ વર્ષ પહેલાં 40 પેરાટ્રૂપર્સને લઈ જઈ રહેલા એક યુક્રેનના વિમાનને તોડી પડાયાના બનાવનો ઉલ્લેખ કરી રહ્યા હતા.
આ દરમિયાન રશિયાની સેનાના પ્રવક્તા મેજર જનરલ ઇગોર કોનાશેનકોવે શનિવારે કહ્યું કે યુક્રેન પર આક્રમણ દરમિયાન રશિયાની કોઈ પણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ નથી.
યુક્રેન સંઘર્ષ : રશિયનો દ્વારા રાષ્ટ્રપતિ પુતિનનો વિરોધ, જુઓ રશિયામાં શું સ્થિતિ છે?
યુક્રેન-રશિયા સંઘર્ષમાં અમેરિકા સૈનિકો કેમ નથી મોકલી રહ્યું?
મને પકડવાનો રશિયાનો પ્લાન નિષ્ફળ, યુક્રેનના રાષ્ટ્રપતિ નવા વીડિયોમાં બોલ્યા
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ શનિવારે ફરી એક વખત વીડિયો સંદેશ જારી કર્યો છે. જેમાં તેમણે દાવો કર્યો છે કે તેમના સૈન્યે રશિયાની એ યોજનાને નિષ્ફળ બનાવી દીધી જેમાં ગત રાત્રિ દરમિયાને તેમને પકીને તેમના સ્થાને પોતાના કોઈ નેતાને બેસાડવા માગતા હતા.
ઝૅલેન્સ્કીએ આ સંદેશમાં કહ્યું, “અમે તેમનો પ્લાન નિષ્ફળ કરી દીધો.”
તેમણે કહ્યું કે યુક્રેનની સેનાઓનું પાટનગર કિએવ અને તેની આસપાસનાં મુખ્ય શહેરો પર સંપૂર્ણ નિયંત્રણ છે અને યુક્રેનના દરેક શહેરમાં રશિયન સૈનિકોને કઠોર ટક્કર મળી રહી છે.
તેમણે સાથે જ રશિયાની જનતાને આગ્રહ કર્યો કે તેઓ પોતાના રાષ્ટ્રપતિ પર હુમલા બંધ કરવા માટે દબાણ કરે.
તેમણે પોતાના ભાષણના અમુક અંશો રશિયન ભાષામાં કહ્યા, “હજારો પીડિતો, સેંકડો બંદીઓને સમજ નથી પડી રહી કે તેમને યુક્રેન કેમ મોકલવામાં આવ્યા છે. તેમને અહીં મરવા અને બીજાને મારવા મોકલી દીધા.”
“તમે જેટલી જલદી તમારી સરકારોને કહેશો કે આ લડાઈ તરત બંધ કરો, તમારા એટલા જ લોકો જીવતા બચશે.”
ઝૅલેન્સ્કીએ આ પહેલાં કિએવના માર્ગો પર ચાલતાં ટ્વિટર પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેમણે એ વાતને ખોટી સાબિત કરી કે તેમણે પોતાની સેનાને રશિયા સામે આત્મસમર્પણ કરવાના આદેશ આપ્યા છે.
તેમણે એ વીડિયોમાં કહ્યું કે – “હું અહીં જ છું. અમે હથિયાર હેઠાં નહીં મૂકીએ. અમે અમારા દેશનું રક્ષણ કરીશું.”
યુક્રેનના રાષ્ટ્રતિ ઝૅલેન્સ્કીએ કરી PM મોદી સાથે વાત, સમર્થનની કરી માગ
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝૅલેન્સ્કીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે.
તેમણે લખ્યું છે કે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના હુમલાની જાણકારી આપી અને કહ્યું કે, “એક લાખ કરતાં વધુ હુમલાખોરો તેમની જમીન પર ધસી આવ્યા છે અને રહેણા ઇમારતો પર ઘાતક હુમલા કરી રહ્યા છે.”
તેમણે સાથે જ લખ્યું કે, “અમે ભારતને આગ્રહ કરીએ છીએ કે તેઓ અમને સુરક્ષાપરિષદમાં રાજકીય સમર્થન આપે. આપણે સાથે મળીને હુમલાખોરોને રોકીએ.”
યુક્રેનના પાટનગર કિએવમાં બૉમ્બમારા વચ્ચે શેલ્ટરમાં જન્મી બાળકી મીઆ, તસવીર થઈ વાઇરલ
યુક્રેનના પાટનગર કિએવ પર રશિયાનો જોરદાર હુમલો ચાલુ છે, તે દરમિયાન યુક્રેનની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. જેમાં એક મહિલા યુઝરે કિએવમાં જન્મેલ બાળકી મીઆ વિશે લખ્યું છે.
તેમણે લખ્યું છે કે, “એક તરફ કિએવ પર બૉમ્બમારાની તણાવપૂર્ણ સ્થિતિ છે તો બીજી બાજુ શેલ્ટરમાં મીઆનો જન્મ થયો છે. તેનાં માતા આ પડકારજનક પ્રક્રિયામાંથી પસાર થયા બાદ ખુશ છે. જ્યારે એક તરફ પુતિન યુક્રેનવાસીઓની હત્યા કરી રહ્યા છે, તેવા સમયે અમે રશિયા અને બેલારુસનાં માતાઓને યુક્રેન પર રશિયાના આક્રમણનો વિરોધ કરવા આગ્રહ કરીએ છીએ. અમે જીવન અને માનવતાને બચાવીએ છીએ!”
યુક્રેનમાં રશિયાનો મિસાઇલ હુમલો, રશિયાના 3500 સૈનિકો મર્યાનો દાવો
રશિયાએ પ્રતિબંધો અંગે કહ્યું – પશ્ચિમ સાથે રાજદ્વારી સંબંધ નથી જોઈતા, ભલે બંધ થતાં દૂતાવાસ, રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મેદવેદેવની આ પ્રતિક્રિયા પશ્ચિમ તરફથી રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધો બાદ આવી છે.
રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મેદવદેવે કહ્યું છે કે તેમના દેશને પશ્ચિમના દેશો સાથે રાજદ્વારી સંબંધ જાળવી રાખવાની કોઈ જરૂર નથી.
મેદવેદેવની આ પ્રતિક્રિયા પશ્ચિમ તરફથી રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધો બાદ આવી છે.
વર્ષ 2020માં મેદવદેવને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાતિમીર પુતિને વડા પ્રધાનપદેથી બરખાસ્ત કરી દીધા હતા.
તેઓ હાલ રશિયાની સુરક્ષાપરિષદના ઉપાધ્યક્ષ છે.
મેદવદેવ હુમલા વચ્ચે રશિયન સોશિયલ મીડિયા નેટવર્ક વીકે પર એક પોસ્ટમાં લખ્યું છે કે હવે “હવે દૂતાવાસોને બંધ કરવાનો” સમય આવી ગયો છે.
તેમણે લખ્યું કે રશિયા યુક્રેન પર એ સમય સુધી હુમલો કરવાનું જારી રાખશે જ્યાં સુધી તેઓ વ્લાદિમીર પુતિનનું લક્ષ્ય હાંસલ નથી કરી લેતા.
જોકે હજુ એ સ્પષ્ટ નથી થયું કે પુતિન શું હાંસલ કરવા માગે છે.
મેદવદેવે સાથે જ પોતાની પોસ્ટમાં રશિયામાં મૃત્યુદંની સજા બહાલ કરવાની પણ વકીલાત કરી.
જો તમે હમણા જ જોડાયા હોવ તો...
આજે યુક્રેન પર રશિયાના હુમલાનો ત્રીજો દિવસ છે. આ રહી આજના દિવસના કેટલીક લેટેસ્ટ અપડેટ્સ...
- યુક્રેનની રાજધાની કિએવમાં એક રહેણાક ઈમારત પર રશિયન મિસાઇલ ત્રાટકી હતી. જેમાં ઈમારતને નુક્સાન પહોંચ્યું હતું.
- આજે સવારથી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ સરેન્ડર કર્યું હોવાના અને દેશ છોડીને ચાલ્યા ગયા હોવાના અહેવાલો ફરતા થયા હતા. જોકે રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ શહેરના ખ્યાતનામ સ્થળ પાસેથી વીડિયો જારી કરીને આ વાતને રદિયો આપ્યો હતો.
- રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તેમણે દક્ષિણપૂર્વમાં આવેલ મૅલિતોપૉલ શહેર પર કબજો મેળવ્યો છે. જોકે, યુકેના મંત્રીએ બીબીસીને જણાવ્યું કે તેમને આ દાવામાં ગડબડ લાગે છે.
- યુકેના મંત્રી જેમ્સ હિપ્પેએ કહ્યું કે યુકે અને અન્ય 25 રાષ્ટ્રો યુક્રેનને હથિયાર આપવા સહમત થયા છે.
- યુક્રેનના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, બે બાળકો સહિત 198 યુક્રેનવાસીઓના અત્યાર સુધી મૃત્યુ થયાં છે. જ્યારે એક હજારથી વધારે લોકો ઇજાગ્રસ્થ થયા છે.
- રશિયાના યુક્રેન પર હુમલાને પગલે પૉલેન્ડે 2022 વર્લ્ડ કપમાં રશિયા સામે 24 માર્ચના રોજ યોજાનારી પ્લેઑફમાં રમવાની ના પાડી દીધી છે.
- સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અંદાજ લગાવવામાં આવ્યો છે કે છેલ્લા 48 કલાકમાં અંદાજે એક લાખ લોકો યુક્રેનમાંથી હિજરત કરી ચૂક્યાં છે.
યુકેના મંત્રીએ કહ્યું, યુક્રેનને વધારે હથિયારો મોકલાવાશે
યુકેના મંત્રી જેમ્સ હિપ્પેએ કહ્યું કે યુકે અને 25 અન્ય દેશોએ યુક્રેનને માનવતાવાદી અને લડાયક સહાય પૂરી પાડવામાં સહમતિ દર્શાવી છે.
તેમણે બીબીસી રેડિયો ફોરના ટુડે પ્રોગ્રામમાં કહ્યું કે, યુકે હવે અન્ય રાષ્ટ્રો સાથે ભેગા મળીને યુક્રેનિયનો સુધી હથિયારો પહોંચાડવા પર કામ કરશે.
જોકે, આ અંગે તેમણે વધુ માહિતી આપી ન હતી.
તેમણે વધુમાં કહ્યું કે તેઓ રશિયાને સ્વિફ્ટ ઇન્ટરનેશનલ બૅન્ક ટ્રાન્સફર સિસ્ટમમાંથી કાઢવા માટે અન્ય દેશોને મનાવવા રાજદ્વારી પ્રયાસો આગળ વધારશે.
કિએવના મેયરે કહ્યું, 'ડઝનબંધ લોકો ઘાયલ'
યુક્રેનની રાજધાની કિએવના મેયરે કહ્યું કે કાલે રાત દરમિયાન શહેરમાં થયેલી લડાઈમાં 35 લોકો ઘાયલ થયા છે.
મેયર વિતાલી ક્લિત્શ્કોએ કહ્યું કે આ ઘાયલ લોકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.
અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે મેયર જે ઘાયલ લોકોની વાત કરી રહ્યા છે, તે તમામ સામાન્ય નાગરિકો હતા કે પછી સૈનિકો.
મેયરે કહ્યું કે શહેરમાં અત્યારે રશિયન સેના મોટી સંખ્યામાં હાજર નથી, પરંતુ તોડફોડ કરનારાં રશિયન જૂથો સક્રિય છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીનો સંદેશ
બ્રેકિંગ, કિએવમાં રહેણાક ઇમારત પર મિસાઇલ ત્રાટકી
સમાચાર સંસ્થા રૉયટર્સ અનુસાર, યુક્રેનની રાજધાની કિએવના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલી એક રહેણાક ઇમારત પર મિસાઇલ ત્રાટકી છે.
શનિવારે સવારના સમયે આ ઘટના ઘટી હોવાનું રૉયટર્સ જણાવે છે.
સ્થાનિક તંત્રને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે બે મિસાઇલો છોડવામાં આવી હતી, જેમાંથી એક આ બહુમાળી ઇમારત પર ત્રાટકી હતી.
જ્યારે અન્ય એક મિસાઇલ કિએવના ઍરપૉર્ટ પાસે પડી હતી.
બ્રેકિંગ, યુક્રેનનું મેલિતોપોલ શહેર કબજે કર્યું હોવાનો રશિયાનો દાવો
રશિયન સૈનિકોએ યુક્રેનના દક્ષિણ ભાગમાં આવેલા મેલિતોપોલ શહેર પર કબજો કરી લીધો છે.
રશિયન સમાચાર એજન્સી ઇન્ટરફૅક્સ અને સ્પુતનિકે દેશના સંરક્ષણ મંત્રાલયને ટાંકીને આ સમાચાર આપ્યા છે.
દક્ષિણ યુક્રેનના પ્રાંત ઝપોરિજ્યા સ્થિત મેલિતોપોલ શહેર યુક્રેનના એક મહત્ત્વપૂર્ણ બંદર મારિઉપોલથી નજીક છે.