You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

કોરોના વાઇરસ : ગુજરાતમાં 2,815 પૉઝિટિવ કેસો નોંધાયા, 127 લોકોનાં મૃત્યુ

કોરોના વાઇરસ અંગે ગુજરાત, ભારત તથા વિશ્વભરમાં શું છે સ્થિતિ?

લાઇવ કવરેજ

  1. કોરોના વાઇરસ : ગુજરાતમાં લૉકડાઉન વચ્ચે કેસ કેમ વધી રહ્યા છે?

  2. નમસ્તે

    બીબીસી ગુજરાતીનું કોરોના મહામારીનું લાઇવ કવરેજ અત્યારે અટકાવીએ છીએ. આવતીકાલે નવી અપડૅટ્સ સાથે ફરીથી મળીશું.

    સુરક્ષિત રહેશો. શુભ રાત્રિ.

  3. કોરોનામાં રમઝાન : મક્કા સહિત અનેક મસ્જિદોમાં સન્નાટો

    ઇસ્લામનો સૌથી પવિત્ર મહિનો રમઝાન શરૂ થયો છે ત્યારે આ વર્ષ રમઝાન બિલ્કુલ અલગ હશે. મસ્જિદોમાં ભેગા ન થવા અને ઇફ્તારીના સમયે કર્ફ્યુ જેવા પગલાને કારણે મુસ્લિમો માટે રમઝાન પહેલા જેવી નહીં રહે.

    કોરોના મહામારી વચ્ચે મુસ્લિમોના સૌથી પવિત્ર સ્થળ મક્કાના હરમ શરીફમાં સન્નાટો પ્રસરી ગયો છે.

    સામાન્ય દિવસોમાં અહીં લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે. રમઝાન દરમિયાન અહીં પાંચ લાખ લોકો એક સાથે ઇફ્તાર કરતા હોય છે.

    પરંતુ કોરોના સંક્રમણને કારણે મક્કાને પણ બંધ કરવામાં આવ્યું હતું.

    ભારતમાં પણ મુસ્લિમ સંગઠનોએ લોકોને ઘરમાં જ રહેવા અને મસ્જિદમાં નમાઝ નહીં પઢવા કહ્યું છે. દેશના અનેક શહેરોમાં આવેલી મુખ્ય મસ્જિદોએ સન્નાટો જોવા મળ્યો.

  4. ગુજરાતમાં પ્લાઝ્મા આપવામાં આવ્યો એ દર્દીઓની હાલત કેવી છે?

    ગુજરાતમાં કોવિડ-19 દર્દીઓની સારવાર માટે પ્લાઝ્મા પદ્ધતિની શરૂઆત કરવામાં આવી છે.

    રાજ્યનાં આરોગ્ય વિભાગ મુજબ અમદાવાદની એસ.વી.પી હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા બે દર્દીઓને પ્લાઝમા આપ્યા પછી તેમની ઑકિસજનની જરૂરિયાત ઓછી થઈ છે.

    આ બે દર્દીઓમાં એક 50 વર્ષના પુરુષ અને 50 વર્ષનાં એક મહિલા છે.

    ગુજરાત સરકાર પ્રમાણે આ પદ્ધતિથી સારવાર શરૂ કરીને ઐતિહાસિક પહેલ કરી હતી પરંતુ ગુજરાત સિવાય દિલ્હીમાં પણ કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સારવારમાં પ્લાઝ્મા પદ્ધતિની શરૂઆત કરવામાં આવી છે.

    આરોગ્ય વિભાગ મુજબ અમદાવાદમાં બે દર્દીઓને કનવલસન્ટ પ્લાઝમા આપ્યા પછી બે દિવસે એટલે કે શુક્રવારે તેમને કંટ્રોલ ગ્રુપના અન્ય દર્દીઓ કરતા ઓછા પ્રમાણમાં ઑક્સિજનની જરૂર પડી છે.

    આ માટે ગુજરાત સરકારે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા પાસેથી મંજૂરી માગી હતી.

    18 એપ્રિલે કોરોના સંક્રમણમાંથી સાજા થયેલા લોકોના લોહીમાંથી પ્લાઝમા લઈને જરૂરી પરીક્ષણ કર્યા હતા.

    શું છે પ્લાઝ્મા પદ્ધતિ અહીં જાણો

  5. દિલ્હીનાં ઝૂમાં વાઘણનું મૃત્યુ, કોવિડ-19 ટેસ્ટ થશે

    દિલ્હીનાં પ્રાણીસંગ્રહાલયમાં એક વાઘણનું મૃત્યુ થઈ ગયું હતું.તેનું સૅમ્પલ બરેલીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યું.

    ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સમાચાર આપ્યા કે વાઘણની કિડની ફેલ થતા તેનું મૃત્યુ થયું હતું.

  6. બ્રેકિંગ, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 191 નવા કેસ અને 15 મૃત્યુ

    ભારતમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યામાં ગુજરાત બીજા ક્રમે છે.

    સૌથી વઘારે કેસ મહારાષ્ટ્રમાં છ હજારને પાર છે ત્યારે ગુજરાતમાં શુક્રવારે જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ કુલ 2815 કેસ છે.

    રાજ્યમાં મરણાંક 127 થયો છે ત્યારે 265 લોકો સાજા થયા છે.

    છેલ્લા 24 કલાકમાં 191 કેસ સામે આવ્યા હતા અને 15 મૃત્યુ નોંધાયા.

    રાજ્યના કુલ કોરોના સંક્રમિતોમાં થી લગભગ 89 ટકા કેસ અમદાવાદ, સુરત અને વડોદરામાં છે.

    અમદાવાદમાં સૌથી વધારે 1821 કેસ છે અને 83 મૃત્યુ થયા છે.

    સુરતમાં 462 કેસ છે ત્યારે વડોદરામાં 223 કેસ છે.

    સૌરાષ્ટ્રમાં રાજકોટ અને ભાવનગરમાં પણ કેટલાક કેસ આવ્યા છે. રાજકોટમાં કોરોના સંક્રમણના 41 કેસ સામે આવ્યા છે અને ભાવનગરમાં 35 કેસ સામે આવ્યા છે. ભાવનગરમાં મરણાંક પાંચ જેટલો છે અને રાજકોટમાં એક પણ મૃત્યુ નથી થયું.

    આણંદમાં 36 અને ભરૂચમાં 29 કેસ સામે આવ્યા છે. આણંદમાં કોરોના સંક્રમણને કારણે બે લોકોના મૃત્યુ થયા છે.

    ગાંધીનગરમાં 19 કેસ અને બે મરણાંક છે.

    બોટાદમાં એક કેસ વધતા કુલ સંખ્યા 12 થઈ ગઈ હતી.

    ત્યારે પંચમહાલમાં ત્રણ નવા કેસ સામે આવ્યા હતા, અહીં કુલ સંખ્યા 15 થઈ ગઈ છે.

    ગુરુવારથી શુક્રવાર સુધીમાં અમદાવાદમાં 14 મૃત્યુ નોંધાયા છે અને સુરતમાં એક મૃત્યુ નોંધાયું છે.

    રાજ્યમાં 29 જિલ્લાઓમાં કોરોના વાઇરસનું સંક્રમણ પહોંચી ચૂક્યું છે ત્યારે 15 જિલ્લાઓમાં એક પણ મૃત્યુ નથી થયું.

    કોરોના સંક્રમણને કારણે થયેલ મૃત્યુમાંથી 65 ટકા જેટલાં મૃ્ત્યુ માત્ર અમદાવાદમાં જ થયાં છે.

  7. યુરોપમાં લૉકડાઉન હઠાવવાની તૈયારી કેવી છે?

    ઇટાલી : ઇટાલીમાં લૉકડાઉન હઠાવવાના બીજા તબક્કાની તૈયારી ચાલી રહી છે. 14 એપ્રિલથી ત્યાં સીમિત રૂપે ઢીલ આપવામાં આવી હતી. ખાવા-પીવાના સામાન અને દવાઓની દુકાન સિવાય અમુક નાની દુકાનોને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે.

    માનવામાં આવી રહ્યું છે કે આવનારા સોમવારથી લૉકડાઉનમાં ઢીલ આપવાની શરૂઆત થશે.

    ચેક રિપબ્લિક: સરકારે અહીં લોકોના આવનજાવન પર પાબંદી શુક્રવારીથી હઠાવી લીધી છે. ચેક આરોગ્ય મંત્રાલય મુજબ હવે ત્યાં સમૂહમાં દસ લોકો કરતા વધારે લોકો બહાર નહીં જઈ શકે.

    ચેક રિપલ્બિકમાં 16 માર્ચથી લૉકડાઉન ચાલુ હતું.

    સોમવારથી ચેક રિપબ્લિકમાંથી બહાર જવાની પરવાનગી મળશે પરંતુ શરતો લાગુ રહેશે. યુરોપિયન સંઘના લોકોએ દેશની સરહદ પર ટેસ્ટ કરાવવો પડશે અને પુરાવા આપવા પડશે કે તેઓ હાલમાં કોરોના સંક્રમિત નહોતા થયા.

    બેલ્જિયમ : અહીં નિષ્ણાતોની એક પૅનલ ચાર મેથી લૉકડાઉનમાં ઢીલ આપવા અંગે પોતાના સૂચન જાહેર કરશે. 18 મેથી આ ઢીલ વધારવામાં આવશે. તેમાં સ્કૂલનો પણ સમાવેશ થઈ શકે છે.

  8. યુકેમાં છેલ્લા 24 કલાકમાં 684 મૃત્યુ

    બ્રિટનના આરોગ્ય વિભાગે કહ્યું છે કે યુકેના હૉસ્પિટલોમાં છેલ્લા 24 કલાકમાં 684 મૃત્યુ થયાં છે.

    બ્રિટનમાં 18,401 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 5,386 લોકો પૉઝિટિવ આવ્યા હતા.

  9. 'લૉકડાઉનને કારણે 23 હજાર કેસ છે નહીં તો હોત 73 હજાર કેસ'

    નીતિ આયોગના સભ્ય ડૉ વી કે પૉલે કહ્યું છે કે અમારા વિશ્લેષણ પ્રમાણે લૉકડાઉનને કારણે દેશમાં કોવિડ19 સંક્રમણના કેસનો ડબલિંગ રેટ ધીમો પડ્યો છે અને લોકોના જીવ બચાવવામાં અસરકારક સાબિત થયું છે. લૉકડાઉનને કારણે ભારતમાં કોરોના સંક્રમણના આજે 23 હજાર કેસ છે, લૉકડાઉન વગર આ સંખ્યા 73 હજાર હોત.

    કોરોના સંક્રમણના ડબલિંગ રેટનો અર્થ છે કેટલા દિવસમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા બે ગણી થાય છે.

  10. "અમદાવાદ અને સુરત સહિતનાં પાંચ શહેરોમાં પરિસ્થિતિ ગંભીર"

    ભારતમાં ગૃહમંત્રાયલે કહ્યું છે કે અમદાવાદ, સુરત, થાણે, હૈદરાબાદ અને ચેન્નઈમાં કોવિડ-19 સંક્રમણને જોતાં પરિસ્થિતિ ગંભીર બની છે.

    ત્યારે સરકારી અધિકારી પુણ્ય સલીલા શ્રીવાસ્તવે કહ્યું કે ભારતમાં છ ઇન્ટર મિનિસ્ટેરિયલ સેન્ટ્રલ ટીમ (આઈએમસીટી) હતી, એ સિવાય આવી ચાર નવી ટીમ બનાવવામાં આવી છે જે અમદાવાદ, સુરત, હૈદરાબાદ અને ચેન્નઈમાં કામ કરશે.

  11. સ્પેનથી રાહતના સમાચાર, દિવસનો સૌથી ઓછો મરણાંક

    સ્પેનમાં છેલ્લા એક મહિનામાં પ્રથમ વખતે કોઈ એક દિવસનો મરણાંક સૌથી ઓછો નોંધાયો છે.

    છેલ્લા 24 કલાકમાં સ્પેનમાં 367 સંક્રમિત દર્દીઓનાં મૃત્યુ થયાં છે.

    સ્પેનમાં કોવિડ-19થી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 22,524ને પાર થઈ છે.

    હાલ સ્પેનમાં સંક્રમિતોની સંખ્યા લગભગ બે લાખ 20 હજાર છે.

    અમેરિકમાં સૌથી વઘારે કોરોના સંક્રમણના કેસ છે, બીજા ક્રમે ઇટાલી અને ત્રીજા ક્રમે સ્પેન આવે છે.

  12. 'લૉકડાઉન કરવાનો નિર્ણય સમયસર અને અસરકારક હતો'

    આરોગ્ય મંત્રાલય મુજબ ભારતમાં કોવિડ-19ના કેસનો ડબલિંગ રેટ હવે 10 દિવસ છે.

    એટલે કે ભારતમાં હાલ કોરોના સંક્રમણના કેસને બે ગણા થતા દસ દિવસનો સમય લાગે છે.

    સરકારનું માનવું છે કે લૉકડાઉનનો નિર્ણય સમયસર હતો અને તેનાથી કોરોના વાઇરસને ફેલાતો રોકવામાં મદદ મળી છે.

    નવી દિલ્હીમાં પત્રકારપરિષદમાં આરોગ્ય મંત્રાલયના અધિકારીએ જણાવ્યું છે કે રાજ્ય અને જિલ્લા સ્તરે કમ્યુનિટી સર્વેલન્સ ચલાવવામાં આવી રહ્યું છે, જેથી દેશમાં કોરોના વાઇરસના કમ્યુનિટી સ્પ્રેડને રોકી શકાય.

  13. બ્રેકિંગ, ભારતમાં કોરોના સંક્રમણના કેસ 23,077 થયા, રિકવરી રેટ 20.57

    ભારતનાં પરિવાર કલ્યાણ અને આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં 1684 કેસ સામે આવ્યા છે અને દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 23,077 થઈ ગઈ છે.

    તેમણે કહ્યું કે દેશમાં રિકવરી રેટ 20.57 ટકા છે. અત્યાર સુધી ભારતમાં 4,748 દર્દીઓ કોરોના વાઇરસના સંક્રમણમાંથી સાજા થયા છે.

    તેમણે કહ્યું કે છેલ્લા 28 દિવસમાં 15 જિલ્લાઓમાં એક પણ નવો કેસ નથી આવ્યો. અત્યાર સુધી ભારતમાં 80 જિલ્લાઓ છે જ્યાં છેલ્લા બે અઠવાડિયામાં એક પણ નવો કેસ સામે નથી આવ્યો.

    ત્યારે આરોગ્ય મંત્રાલયના અધિકારી પુણ્ય સલીલા શ્રીવાસ્તવે કહ્યું કે ભારતમાં છ ઇન્ટર મિનિસ્ટેરિયલ સેન્ટ્રલ ટીમ (આઈએમસીટી) હતી, એ સિવાય આવી ચાર નવી ટીમ બનાવવામાં આવી છે જે અમદાવાદ, સુરત, હૈદરાબાદ અને ચેન્નઈમાં કામ કરશે.

    નૅશનલ સેન્ટર ફૉર ડિઝિઝ કંટ્રોલના ડાયરૅક્ટર ડૉ સુજીત સિંહે જણાવ્યું કે કોવિડ-19 સામે સર્વેલન્સ એક પ્રાથમિક હથિયાર છે. સર્વેલન્સ સિસ્ટમમાં હાલ 9.45 લાખ લોકો આવેલા છે.

  14. બ્રેકિંગ, કોરોના સામે લડવા ડોનાલ્ડ ટ્રમ્પે આપી એક વિચિત્ર સલાહ, ડૉક્ટરોએ કરી ટીકા

    અમેરિકામાં મેડિકલ નિષ્ણાતોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કોરોના વાઇરસથી લડવા માટે શરીરમાં ડિસઇન્ફૅક્ટૅન્ટ ઇન્જૅક્ટ કરવા અંગે આપેલા નિવેદનની ટીકા કરી છે.

    ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે શું શરીરમાં ડિસઇન્ફૅક્ટૅન્ટ ઇન્જૅક્ટ કરવાથી કોરોના વાઇરસની સારવાર થઈ શકે છે, તેના પર સ્ટડી થવી જોઈએ.

    અમેરિકામાં અત્યાર સુધી કોરોના સંક્રમણને કારણે 50 હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયા છે અને લગભગ નવ લાખ લોકો સંક્રમિત થયા છે. ન્યૂ યૉર્કમાં સૌથી વધારે લોકો પ્રભાવિત થયા છે. એકલા ન્યૂ યૉર્ક શહેરમાં 20 હજારથી વધારે મૃત્યુ થયાં છે.

    ટ્રમ્પે કોવિડ-19ના દર્દીઓના શરીરને અલ્ટ્રવાયોલૅટ રેઝથી વિકિરણિત કરવાની વાત પણ કહી પરંતુ આ પત્રકારપરિષદમાં હાજર રહેલાં એક ડૉક્ટરે આ વાતને નકારી કાઢી હતી.

    આ પત્રકારપરિષદમાં એક અધિકારીએ સૂર્યનાં કિરણો અને ડિસઇન્ફૅક્ટૅન્ટથી સંક્રમણને ખતમ કરવાની વાત કહી હતી.

    જોકે ડિસઇન્ફૅક્ટૅન્ટ એક નુકસાનદાયક પદાર્થ છે અને શરીરમાં તેને ઇન્જૅક્ટ કરવાથી તે ઝેરી સાબિત થઈ શકે છે.

    ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે પત્રકારપરિષદમાં હાજર વરિષ્ઠ ડૉ ડૅબોરાહ બિર્ક્સ તરફ ઇશારો કરતા કહ્યું હતું કે "શરીર પર અલ્ટ્રા વાયોલૅટ અથવા શક્તિશાળી પ્રકાશ વાપરવામાં આવે તો? મને લાગે છે કે તમે કહ્યું હતું કે હજી આના પર પ્રયોગ નથી કરવામાં આવ્યો પરંતુ તમે આનું ટેસ્ટિંગ કરવાના છો."

    આ પત્રકારપરિષદ ટાસ્ક ફોર્સના એક સ્ટડીના પરિણામ જાહેર કરવા માટે આયોજિત કરવામાં આવી હતી.

    અહીં ડોનાલ્ડ ટ્રમ્પેના સંબોધન પહેલા વ્હાઇટ હાઉસના એક અધિકારીએ કહ્યું કે સૂર્યનાં કિરણો અને ડિસઇન્ફૅક્ટૅન્ટથી સંક્રમણના ખતમ થવાની વાત બધા જાણે છે.

    રાષ્ટ્રપતિ ટ્રમ્પની પબ્લિક હૅલ્થ એજન્સી અગાઉ બ્લીચને દવાના રૂપમાં વાપરવા અંગે ચેતવણી આપી ચુકી છે.

    અમેરિકન સરકારની આ સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો કે સલાઇવા અને શ્વસન તંત્રમાં હાજર કોરોના વાઇરસને બ્લીચ પાંચ મિનિટમાં ખતમ કરી શકે છે. તથા આઇસોપ્રોપાઇલ ઍલ્કોહલ આ વાઇરસનો ઝડપી નાશ કરી શકે છે.

    આઇસોપ્રોપાઇલ ઍલ્કોહલને ડિસઇન્ફૅક્ટૅન્ટ, ડિટર્જન્ટ અને ઍન્ટીસૅપ્ટિક જેવા કેમિકલમાં વાપરવામાં આવે છે.

    યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યોરિટીઝ સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી ડાયરૅક્ટરેટના કાર્યકારી પ્રમુખ વિલિયમ બ્રાયને આ સ્ટડીના પરિણામ જાહેર કર્યા.

    રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું આ બાબતે વધારે રિસર્ચ થઈ શકે છે.

    પત્રકારપરિષદમાં એક પત્રકારે પ્રશ્ન કર્યો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિચાર્યા વગર નિવેદન આપે છે તેનાથી અમેરિકામાં ખોટા સમાચાર ફેલાઈ શકે છે જે બહુ ખતરનાક છે.

    ડૉક્ટરોએ ચેતવણી આપી છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના આ આઇડિયાનું પરિણામ વિનાશકારી હોઈ શકે છે.

    ડૉક્ટરોએ ચેતવણી આપી કે કોઈ પણ પ્રકારના ક્લિન્ઝિંગ પ્રૉડક્ટ શરીરમાં ઇન્જૅક્ટ કરવાની ધારણા વ્યાજબી નથી અને ખતરનાક છે. જ્યારે લોકો પોતાનો જીવ લેવા માગતા હોય ત્યારે આવું કરે છે.

  15. બ્રેકિંગ, 'અમદાવાદમાં જો આ જ ડબલિંગ રેટ રહ્યો તો કોરોના કેસોની સંખ્યા 8 લાખ થઈ શકે'

    અમદાવાદના કમિશનર વિજય નહેરાએ સમજાવ્યું કેસોના ડબલિંગ રેટનું આ ગણિત.

  16. બ્રેકિંગ, રાહુલ ગાંધીએ કહ્યું 'મોંઘવારી ભથ્થું ન વધારવું અમાનવીય'

    કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોરોના સંકટને કારણે કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવતા મોંઘવારી ભથ્થાંના નવા દરને દોડ વર્ષ પાછા ઠેલવાના સરકારના નિર્ણયની ટીકા કરી છે.

    તેમણે લખ્યું છે કે સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને મળતું મોંઘવારી ભથ્થું ન વધારવાનો નિર્ણય 'અસંવેદનશીલ અને અમાનવીય' છે.

  17. ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિતોની સંખ્યા વધીને 23,077એ પહોંચી

    ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 23077એ પહોંચી છે.

    કેન્દ્ર સરકારના સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે, ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણથી હાલ સુધીમાં 718 લોકોના મૃત્યુ થયા છે. જ્યાર 4749 લોકો સાજા થયા છે.

    ભારતમાં સંક્રમણના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે. અહીં સંક્રમણના 6430 કેસ સામે આવ્યા છે. જ્યારે રાજ્યમાં 283 લોકોના મૃત્યુ થયા છે.

    દેશમાં બીજા નંબરે ગુજરાત છે. અહીં સંક્રમણના 2624 કેસ છે.

    ગુજરાતમાં હાલ સુધી 258 લોકો સાજા થયા છે. જ્યારે 112 લોકો મૃત્યુ પામ્યા છે.

    ત્રીજા ક્રમે દિલ્હી છે. જ્યાં સંક્રમણના કેસની સંખ્યા 2376 છે અને મૃત્યુ પામનારની સંખ્યા 50 છે.

  18. 'કોરોના વાઇરસનો સામનો કરવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નમૂનેદાર કામગીરી' - દૃષ્ટિકોણ

  19. બ્રેકિંગ, 30 મે સુધી સિનિયર સિટીઝન ઘરની બહાર ન નીકળે : વિજય નહેરા

    અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ટ્વિટર લાઇવમાં જણાવ્યું કે કોરોના વાઇરસનો સૌથી વધારે ખતરો સિનિયર સિટીઝનને હોવાથી તેઓ 30 મે સુધી ઘરની બહાર ન નીકળે.

    અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન વડીલોને બચાવવા માટે સેવ અવર સિનીયર સિટીઝન વડીલોની પડખે અમદાવાદ અભિયાન શરૂ કરશે.

    વિજય નહેરાએ જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા લોકોની ઉંમર 60 વર્ષથી ઉપરની અને 40-60 વર્ષના જે લોકોને ડાયાબિટીસ, હાર્ટ, કિડની, હાયપર ટેન્શન જેવી કોઈ પણ બીમારી છે તેઓ વધારે મૃત્યુ પામી રહ્યા હોવાથી આ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે.

    લૉકડાઉન પછી સિનિયર સિટીઝનને વાઇરસથી બચાવવા લોકોને આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું, "ઘરની બહાર સિનિયર સિટીઝન ના નીકળે યુવાનો ના નીકળે.

    ઘરમાં પણ કાળજી લેવાય. નજીકથી બેસીને વાત કરતી વખતે માસ્ક પહેરીને જવાત કરે." વિજય નહેરાએ કહ્યું કે પૉઝિટિવ હોવા છત્તાં યુવાનો ક્રિકેટ રમી રહ્યા છે. જ્યારે ઘરડા માણસોને જ ઘણી ચિંતા છે.

  20. કોરોના વાઇરસ : એ સવાલ, જેના જવાબ તમે શોધી રહ્યા છો