You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેન્દ્ર સરકારે સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો વિરોધ કર્યો
કેન્દ્ર સરકારે એક એફિડેવિટમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપતી અરજીનો વિરોધ કર્યો છે.
લાઇવ કવરેજ
ઑસ્કર 2023માં ભારતની ધૂમ, ધ ઍલિફન્ટ વિસ્પરર અને 'નાટૂ નાટૂ'ને ઍવૉર્ડ
કેન્દ્ર સરકારે સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો વિરોધ કર્યો
કેન્દ્ર સરકારે એક એફિડેવિટમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપતી અરજીનો વિરોધ કર્યો છે.
કેન્દ્ર સરકારે પોતાના સોગંદનામામાં કહ્યું છે કે સમલૈંગિક લોકોની એકસાથે રહેવાની તુલના ભારતીય પરિવાર સાથે કરી શકાય નહીં.
ભારતમાં હવે સમલૈંગિકતા હવે ગુનો નથી.
અનેક અરજદારોએ માગ કરી છે કે સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવામાં આવે.
કેન્દ્ર સરકારે પોતાના સોગંદનામામાં કહ્યું છે કે સમલૈંગિક લગ્નોને કાયદેસર માન્યતા આપનારી અરજીઓ રદ કરવી જોઈએ, કારણ કે આ અરજીઓનું કોઈ ઔચિત્ય નથી.
સરકારનું કહેવું છે કે સમલૈંગિક સંબંધો અને વિપરીત લૈંગિક સંબંધો સ્પષ્ટ રીતે અલગ-અલગ પ્રકારના સંબંધો છે અને તેને સમાન રીતે જોઈ ન શકાય.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, સરકારે સોગંદનામામાં કહ્યું છે કે કલમ 377 નાબૂદ થવા છતાં અરજીદારો ભારતીય કાયદા હેઠળ સમલૈંગિક લગ્નોને માન્યતા આપવાનો દાવો ન કરી શકે.
પીરિયડ્સનું લોહી લઈને 50 હજારમાં વેચવા માટે સાસરિયાએ પરિણીતા પર 'ત્રાસ' ગુજાર્યો
#INDvAUS: વિરાટ કોહલી બેવડી સદી ચૂક્યા, 186 રને આઉટ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ટીમ 571 રનમાં ઑલઆઉટ થઈ ગઈ છે.
આ સાથે ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયા પર 91 રનની સરસાઈ મેળવી લીધી છે.
ભારતીય ટીમ તરફથી વિરાટ કોહલીએ 186 રનની શાનદાર ઇનિંગ ખેલી હતી. જોકે તેઓ બેવડી સદી ચૂકી ગયા હતા.
વિરાટ કોહલીની વિકેટ સ્પીનર ટોડ મર્ફીએ લીધી હતી.
તો ભારત તરફથી અક્ષર પટેલે પણ વિરાટ કોહલીને સાથ આપતા 79 રન કર્યા હતા.
ગુજરાતમાં ઉર્દૂ, મરાઠી, સિંધી જેવી ભાષાના વિદ્યાર્થીઓને પેપર લખવામાં કેવી મુશ્કેલી પડે છે?
છોટુભાઈ પુરાણી : માયકાંગલા હોવાનું મહેણું ખાતા ગુજરાતીઓમાં અખાડાપ્રવૃત્તિથી પરાક્રમ પ્રગટાવનાર ગુજરાતી
ગુજરાતમાં વાઇરલ તાવ H3N2 : ઋતુ બદલાય તો બીમાર કેમ થઈ જવાય છે, એનાથી બચવા શું કરવું?
દેવભૂમિ દ્વારકામાં ભારે પોલીસબંદોબસ્ત વચ્ચે ગેરકાયદે દબાણો દૂર કરવાની પ્રક્રિયા ચાલુ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગાંધલી ગામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
સ્થાનિક તંત્રના આંકડા મુજબ આ ગામની આશરે 9.5 લાખ સ્ક્વૅર ફૂટ જમીનમાં કુલ 157 ગેરકાયદે બાંધકામ છે. જેમાં 60 કૉમર્શિયલ, 150 રહેણાક અને સાત અન્ય બાંધકામનો સમાવેશ થાય છે.
તમામને નોટિસ આપ્યા બાદ મુદત પૂર્ણ થતા આજે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પોલીસને સાથે રાખીને દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં બેટ દ્વારકામાં પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેને લઈને વિવાદ પણ થયો હતો.
જેથી આ વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભારે પોલીસબંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે.
બ્રેકિંગ, વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં ત્રણ વર્ષ બાદ ફટકારી સદી
ઑસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમૅચમાં વિરાટ કોહલીએ સદી ફટકારી છે. વર્ષ 2019 બાદ ટેસ્ટ ક્રિકેટમાં આ તેમની પહેલી સદી છે.
આ પહેલાં વિરાટ કોહલીએ કોલકાતાના ઇડન ગાર્ડનમાં 22 નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે 194 બૉલમાં 123 રન ફટકાર્યા હતા. ત્યાર બાદથી ટેસ્ટ મૅચમાં સદી ફટકારી શક્યા ન હતા.
આ ત્રણ વર્ષ દરમિયાન વિરાટ કોહલી 41 ઇનિંગ રમ્યા હતા.
હાલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ચોથી અને અંતિમ ટેસ્ટમૅચ ચાલી રહી છે.
ટૉસ જીતીને ઑસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ લીધી હતી અને 480 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં હાલ ભારતીય ટીમ પાંચ વિકેટના નુક્સાને લક્ષ્યાંકની નજીક પહોંચી ચૂકી છે.
ચોથી ટેસ્ટમૅચની પ્રથમ ઇનિંગમાં ઑસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજાએ સૌથી વધુ 180 રન બનાવ્યા હતા. જ્યારે ઑલરાઉન્ડર કૅમેરૂન ગ્રીને 114 રન બનાવીને તેમનો સાથ આપ્યો હતો.
પ્રથમ ઇનિંગમાં ઑસ્ટ્રેલિયન ટીમ 480 રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી સૌથી વધુ વિકેટ રવીચંદ્રન અશ્વિને (છ વિકેટ) લીધી હતી.
જ્યારે મોહમ્મદ શમ્મીએ બે તેમજ રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલે એક-એક વિકેટ લીધી હતી.
જ્યારે ભારતીય ટીમની પ્રથમ ઇનિંગમાં શુભમન ગિલે 128 રન માર્યા છે. જ્યારે વિરાટ કોહલી સદી ફટકાર્યા બાદ ક્રીસ પર છે.
યાત્રાધામ અંબાજીમાં ચીકીના પ્રસાદના વિરોધમાં કૉંગ્રેસ કરશે આંદોલન
યાત્રાધામ અંબાજીમાં વર્ષોથી પ્રસાદ તરીકે આપવામાં આવતા મોહનથાળને બદલે હવે ચીકી મળવાની શરૂ થતા તેનો વ્યાપક વિરોધ થઈ રહ્યો છે.
આ મુદ્દાને ગુજરાત કૉંગ્રેસ દ્વારા પણ ઉઠાવવામાં આવ્યો છે અને ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે આગામી દિવસોમાં તેઓ વિરોધમાં આંદોલન કરશે.
મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, "ભાજપ દરેક જગ્યાએ આ રીતે પોતાનો એજન્ડા ઘુસાડવા માગે છે. શરૂઆતમાં તેઓ આ પ્રકારે ફેરફાર કરે છે અને જો તેનો વિરોધ થાય તો નિર્ણય પાછો લઈ લે છે."
તેમણે આગળ કહ્યું, "ભાજપ પોતાના એજન્ડા માટે સાંપ્રદાયોને ડરાવે છે. તેઓ માને છે કે ધર્મ પણ તેઓ કહે એ રીતે જ ચાલવો જોઈએ. સાંપ્રદાયોને ડરાવીને તેઓ મળતિયાઓ સાથે પ્રસાદના નામે વેપલો શરૂ કરી રહ્યા છે."
આ સાથે જગદીશ ઠાકોરે આરોપ લગાવ્યો છે કે ભાજપ માતાજીના ભક્તોની ધાર્મિક લાગણી દુભાવી રહ્યો છે.
પત્રકારો દ્વારા જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે સરકારે તાજેતરમાં સ્પષ્ટતા કરી હતી કે અંબાજીમાં ચીકીનો પ્રસાદ ચાલુ રહેશે. તો આ મુદ્દે જગદીશ ઠાકોરે કહ્યું હતું કે "સરકારે તો કૃષિ કાયદા પણ યથાવત રાખવાની જાહેરાત કરી હતી. પણ એનું શું થયું?"
તેમણે ગુજરાત કૉંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં 'ચાલો, માના ધામમાં' નામથી વિરોધ પ્રદર્શનો યોજવાની જાહેરાત કરી હતી.
ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે રાહુલ ગાંધીને દેશમાંથી કાઢી મૂકવાની કરી માગ
ભોપાલથી ભાજપનાં લોકસભા સંસદ સભ્ય પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું છે કે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દેશમાંથી કાઢી મૂકવા જોઈએ. પ્રજ્ઞા ઠાકુર હાલમાં જ લંડન મુલાકાતે ગયેલા રાહુલ ગાંધીના નિવેદનો પર પ્રતિક્રિયા આપી રહ્યાં હતાં.
રાહુલ ગાંધીએ ગયા સોમવારે બ્રિટનના સાંસદો સાથેના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારતમાં વિપક્ષી નેતાઓનાં માઇક બંધ કરી દેવામાં આવે છે.
પ્રજ્ઞા ઠાકુરે એમ પણ કહ્યું કે ચાણક્ય અનુસાર "વિદેશી માથી જન્મેલો પુત્ર ક્યારેય પણ દેશભક્ત ન હોઈ શકે અને રાહુલ ગાંધીએ આ કથનને સત્ય સાબિત કર્યું છે."
પ્રજ્ઞા ઠાકુરે કહ્યું, "તમને (રાહુલ ગાંધી)ને દેશની જનતાએ પસંદ કર્યા છે અને જનતાનું, દેશનું અપમાન કરી રહ્યા છો. અમે માની લીધું કે તમે અમારા ભારતના નથી કારણ કે તમારા માતાજી ઇટલીનાં છે."
તેમણે આગળ કહ્યું, "તમે વિદેશમાં બેસીને કહો છો કે અમને સંસદમાં બોલવાની તક મળતી નથી. તેનાંથી શરમજનક વાત બીજી કોઈ ન હોઈ શકે. હું રાહુલ ગાંધીને ધિક્કારું છું. તેમના પર પ્રશ્ન ઊભા થવા જોઈએ કે તેઓ આવી રાજનીતિ કેમ કરે છે? તેમને હવે રાજનીતિનો અવસર ન આપવો જોઈએ. તેમને દેશમાંથી કાઢી મૂકવા જોઈએ."
પ્રજ્ઞા ઠાકુરના આ નિવેદન પર કૉંગ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
BBC She : મહિલાઓને કેવા સમાચાર પસંદ હોય છે?
ઑસ્ટ્રેલિયામાં ધાર્મિક સ્થળો પર હુમલા મામલે ઑસ્ટ્રેલિયન વડા પ્રધાને શું કહ્યું?
ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની અલ્બાનીઝે તેમના દેશમાં ભારતીયોનાં ધાર્મિક સ્થળો પર થઈ રહેલા હુમલા વિરુદ્ધ કડક કાર્યવાહીની ચેતવણી આપતા કહ્યું કે આ પ્રકારના મામલા સહન કરવામાં નહીં આવે.
પીએમ અલ્બાનીઝે શનિવારે કહ્યું કે ઑસ્ટ્રેલિયા એક સહિષ્ણુ અને બહુ-સાંસ્કૃતિક રાષ્ટ્ર છે અને ધાર્મિક સ્થળો પર હુમલા માટે જવાબદાર કોઈ પણ વ્યક્તિને કાયદાકીય જોગવાઈઓનો સામનો કરવો પડશે.
આ પહેલાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ અલ્બાનીઝ સમક્ષ ઑસ્ટ્રેલિયામાં મંદિરો પર થયેલા હુમલાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.
ઍન્થની અલ્બાનીઝે કહ્યું કે ઑસ્ટ્રેલિયા એક એવો દેશ છે જે લોકોની આસ્થાનું સન્માન કરે છે અને તેઓ ધાર્મિક સ્થળો પર કોઈ હુમલો સાંખી લેશે નહીં. ભલે તે હિંદુ મંદિર હોય, મસ્જિદ હોય કે પછી ચર્ચ.
પોતાની ત્રણ દિવસીય ભારત યાત્રા સમાપ્ત કરતા પહેલાં અલ્બાનીઝે ઑસ્ટ્રેલિયન પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે દેશની સુરક્ષા એજન્સીઓ સુનિશ્ચિત કરશે કે આવી ગતિવિધિઓ માટે જવાબદાર તમામ લોકોને 'કાયદાની તાકાત'નો સામનો કરવો પડે.
ગુજરાતમાં H1N1 વાઇરસથી એક વ્યક્તિનું મૃત્યુ
દેશમાં H3N2 વાઇરસના કેસમાં સતત વધારા વચ્ચે ગુજરાતમાં H1N1 વાઇરસના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયુ હોવાની જાણકારી મળી છે.
'બિઝનેસ સ્ટૅન્ડર્ડ'ના અહેવાલ પ્રમાણે ગુજરાતના સ્વાસ્થ્યમંત્રી ઋષિકેશ પટેલે પત્રકારોને સંબોધતી વખતે આ બાબતની પુષ્ટિ કરી હતી.
તેમણે કહ્યું હતું કે રાજ્યમાં 10 માર્ચ સુધીમાં H3N2 વાઇરસના ત્રણ કેસ નોંધાયા હતા અને તાજેતરમાં જ એક મૃત્યુ નોંધાયું છે. જે H1N1 વાઇરસના કારણે થયું છે.
ઋષિકેશ પટેલે આગળ કહ્યું કે રાજ્યમાં અત્યાર સુધી H1N1 વાઇરસના 77 કેસ નોંધાયા છે પણ લોકોએ ગભરાવાની જરૂર નથી કારણ કે લોકોની સુરક્ષા માટે સરકાર ચોવીસ કલાક કામ કરી રહી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર કર્ણાટક અને હરિયાણામાં H3N2 ઇન્ફ્લુઍન્ઝાથી એક-એક મૃત્યુની પુષ્ટિ થઈ છે.
મારા પિતા મારું શારીરિક શોષણ કરતા હતા, હું પલંગ નીચે સંતાઈ જતી હતી : સ્વાતિ માલીવાલ
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે એક નિવેદનમાં કહ્યું છે કે જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમના પિતા તેમનું શારીરિક શોષણ કરતા હતા.
સ્વાતિએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે "આ એ સમયની વાત છે જ્યારે હું ઘણી નાની હતી. હું ચોથા ધોરણ સુધી તેમની સાથે રહી. મારી સાથે આવું ઘણી વખત થયું હતું."
દિલ્હી મહિલા આયોગના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કાર્યક્રમમાં પત્રકારો સાથે વાત કરતા સ્વાતિ માલીવાલે કહ્યું, "શારીરિક શોષણ કરવાની સાથેસાથે તેઓ મને ખૂબ મારતા હતા. તેઓ જ્યારે ઘરે આવતા ત્યારે મને એટલો ડર લાગતો કે હું પલંગ નીચે સંતાઈ જતી હતી."
તેમણે આગળ કહ્યું, "હું આખી રાત એ વિચારતી કે કેવી રીતે મહિલાઓને તેમનો હક અપાવીશ અને આવા માણસો જે મહિલાઓ અને બાળકીઓનું શોષણ કરે છે તેમને પાઠ ભણાવીષ. મને હજુ પણ યાદ આવે છે કે જ્યારે તેઓ મને મારતા હતા ત્યારે મારા વાળ પકડીને માથું દિવાલ પર પછાડતા હતા. મારા માથા પરથી લોહી વહેતું હતું. હું એ વખતે ઘણું તડપતી હતી."
"મારું માનવું છે કે એક માણસ જ્યારે વધારે દુઃખ સહન કરે ત્યારે તે અન્યોનાં દુઃખ સમજી શકે છે."
તાજેતરમાં જ રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય અને અભિનેત્રી ખૂશ્બુ સુંદરે કહ્યું હતું કે જ્યારે તેઓ આઠ વર્ષના હતા ત્યારે તેમના પિતાએ તેમનું શારીરિક શોષણ કર્યું હતું.
નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.
11 માર્ચના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો