You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

એલન મસ્કે આગામી અઠવાડિયા સુધી બંધ કરી ટ્વિટર ઑફિસ

આ માહિતી એવા અહેવાલો વચ્ચે આવી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટ્વિટરના ઘણા કર્મચારીઓ નોકરી છોડવા જઈ રહ્યા છે

લાઇવ કવરેજ

  1. 'એક ખેલાડી તૈયાર હતો પણ...' કૈફે કેમ કહ્યું કે ટી20 વર્લ્ડકપમાં આ ખેલાડીને ના રમાડીને ભારતે ભૂલ કરી?

    ભારતીય ટીમના પૂર્વ સભ્ય મહમદ કૈફને લાગે છે કે ટી20 વર્લ્ડકપમાં પસંદગીકારો ટીમમાં એક ખેલાડીનો સમાવેશ કરવાનું ભૂલી ગયા હતા અને એ હતા સંજુ સૅમસન

    એક સ્પોર્ટ પૉર્ટલ સાથે વાત કરતાં તેમણે કહ્યું છે, "મને લાગે છે કે એક ખેલાડી તૈયાર હતો એમ છતાં વર્લ્ડકપ માટે એની પસંદગ નહોતી કરાઈ. સંજુ સૅમસન પાંચમા નંબરે રમવા માટે તૈયાર હતો.તે વર્ષોથી આઈપીએલમાં રમે છે અને રાજસ્થાન રૉયલ્સની આગેવાની પણ કરે છે.આ વર્ષે એ એમને ફાઇનલમાં પણ લઈ ગયો હતો. "

    તેમણે ઉમેર્યું, "આ પહેલાં પણ વેસ્ટ ઇન્ડિઝમાં સૅમસન મૅચ જિતાડી ચૂક્યો છે. જ્યારે બે-ત્રણ વિકેટો પડી ગઈ હોય ત્યારે એ આવે છે અને પ્રહાર કરે છે.એની પાસે સ્પિનરને રમવાની અને ફૉર તથા સિક્સર ફટકારવાની ક્ષમતા છે.એ તૈયાર હતો પણ વર્લ્ડકપ માટે એની પસંદગી ના કરાઈ એ ભૂલ હતી."

  2. એલન મસ્કે આગામી અઠવાડિયા સુધી બંધ કરી ટ્વિટર ઑફિસ

    ટ્વિટરે તેના કર્મચારીઓને કહ્યું છે કે, “તે તેની ઑફિસો તાત્કાલિક અસરથી થોડા સમય માટે બંધ કરવા જઈ રહી છે.”

    બીબીસીએ ટ્વિટર દ્વારા મોકલવામાં આવેલો આ મૅસેજ જોયો છે, જેમાં ઑફિસ 21 નવેમ્બરથી ફરીથી ખોલવાની માહિતી આપવામાં આવી છે.

    જોકે, કંપનીએ હજુ સુધી એ નથી જણાવ્યું કે, તેણે આ પગલું કેમ ઉઠાવ્યું છે.

    પરંતુ આ માહિતી એવા અહેવાલો વચ્ચે આવી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટ્વિટરના ઘણા કર્મચારીઓ નોકરી છોડવા જઈ રહ્યા છે.

    ટ્વિટરના કર્મચારીઓ આ નિર્ણય એલન મસ્કના ઈમેલ પછી લઈ રહ્યા છે, જેમાં કર્મચારીઓને લાંબા સમય સુધી સખત મહેનત કરે અથવા નોકરી છોડે, આ બંનેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું.

    આ મૅસેજમાં એ પણ લખ્યું હતું કે, “કંપનીની પોલિસીનું પાલન કરો, સોશિયલ મીડિયા અથવા અન્ય કોઈ સાથે કંપનીની ગુપ્ત માહિતી વિશે વાત કરવાથી બચો. ”

    બીબીસીએ આ મામલામાં ટ્વિટર પાસે ટિપ્પણી માગી હતી પરંતુ ટ્વિટરે આ મુદ્દે કોઈ નિવેદન આપ્યું નથી.

    એલન મસ્કે આ અઠવાડિયે ટ્વિટરના કર્મચારીઓને કહ્યું હતું કે, “તેમણે લાંબા સમય સુધી સખત મહેનત કરવી પડશે અથવા કંપની છોડીને જવું પડશે.”

    વૉશિંગ્ટન પોસ્ટે પણ આ મુદ્દા પર પ્રકાશિત થયેલા સમાચારમાં જણાવ્યું હતું કે, “ટ્વીટરે તેના કર્મચારીઓને મહેનત કરવાનો સંકલ્પ લેવા કહ્યું છે.”

    “આ સંકલ્પ લેનારા કર્મચારી કંપનીમાં કામ કરી શકે છે અને આવું ન કરનારા કર્મચારીઓને ત્રણ મહિનાનું સેવરેન્સ પેકેજ લઈને નોકરી છોડવી પડશે.”

    કંપનીએ આ જ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે, “તેઓ તેમના 50 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી રહ્યા છે.”

    ટ્વિટરની ઓફિસ બંધ કરવાના સમાચાર આવતા પહેલાં ઘણા ટ્વિટર કર્મચારીઓના નોકરી છોડવાના સમાચાર મળી રહ્યા છે.

  3. ભારત વિ. ન્યૂઝીલૅન્ડ : વરસાદને લીધે રદ થઈ મૅચ

    ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે આજે રમાનારી સિરીઝની પ્રથમ મૅચ વરસાદને પગલે રદ થઈ ગઈ છે.આ મૅચ ન્યૂઝીલૅન્ડના વૅલિંગ્ટનમાં રમાનારી હતી પણ વરસાદને લીધે ટૉસ પણ ઉછાળી શકાયો નહોતો.

    ટી20 વર્લ્ડકપની બન્ને સેમિફાઇનલિસ્ટ ટીમ ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ત્રણ ટી20 અને ત્રણ વનડે મૅચ રમાનારી છે. ભારતીય ટીમની કૅપ્ટન્સી હાર્દિક પંડ્યા કરી રહ્યા છે.

    રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલનો ટીમના આ પ્રવાસમાં સમાવેશ નથી કરાયો.

  4. ન્યૂઝીલૅન્ડ સામેની સિરીઝ પહેલાં હાર્દિક પંડ્યાની કૅપ્ટન્સી પર કેમ ચર્ચા થઈ રહી છે?

    આઈસીસી ટી20 વર્લ્ડકપની સેમિફાઇનલ મૅચમાં ઇંગ્લૅન્ડ સામે 10 વિકેટે પરાજયનો સામનો કરનારી ટીમ ઇન્ડિયા નવી સિરીઝ માટે ન્યૂઝીલૅન્ડમાં છે અને હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં આજથી ત્રણ મૅચોની ટી20 સીરિઝ શરૂ થઈ રહી છે.

    રાહુલ દ્રવિડની ગેરહાજરીમાં ટીમના હેડ કૉચ બનેલા વીવીએસ લક્ષ્મણે કહ્યું છે કે વર્લ્ડકપમાં મળેલી હાર બાદ ફૉક્સ હવે ટીમ ઇન્ડિયાને ટી20 ખેલાડીઓથી પૅક કરવા પર છે.

    જોકે, આ વખતે સૌથી વધુ ચર્ચાનો વિષય એ છે કે શું ક્રિકેટના અલગઅલગ ફૉર્મેટમાં કૅપ્ટન પણ અલગઅલગ રહેવા જોઈએ? ન્યૂઝીલૅન્ડ સામેની ત્રણેય મૅચોની ટી20 સિરીઝ માટે હાર્દિક પંડ્યાને કૅપ્ટન બનાવાયા છે.

    હાર્દિક પાસે આયરલૅન્ડ સામેની બે મૅચ અને વેસ્ટ ઇન્ડિઝસામેની એક ટી20 મૅચમાં કપ્તાની કરવાનો અનુભવ છે. ભારતે આ ત્રણેય મૅચ જીતી લીધી હતી.

    ટી20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં મળેલા પરાજય અને સમગ્ર ટુર્નામેન્ટમાં મહત્ત્વના ખેલાડીઓના નબળા પ્રદર્શનને પગલે મીડિયામાં ચર્ચા થઈ રહી છે કે શું ભારતીય ટીમમાં મોટા ફેરફારો કરવાનો સમય આવી ગયો છે?

    આમાંથી એક અવાજ એવો પણ છે કે નવા અને યુવા ખેલાડીઓને ટી20 ફૉર્મેટમાં રમાડીને ભવિષ્યની ટીમ બનાવવામાં આવે અને કૅપ્ટન તરીકેની જવાબદારી યુવા ખભાઓ પર નાખવામાં આવે.

    એવામાં કપ્તાની માટે હાર્દિક પંડ્યાનું નામ ભારે ઊછળી રહ્યું છેઅને તેમનું ખુલ્લીને સમર્થન કરનારાઓમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી પણ સામેલ છે.

    શાસ્ત્રીએ ઓટીટી પ્રાઇમ વીડિયોના એક કાર્યક્રમમાં કહ્યું છે કે રોહતિ શર્માના ખભા પરથી ત્રણેય ફૉર્મેટોમાં કૅપ્ટન્સી કરવાની જવાબદારી ઓછી કરીને હાર્દિક પંડ્યાને જો કૅપ્ટન બનાવવામાં આવે તો એમાં કોઈ મુશ્કેલી ના પડવી જોઈએ.

    હાર્દિકે આ જ વર્ષે આઈપીએલની પ્રમથ વખત કપ્તાની કરી અને પોતાની નવી ટીમ 'ગુજરાત ટાઇટન્સ'ને સિઝનમાં ચૅમ્પિયન પણ બનાવી હતી.

    રવિ શાસ્ત્રીએ એવું પણ કહ્યું છે કે 'નવા ટી20 કૅપ્ટન શોધવામાં કોઈ સમસ્યા નથી અને જો હાર્દિક પંડ્યા આ માટે યોગ્ય હોય એમને જવાબદારી સોંપવી જોઈએ.'

    બીજી તરફ હાર્દિકના નેતૃત્વનાં વખાણ કરતાં હેડ કોચ વીવીએસ લક્ષ્મણે કહ્યું છે, "એ શાનદાર લીડર છે. હું એની સાથે આયરલૅન્ડની સિરીઝમાં પણ હતો. એ ઘણો 'કૂલ' રહે છે જે મોટા સ્તરે રમવા માટે જરૂરી છે.આવી તકોમાં પરિસ્થિ અનુસાર દબાણ અનુભવવાને બદલે તમારે શાંત રહેવાની જરૂર હોય છે.હાર્દિક ખેલાડીઓનો કૅપ્ટન છે. એની સાથે ખેલાડીઓ ખુલ્લીને વાત કરી શકે છે."

  5. ...એ બે ભારતીય ખેલાડીઓ જે પાકિસ્તાન પાસે નથી : નાસીર હુસૈન

    ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન નાસીર હુસૈને તાજેતરમાં જ ભારતી ક્રિકેટ ટીમના ટીપ-ઑર્ડર રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલીની ટીકા કરી હતી. જોકે,આ સંદર્ભે માત્ર ભારતીય ટીમની જ ટીકા કરવા બદલ અને પાકિસ્તાનની ટીમ અંગે વાત ન કરવા બદલ ટ્વીટર પર તેમને ટ્રૉલ થવું પડ્યું હતું.નોંધનીય છે કે ભારત ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં નહોતું પહોંચી શક્યું જ્યારે પાકિસ્તાનને હરાવીને ઇંગ્લૅન્ડે ટી20 વર્લ્ડકપ પોતાના નામે કરી લીધો હતો.

    હુસૈને હવે ટ્રૉલરોને જવાબ આપ્યો છે અને કહ્યુંછે કે ભારત અને પાકિસ્તાનની બેટિંગ વચ્ચે મોટો તફાવત છે.

    મહત્ત્વપૂર્ણ છે કે ટી20માં ભારત અને પાકિસ્તાનની બેટિંગ લાઇનઅપ મોટા ભાગે સરખી જ રણનીતિને અનુસરે છે. શરૂઆત ધીમે કરવી, વિકેટો જાળવી રાખવી અને છેલ્લી સાત-આઠ ઓવરમાં ધમાકેદાર બેટિંગ કરીને સ્કોર સરભર કરી લેવો.ભારત અને પાકિસ્તાન બન્ને આ જ સ્ટાઇલશિટને અનુસરે છે.ઇંગ્લૅન્ડ અને ન્યૂઝીલૅન્ડ જેવી વિસ્ફોટક શૈલી ના ધરાવતી ટીમો સામે અને બૉલરોને અનુકૂળ પીચ પર ભારતને આ રણનીતિ ફાયદો કરાવે છે.જોકે, આવી જ રણનીતિને અનુસરનાર પાકિસ્તાને ભારત કરતાં વધારે મૅચો જીતી છે અને એટલે જ ભારતીય રણનીતિની ટીકા થઈ રહી છે.

    ટીકાકારોમાંસામેલ નાસીર હુસૈન હુસૈનને ટ્વિટર પર ટ્રૉલિંગનો સામનો કરવો પડ્યો છે, જેનો જવાબ આપતાં તેમણે કહ્યું છે કે પાકિસ્તાનમાં બાબર અને રિઝવાન પાસે ખાસ વિકલ્પો નથી, જ્યારે ભારતમાં સૂર્યકુમાર અને હાર્દિક પંડ્યા જેવા વિકલ્પો છે, જે મિડલ-ઑર્ડરમાં આવીને રમત બદલી શકે છે.

    'સ્કાઈ સ્પોર્ટ્સ' સાથે વાત કરતાં તેમણે કહ્યું,"'તમે ભારતની ટીકા કરો અને પાકિસ્તાનની ટીકા ના કરો એ કેમ ચાલે?' એવું લોકો ટ્વિટર પર મને કહી રહ્યા છે.બન્ને એકદમ જૂદી બાબત છે.આપણે ફાઇનલની છેલ્લી ઓવરોમાં જોયું છે કે પાકિસ્તાન પાસે બેટિંગ ડેપ્થ નથી. એની પાસે સૂર્યકુમાર યાદ અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓ નથી જે આવીને ધૂંધાધાર રમે છે."

    નોંધનીય છે કે ટી20 વર્લ્ડકપમાં સૂર્યકુમાર યાદવે બીજા નંબરે સૌથી વધુ રન કર્યા અને સૌથી વધુ રન કરનારા બૅટ્સમૅનોમાં પણ એમની શ્રેષ્ઠ સ્ટાઇક રેટ હતી. એમની ધૂંઆધાર બેટિંગની મદદથી ભારતે ધીમી શરૂઆત કરવા છતાં સારો સ્કોર કર્યો હતો.તો બીજી તરફ હાર્દિક પંડ્યાએ 33 બૉલમાં 63 રન કરીને સેમિફાઇલનમાં ભારતનેસન્માનજનક સ્કોર હાંસલ કરવામાં મદદ કરી હતી.

    હુસૈને એવું પણ કહ્યું છે,"પાકિસ્તાન પાસે બેસ્ટ બૉલિંગ લાઇનઅપ છે. એટલે એ ઓછો સ્કોર કરે તો પણ રમતમાં રહી શકે છે.પણ એક વાત પાક્કી છે કે ભારત પાસે સારા ખેલાડીઓ છે.સમસ્યા ખેલાડીઓની નથી,માનસિકતાની છે.એને ઇયોન મૉર્ગન જેવા ખેલાડીની જરૂર છે, જે એવું કહી શકે કે જાઓ અને 20 ઓવરમાં ધમાકેદાર રમી લો."

  6. શ્રદ્ધા હત્યાકાંડ: ડેટિંગ ઍપ બંબલે પોલીસની મદદ કરવા અંગે શું કહ્યું?

    દિલ્હીના શ્રદ્ધા હત્યાકાંડ કેસમાં ડેટિંગ ઍપ બંબલે કહ્યું કે, “તેઓ ભારતીય તપાસ એજન્સીની સંપૂર્ણ રીતે મદદ કરશે.”

    ઍપે કહ્યું તેઓ ભારતીય તપાસ એજન્સીઓ માટે ‘ઉપલબ્ધ’ રહેશે.

    બંબલ ઍપનું નામ શ્રદ્ધા હત્યાકાંડમાં સામે આવ્યું છે. આ કેસમાં શ્રદ્ધા વાલકરના પ્રેમી આફતાબ પૂનાવાલાનો આરોપી બનાવવામાં આવ્યો છે.

    શ્રદ્ધા અને આફતાબ દિલ્હીના છતરપુર પહાડી વિસ્તારમાં રહેતા હતા.

    આફતાબ પૂનાવાલા પર આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે, તેણે શ્રધ્ધાની હત્યા કરીને શબના ઘણાં ટુકડા કરી દીધા અને તેને જંગલમાં અલગ-અલગ જગ્યાએ ફેંકતો રહ્યો. હાલ આફતાબ પોલીસ કસ્ટડીમાં છે.

    છેલ્લાં કેટલાક દિવસથી ભારતીય મીડિયામાં આ મામલો છવાયેલો છે.

    પોલીસનું કહેવું છે કે, “શ્રદ્ધા અને આફતાબની ઓળખ વર્ષ 2019માં બંબલ ડેટિંગ ઍપ પર થઈ હતી.”

    સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, “દિલ્હી પોલીસે બંબલ ઍપ દ્વારા આફતાબની પ્રોફાઇલ સાથે જોડાયેલી જાણકારી માગી હતી, જેનાથી એ પણ જાણી શકાશે કે તે ડેટિંગ ઍપ દ્વારા બીજી કઈ મહિલાઓને મળ્યો હતો.”

    બંબલના પ્રવક્તાએ કહ્યું હતું કે, “અમે આ મામલાની નજીકથી નજર રાખી રહ્યા છે અને અમારી પાસે મદદ માગવા પર તપાસ એજન્સી માટે ઉપલબ્ધ રહીશું. અમારા સભ્યોની સુરક્ષા અને સલામતી અમારી સૌપ્રથમ પ્રાથમિકતા છે. આ ગુના અંગે સાંભળીને ટીમ ચોંકી ઉઠી છે.”

  7. ગુજરાત ચૂંટણી 2022: ભાજપના છ નેતાઓએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી, ગુજરાત ચૂંટણી 2022: ભાજપના છ નેતાઓએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી

    નવભારત ટાઇમ્સના અહેવાલ અનુસાર, ગુજરાતમાં ડિસેમ્બરમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ ન આપ્યા બાદ એક વર્તમાન ધારાસભ્ય અને ચાર ભૂતપૂર્વ ધારાસભ્યો સહિત પાર્ટીના છ નેતાઓએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે.

    પ્રથમ તબક્કાની 89 બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે ગુરુવારે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો અંતિમ દિવસ હતો.

    ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય અને પક્ષના આદિવાસી ચહેરા હર્ષદ વસાવાએ એક અઠવાડિયા અગાઉ નર્મદા જિલ્લાના નાંદોદમાંથી અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભર્યુ હતું અને તેને પરત ખેંચ્યું ન હતું.

    જૂનાગઢમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પણ ઉમેદવારી પાછી ખેંચી ન હતી. ગુરુવારે બીજેપીના એક વર્તમાન ધારાસભ્ય અને બે ભૂતપૂર્વ ધારાસભ્યોએ પણ બીજા તબક્કા હેઠળ 5 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી માટે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.

    આ વખતે ભાજપે વાઘોડિયાથી છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા મધુ શ્રીવાસ્તવને ટિકિટ આપી નહીં, તે બાદ તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે આ બેઠક પરથી અશ્વિન પટેલને ઉમેદવાર બનાવ્યા છે.

  8. લગભગ બે દાયકા સુધી અમેરિકા કૉંગ્રેસમાં ડેમોક્રેટ્સનું નેતૃત્વ કર્યા બાદ નેન્સી પેલોસીએ વિદાય લીધી

    અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસીએ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવમાં પાર્ટીના નેતા તરીકેનું પદ છોડી દીધું છે.

    82 વર્ષીય નેન્સી પેલોસી કૉંગ્રેસમાં સૌથી શક્તિશાળી ડેમોક્રેટ નેતા અને સંસદના સ્પીકર બનનાર પ્રથમ મહિલા છે.

    તેઓ કૉંગ્રેસના નીચલા ગૃહમાં કૅલિફૉર્નિયા જિલ્લાની બેઠકનું પ્રતિનિધિત્વ કરતા રહેશે.

    મધ્યવર્તી ચૂંટણી પછી રિપબ્લિકન પાર્ટીએ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવમાં બહુમતી હાસલ કરી છે. તે પછી ટૂંક સમયમાં સ્પીકરનું પદ પણ બીજા કોઈ પાસે રહેશે.

    રિપબ્લિકન નેતા કેવિન મેક્રાર્થીને નવી કૉંગ્રેસમાં સ્પીકર માટે નામાંકિત કરવામાં આવ્યા છે. તેઓ નેન્સી પેલોસીનું સ્થાન લઈ શકે છે.

    પેલોસીએ કહ્યું કે, “હું આગામી કૉંગ્રેસમાં ડેમોક્રેટ્સનું નેતૃત્વ કરું નહીં. નવી પેઢી માટે સમય આવી ગયો છે કે, તેઓ ડેમોક્રેટ્સનું નેતૃત્વ કરે.”

    નેન્સી પેલોસી આગામી વર્ષના જાન્યુઆરી મહિના સુધી સ્પીકરનું પદ સંભાળશે.

    ડેમોક્રેટ નેતા હકીમ જેફરીઝને ગૃહમાં ડેમોક્રેટ્સના નેતા તરીકે ચૂંટવામાં આવે તેવી શક્યતા છે. તેઓ અમેરિકાના ઇતિહાસમાં આ પદ પર ચૂંટાયેલા પ્રથમ બ્લેક નેતા હશે.

  9. કમલનાથના મંદિર જેવી કેક કાપવા અંગે વિવાદ, ભાજપે કહ્યું, હિન્દુઓનું અપમાન

    કૉંગ્રેસ પાર્ટીના મધ્ય પ્રદેશ એકમના અધ્યક્ષ કમલનાથે પોતાના જન્મદિવસ પહેલા જે કેક કાપી હતી તેને લઈને વિવાદ ઉભો થયો છે.

    તેઓ એક કાર્યક્રમમાં મંદિરના આકારની કેક કાપતા જોવા મળ્યા હતા. કેકની ઉપર ‘હનુમાન ભગવાન’ની તસવીર પણ જોવા મળી રહી છે.

    તેમનો આ વીડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. ભાજપે આઈટી સેલના પ્રભારી અમિત માલવીયાને કમલનાથ પર હિન્દુઓના અપમાનનો આરોપ લગાવ્યો છે.

    તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, “મંદિર જેવી દેખાતી કેક પર ભગવો ઝંડો અને હનુમાન ભગવાનની તસવીર બનેલી છે અને તેઓ આ કેક પર ચપ્પુ ચલાવી રહ્યા છે. ચૂંટણી સમયે તેમણે હનુમાન ભક્ત હોવાનો દાવો કર્યો હતો અને હવે પોતાના દેવતાનું અપમાન કરીને કરોડો હિન્દુઓનું અપમાન કરી રહ્યા છે.”

    આ પહેલા મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ કમલનાથ પર હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવી ચૂક્યા છે.

    તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, “ કૉંગ્રેસીઓને ભગવાનની ભક્તિ સાથે કોઈ લેવા-દેવા નથી, તેઓ બગલા ભક્તો છે. તેમની પાર્ટી એક સમયે શ્રીરામ મંદિરનો વિરોધ કરતી હતી. કેક પર બનેલા હનુમાનજી જોવે છે અને તેમ છતાં તેઓ કેક કાપી પણ રહ્યા છે. આ સનાતન પરંપરા અને હિન્દુ ધર્મનું અપમાન છે, જેનો આ સમાજ સ્વીકાર નહીં કરે.”

  10. કેન્દ્ર સરકારે રાજીવ ગાંધીની હત્યાના તમામ છ દોષિતોની મુક્તિના નિર્ણય વિરુદ્ધ અરજી દાખલ કરી

    કેન્દ્ર સરકારે 11 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યામાં દોષિત જાહેર થયેલાં નલિની શ્રીહરન સહિત તમામ છ દોષિતોને મુક્ત કરી દિધા હતાં.

    કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે અરજી દાખલ કરી છે.

    કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે આ કેસ પૂર્વ વડા પ્રધાનની હત્યાનો છે એટલે સુપ્રીમ કોર્ટે પોતાનો ચૂકાદો આપતા પહેલાં કેન્દ્ર સરકારનો પક્ષ સાંભળવો જોઈતો હતો.

    સરકારે કહ્યું છે છે આ મામલે જે અરજીઓ દાખલ કરવામાં આવી હતી, તે કેન્દ્ર સરકારને પક્ષકાર બનાવ્યા વિના દાખલ કરવામાં આવી હતી.

    સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ બી વી નાગરત્નની બૅન્ચે કહ્યું હતું કે, તમામ કેસમાં પણ આરોપી એ જી પેરારિવલનના કેસમાં આપવામાં આવેલો ચૂકાદો લાગુ થશે.

    આ વર્ષે 18 મેના દિવસે કોર્ટે બંધારણના અનુચ્છેદ 142માં આપવામાં આવેલી અસાધારણ શક્તિનો હવાલો આપીને પેરારિવલનને મુક્ત કરી દિધા હતા. તેઓ રાજીવ ગાંધી હત્યા કેસમાં 30 વર્ષ જન્મટીપની સજા કાપી ચૂક્યા હતા.

  11. નમસ્કાર!બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.

    17 નવેમ્બરના સમાચાર માટે અહીં ક્લિક કરો.