You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ઇજિપ્તમાં જળવાયુ શિખર સંમેલન શરૂ, 'ખતરાના સંકેત' પર ચર્ચા

સંયુક્ત રાષ્ટ્રનું જળવાયુ શિખર સંમેલન ઇજિપ્તમાં શરૂ થઈ ગયું છે. આ સંમેલન એ ચેતવણી સાથે શરૂ થયું કે આપણી ધરતી 'ખતરાના સંકેત' મોકલી રહી છે.

લાઇવ કવરેજ

  1. ઇજિપ્તમાં શરૂ થયું જળવાયુ શિખર સંમેલન

    સંયુક્ત રાષ્ટ્રનું જળવાયુ શિખર સંમેલન ઇજિપ્તમાં શરૂ થઈ ગયું છે. આ સંમેલન એ ચેતવણી સાથે શરૂ થયું કે આપણી ધરતી 'ખતરાના સંકેત' મોકલી રહી છે.

    અંદાજે 120 દેશોના નેતા આ સંમેલનમાં ભાગ લેવા માટે ઇજિપ્તમાં આવેલા શર્મ અલ-શેખ રેડ સી રિસોર્ટ પહોંચી રહ્યા છે.

    આ સંમેલનમાં જળવાયુ પરિવર્તનને લઈને ચર્ચા થશે અને આગળની યોજના તૈયાર કરવામાં આવશે.

    આ સંમેલનની શરૂઆતમાં સીઓપી-27ના અધ્યક્ષ ઇજિપ્તના વિદેશમંત્રી સમેહ શૌક્રેએ વિશ્વના નેતાઓને અપીલ કરી છે કે યુક્રેન યુદ્ધના કારણે સર્જાયેલ ખાદ્ય અને ઊર્જાસંકટને જળવાયુ પરિવર્તન મામલે લેવાનાર પગલાં વચ્ચે આવવા નહીં દેવામાં આવે.

    સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ ઍન્ટોનિયો ગુટેરસે એક વીડિયો સંદેશ પણ મોકલ્યો હતો. જેમાં તેમણે 'સ્ટેટ ઑફ ધ ગ્લોબલ ક્લાઇમેટ રિપોર્ટ 2022'ને જળવાયુ પરિવર્તનના કારણે થયેલી તબાહીનો ઘટનાક્રમ જણાવ્યો છે.

  2. તિરુપતિ મંદિરમાં કેટલી સંપત્તિ?

    તિરુમલા-તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું છે કે તેમની પાસે 10.3 ટન સોનું અને બૅન્કમાં 5,300 કરોડ રૂપિયા જમા છે. તેમજ તિરુમલા-તિરુપતિ દેવસ્થાનમ પાસે 15,938 કરોડ રૂપિયા રોકડા પણ છે.

    તિરુપતિ મંદિરનું પ્રબંધન કરનાર તિરુમલા-તિરુપતિ દેવસ્થાનમે (ટીટીડી) શ્વેતપત્ર જારી કરીને તેની સંપત્તિ જાહેર કરી છે.

    ટીટીડી અનુસાર, તેમની કુલ સંપત્તિ 2.26 લાખ કરોડ રૂપિયાની છે.

    2019માં તેમની વિવિધ બૅન્કોમાં 13,025 કરોડ રૂપિયાની ફિક્સ ડિપૉઝિટ હતી, જે હવે વધીને 15,938 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

    એટલે કે છેલ્લાં ત્રણ વર્ષમાં આ રોકાણમાં રૂપિયા 2,900 કરોડનો વધારો થયો છે.

  3. ટી-20 વર્લ્ડકપમાં ભારતે ઝિમ્બાબ્વેને હરાવ્યું

    ટી-20 વર્લ્ડકપમાં ભારતે ઝિમ્બાબ્વેને હરાવી દીધું છે. ભારતે ઝિમ્બાબ્વે સામે જીત માટે 187 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો.

    ભારતે પહેલા બેટિંગ કરતા કેએલ રાહુલે 51 અને સૂર્યકુમાર યાદવે અણનમ 61 (25 બૉલ) રન બનાવ્યા હતા.

    સૂર્યકુમારે છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. ભારતીય બૅટ્સમૅનોએ અંતિમ પાંચ ઓવરમાં 79 રન બનાવ્યા હતા.

    સૂર્યકુમાર યાદવની અણનમ શાનદાર ઇનિંગ્સ બાદ મેલબર્નના મેદાનમાં ભારતીય બૉલર્સે પણ તરખાટ મચાવ્યો હતો.

    ભારતે ઝિમ્બાબ્વે સામે જીત માટે 187 રનનો લક્ષ્ય રાખ્યો હતો. પરંતુ વિરોધી ટીમ માત્ર 115 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ઝિમ્બાબ્વેને 71 રને હરાવ્યું હતું.

    સૂર્યકુમારની ધમાકેદાર ઇનિંગના દમ પર ભારતીય ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટ પર 186 રનનો મજબૂત સ્કોર ખડો કરી શકી હતી.

  4. ગુજરાતની જનતાને કૉંગ્રેસનાં આઠ વચનો

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે કૉંગ્રેસે ગુજરાતની જનતાને આઠ વચનો આપ્યાં છે.

    500 રૂપિયામાં એલપીજી સિલિન્ડર, યુવાનોને દસ લાખ નોકરીઓ અને ખેડૂતોનો ત્રણ લાખ રૂપિયા સુધીનાં દેવાં માફ કરવાની વાત રાહુલ ગાંધીએ ટ્વિટર પર કરી છે.

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીને 'પરિવર્તન ઉત્સવ' ગણાવતાં રાહુલ ગાંધીએ આઠ વચનો પૂરાં કરવાની વાત કરી છે.

    કૉંગ્રેસનાં આઠ વચનો

    • 500 રૂપિયામાં ગૅસ સિલિન્ડર, 300 યુનિટ વીજળી ફ્રી, સરકારી કર્મચારીઓ માટે જૂની પૅન્શન સ્કીમ
    • કેજીથી પીજી સુધી, છોકરીઓ માટે શિક્ષણ મફત, 3000 નવી સરકારી અંગ્રેજી માધ્યમોની શાળા, આધુનિક શિક્ષણસંસ્થાઓની સ્થાપના
    • 10 લાખ સરકારી નોકરીઓ, કૉન્ટ્રેક્ટ પ્રથા ખતમ કરીને કાયમી સરકારી નોકરીઓ, 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું
    • કોરોનાથી મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાયતા, આધુનિક સુવિધાઓથી સજ્જ સરકારી હૉસ્પિટલો
    • દસ લાખ રૂપિયા સુધીની મફત સારવાર, નિઃશુલ્ક કિડની, લિવર અને હૃદય પ્રત્યારોપણ, મફત દવાઓ
    • ખેડૂતો માટે ત્રણ લાખ રૂપિયા સુધીની કરજમાફી, વીજબિલ માફ, દુધઉત્પાદકો માટે 5 રૂપિયાની સબસિડી
    • ડ્રગ માફિયાઓ સામે સખત કાર્યવાહી, ભષ્ટાચારના વિરુદ્ધ કાયદો તથા જવાબદાર લોકો વિરુદ્ધ સખત કાર્યવાહી
    • શહેરી વિસ્તારોમાં શહેરી રોજગાર ગૅરંટી યોજના, 'ઇંદિરા રસોઈ યોજના' અંતર્ગત આઠ રૂપિયામાં ભોજનની વ્યવસ્થા. આદિવાસીઓ માટે 'પેસા અધિનિયમ'નું અમલીકરણ અને જંગલ-જમીનનો અધિકાર
  5. મોરબી : વાંકાનેરમાં અરવિંદ કેજરીવાલનો રોડશો

    આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે આજે મોરબી જિલ્લાના વાંકાનેરમાં રોડ શો યોજ્યો છે.

    મોરબીસ્થિત બીબીસી ગુજરાતીના સહયોગી રાજેશ આંબલિયાના જણાવ્યા અનુસાર વાંકાનેરના જકાતનાકાથી પુલદરવાજા સુધી આ રોડશોનું આયોજન કરવામાં આવ્યું છે.

    નોંધનીય છે કે તાજેતરમાં જ મોરબીમાં ઘટેલી પુલ દુર્ઘટના પાછળ કેજરીવાલે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો અને ભાજપને ઘેર્યો હતો.

    ઘડિયાળ બનાવતી 'ઓરેવા' કંપીને પુલનાં સમારકામ અને જાળવણીની જવાબદારી સોંપવા અંગેના નગરપાલિકાના નિર્ણય પર પણ તેમણે સવાલ કર્યા હતા. એવામાં મોરબી જિલ્લામાં જ આ તેમનો રોડશો સૂચક ગણાઈ રહ્યો છે.

  6. બ્રેકિંગ, ટી20 વર્લ્ડકપ: નેધરલૅન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવી મેજર અપસેટ સર્જ્યો, ટીમ નેધરલૅન્ડ જાયન્ટ કિલર સાબિત થઈ છે.

    ટીમ નેધરલૅન્ડ જાયન્ટ કિલર સાબિત થઈ છે. ક્રિકેટમાં નવોદિત ગણાતી આ ટીમે આખરી મુકાબલામાં દક્ષિણ આફ્રિકાની મજબુત ટીમને પરાસ્ત કરીને તેમના સેમિફાઇનલ પ્રવેશ ઉપર પણ પાણી ફેરવવાનું કામ કર્યું છે.

    ટૉસ જીતીની ફિલ્ડીંગ માટે મેદાનમાં ઊતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ માટે અહીં સુધી જ ભાગ્યનો સાથ હતો.

    પહેલી પાંચ ઓવરમાં નેધરલૅન્ડે વિના વિકેટે 34 રન બનાવ્યા હતા અને 10મી ઓવરના અંતે નેધરલૅન્ડના એક વિકેટ પર 70 રન હતા. નિર્ધારિત 20 ઓવરના અંત નેધરલૅન્ડે 4 વિકેટ ગુમાવીને 158 રન ફટકાર્યા હતા.

    159 રનના ટાર્ગેટને ચેઝ કરવા મેદાનમાં ઊતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમના નસીબમાં એક પણ ક્ષણ એવી નહોતી કે જેમાં એણે જીતની આશા બંધાવી હોય.

    એ વાતનો અંદાજ એના પરથી આવશે કે દક્ષિણ આફ્રિકાનો એક પણ બૅટ્સમૅન 25 રનને પાર કરી શક્યો નથી. રમતના અંતે દક્ષિણ આફ્રિકાની ટીમ 8 વિકેટે માત્ર 145 રન નોંધાવી શકી હતી.

    નેધરલૅન્ડે દક્ષિણ આફ્રિકાને રન લેવા માટે સતત દબાણમાં રાખ્યું હતું અને નિયમિત અંતરે વિકેટ ખેરવતું રહ્યું હતું.

    'મૅન ઑફ ધ મૅચ' કૉલિન ઍકેમેનનું ઑલરાઉન્ડર પ્રદર્શન

    નેધરલૅન્ડના ખેલાડી કૉલિન ઍકેમેને બૅટ અને બૉલથી દક્ષિણ આફ્રિકાને ઘૂંટણિયે પડવાની ફરજ પાડી હતી. કૉલિને 26 બૉલમાં અણનમ 41 રન ફટકાર્યા હતા અને બૉલિંગમાં 3 ઓવરમાં 5.30ની એવરેજ સાથે માત્ર 16 રન આપ્યા હતા.

    નેધરલૅન્ડના બૉલર બ્રેન્ડન ગ્લોવર દક્ષિણ આફ્રિકા માટે ઘાતક સાબિત થયા હતા. તેમણે 2 ઓવરમાં માત્ર 9 રન આપીને 3 વિકેટો ઝડપી હતી જેમાં ઇનફોર્મ બૅટ્સમૅન ડેવિડ મિલરની મુલ્યવાન વિકેટનો પણ સમાવેશ થાય છે.

  7. શ્રીલંકન ક્રિકેટર દાનુષ્કા ગુણાતિલકેની બળાત્કારના આરોપમાં સિડનીમાં ધરપકડ

    શ્રીલંકન ક્રિકેટર દાનુષ્કા ગુણાતિલકેની ઑસ્ટ્રેલિયાના સિડનીમાં ધરપકડ કરવામાં આવી છે.

    ન્યૂઝ એજન્સી પીટીઆઈએ ટીમના એક સૂત્રને ટાંકીને કહ્યું કે શ્રીલંકાની ટીમ તેમને સિડનીમાં છોડીને રવાના થઈ ગઈ છે. દાનુષ્કાની બળાત્કારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

    ક્રિકેટ સમીક્ષક રૅક્સ ક્લેમેન્ટાઈને સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે દાનુષ્કાની શનિવારે બળાત્કારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

    તેમણે લખ્યું છે કે દાનુષ્કા ત્રણ અઠવાડિયાં પહેલાં ઈજાગ્રસ્ત થયા હતા, ત્યારબાદ એશેલ બંડારાએ ટીમમાં તેમનું સ્થાન લીધું હતું. પરંતુ ટીમ મૅનેજમૅન્ટે તેમને પરત મોકલવાને બદલે તેમને ઑસ્ટ્રેલિયામાં ટીમ સાથે રાખ્યા હતા.

  8. ટ્વિટરમાં બે મોટા ફેરફારો કરાશે, મસ્કે આપી માહિતી

    ટ્વિટરમાં કયા બે મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે એ અંગે ઍલન મસ્કે જણાવ્યું છે.

    ટ્વિટરના નવા માલિક ઍલન મસ્કે ટ્વિટરમાં થવા જઈ રહેલા ફેરફારો વિશે વધુ એક નવી માહિતી આપી છે. તેણે કહ્યું છે કે ટૂંક સમયમાં ટ્વિટર પર વધુ શબ્દો લખવાની મંજૂરી આપવામાં આવશે.

    તેમણે આજે ટ્વીટ કર્યું, "ટ્વિટર ટૂંક સમયમાં ટ્વીટ માટે લાંબા ફૉર્મેટ ટેક્સ્ટની સુવિધા આપશે. જેનાથી નોટપેડ સ્ક્રીનશોટની સમસ્યા દૂર થઈ જશે.”

    હાલમાં, ટ્વિટર પર 280થી વધુ અક્ષરો લખી શકાતા નથી. પરંતુ, આ ફેરફાર બાદ હવે લાંબુ લખાણ લખવાનું શક્ય બનશે.

    તેમણે એમ પણ કહ્યું કે, "સાથે જ, તમામ પ્રકારની સામગ્રી માટે ક્રિએટર મૉનિટાઈઝેશન પણ આપવામાં આવશે." આનો અર્થ એ છે કે ટ્વિટર પર લોકો તમામ પ્રકારની સામગ્રીમાંથી જાહેરાત દ્વારા પૈસા કમાઈ શકશે.

    ઍલન મસ્ક દ્વારા ટ્વિટર ખરીદ્યા પછી ઘણા ફેરફારોની ચર્ચા પુરજોશમાં થઈ રહી છે.

    સૌપ્રથમ ટ્વીટ્સ એડિટ કરવાની સુવિધા આપવાની જાહેરાત કરનાર ઍલન મસ્કે ટ્વિટર ખરીદ્યું તે પહેલા આ સુવિધા મર્યાદિત રીતે આપવામાં આવી હતી.

    આ પછી ટ્વિટરમાં બ્લૂ ટિક માટે પેમેન્ટ કરવા માટે નવો નિયમ બનાવવામાં આવ્યો છે. આ માટે ઍલન મસ્કને ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો છે.

    ટ્વિટરે પુષ્ટિ કરી છે કે કંપની કેટલાક દેશોમાં ફક્ત આઈઓએસ ઉપકરણો પર બ્લૂ ટિક સેવા શરૂ કરશે. ટ્વિટર પર બ્લુબ ટિક માટે લોકોએ દર મહિને આઠ ડૉલર ચૂકવવા પડશે.

    હાલમાં ટ્વિટરમાં છટણી પણ વિવાદનો વિષય બની છે. વિશ્વભરના હજારો લોકોને ટ્વિટરમાંથી નોકરીમાંથી પાણીચુ પરખાવી દેવાયું છે. ભારતમાં પણ મોટી સંખ્યામાં લોકોએ તેમની નોકરી ગુમાવી છે. જ્યારે ઍલન મસ્ક બચાવમાં કહે છે કે ટ્વિટરને દરરોજ કરોડોનું નુકસાન થઈ રહ્યું હતું, જેના કારણે છટણી કરવામાં આવી છે.

  9. નમસ્કાર, બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજ પર આપનું સ્વાગત છે. બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજ પર આપને મહત્ત્વના સમાચારો રજૂ કરાશે.