You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયા-યુક્રેન વૉર: 'આ સૈનિક-સૈનિક વચ્ચેનું યુદ્ધ નથી, આખા દેશની હત્યા છે'
રશિયન દળોએ પૂર્વ યુક્રેનમાં 40 જેટલાં ગામો પર કબજો કરી લીધો છે. જોકે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ કહ્યું છે કે રશિયાની આ સરસાઈ હંગામી છે.
લાઇવ કવરેજ
બોરિસ જોન્સને તેમની ભારત યાત્રામાં અમિતાભ અને સચીનનું નામ કેમ લીધું?
બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સન બે દિવસીય ભારતની મુલાકાતે છે. ગુરુવારે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાત ગયા હતા.
શુક્રવારે દિલ્હીમાં બંને દેશોના નેતાઓ વચ્ચે સંરક્ષણ, વેપાર અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
જોન્સને ગુજરાતમાં ભવ્ય સ્વાગત બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો અને તેમને "ખાસ મિત્ર" ગણાવ્યા હતા.
જોન્સન ગુરુવારે વડા પ્રધાન મોદીના ગૃહરાજ્ય ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, જ્યાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમનું સ્વાગત કર્યું હતું.
જોન્સને તેમના સંબોધનમાં તેમણે કહ્યું, "હું મારા ખાસ મિત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. મેં અહીં બે અદ્ભુત દિવસો વિતાવ્યા. હું વડા પ્રધાન મોદીના ગૃહરાજ્ય ગુજરાતની મુલાકાત લેનારો પ્રથમ કન્ઝર્વેટિવ વડા પ્રધાન છું."
તેમણે આગળ કહ્યું, "ત્યાં મારું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, મને હું સચીન તેંડુલકર હોઉ એવું લાગ્યું. અમિતાભ બચ્ચનની જેમ દરેક જગ્યાએ મારો ચહેરો હતો. પડકારજનક સમયમાં આજે સવારે અમારી બંને વચ્ચે સારી વાતચીત કરી."
LRD આંદોલનની 20 ટકા વેઇટિંગ લિસ્ટની માગણી સરકારે સ્વીકારી
ગુજરાતમાં લાંબા સમયથી લોક રક્ષક દળ (એલઆરડી)ના ઉમેદવારો પડતર માગણીઓને લઈને આંદોલન કરી રહ્યા હતા અને આખરે સરકાર તેમની માગણી સ્વીકારી લીધી છે એમ ગુજરાત સરકારની અખબારી યાદી જણાવે છે.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની આંદોલનકારી ઉમેદવારો સાથે બેઠક યોજાઈ હતી અને જેમાં સરકારે હકારાત્મક નિર્ણયની જાહેરાત કરી છે.
એલઆરડી આંદોલનની 10 ટકાને બદલે 20 ટકા વેઇટિંગ લિસ્ટની માગ સ્વીકારી લેવામાં આવી છે. 20 ટકા વેઇટિંગ લિસ્ટને કારણે વયમર્યાદા વીતી ગઈ હોય તે ઉમેદવારોને પણ તક મળશે.
અખબારી યાદી જણાવે છે કે વર્ષ 2018-19માં લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષકના વિવિધ સંવર્ગોની કુલ- 12,198 જગ્યાઓ સીધી ભરતીથી ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને તેનું અંતિમ પરિણામ વર્ષ 2020માં જાહેર થયું હતું પરંતુ વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવ્યું ન હતું.
એક રાષ્ટ્રની હત્યા : ખારકિએવના મેયર
યુક્રેનના પૂર્વોત્તરમાં આવેલા દેશના સૌથી મોટા શહેર એવા ખારકિએવમાં રશિયન સૈન્ય દ્વારા સતત બૉમ્બમારો થઈ રહ્યો છે.
મિસાઇલ હુમલાને પગલે ધરાશાયી થયેલી ઇમારતોનાં દૃશ્યો શહેરમાં ઠેરઠેર જોવા મળે છે.
શહેરના મેયર ઇહોર તેરેખોવે બીબીસીને જણાવ્યું છે કે લગભગ 30 ટકા વસતીએ શહેર ત્યજી દીધું છે, એમ છતાં હજુ શહેરમાં દસ લાખ લોકો ફસાયેલા છે.
તેમણે એવું પણ જણાવ્યું છે કે રશિયનો દ્વારા રહેણાક વિસ્તારોને નિશાન બનાવાઈ રહ્યા છે.જેનો ભોગ સામાન્ય નાગરિકો બની રહ્યા છે.
તેમણે ઉમેર્યું, "આ સૈનિકો વિરુદ્ધ સૈનિકોનું યુદ્ધ નથી,પણ આ એક રાષ્ટ્રની હત્યા છે."
રશિયા-યુક્રેન યુદ્ધની શું છે તાજેતરની અપડેટ્સ
- રશિયન દળોએ પૂર્વ યુક્રેનમાં 40 જેટલા ગામો પર કબજો કરી લીધો છે. જોકે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ કહ્યું છે કે રશિયાની આ સરસાઈ હંગામી છે.
- વિશ્વ બૅન્કે કહ્યું છે કે રશિયાના હુમલાને કારણે યુક્રેનને ઇમારતો અને અન્ય માળખાગત સુવિધાઓમાં 60 બિલિયન ડૉલરનું નુકસાન થયું છે. ઝૅલેન્સ્કીએ કહ્યું છે કે, યુદ્ધને કારણે થયેલું આર્થિક નુકસાન સરભર કરવા યુક્રેનને પ્રતિમાસ 7 બિલિયન ડૉલરની જરૂર પડશે.
- મારિયોપોલના મેયરે આખું શહેર ખાલી કરી દેવાની ફરીથી અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે રશિયાનો દાવો છે કે મારિયોપોલ સમગ્ર રીતે તેના કબજામાં છે. રૉયટર્સના અહેવાલ અનુસાર મેયર વાદેમ બોયચેન્કોએ કહ્યું કે, આપણે એક જ વાત કરવાની જરૂર છે, તમામ વસતિનું સ્થળાંતર. આશરે 10 લાખ લોકો મારિયોપોલમાં છે. ઉલ્લેખનીય છે કે અનેક દિવસોથી રશિયાનો બૉમ્બમારો વેઠી રહેલા મારિયોપોલની હાલત ખૂબ ખરાબ છે કેમ કે રશિયાએ ખોરાક, પાણી અને ઊર્જા પુરવઠોનો સપ્લાય ખોરવી નાખ્યો છે. અગાઉ મારિયોપોલના મેયરે કહ્યું હતું કે, મારિયોપોલમાં લોકોની જિંદગી હવે પુતિનના હાથમાં છે.
- ઉલ્લેખનીય છે કે રસ્તાઓની ખરાબ હાલતને કારણે માનવીય કૉરિડોરથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શુક્રવારે અટકી પડી છે અને જે લોકો સ્થળાંતર કરવા માગતા હોય તેમને ધીરજ રાખવાની સરકારે સલાહ આપી છે.
- યુકેના વડા પ્રધાને માહિતી આપી છે કે બ્રિટન પૉલેન્ડમાં યુક્રેનના સૈનિકોને ઍન્ટિ ઍરક્રાફ્ટ ડિફેન્સની તાલીમ આપી રહ્યું છે. આ સિવાય બ્રિટનની સૈન્ય મદદનો ઉપયોગ કરવા અમુક સૈનિકોને યુકેમાં ટ્રેઇન કરવામાં આવી રહ્યાં છે.
- 1948માં બનેલી પ્રાદેશિક ડિપ્લૉમસીની સંસ્થા ઑર્ગનાઇઝેશન ઑફ અમેરિકન સ્ટેટ્સે રશિયાનું સભ્યપદ રદ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે આ સંસ્થામાં 35 સ્વતંત્ર દેશો સભ્ય છે જેઓ અમેરિકાની લોકશાહીના મુદ્દાઓ, માનવાધિકાર, સુરક્ષા, વિકાસ તથા ચૂંટણ નિરીક્ષણ પર ધ્યાન આપે છે.
આપથી જરીને ભાજપ ગુજરાતમાં વહેલી ચૂંટણી લાવશે? – મનીષ સિસોદિયા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઈ ચૂક્યા છે અને નિષ્ણાતો ચૂંટણી વહેલી યોજાય એવો અંદાજ મૂકી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ સોશિયલ મીડિયામાં સવાલ કર્યો છે કે શું ભાજપ આમ આદમી પાર્ટીથી ડરીને ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વહેલી ચૂંટણી યોજશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાશે તે વાતનો ભાજપના નેતાઓ ઇનકાર કરી ચૂક્યા છે.
અમેરિકા : ઇલહાન ઉમરનો PoKની મુસાફરી બિન-આધિકારિક
અમેરિકાની પ્રતિનિધિ સભાનાં સભ્ય ઇલહાન ઉમરના પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના પ્રવાસને અમેરિકાએ ‘બિન-આધિકારિક, અંગત’ પ્રવાસ ઠેરવ્યો છે.
અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકનના કાઉન્સિલર ડેરેક શોલેટે જણાવ્યું કે, “આ તેમનો બિન-આધિકારિક અંગત પ્રવાસ છે. અમેરિકન સરકારની નીતિની વાત કરીએ તો તેમના આ પ્રવાસ સાથે અમારે કોઈ નીતિગત સંબંધ નથી.”
આ પહેલાં ગુરુવારે ભારત સરકારે ઇલહાન ઉમરના પાંચ દિવસીય પ્રવાસની નિંદા કરી હતી.
ભારતે કહ્યું હતું કે આ પ્રવાસથી ભારતની ક્ષેત્રીય અખંડિતતા અને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન થયું છે. ભારતે તેમના આ પ્રવાસને સંકીર્ણ માનસિકતાવાળું રાજકારણ ગણાવ્યું હતું.
વિદેશમંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, “તેમણે જમ્મુ-કાશ્મીરના એક એવા વિસ્તારનો પ્રવાસ કર્યો છે, જેના પર હાલમાં પાકિસ્તાનનો ગેરકાયદેસર કબજો છે. જો કોઈ રાજનેતા પોતાની સંકીર્ણ માનસિકતાવાળું રાજકારણ કરવા માગે છે તો તે તેમનું કામ હોઈ શકે છે પરંતુ તે અમારી ક્ષેત્રીય અખંડિતતાનું ઉલ્લંઘન છે.”
આ પહેલાં અમેરિકાની પ્રતિનિધિસભાનાં સભ્ય ઇલહાન ઉમર પાકિસ્તાનના પાંચ દિવસના પ્રવાસે ગુરુવારે ઇસ્લામાબાદ પહોંચ્યાં હતાં.
ઇસ્લામાબાદ ઍરપૉર્ટ પહોંચ્યા ત્યારે પાકિસ્તાન વિદેશ કાર્યાલયમાં અમેરિકન મામલાના મહાનિદેશક મલિક મુદસ્સિર ટીપુએ તેમનું સ્વાગત કર્યું હતું.
પાકિસ્તાનમાં ઇલહાન ઉમરે PoKના રાષ્ટ્રપતિ સુલતાન મહમૂદ ચૌધરી સાથે સંવાદદાતા સંમેલન દરમિયાન માનવાધિકારોનો પણ મુદ્દો ઉઠાવ્યો.
તેમણે કહ્યું, “મને નથી લાગતું કે આના પર કૉંગ્રેસની અંદર અને બાઇડન પ્રશાસનમાં એટલી વાત થઈ રહી છે, જેટલાની જરૂરિયાત છે. આ યાત્રાથી મારી આશા છે કે હવે માનવાધિકાર અને તેના માટે કામ કરનારા પર ચર્ચા થશે. કાશ્મીરનો પ્રશ્ન પણ તેમા સામેલ થશે.”
સુંજવાન ખાતે અથડામણમાં બે ઉગ્રવાદી અને એક સૈનિકનાં મૃત્યુ
જમ્મુ અને કાશ્મીરના સુંજવાનના ભટિંડીમાં શુક્રવારે થયેલી અથડામણમાં અત્યાર સુધી બે ઉગ્રવાદીનાં મૃત્યુ થયાં છે. તેમજ એક સૈનિકનું પણ મૃત્યુ થયું છે. આ સમાચાર લખાઈ રહ્યા છે તે સમય સુધી આ અથડામણમાં ચાર સૈનિકો ઘાયલ થયા છે.
હાલ ભટિંડીના રેસિડેન્સિયલ વિસ્તારમાં ઑપરેશન ચાલી રહ્યું છે. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી છે.
પોલીસ અનુસાર, ઉગ્રવાદીઓ ભટિંડી વિસ્તારના અમુક મકાનમાં છૂપાયા હોવાની આશંકા છે, જેના કારણે સુરક્ષાદળના જવાનો સાવચેતી દાખવી રહ્યા છે.
અથડામણની આ ઘટના એટલા માટે મહત્ત્વપૂર્ણ બની જાય છે કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 24 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરનો પ્રવાસ પણ કરવાના છે.
જિજ્ઞેશ મેવાણીને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ
ગુજરાતના બનાસકાંઠાની વડગામ વિધાનસભાની બેઠક પર ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની બુધવાર રાત્રે 11:30 વાગ્યે પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી આસામની કોકરાજાર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
ગુરુવારે તેમને આસામની કોકરાજારની જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
જિજ્ઞેશ મેવાણીના સહયોગી સુબોધ કુમુદે કહ્યું કે, પોલીસે 14 દિવસના રિમાન્ડ (પોલીસ કસ્ટડી)ની માગણી કરી હતી. અદાલતે ત્રણ દિવસની પોલીસ કસ્ટડી આપી છે.
બુધવારે આસામની પોલીસે તેમની ધરપકડ કરી હતી અને તે બાદ તેમને અમદાવાદ ઍરપૉર્ટથી આસામ લઈ જવામાં આવ્યા હતા.
ગુજરાતમાં પ્રાથમિક શાળાના વાર્ષિક પરીક્ષાના પેપર ચોરાયોનો મામલો સામ આવ્યો
ગુજરાતના ભાવનગરના તળાજા ખાતેની નેસવડ પ્રાથમિક શાળાની ઑફિસમાંથી ધોરણ છ, સાત અને આઠની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રોની ચોરીનો મામલો સામે આવ્યો હતો.
આ બાબતે સ્થાનિક પોલીસ દ્વારા અજાણ્યા શખસો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરાઈ છે.
21 એપ્રિલ એટલે કે ગુરુવારના રોજ બનેલ આ બનાવ બાબતે શાળાના આચાર્ય દેવરાજ પાલીવાળે પોતાને શાળાની ઑફિસના કબાટનો દરવાજો કોઈ વસ્તુથી બળ વાપરી બળજબરીપૂર્વક તોડાયો હોવાનું જણાતાં તેમણે અંદરની વસ્તુઓની તપાસ કરતાં વાર્ષિક પરીક્ષાના અમુક પ્રશ્નપત્રો ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું.
નોંધનીય છે કે ગુજરાતમાં પાછલા ઘણા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષા, કૉલેજ, યુનિવર્સિટી અને શાળાના પ્રશ્નપત્રો ગેરરીતિથી મેળવીને ગુનાહિત કૃત્ય આચરવાનું ચલણ જોવા મળી રહ્યું છે. આ બનાવ પણ આ સિલસિલાની એક કડીરૂપે જોડાઈ ગયો છે.
બાઇડને કહ્યું યુક્રેન યુદ્ધ મહત્ત્વપૂર્ણ વળાંકે, અમેરિકાએ મોકલ્યાં વધુ હથિયાર
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને રશિયા સાથે ચાલી રહેલ યુક્રેન યુદ્ધ મહત્ત્વપૂર્ણ વળાંક પર હોવાનું નિવેદન કર્યું છે. બીજી તરફ અમેરિકાએ યુક્રેન વધુ હથિયાર મોકલ્યાં છે.
યુક્રેનને મળી રહેલ 80 કરોડ ડૉલરના પૅકેજમાં લાંબા અંતર સુધી ફાયર કરી શકે તેવાં ‘ડઝનબદ્ધ’ હૉવિત્ઝર તોપ અને દારૂગોળાના લગગ દોઢ લાખ રાઉન્ડ સામેલ છે. બીજી તરફ તેમને પૂર્વ યુક્રેનના મેદાની વિસ્તારોમાં ઉપયોગમાં લઈ શકાય તેવા ટેક્ટિકલ ડ્રોન પણ અપાઈ રહ્યા છે.
યુક્રેનમાં મોકલાવાયેલાં બીજાં હથિયારોમાં સ્વિચબ્લેડ ડ્રોન પણ સામેલ છે. આ ડ્રોનની ખાસિયત એ છે કે તેનાથી બૉમ્બમારો કરી શકાય છે અને વિમાનોને પણ નિશાન બનાવી શકાય છે.
જણાવાઈ રહ્યું છે કે રશિયા સાથે યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે તે સમયથી કુલ્લે 300 કરોડ ડૉલરની સહાયતા દેશને અપાઈ ચૂકી છે.
અમેરિકાના સંરક્ષણમંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે તેઓ યુક્રેનને ‘ઘોસ્ટ ડ્રોન’ પણ આપી રહ્યું છે. આ વિશે એક અધિકારીએ જણાવ્યું કે, અમેરિકાની ઍરફોર્સે યુક્રેનની જરૂરિયાતોને જોતાં તેને ખૂબ જ ઝડપથી તૈયાર કર્યા છે.
જોકે, આ ડ્રોનની લાક્ષણિકતાઓ અંગે હાલ કોઈ જાણકારી ઉપલબ્ધ નથી.
ગુડ મૉર્નિંગ ગુજરાત!
નમસ્કાર
બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં આપનું સ્વાગત છે. અહીં અમે આપને દેશ અને દુનિયાના મહત્ત્વના સમાચારો ઉપરાંત તેની આસપાસનો વ્યાપક દૃષ્ટિકોણ પણ રજૂ કરીશું. જોડાયેલા રહો બીબીસી ગુજરાતી સાથે.