You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પયગંબર મોહમ્મદ પરની પુતિનની કઈ ટિપ્પણીને ઇમરાન ખાને આવકારી?
ડેલ્ટા કરતા હળવો હોવા છતાં ઝડપથી વધતા ઑમિક્રોન સંક્રમણને લઈને ચિંતા વધી, ગુરુવારે યુકે, ફ્રાન્સ અને ઇટાલીમાં રેકૉર્ડ કેસ આવ્યા.
લાઇવ કવરેજ
ઓમિક્રૉન વૅરિયન્ટના કેસ વધતાં હાલ આખી દુનિયામાં શું ચાલી રહ્યું છે?
યુએસ, ભારત અને બ્રાઝિલમાં સૌથી વધુ કોવિડના કેસ જોવા મળ્યા છે, તે પછીના ક્રમે યુકે, રશિયા અને તુર્કી આવે છે. કોવિડ ના ફેલાયો હોય એવાં દુનિયાનાં જૂજ સ્થળો બચ્યાં છે.
વર્તમાન કોરોના મહામારીમાં નવો ઑમિક્રોન વૅરિયન્ટ પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના યુરોપીયન ક્ષેત્રના 53માંથી 38 જેટલા દેશોમાં ઑમિક્રોન મળી આવ્યો છે - જેમાં રશિયા અને તુર્કીનો સમાવેશ થાય છે.
ઘણા યુરોપિયન દેશોમાં ઑમિક્રોન પ્રભાવશાળી વૅરિયન્ટ સાબિત થઈ રહ્યો છે. જર્મની અને પોર્ટુગલ જેવા દેશો નાતાલ પછી વધુ આકરાં નિયંત્રણો લાદી રહ્યા છે.
એ દેશ જેણે જાતે કોરોના સામે રક્ષણ આપતી વૅક્સિનના લાખો ડોઝનો નાશ કર્યો
જવાહરલાલ નહેરુ અને મહમદઅલી ઝીણા વચ્ચે વિખવાદ કેમ વધ્યો હતો?
મહમદઅલી ઝીણા અને જવાહરલાલ નહેરુ બંનેનું વ્યક્તિત્વ અંગ્રેજ પ્રકારનું હતું.
બંને લંડન જઈને બૅરિસ્ટર બન્યા હતા. બંનેનો ઉછેર એવી રીતે થયો હતો કે પોતાની માતૃભાષા કરતાં બ્રિટિશ ઢબનું અંગ્રેજી બોલવામાં વધુ ફાવટ હતી. ઝીણા નહેરુની માફક નાસ્તિક નહોતા, પણ ઇસ્લામમાં દારૂની મનાઈ હોવા છતાં રાત્રે એક બે પેગ લેવામાં ઝીણાને બહુ છોછ નહોતો.
બંને અભિમાની, હઠીલા અને વાત વાતમાં ખોટું લાગી જાય તેવા સ્વભાવના હતા.
બંનેને પ્રશંસકોથી ઘેરાયેલા રહેવાનું ગમતું, પણ આમ જુઓ તો બંને એકલવાયું જીવન વધારે જીવ્યા હતા.
જાણીતા પત્રકાર નિસીદ હજારી પોતાના પુસ્તક 'મિડનાઇટ્સ ફ્યુરીઝ, ધ ડેડલી લિગસી ઑફ ઇન્ડિયાઝ પાર્ટિશન'માં લખે છે, "સિત્તેરની ઉંમરના થવા આવેલા ઝીણા દૂબળાપાતળા અને નબળા હતા, જ્યારે નેહરુ સ્ફૂર્તિલા જણાતા હતા.
રોજ સિગારેટના બે પૅકેટ ફૂંકી નાખનારા ઝીણાને જલદી હાંફ ચડી જતો હતો." "ઝીણા છ ફૂટના હતા, પણ તેમનું વજન માત્ર 63 કિલો હતું.
એક જમાનામાં તેમના વાળની સરખામણી પ્રખ્યાત અભિનેતા સર જેરલ્ડ ડુ મૉરિએ સાથે થઈ હતી, પરંતુ ચાલીસીમાં પ્રવેશ પછી થોડાં વર્ષોમાં માથાના વાળ સફેદ થઈ ગયા હતા."
"નહેરુના વાળ પણ અકાળે ખરવા લાગ્યા હતા અને તેમણે વધતી ટાલ છુપાવવા માટે ગાંધી ટોપી પહેરવાનું શરૂ કર્યું હતું."
આખો અહેવાલ અહીં વાંચો
પુતિનની પયગંબર મોહમ્મદ પર ટિપ્પણીને ઇમરાન ખાને આવકારી
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પયગંબર મોહમ્મદ વિશે કરેલી ટિપ્પણીનું સ્વાગત કર્યું છે.
ઇમરાન ખાને કહ્યું છે કે 'ઇસ્લામોફોબિયા વિરુદ્ધનો આ સંદેશ બિન-મુસ્લિમ નેતાઓ સુધી ફેલાવો જોઈએ.'
રશિયન સમાચાર એજન્સી તાસ અનુસાર, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 23 ડિસેમ્બરે તેમની વાર્ષિક પ્રેસ કૉન્ફરન્સમાં મોહમ્મદ પયગંબર પર ટિપ્પણી કરતા કહ્યું કે, "પયગંબર મોહમ્મદનું અપમાન કરવું અભિવ્યક્તિની સ્વતંત્રતા હેઠળ નથી આવતું."
તેમણે કહ્યું હતું કે, "પયગંબરનું અપમાન કરવું એ ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન અને ઇસ્લામનું પાલન કરનારાઓની પવિત્ર લાગણીઓનું હનન છે."
પુતિને શું-શું કહ્યું?
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે તેમની વાર્ષિક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન આ વાત કહી. તેમને અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે જોડીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.
તેમને પૂછવામાં આવ્યું હતું કે ઘણીવાર અભિવ્યક્તિની સ્વતંત્રતામાં મામલો ગૂંચવાઈ જાય છે અને અભિવ્યક્તિ અન્યોનું હનન કરવાનું શરૂ કરી દે છે, તો પછી બંને વચ્ચેનો તફાવત કેવી રીતે કહેશે. આના પર પુતિને મોહમ્મદ પયગંબરનું ઉદાહરણ આપીને પોતાની વાત સમજાવી હતી.
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન:
મોહમ્મદ પયગંબરનું અપમાન કરવું એ અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી અને જો આપણે આ કુટેવને બંધ નહીં કરીએ તો આપણું ભવિષ્ય દુખી અને દયનીય હશે. કેટલાક લોકો ધર્મનું અતિક્રમણ કરીને લાખો મુસ્લિમોની લાગણીઓને આઘાત પહોંચાડે છે.
પુતિને કહ્યું હતું કે, "પયગંબર મોહમ્મદનું અપમાન શું છે? શું તે સર્જનાત્મક સ્વતંત્રતા છે? હું માનું છું કે આ અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી. હું માનું છું કે આ વ્યક્તિના વિશ્વાસનું અપમાન કરવાનો પ્રયાસ છે."
હરિદ્વારની ઘટના પર વિદેશમાંથી ભારત માટે આવી કેટલીક પ્રતિક્રિયા આવી રહી છે.
"જો તમે લોકોની માન્યતાઓનો અનાદર કરો છો, તો તે ઉગ્રવાદને પ્રોત્સાહન આપે છે, જેનું ઉદાહરણ આપણે પેરિસમાં જોયું છે. જેમાં અખબારના તમામ સભ્યોની હત્યા કરવામાં આવી હતી. સ્વતંત્રતા એવી વસ્તુ છે જે તમારી અંદરથી જ આવે છે અને તમારી આસપાસના લોકોનો આદર કરવાથી આવે છે."
પુતિને વેબસાઈટ પર નાઝી જર્મન સેનાની તસવીરો પોસ્ટ કરવાની પણ નિંદા કરી હતી. તેમણે કહ્યું કે વેબસાઈટ પર જર્મન સૈન્ય કે હિટલરની તસવીરો પોસ્ટ કરવી એ અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી.
તેમણે કહ્યું, "અલબત્ત, અભિવ્યક્તિની સ્વતંત્રતા, કલાકારોની સ્વતંત્રતા અને સામાન્ય સ્વતંત્રતાનું રક્ષણ કરવું જોઈએ કારણ કે સ્વતંત્રતા વિના આપણે આગળ વધી શકતા નથી. એ સ્વતંત્રતા વિના આપણું ભવિષ્ય અંધકારમય અને ફીક્કું છે."
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ટ્વીટ કરીને પુતિનના નિવેદનનું સ્વાગત કર્યું છે.
તેમણે પુતિનના નિવેદન સાથે જોડાયેલા સમાચારને ટ્વીટ કરીને લખ્યું, "હું રાષ્ટ્રપતિ પુતિનના નિવેદનનું સ્વાગત કરું છું જે મારા સંદેશની પુષ્ટિ કરે છે કે આપણા પવિત્ર પયગંબરનું અપમાન કરવું એ અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી. આપણે મુસ્લિમોએ અને ખાસ કરીને મુસ્લિમ નેતાઓએ આ સંદેશને ઇસ્લામોફોબિયા સામે લડવા માટે બિન-મુસ્લિમ દેશના નેતાઓ સુધી પહોંચાડવો જોઈએ."
ક્યારેક 'ગેટ વે ઑફ ઇન્ડિયા' રહેલા ગુજરાતના લખપતથી જ્યારે ગુરુ નાનક દેવ મક્કા-મદીના ગયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વ નિમિત્તે કચ્છના લખપત સાહિબ ગુરુદ્વારામાં સંબોધન કર્યુ છે.
પીએમ મોદીએ દેશવાસીઓને ગુરુ પરબની શુભકામનાઓ પાઠવતાં કહ્યું હતું કે'1998ના સમુદ્રી તોફાનમાં અહીં લખપત સાહિબને ઘણું નુકસાન થયું હતું અને2001ના ભૂકંપમાં ગુરુદ્વારાની200વર્ષ જૂની ઇમારતને ભારે ક્ષતિ પહોંચી હતી. તો પણ ગુરુદ્વારા લખપત સાહિબ એ જ ગૌરવ સાથે ઊભું છે.'
'એક સમયે લખપત દુનિયાભરના દેશો સાથે વેપાર માટેનું મોટું વ્યાપારિક બંદર હતું. એટલે જ ચોથી ઉદાસી દરમિયાન ગુરુ નાનક દેવજી કેટલાક દિવસ અહીં રોકાયા હતા.'
'એક સમય હતો કે રોજી રોટી માટે કચ્છના લોકો દુનિયાભરમાં જતા હતા. આજે દુનિયાભરના લોકો કચ્છ તરફ આકર્ષિત થઈ રહ્યા છે.'
વડાપ્રધાને કચ્છી ભાષામાં પણ સંબોધન કરતાં કહ્યું હતું, 'મુંજા કચ્છી ભા ભેણ કી આયો?ઘેવર તછી કચ્છી હૈ. દિલ્હી,પંજાબ જેડો પોંદો હુદો ના. ખાસો કાચો સી મેં આંજ્યો અને આજે કુટુંબ જો ખયાલ રખ જા ભલે. પણ કચ્છા ની કચ્છી માડું મુજે ધલી મેં વસે તા. તડે આવ કેડા પણ વા જેડા પણ વેડા કચ્છુ તે જાત કરે પણ રહી ન સકા જે પણ ઇ ન આંજો પુને માય. ખાસો ખાસો જડે પણ આવુ કચ્છે મેં. આ મેડી કા મુંજા જેજા જેજા રામ રામ. ધ્યાન રાખી જા.'
નરેન્દ્ર મોદીએ કચ્છના જે ગુરુદ્વારાનો ઉલ્લેખ કર્યો તેની કહાણી અહીં વાંચો
મનુસ્મૃતિના મુદ્દે વારંવાર વિવાદ શા માટે સર્જાય છે?
ડૉ. બાબાસાહેબ આંબેડકરે મહારાષ્ટ્રના કોલાબા જિલ્લાના (હાલના રાયગડના) મહાડમાં 25 જુલાઈ, 1927ના દિવસે મનુસ્મૃતિને જાહેરમાં આગ ચાંપી હતી.
ડૉ. આંબેડકરે તેમના પુસ્તક 'ફિલોસોફી ઑફ હિન્દુઇઝમ'માં લખ્યું છે કે "મનુએ ચાર વર્ણની વ્યવસ્થાની તરફેણ કરી હતી. મનુએ આ ચાર વર્ણોને અલગઅલગ રાખવા વિશે જણાવીને જ્ઞાતિ-વ્યવસ્થાનો પાયો નાખ્યો હતો. જોકે, જ્ઞાતિ-વ્યવસ્થાની રચના મનુએ કરી હોવાનું કહી શકાય તેમ નથી, પણ તેમણે એ વ્યવસ્થાના બિયારણનું વાવેતર જરૂર કર્યું હતું."
તેમણે મનુસ્મૃતિનો વિરોધ તેમના પુસ્તક 'કૌન થે શુદ્ર' અને 'જાતિ કા અંત'માં પણ નોંધાવ્યો છે.
એ દિવસોમાં દલિતો તથા મહિલાઓને આ સામાન્ય જીવન જીવવાનો અધિકાર ન હતો. બ્રાહ્મણોના પ્રભુત્વને કારણે જ્ઞાતિ-વ્યવસ્થાનો જન્મ પણ એ સાથે થયો હતો.
ડૉ. આંબેડકરના જણાવ્યા મુજબ, જ્ઞાતિ-વ્યવસ્થા બહુમાળી ઇમારત જેવી હોય છે. તેમાં એક માળથી બીજા માળ પર જવા માટે સીડી હોતી નથી.
તેમણે કહ્યું હતું કે "વર્ણ-વ્યવસ્થાની રચના કરીને માત્ર કર્મનું જ નહીં, પણ કામ કરનારાઓનું પણ વિભાજન કરવામાં આવ્યું છે."
આખો અહેવાલ અહીં વાંચો
મહમદઅલી ઝીણા જ્યારે 16 વર્ષની કિશોરીને દિલ દઈ બેઠા!
દાયકાઓ બાદ ઑસ્ટ્રેલિયામાં પ્રથમ વખત દુર્લભ ગુલાબી હેન્ડફિશ જોવા મળી
એક દુર્લભ "ચાલતી" અને મૂળ ઑસ્ટ્રેલિયાની પ્રજાતિ એવી ગુલાબી હેન્ડફિશ 22 વર્ષ બાદ પહેલીવાર તસ્માનિયાના દરિયાકાંઠે જોવા મળી.
ગુલાબી હેન્ડફિશને છેલ્લે 1999 માં તસ્માનિયાના એક ડાઇવરે જોઈ હતી અને એ સિવાય તે અત્યાર સુધીમાં માત્ર ચાર વખત જ જોવા મળી હતી.
તસ્માનિયા ઑસ્ટ્રેલિયાથી દક્ષિણમાં સ્થિત એક દ્વીપ છે.
તેના અસ્તિત્વ માથે તોળાઈ રહેલા ખતરાને પગલે અધિકારીઓએ તાજેતરમાં તેને વિલુપ્ત પ્રજાતિ તરીકે વર્ગીકૃત કરી હતી.
પરંતુ ઑસ્ટ્રેલિયન સંશોધકોનું કહેવું છે કે આ વર્ષની શરૂઆતમાં દરિયાઈ ઉદ્યાનમાં ઊંડા સમુદ્રના કૅમેરા રેકૉર્ડિંગમાં તે ફરી જોવા મળી છે.
નવા અવલોકન પ્રમાણે, આ માછલી પહેલા કરતાં વધુ ઊંડાં અને વધુ ખુલ્લાં પાણીમાં જોવા મળી છે.
વૈજ્ઞાનિકોની ધારણા હતી કે આ માછલી છીછરાં પાણીની પ્રજાતિ છે એટલે તે ખાડી પ્રદેશોમાં રહે છે. પરંતુ તે તસ્માનિયાના દક્ષિણ કિનારે 150 મીટર (390 ફૂટ) ઊંડાં પાણીમાં જોવા મળી છે.
અગ્રણી સંશોધક અને દરિયાઈ જીવવિજ્ઞાની તસ્માનિયા યુનિવર્સિટીના સહયોગી પ્રોફેસર નેવિલ બેરેટે જણાવ્યું હતું,"આ નવીન શોધ છે અને તેણે ગુલાબી હેન્ડફિશની અસ્તિત્વની આશા જન્માવી છે, કારણ કે તે પહેલાની માન્યતાઓ કરતાં વધુ વ્યાપક રહેઠાણ અને વર્ગીકરણ ધરાવે છે."
તેમના નામ પ્રમાણે, પ્રજાતિની મછલીને મોટાં કદના "હાથ" છે જેના સહારે તે તરવા ઉપરાંત સમુદ્રતટ પર "ચાલે" પણ છે.
શું બિરયાની ભારતીય છે કે મુગલો ભારતમાં બિરયાની લાવ્યા?
ફૂડ ડિલિવરી ઍપ સ્વિગી દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા છે. જે મુજબ વર્ષ 2021 દરમિયાન બિરયાની સૌથી વધુ ઑર્ડર થયેલી વાનગી હતી.
આ સાથે જ સોશિયલ મીડિયા ઉપર ફરી એક વખત ચર્ચા શરૂ થઈ છે કે, 'બિરયાની મૂળ ભારતીય છે કે મોઘલો તેને દેશમાં લાવ્યા?'
શું પોતાની લવસ્ટોરીને કારણે ચર્ચિત નળરાજા અને બિરયાનીની વચ્ચે કોઈ સંબંધ છે?
વાંચો આખો અહેવાલ
ક્રિસમસ : ગુજરાતનું એવું ગામ જ્યાં માત્ર ખ્રિસ્તીઓ જ રહે છે
ભાવનગરના ઘોઘા તાલુકામાં આવેલું એક ગામ એવું છે જે ગુજરાતનાં બીજાં ગામો કરતાં તદ્દન અલગ છે.
લોચન સેહરા અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા મુજબ 'eF શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના સચિવ લોચન સેહરાની અમદાવાદ શહેરના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક થઈ છે.
શુક્રવારે સાત આઈએએસ અધિકારીની બદલીની જાહેરાત થઈ હતી.
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારનું સ્થાન લોચન સેહરા લેશે.
અન્ય બદલીઓમાં મુકેશ પુરીની ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ કંપની લિમિટેડ (જીએસએફસી)ના ફુલટાઇમ એમડી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આયોજનમાં સામાન્ય વહીવટ વિભાગના સચિવ રાકેશ કુમારને શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડના એમડી કે.સી. સંપત સુરેન્દ્રનગરના ડીડીઓ બનાવવામાં આવ્યા છે.
ક્રિસમસ : ઓમિક્રૉન વૅરિયન્ટના વધતા સંક્રમણને પગલે ક્રિસમસના દિવસે હજારો ફ્લાઇટ્સ રદ
ઓમિક્રૉન વૅરિઅન્ટના વધતા સંક્રમણને પગલે દુનિયાભરમાં ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને સલામતી નિયંત્રણો કડક બનાવવામાં આવ્યા છે.
ઑમિક્રોન વૅરિયન્ટ ડેલ્ટા કરતા હળવો હોવા છતાં વૈજ્ઞાનિકો ઝડપથી વધી રહેલા સંક્રમણને લઈને ચિંતિત છે.
ગુરુવારે યુકે, ફ્રાન્સ અને ઇટાલીમાં રેકૉર્ડ સંખ્યામાં ઓમિક્રૉનના કેસ જોવા મળ્યા હતા.
યુ.એસ.માં દૈનિક ઑમિક્રોનના કેસ ડેલ્ટાની લહેર કરતા પણ આગળ વધી ગયા છે, અને દેશભરમાં હૉસ્પિટલોમાં ભરાવો થઈ રહ્યો છે.
ફ્લાઇટ અવેયર વેબસાઇટ અનુસાર, વિશ્વભરમાં હજારો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
નાતાલની પૂર્વસંધ્યાએ યુએસ ઍરલાઇન્સે જણાવ્યું હતું કે તેઓ ફ્લાઇટ ક્રૂના પૉઝિટિવ પરીક્ષણને લઈને અથવા આઇસોલેટ થવાની ફરજ પડી હોવાને કારણે સ્ટાફની અછતથી પીડાય છે.
યુનાઇટેડ ઍરલાઇન્સે જણાવ્યું હતું કે ઓમિક્રૉનના કેસની વધતી સંખ્યાની "અમારા ફ્લાઇટ ક્રૂ પર સીધી અસર પડી છે.
ઑસ્ટ્રેલિયામાં પણ શુક્રવારે સિડની અને મૅલબર્નથી અન્ય શહેરોની 1000 થી વધુ ડૉમેસ્ટિક ફ્લાઇટ્સ રદ થતાં હજારો મુસાફરોને અસર થઈ હતી.
જોકે ઑસ્ટ્રેલિયાવાસીઓ માટે એ વાતનું આશ્વાસન લેવા જેવું છે કે તેઓ બે વર્ષમાં પ્રથમ વખત રજાઓમાં રાજ્યો વચ્ચે મુસાફરી કરી શકે છે.
યુકેમાં નાતાલની પૂર્વસંધ્યાએ અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ હડતાલને પગલે ટ્રેનની મુસાફરીમાં વિક્ષેપ પડી શકે છે.
અટલ બિહારી વાજપેયીના વડા પ્રધાન બનવાની ભવિષ્યવાણી નહેરુએ કરી હતી
ભારતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કુલ 415 કેસ
ભારતમાં છેલ્લા 24 કલાકોમાં કોરોનાના 7,189 કેસ નોંધાયા તથા 7,286 લોકો કોરોના સંક્રમણમાંથી સાજા થયા છે.
સમાચાર સંસ્થા એએનઆઈએ જણાવ્યું છે કે એક દિવસમાં કોરોના સંક્રમણને કારણે ભારતમાં 387 લોકોનાં મૃત્યુ થયાં છે.
ત્યારે દેશમાં ઓમિક્રૉન વૅરિયન્ટના 415 કેસ અત્યાર સુુધી સામે આવ્યા છે.
હાલ દેશમાં 77,032 ઍક્ટિવ કેસ છે.
આધારને વોટર આઈડી સાથે લિંક કરવાના બિલ પર હોબાળો કેમ, આનાથી શું બદલાશે?
સંસદના શિયાળુ સત્રમાં રાજ્યસભામાં ચૂંટણી અધિનિયમ (સુધારા) બિલ, 2021 પસાર કરવામાં આવ્યું હતું.
આ બિલમાં સૌથી મોટો ફેરફાર એ હતો કે આધારને વોટર આઈડી સાથે જોડવામાં આવશે.
વિપક્ષના ભારે વિરોધ છતાં આ સુધારેલું બિલ સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરી દેવામાં આવ્યું છે.
સોમવારે કાયદામંત્રી કિરણ રિજિજુ દ્વારા ચૂંટણી અધિનિયમ (સુધારો) બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
માત્ર 20 મિનિટમાં, આ બિલને ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ બપોરે 2 : 47 વાગ્યે રજૂ કરવામાં આવ્યું હતું અને 3 : 10 વાગ્યે પસાર થઈ ગયું હતું.
વિપક્ષની માગ હતી કે આ બિલને સંસદની સ્થાયી સમિતિમાં મોકલવામાં આવે, જ્યાં મત-ઓળખપત્ર સાથે આધારને જોડવું એ સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ ગોપનીયતાનો ભંગ કરે છે કે કેમ એની તપાસ કરવામાં આવે.
પરંતુ વિરોધના સૂરો વચ્ચે આ બિલ બંને ગૃહોમાં પસાર થઈ ગયું છે અને હવે રાષ્ટ્રપતિની સહી સાથે સંશોધિત કાયદો બની જશે.
ઓમિક્રૉનના ભય વચ્ચે ગુજરાતનાં મહાનગરોમાં રાત્રી-કર્ફ્યુના સમયમાં કેવા ફેરફાર કરાયા?
ઑમિક્રોન વૅરિયન્ટથી સંક્રમિત 91 ટકા દર્દીઓએ રસીના ડબલ ડોઝ લીધા હતા
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ કેન્દ્ર સરકારે શુક્રવારે ઑમિક્રોન સંક્રમિત 183 વ્યક્તિઓના વિશ્લેષણના પરિણામોને જાહેર કરતાં ભારપૂર્વક જણાવ્યું હતું કે "મહામારીને નાથવા માટે એકલી રસી પર્યાપ્ત નથી."
કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં 183 ઑમિક્રોન કેસોનું વિશ્લેષણ દર્શાવે છે કે 87 લોકોએ રસીના બંને ડોઝ લીધેલા હતા, જેમાંથી ત્રણને બૂસ્ટર ડોઝ પણ આપેલા હતા.
ઑમિક્રોનથી સંક્રમિત 183 વ્યક્તિઓ પૈકી માત્ર સાત લોકોને રસી આપવામાં આવી ન હતી, જ્યારે બેને એક-એક ડોઝ આપવામાં આવ્યો હતો. કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે, ઑમિક્રોનથી સંક્રમિત 73 લોકોની રસીકરણની સ્થિતિ જાણી શકાઈ નથી અને 16 રસીકરણ માટે લાયક નથી. આમ ઑમિક્રોનથી સંક્રમિત 91 ટકા લોકોને રસી આપવામાં આવી હતી.
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ દ્વારા બહાર પાડવામાં આવેલ વિશ્લેષણ દર્શાવે છે કે 27 ટકા કેસોમાં વિદેશ પ્રવાસનો ઇતિહાસ નથી - જે કમ્યુનિટિમાં ઑમિક્રોનની હાજરી દર્શાવે છે.
તાલિબાનના શાસન બાદ અફઘાનમાં શિક્ષણ વ્યવસ્થામાં શું મહિલાઓને મળ્યો છે તેમનો હક?