You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

કન્ઝર્વેટિવ સાંસદોના બળવા છતાં બ્રિટનમાં કોવિડ પાસને મંજૂરી

કન્ઝર્વેટિવ પક્ષના સંસદસભ્યોએ કરેલા જોરદાર બળવા છતાં વડા પ્રધાન બોરિસ જૉન્સન બ્રિટનમાં કોવિડ પાસ માટે મોટા ભાગના સંસદસભ્યોનો ટેકો મેળવવામાં સફળ થયા

લાઇવ કવરેજ

  1. એ ખેડૂત આંદોલન જેમાં વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી નજીક આવ્યા

  2. કન્ઝર્વેટિવ સાંસદોના બળવા છતાં બ્રિટનમાં કોવિડ પાસને સંસદે આપી મંજૂરી

    કન્ઝર્વેટિવ પક્ષના સંસદસભ્યોએ કરેલા જોરદાર બળવા છતાં વડા પ્રધાન બોરિસ જૉન્સન બ્રિટનમાં કોવિડ પાસ માટે મોટા ભાગના સંસદસભ્યોનો ટેકો મેળવવામાં સફળ થયા છે. કન્ઝર્વેટિવ પક્ષના સંસદસભ્યોનો બળવો, તેમના જ પક્ષના બોરિસ જૉન્સન વડાપ્રધાન બન્યા પછીનો સૌથી મોટો બળવો છે.

    કન્ઝર્વેટિવ પક્ષના કૂલ 99 સંસદસભ્યોએ સરકાર વિરુદ્ધ મતદાન કર્યું હતું, પરંતુ કોવિડ સંબંધી પગલાંની દરખાસ્તને લેબર પાર્ટીના ટેકાને લીધે 243 મતોથી મંજૂરી મળી હતી.

    તેથી હવે બ્રિટનમાં નાઇટ ક્લબ સહિતનાં મોટાં સ્થળોમાં પ્રવેશ માટે એનએચએસ કોવિડ પાસ દેખાડવા બુધવારથી અનિવાર્ય બનશે. તાજેતરમાં જેમનો કોવિડ ટેસ્ટ નેગિટવ આવ્યો હોય અથવા જેમણે સંપૂર્ણ વૅક્સિનેશન કરાવ્યું હોય તેવા લોકો આ પાસ મેળવી શકશે.

    મોટા ભાગના ઇન્ડોર સેટિંગમાં માસ્ક ફરજિયાત પહેરવાની દરખાસ્તને પણ સંસદસભ્યોએ અનુમોદન આપ્યું હતું.

    લેબર પાર્ટીના નેતા સર કેઈર સ્ટારમેરે જણાવ્યું હતું કે કોવિડ પાસના મુદ્દે કન્ઝર્વેટિવ પક્ષના સંસદસભ્યોએ કરેલો બળવો “વડા પ્રધાનની અગાઉથી જ નબળી પડેલી સત્તા પરનો નોંધપાત્ર ફટકો છે.”

    તેમણે કહ્યું હતું, “આ બળવો દર્શાવે છે કે તેઓ (બોરિસ જૉન્સન) સરકારની મૂળભૂત કામગીરી કરવા માટે પણ બહુ નબળા છે.”

    આરોગ્યમંત્રી ગિલિયન કીગને સ્વીકાર્યું હતું કે કન્ઝર્વેટિવ પક્ષના સંસદસભ્યો માટે નિર્ણય કરવાનું “મુશ્કેલ” હતું, કારણ કે ઓમિક્રૉન વૅરિયન્ટ બાબતે વિજ્ઞાનીઓ પાસેથી “આંશિક માહિતી” જ મળી છે.

    તેમણે કહ્યું હતું, “અમે થોડો સમય રાહ જોવાનું નક્કી કર્યું હતું. આ ભયંકર વાઇરસના સંક્રમણની ગતિ ધીમી પાડવી અત્યંત જરૂરી છે.”

    કોવિડ પાસ મુદ્દે મતદાન પહેલાં વડા પ્રધાને સરકારનાં પગલાંને ટેકો આપવા તેમના પક્ષને છેલ્લી ઘડીએ વિનતી કરી હતી. તેમણે આગામી શિયાળામાં કોરોના વાઇરસના ચેપમાં સંભવિત ઉછાળાના સામના માટેની યોજનાની રૂપરેખા પણ રજૂ કરી હતી.

    તેમ છતાં કન્ઝર્વેટિવ પક્ષના સંસદસભ્યોએ હાઉસ ઑફ કૉમન્સમાં કોવિડ પાસ વિશેની ચર્ચા દરમિયાન વડા પ્રધાનની ટીકા કરી હતી.

    કોવિડ પાસ સંબંધી મતદાન બાદ કન્ઝર્વેટિવ પક્ષના એક બળવાખોર સર જ્યૉફ્રી ક્લિફ્ટન-બ્રાઉને જણાવ્યું હતું કે આ બળવાનું કદ સૂચવે છે કે બોરિસ જૉન્સનના નેતૃત્વ સામે આગામી વર્ષે મોટો પડકાર સર્જાશે.

    બીજા એક બળવાખોર સર ચાર્લ્સ વૉકરે બીબીસીને જણાવ્યું હતું કે કન્ઝર્વેટિવ પક્ષના ઘણા સંસદસભ્યોએ વડા પ્રધાનને ટેકો આપ્યો હતો, પરંતુ કેટલાક સભ્યોનો બળવો ચોક્કસ પગલાં સામેની “પીડાનો પોકાર” હતો. ઘણા લોકો એ પગલાંને વ્યક્તિગત સ્વાતંત્ર્ય પરનો હુમલો ગણી રહ્યા છે. એ પગલાંથી કોવિડનો પ્રસાર રોકી શકાશે નહીં, એવું પણ તેઓ માને છે.

    કોવિડના નવા વૅરિયન્ટના આગમનને પગલે સરકારે લોકોના સ્વાસ્થના રક્ષણ માટે સક્રિય થવું પડ્યું છે.

    ઓમિક્રૉનનો પ્રકોપ અનુમાન અનુસાર મોટા પ્રમાણમાં ફાટી નીકળશે તો વર્તમાન રાજકીય ચર્ચા ઝડપથી નિરર્થક બની જશે.

    જોકે, અત્યારે મંત્રીઓ દ્વારા લેવામાં આવી રહેલાં પગલાં સંબંધી કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોની આશંકા ચોક્કસ મુદ્દાઓ વિશેની નહીં, પરંતુ દૂરદર્શિતાના અભાવ વિશેની છે.

  3. મોહન ભાગવતે હિંદુ ધર્મ છોડનારાઓને પાછા લાવવાના શપથ લેવડાવ્યા

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે ચિત્રકૂટમાં કહ્યું હતું કે હિંદુઓએ તેમના અહંકાર અને સ્વાર્થને પાછળ છોડીને કામ કરવું પડશે. તેમણે હિંદુ ધર્મ છોડીને અન્ય ધર્મમાં પરિવર્તિત થયેલા લોકોની ઘરવાપસીનું આહ્વાન પણ કર્યું હતું.

    સંઘપ્રમુખે ત્યાં હાજર તમામ લોકોને એવા શપથ લેવડાવ્યા હતા કે જેમણે હિંદુ ધર્મ છોડીને અન્ય ધર્મ અપનાવ્યો છે એવા લોકોની ઘરવાપસી માટે કામ કરશે.

    આ સાથે, તેમણે સ્વર્ગ સુધીની સીડી બનાવવાની વાર્તા સંભળાવી અને કહ્યું કે "જો આપણે એક થવું હોય તો અહંકાર અને સ્વાર્થ છોડીને, આપણે નિડર થઈને અને મજબૂરીથી નહી પ્રેમથી આપણા લોકો માટે કામ કરવું પડશે."

    ત્યાં હાજર તમામ લોકોએ સંઘના વડા સાથે હિંદુ સમાજના સંરક્ષણ, સંવર્ધન અને સુરક્ષા માટે આજીવન કામકરવાના શપથ લીધા હતા. આરએસએસનું કહેવું છે કે દેશભરના હિંદુઓને એક કરવાના ઉદ્દેશ્ય સાથે ચિત્રકૂટમાં 'હિંદુ એકતા મહાકુંભ'નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

  4. હૉંગકૉંગના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં આગ, 100થી વધુ લોકો છત પર ફસાયા

    હૉંગકૉંગના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં બુધવારે લાગેલી આગમાં 100થી વધુ ઇમારતની છત પર ફસાયા હતા.

    હૉંગકૉંગ પોલીસે બીબીસીને જણાવ્યું કે ઓછામાં ઓછા આઠ લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘાયલોની ઉંમર 31થી 72ની વચ્ચે જણાવવામાં આવી છે.

    પોલીસે જણાવ્યું કે આગ મશીન રૂમમાં લાગી હતી અને જોતજોતામાં બિલ્ડિંગની ફરતે ફેલાઈ ગઈ હતી. હાલ આ બિલ્ડીંગમાં નવીનીકરણની કામગીરી ચાલી રહી છે.

    બચાવ કાર્ય ચાલુ છે અને હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

    અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 150થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

    સાઉથ ચાઈના મૉર્નિંગ પોસ્ટ અનુસાર, આ ઈમારતના સમારકામ દરમિયાન ત્યાંની તમામ દુકાનો ખાલી કરાવવામાં આવી હતી. જોકે કેટલાક માળ પર રેસ્ટોરાં અને ઓફિસો ચાલુ હતી.

    આ આગને લેવલ ત્રણની શ્રેણીમાં મુકવામાં આવી છે (1થી 5 સુધીમાં પાંચ સૌથી ગંભીર શ્રેણી છે).

    ગ્લુસેસ્ટર રોડ પર આવેલી આ 38 વર્ષ જૂની ઇમારતમાં આગ લાગવાની જાણકારી સૌપ્રથમ લંચ-બ્રેક દરમિયાન મળી હતી.

    ત્યારે મિલિંગ લાઈ આ ઇમારતના 12મા માળે આવેલી ચાઈનીઝ રેસ્ટોરાંમાં લંચ કરી રહ્યા હતા.

    તેમણે બીબીસીને જણાવ્યું કે રેસ્ટોરાંમાં પ્રથમ વખત ધુમાડો દેખાયો તે પછી લગભગ 10 મિનિટ પછી ફાયર ઍલાર્મ વાગવા લાગ્યું.

    તેમણે કહ્યું: "જ્યારે અમે પૂછ્યું કે શું થયું છે, ત્યારે ત્યાંના સ્ટાફે અમને કહ્યું કે પાંચમા માળે આગ લાગી હતી, પરંતુ તેઓએ અમને કહ્યું નહીં કે આગ ફેલાઈ ગઈ છે."

    ઍલાર્મનો અવાજ સંભળાયો નહોતો. એક સ્ટાફે તો ત્યાં સુધી કહ્યું કે, "અમે અત્યારે ભાગી જવાના નથી, ડરશો નહીં."

    મિલિંગ લાઈએ કહ્યું કે પાંચમા માળના પોડિયમ પર લગભગ 80 લોકો ફસાયા હતા. બાદમાં ફાયર ફાઇટર દ્વારા તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

  5. નેતાઓનાં ઘરોમાં ચોરી કરનારી ગુજરાતની ચડ્ડી ગૅંગ કોણ છે અને શું છે મોડસ ઑપરેન્ડી?

  6. BCCIએ દોઢ કલાક પહેલાં મને કપ્તાનીમાંથી હઠાવ્યો હોવાનું કહ્યું હતું : વિરાટ કોહલી

    ભારતીય ટેસ્ટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ અટકળો દૂર કરવા કહ્યું છે કે, મને મૅચના દોઢ કલાક પહેલાં ફોન આવ્યો હતો અને હું કૅપ્ટન ન હોવાનું જણાવવામાં આવ્યું હતું.

    પાછલા કેટલાક દિવસોથી એવા સમાચાર વહેતા થયા હતા કે 'વન-ડે માટે તેઓ ઉપલબ્ધ ન હોવા અંગે' વિરાટ કોહલીએ બીસીસીઆઈને એક પત્ર લખ્યો છે.

    આ અંગે ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલાં યોજાયેલી પ્રેસકૉન્ફરન્સમાં તેમણે કહ્યું કે તેઓ વન-ડે સિરીઝ માટે પણ ઉપલબ્ધ છે અને તેમણે આ સંદર્ભે બીસીસીઆઈને કોઈ પત્ર લખ્યો નથી.

    કોહલીએ ટી20 વિશ્વકપ પહેલાં જ ટી20માંથી કપ્તાની છોડવાનો નિર્ણય લીધો હતો. જ્યાર બાદ તેમની પાસેથી વન-ડેની કપ્તાની પણ લઈ લેવાઈ હતી.

  7. તાલિબાને વિદેશી નાણાં વાપરવા પર પ્રતિબંધ કેમ લગાવ્યો?

    અફઘાનિસ્તાનનું સુકાન તાલિબાનના હાથમાં આવ્યું એ બાદ ત્યાંની અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે પડી ભાંગી છે.

    અફઘાનિસ્તાનનું ચલણ અફઘાની સતત નબળું પડી રહ્યું છે અને ત્યાંની સરકાર પાસે આ અટકાવવા કોઈ ચોક્કસ ઉપાય ન હોવાનું દૃશ્યમાન થાય છે.

    અફઘાનિસ્તાનના નાયબ વડા પ્રધાન અબ્દુલ સલમાન હનાફીએ મંગળવારે કાબુલમાં એક પત્રકારપરિષદ યોજીને અફઘાનિસ્તાનમાં વિદેશી નાણાં વાપરવા પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે.

    હનાફીએ કહ્યું કે લોકો અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય મુદ્રા અફઘાનીનો ઉપયોગ કરે.

    નાયબ વડા પ્રધાને પત્રકારપરિષદમાં જણાવ્યું કે "અમે અધિકારીઓ અને સુરક્ષાબળોને વિદેશી નાણાંનો ઉપયોગ અટકાવવા કહ્યું છે. જો કોઈ પણ વ્યક્તિ તેની સાથે પકડાશે તો કડક પગલાં લેવાશે."

    એક અઠવાડિયા પહેલાં અફઘાનિસ્તાનમાં એક ડૉલરની કિંમત 100 અફઘાનીથી પણ ઓછી હતી. જે રવિવારે 110 અફઘાની અને સોમવારે વધીને 130 પર પહોંચી હતી.

  8. હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક થયાના નક્કર પુરાવા નથી : અસિત વોરા

    રવિવારે રાજ્યના છ જિલ્લામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્કની ખાલી 186 જગ્યાઓની ભરતી માટે લેખિત પરીક્ષા યોજાઈ હતી.

    આ પરીક્ષા યોજાયા બાદ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કેટલાક પુરાવા સાથે પેપર લીક થયું હોવાનો આક્ષેપ કર્યો હતો.

    આ આક્ષેપો બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચૅરમૅન અસિત વોરાએ આજે પત્રકારપરિષદ યોજીને આ અંગે ખુલાસો કર્યો હતો.

    તેમણે કહ્યું કે, “પેપર લીક થવાની વાત વહેતી થઈ, ત્યારથી આજ સુધી લેખિત ફરિયાદ આવી નથી.”

    “સોશિયલ મીડિયા પર વહેતા થયેલા ફોટો અને આક્ષેપ કરનાર યુવરાજસિંહ દ્વારા રજૂ કરાયેલા પુરાવા પરીક્ષા બાદના હતા. જેથી તે માન્ય નથી. જો પરીક્ષા પહેલાં આ અંગેની જાણ કરાઈ હોત તો તેને માન્ય રાખવામાં આવ્યા હોત.”

    પોલીસ દ્વારા કરાઈ રહેલી તપાસ અંગે તેમણે કહ્યું કે, ”સમાચારપત્રો અને મીડિયામાં વહેતા થયેલા અહેવાલો બાદ સાબરકાંઠા પોલીસ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પોલીસે તેમની પાસેથી પરીક્ષાને લગતી તમામ માહિતી મેળવી હતી.”

    અસિત વોરાના જણાવ્યા પ્રમાણે પોલીસ હાલમાં 15થી 16 જેટલી ટીમો બનાવીને રાજ્યભરમાં તપાસ કરી રહી છે.

    તેમણે યુવરાજસિંહ દ્વારા જે ફાર્મહાઉસની વાત કરવામાં આવી ત્યાં પણ તપાસ કરી છે અને હાલમાં પણ સઘન તપાસ કરાઈ રહી છે.

    હાલમાં જ્યાં સુધી પોલીસ તપાસ કરી રહી છે, ત્યાં સુધી આન્સર કી જાહેર કરવાની કામગીરી સ્થગિત કરવામાં આવી છે.

  9. બ્રેકિંગ, હેલિકૉપ્ટર ક્રૅશમાં બચેલા એકમાત્ર જવાન ગ્રૂપ કૅપ્ટન વરુણસિંહનું નિધન

    8 ડિસેમ્બરના રોજ તામિલનાડુના કુન્નુરમાં ભારતીય વાયુસેનાનું એમઆઈ-17વી5 હેલિકૉપ્ટર ક્રૅશ થયું હતું.

    જેમાં સવાર ભારતીય સેનાના 11 જવાનો સહિત ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમનાં પત્નીએ પણ જીવ ગુમાવ્યો હતો.

    જ્યારે આ ઘટનામાં બચી ગેયલા એકમાત્ર જવાન ગ્રૂપ કૅપ્ટન વરુણસિંહનું આજે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

    ભારતીય વાયુસેના દ્વારા ટ્વિટરના માધ્યમથી આ માહિતી આપવામાં આવી છે.

  10. બ્રેકિંગ, લખીમપુર ખીરી મામલે વિપક્ષે સંસદ ગજવી, ગૃહ 2 વાગ્યા સુધી સ્થગિત

    ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી ખાતે ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા ’પૂર્વાયોજિત કાવતરું’ હોવાનું એસઆઈટી દ્વારા જણાવવામાં આવ્યું છે, જે અંગે આજે લોકસભામાં પણ હોબાળો થયો હતો.

    લોકસભામાં વિપક્ષ દ્વારા આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો અને હોબાળો થતાં લોકસભાને બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

    સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું હતું કે જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે, ત્યારે ભાજપ ધર્મના રંગે રંગાઈ જાય છે અને દરેક બાબતને ધર્મથી જુએ છે. સરકારે ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રાને સસ્પેન્ડ કરવા જોઈએ.

    જ્યારે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે "તેઓ અમને બોલવા દેવા માગતા નથી."

    "અમે કહ્યું કે ચુકાદો આવ્યો છે અને તેમાં મંત્રી સામેલ હોવાનો ઉલ્લેખ છે, તો ચર્ચા થવી જોઇએ, પણ તે લોકો ચર્ચા કરવા માગતા જ નથી."

  11. દેવગઢ બારિયામાં ધાર્મિક વિધિમાં ખાધા બાદ શંકાસ્પદ ફૂડ પૉઇઝનિંગથી 7નાં મૃત્યુ

    દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં આવેલા ભુલવણ ગામે શંકાસ્પદ ફૂડ પૉઇઝનિંગના કારણે બીમાર થયેલા 17 લોકો પૈકી 7નાં મોત થયાં છે. જ્યારે અન્ય બીમાર લોકો હાલમાં પણ સારવાર હેઠળ છે.

    ઇન્ડિયન ઍક્સપ્રેસે સ્થાનિક પોલીસને ટાંકીને લખ્યું છે કે ગામના લોકોએ બકરાની બલિ ચઢાવવાની વિધિમાં ભાગ લીધો હતો.

    મંગળવાર સુધીમાં કુલ 17 લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જે પૈકી 7નાં મોત થયાં છે અને અન્ય 10 લોકો હાલમાં સારવાર મેળવી રહ્યા છે.

    આ પ્રકારે લોકોનાં મોત થતાં પોલીસ દ્વારા એફએસએલની ટીમને નમૂના મોકલવામાં આવ્યા છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  12. વાલ્મિકી સમાજના યુવકે કથિત રીતે ‘ઉચ્ચ જ્ઞાતિના લોકોના ત્રાસથી’ કરી આત્મહત્યા

    પોલીસના જણાવ્યા પ્રમાણે અમદાવાદ જિલ્લામાં આવેલા લાંભા ગામે રહેતા વાલ્મિકી સમાજના એક યુવકે 10 ડિસેમ્બરના રોજ તેમનાં વિધવા માતાની સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, મૃતક દિલીપ સોલંકી તેમનાં વિધવા માતા સાથે રહેતાં હતાં અને છૂટક મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

    આ મામલે અસલાલી પોલીસે અકસ્માત મોત નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.

    તેમના પરિવારજનોએ તેમનો સામાન તપાસતા તેમાંથી એક ડાયરી મળી આવી હતી.

    આ ડાયરીમાં મૃતકે એક વ્યક્તિ અને તેનાં માતા દ્વારા જ્ઞાતિસૂચક શબ્દો સાથે કરાયેલી હેરાનગતિ અંગે વ્યથા ઠાલવી હતી.

    તેમણે લખ્યું હતું કે આ લોકો મને અને મારાં માતાને ગાળો દેતાં હતાં. અમારી જ્ઞાતિ અને ધર્મને પણ જેમ ફાવે એમ બોલતા હતા અને હું કંઈ ના કરી શક્યો.

    તેમણે લખ્યું હતું કે, "જો હું દિલિપસિંહ દરબાર કે દિલીપ સોલંકી હોત તો મારે આ ન ભોગવવું પડયું હોત."

    ડાયરી અંગે અસલાલી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  13. સુરતમાં ઓમિક્રૉનનો પ્રથમ કેસ આવતાં 100ના ટેસ્ટ કરાયા, બીજી લહેર વખતે સર્જાઈ હતી ભયાવહ સ્થિતિ

  14. હૈતીમાં ટૅન્કર બ્લાસ્ટ, 60થી વધુનાં મૃત્યુ

    સત્તાધીશોના જણાવ્યા પ્રમાણે, હૈતીના ઉત્તર ભાગમાં આવેલા કૅપ-હેતિયન શહેરમાં એક ઑઇલ ટૅન્કરમાં બ્લાસ્ટ થતાં 60થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

    અહેવાલો અનુસાર, આ ઘટના બની તે સમયે ઘણા લોકો ટૅન્કરમાંથી લીક થઈ રહેલું ઑઇલ લેવા માટે ભેગા થયા હતા.

    બ્લાસ્ટ બાદ સ્થાનિક હૉસ્પિટલો ઇજાગ્રસ્તોથી ભરાઈ ગઈ છે.

    વડા પ્રધાન એરિયલ હૅનરીએ ત્રણ દિવસ માટે રાષ્ટ્રવ્યાપી શોકની જાહેરાત કરી છે.

    બ્લાસ્ટના કારણે આસપાસનાં 20 જેટલાં ઘરોમાં પણ આગ લાગી ગઈ હતી.

  15. મૃત્યુદિન વિશેષ : વલ્લભ ઝવેરભાઈ પટેલથી સરદાર પટેલ બનવા સુધીની કહાણી

    આજે 15 ડિસેમ્બર સરદાર વલ્લભભાઈ પટેલનો મૃત્યુદિનને છે.

    ગુજરાતના નડિયાદ શહેરમાં 31 ઑક્ટોબર 1875માં ઝવેરભાઈ અને લાડબાઈને ત્યાં વલ્લભભાઈ પટેલનો જન્મ થયો.

    જોકે, આ જન્મતારીખ વલ્લભભાઈએ સ્વીકારેલી છે. તેમની સાચી જન્મતારીખ અંગે કોઈ પુરાવા નથી.

    સરદાર પટેલની વકીલાતથી શરૂ થયેલી સફર દેશના નાયબ વડા પ્રધાન સુધી પહોંચી.

  16. WHOએ ઓમિક્રૉન વૅરિયન્ટ અંગે ચેતવણી આપતાં શું કહ્યું?

    વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન (WHO) એ ચેતવણી આપી છે કે કોરોના વાઇરસનો નવો વૅરિયન્ટ ઓમિક્રૉન વિશ્વના મોટાભાગના દેશોમાં સંભવતઃ પહેલાંથી જ હાજર છે અને તે ઝડપથી ફેલાઈ રહ્યો છે.

    વિશ્વના 77 દેશોમાં આ અત્યંત પરિવર્તિત વૅરિયન્ટના કેસની પુષ્ટિ કરવામાં આવી છે.

    WHOના ચીફ ડૉ. ટેડ્રોસ એડનૉમ ગેબ્રિયેસે કહ્યું કે સંભવતઃ વૅરિયન્ટ પહેલાંથી પોતાના શરીરમાં છે, તેની લોકોને જાણ નથી અને તે અભૂતપૂર્વ ઝડપે ફેલાઈ રહ્યો છે.

    ડૉ. ટેડ્રોસે કહ્યું કે ઑમિક્રોનની અસરકારકતા ઓછી આંકવામાં આવી રહી છે તે બાબતે તેઓ ચિંતિત છે.

    તેમણે કહ્યું, "અલબત્ત અત્યાર સુધી એવું જોવા મળ્યું છે કે આપણે આ વાઇરસના જોખમને ઓછું આંકી રહ્યા છીએ."

    "ભલે ઓમિક્રૉનના દર્દીઓ ગંભીર બીમારીમાં નથી સપડાતા, પરંતુ ઝડપથી વધી રહેલા કેસ ફરી એકવાર આપણી નબળી આરોગ્યપ્રણાલીને અસર કરી શકે છે."

    ઑમિક્રોનનો પહેલો કેસ નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકામાં નોંધાયો હતો અને તે પછીથી વિશ્વના ઘણા દેશોમાં તેનું સંક્રમણ વધી રહ્યું છે.

    ઓમિક્રૉનને કારણે ઘણા દેશોએ દક્ષિણ આફ્રિકા અને તેના પડોશી દેશો પર પ્રવાસપ્રતિબંધો લાદ્યા હતા, પરંતુ આ પ્રતિબંધો ઓમિક્રૉનને વિશ્વભરમાં ફેલાતો રોકવામાં નિષ્ફળ રહ્યા છે.