You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાના કેન્ટુકીમાં વાવાઝોડાને લીધે 50 લોકોનાં મોતની આશંકા
અમેરિકાના કેન્ટુકી રાજ્યમાં આવેલા ભયાનક વાવાઝોડાને પગલે અત્યાર સુધીમાં 50થી વધુ લોકોનાં મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
લાઇવ કવરેજ
અમેરિકાના કેન્ટકીમાં વાવાઝોડાને લીધે 50 લોકોનાં મોતની આશંકા
અમેરિકાના કેન્ટકી રાજ્યમાં આવેલા ભયાનક વાવાઝોડાને પગલે અત્યાર સુધીમાં 50થી વધુ લોકોનાં મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજ્યના ગવર્નર એન્ડી બેશિયરે આ વાવાઝોડાને કેન્ટકીના ઇતિહાસનું સૌથી ખરાબ વાવાઝોડું ગણાવ્યું હતું.
તેમણે કહ્યું છે કે મૃત્યુઆંક 100 સુધી પહોંચી શકે છે.
અમેરિકાના ઘણા પ્રદેશોમાં સતત વાવાઝોડું ફૂંકાઈ રહ્યુ છે, જેના કારણે ઘણા કર્મચારીઓ એમેઝોનના વેરહાઉસમાં ફસાયેલા છે.
ન્યૂયૉર્ક ટાઇમ્સ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે વાવાઝોડું ત્રાટક્યું ત્યારે લગભગ 100 લોકો મેફિલ્ડની મીણબત્તી બનાવતી ફેક્ટરીમાં હતા.
બેશિયરે કહ્યું છે કે "મને લાગે છે કે આપણે એ ફેક્ટરીમાંથી ઓછામાં ઓછા 12 ગુમાવીશું."
વહીવટી અધિકારીઓએ જણાવ્યું છે કે શુક્રવારની રાત્રે આવેલા વાવાઝોડાએ દક્ષિણ ઇલિનૉઇસમાં એમેઝોન વેરહાઉસને તબાહ કરી નાખ્યું હતું.
છત ધરાશાયી થવાથી કેટલા લોકો ઘાયલ થયા તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ સ્થાનિક ઇમરજન્સી સેવા સંસ્થાએ ફેસબુક પર જણાવ્યું છે કે તેનાથી ભારે નુકસાન થયું છે.
અસરગ્રસ્ત વિસ્તારમાં રહેતી સારાહ બિયેરમેને કહ્યું છે કે તેમના સાથીની હજુ કોઈ ભાળ મળી નથી.
ન્યૂઝ એજન્સી રૉયટર્સ સાથે વાત કરતા તેમણે કહ્યું, “મેં તેની સાથે આજે રાત્રે લગભગ 8 વાગ્યે વાત કરી હતી. તે પહેલાં મેં તેને મેસેજ કર્યો હતો. અને તે પોતાની વાન મૂકવા માટે વેરહાઉસ જઈ રહ્યા હતા. તે પછીથી મારી તેમની સાથે વાત નથી થઈ શકી."
માનવીય સંકટનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનને 28 કરોડ ડૉલરની સહાય મળશે
વિશ્વ બેંકનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય દાતાઓ ફ્રીઝ કરવામાં આવેલા ભંડોળમાંથી અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય અને આરોગ્ય સેવાઓ માટે 28 કરોડ ડૉલર આપવા સંમત થયા છે.
ઑગસ્ટમાં તાલિબાને ફરી સત્તા સંભાળ્યા બાદ અફઘાનિસ્તાનને નાણાકીય સહાય અટકાવવામાં આવી ત્યારથી દેશ ઊંડા માનવીય અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે.
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (ડબલ્યુએફપી)એ ચેતવણી આપી છે કે અફઘાનિસ્તાનની અડધાથી વધુ વસ્તી પર ભૂખમરાનું જોખમ તોળાઈ રહ્યુ છે. 30 લાખ બાળકો કુપોષણનો શિકાર છે.
દેશમાં ભયંકર દુષ્કાળના કારણે ઘઉંનો પાક બરબાદ થઈ ગયો છે, જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને છે અને આ બધાની વચ્ચે તાલિબાન સત્તા પર આવ્યા બાદ પશ્ચિમી દેશો તરફથી આર્થિક મદદ પાછી ખેંચવાને કારણે દેશમાં આર્થિક કટોકટી વધુને વધુ ઘેરી બની રહી છે.
ગુજરાતમાં કોરોનાના ત્રીજા ભાગના સક્રિય કેસ અમદાવાદમાં, મહિનાઓ બાદ કોરોનાથી ત્રણ મૃત્યુ
કૉંગ્રેસના જગદીશ ઠાકોર સામે ભાજપના સી.આર. પાટીલ, કોને થશે લાભ?
ખ્યાતનામ ફૂટબૉલર મૅરેડોનાનું ઘડિયાળ ચોરનાર આસામથી ઝડપાયો
દુબઈ પોલીસે આસામ પોલીસ સાથે સંકલન સાધીને ખ્યાતનામ ફૂટબૉલર ડિઍગો મૅરેડોનાની હૅરિટેજ હ્યુબોલ્ટની ઘડિયાળ ચોરી કરનારા વાજિદ હુસેનની ધરપકડ કરી છે અને ઘડિયાળ જપ્ત કર્યું છે.
આ જાણકારી આસામના મુખ્ય મંત્રીએ ટ્વીટ કરીને આપી હતી.
આર્જેન્ટિનાના ફૂટબૉલર ડિઍગો મૅરેડોનાનું નિધન ગત વર્ષે નવેમ્બરમાં થયું હતું, 1986માં આર્જેન્ટિનાને વર્લ્ડકપ અપાવનારા મૅરેડોના વિશ્વના મહાન ફૂટબૉલરોમાંના એક છે.
જનરલ બિપિન રાવતને યાદ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી શું બોલ્યા?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના બલરામપુરમાં બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે તેમનું નિધન એ 'દરેક રાષ્ટ્રભક્ત માટે મોટી ખોટ છે.'
વડા પ્રધાન મોદીએ કહ્યું, "રાષ્ટ્રનિર્માતાઓ અને રાષ્ટ્રરક્ષકોની આ ધરતીથી હું આજે દેશના એ તમામ વીર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છું, જેમનાં આઠ ડિસેમ્બરે હેલિકૉપ્ટરની દુર્ઘટનામાં મૃત્યુ થયાં હતાં."
"ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતની વિદાય દરેક ભારતપ્રેમી માટે અને દરેક રાષ્ટ્રપ્રેમી માટે મોટી ખોટ છે."
"જનરલ બિપિન રાવતજીએ દેશને આત્મનિર્ભર બનાવવા માટે જે મહેનત કરી, તેનો આખો દેશ સાક્ષી રહ્યો છે."
બ્રેકિંગ, દિલ્હીમાં નોંધાયો ઓમિક્રૉન વૅરિયન્ટનો બીજો કેસ
રાજધાની દિલ્હીમાં શનિવારે ઓમિક્રૉન વૅરિયન્ટનો વધુ એક કેસ નોંધાયો છે. આ સાથે દિલ્હીમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કુલ કેસની સંખ્યા બે થઈ ગઈ છે.
સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિ તાજેતરમાં ઝિમ્બાબ્વેથી પાછી આવી હતી અને તેઓ તાજેતરમાં દક્ષિણ આફ્રિકા પણ ગયા હતા.
એ રાજનેતા જેમના બાયોડેટામાં વડા પ્રધાનપદ સિવાય કંઈ ખૂટતું નથી
હિંદુઓનાં મંદિરો અપમાનિત હતાં, 2014 બાદ માન મળ્યું : અમિત શાહ
ઉમિયાધામના શિલાન્યાસ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યું હતું.
જેમાં તેમણે કહ્યું કે, “ભારતમાં વર્ષોથી હિંદુઓનાં મંદિરો અપમાનિત હતાં, 2014માં મોદી સરકાર આવી એ બાદ આ મંદિરોને ફરી માન મળ્યું છે.”
તેમણે કહ્યું કે, ”ઉત્તરાખંડમાં આવેલી હોનારત બાદ હમણાં જ વડા પ્રધાન મોદીએ ફરી સમગ્ર કેદારધામના પુનર્વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું અને થોડા દિવસોમાં જ કાશી વિશ્વનાથ મંદિરનું નવું નજરાણું આપ સૌ સમક્ષ મુકાશે.”
ઉમિયાધામને લઈને તેમણે કહ્યું કે, ”આપણા દેશમાં મંદિરો માત્ર ધર્મનાં કેન્દ્રો જ નહીં, પરંતુ સમાજસેવા અને ઊર્જાનાં કેન્દ્રો પણ રહ્યાં છે. આ પાટીદારોનું ઊર્જાકેન્દ્ર બનીને રહેશે.”
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ઉમિયાધામનો કર્યો શિલાન્યાસ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. તેમણે અમદાવાદના સોલામાં તૈયાર થનાર ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.
ત્રણ દિવસ સુધી યોજાનાર ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવના બીજા દિવસે એટલે કે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, આ કાર્યક્રમ બાદ અમિત શાહ સાંજે સોલા વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજ તેમજ વૉટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનનું લોકાર્પણ કરશે.
આ ઉપરાંત અમદાવાદ અર્બન ડેવલપમૅન્ટ ઑથોરિટી માટે અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરશે.
પાકિસ્તાની રૂપિયો તળિયે : 178 રૂપિયા પ્રતિ એક અમેરિકન ડૉલર
વધી રહેલી મોંઘવારી અને ખાલી થઈ રહેલાં વિદેશી હૂંડિયામણના કારણે પાકિસ્તાની રૂપિયો ડૉલરની સરખામણીએ રેકૉર્ડ સ્તરે તૂટ્યો છે. શુક્રવારે 0.06 ટકા ઘટીને 177.71 પ્રતિ ડૉલર થઈ ગયો હતો.
ટૉપલાઇન સિક્યોરિટીઝના એક સર્વે પ્રમાણે, આર્થિક બજારમાં 43 ટકા લોકોનું માનવું છે કે વર્ષ 2022ના અંત સુધીમાં પાકિસ્તાની રૂપિયો અમેરિકન ડૉલરની તુલનામાં 180-185 સુધી પહોંચી જશે.
પાકિસ્તાની રૂપિયો છેલ્લા સાત મહિનાથી નબળો પડી રહ્યો છે અને આ વર્ષે 14 મેના રોજ 22 મહિનાની સૌથી નીચલી સપાટીએ પહોંચી ગયો હતો.
ત્યાર બાદથી અત્યાર સુધીમાં તેમાં 16.7 ટકા એટલે કે 25.44 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.
ગુજરાતમાં જેના ત્રણ કેસ છે, એ ઓમિક્રૉન વૅરિયન્ટથી આફ્રિકા અને અમેરિકામાં કેવી સ્થિતિ થઈ?
આસારામ કેસની સુનાવણી 4 મહિનામાં પૂરી કરવા ગુજરાત હાઈકોર્ટની સૂચના
ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે દુષ્કર્મના કેસમાં આસારામના જામીન ફગાવ્યા છે અને ટ્રાયલકોર્ટને સુનાવણી 4 મહિનાની અંદર પૂર્ણ કરવા સૂચના આપી છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, વર્ષ 2013માં આશ્રમમાં રહેતી એક શિષ્યા દ્વારા દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જે બાદ આસારામની ધરપકડ કરવામાં આવી હતી.
વકીલ દ્વારા આસારામની વધતી ઉંમર અને સ્વાસ્થ્યનું કારણ ધરીને ગુજરાત હાઈકોર્ટમાં જામીનઅરજી કરવામાં આવી હતી.
જેના વિરોધમાં સરકાર તરફથી વકીલે અદાલતમાં દલીલ કરી હતી કે આ કેસ સાથે સંકળેલા ત્રણ સાક્ષીઓના મોત થઈ ચૂક્યાં છે અને એક સાક્ષી હજુ પણ ગુમ છે. જો જામીન આપવામાં આવે તો પુરાવાઓ તેમજ સાક્ષીઓ સાથે છેડછાડ થવાનો ભય રહેલો છે.
દિલ્હીની સિંઘુ સરહદેથી જઈ રહેલા આંદોલનકારી ખેડૂતો શું કહી રહ્યા છે?
મોદી સરકારના પ્રસ્તાવ સાથે સહમતિ સધાઈ, એ બાદ દિલ્હીની સરહદે એક વર્ષથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સ્થગિત કરી દેવામાં આવ્યું છે.
આજે શનિવારથી ખેડૂતો સિંઘુ સરહદથી પરત જઈ રહ્યા છે, ત્યારે ત્યાં કેવો છે માહોલ?
જુઓ બીબીસી સંવાદદાતા રાઘવેન્દ્ર રાવનું લાઇવ.
જાહેરમાં નમાજને જરાય સાંખી નહીં લઈએ - હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટર
હરિયાણાના ગુરુગ્રામમાં જાહેરમાં નમાજ પઢવા અંગે હિંદુવાદી સંગઠનોના વિરોધ વચ્ચે હરિયામાના મુખ્ય મંત્રીએ નિવેદન આપ્યું છે કે જાહેરમાં 'નમાજ પઢવાને જરાય સાંખી નહીં લેવાય.'
શુક્રવારે હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે, ”જાહેરમાં નમાજ પઢવાને સાંખી નહીં લઈએ અને આના નિરાકરણ માટે નવી રીતે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.”
તેમણે જણાવ્યું કે, “ગુરુગ્રામમાં જે પણ સ્થળોએ જાહેરમાં નમાજ પઢવાની મંજૂરી આપવામાં આવી હતી, તેને પાછી ખેંચી લેવામાં આવી છે.”
વર્ષ 2018માં હિંદુ અને મુસ્લિમ સમુદાયોમાં જાહેરમાં નમાજ પઢવાને લઈને સર્જાયેલા વિવાદ વચ્ચે 37 સ્થળો પર નમાજ પઢવાની મંજૂરી આપવામાં આવી હતી.
છેલ્લા બે મહિનાથી દર શુક્રવારે હિંદુવાદી સંગઠનો ત્યાં વિરોધપ્રદર્શન કરી રહ્યાં છે.
બ્રેકિંગ, ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ઓમિક્રૉનના વધુ સાત કેસ, દેશમાં કુલ 32 કેસ
શુક્રવારના રોજ મહારાષ્ટ્રમાં ઓમિક્રૉન વૅરિયન્ટના વધુ સાત કેસો નોંધાયા છે, જેની સાથે દેશમાં આ વૅરિયન્ટના કુલ કેસોની સંખ્યા 32 થઈ ગઈ છે.
સમાચાર એજન્સી એએનઆઈએ માહિતી આપી હતી કે, નોંધાયેલા નવા 7 કેસો પૈકી 3 મુંબઈના છે અને 4 પીંપરી ચિંચવાડના રહેવાસી છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અહીં કેસ નોંધાઈ ચૂક્યા છે.
આ સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કુલ કેસોની સંખ્યા 17 થઈ ગઈ છે.
હાલમાં દેશમાં ઓમિક્રૉન વૅરિયન્ટનાં કુલ કેસોની સંખ્યા 32 છે.
જે પૈકી સૌથી વધુ 17 કેસ મહારાષ્ટ્રમાં છે, જ્યારબાદ નવ કેસ રાજસ્થાનમાં છે, 3 કેસ ગુજરાતમાં છે, 2 કેસ કર્ણાટકમાં અને 1 કેસ દિલ્હીમાં નોંધાયો છે.
સુપ્રભાત, નમસ્કાર
બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
ગુજરાત, દેશ તથા દુનિયાના સમાચારો માટે જોડાયેલા રહો.
આ પહેલાંની અપડેટ્સ વાંચવા માટે અહીં ક્લિક કરો.